પ્રસ્તુત રચના ગરબાના ઢાળમા સ્વરબદ્ધ કરવાની શરુઆત કરી હતી અને અનાયાસ જે સ્વરાંકન થયું તે મરાઠી ભાવગીત જેવું બન્યું, તેથી ભાવગીતની અસર ઊભી કરવા શહેરના જાણીતા સંગીતજ્ઞ અને મિત્ર શ્રી ઉદય દડપેના કંઠમા રેકોર્ડ કર્યું. શ્રી માતાજીનો ગરબો – એક અલગ અંદાજમાં પ્રસ્તુત છે.
– વિહાર મજમુદાર
સ્વર: શ્રી ઉદય દડપે
શબ્દ અને સ્વર રચના : વિહાર મજમુદાર
કંકુવર્ણુ આભ ખુલ્યું ને
ઝગમગ પગલીના ઝાંઝરથી
ઠમકી, ધીમુ અવનિ ઉપર ઉતરી જગદમ્બા
સહસ્ત્ર નજરો જ્યાં પથરાઇ, એ ઝળહળતી કેડી
સૂર્યમુખીએ પાંદડીઓને આમ જ રમતી મેલી
કંકુવર્ણા નભથી નીસરી,તેજભર્યા કિરણો પ્રસરાવી
સૂર્ય નીરખતો, અવનિ ઉપર નીસરી જગદમ્બા
ઉમંગ ને ઉલ્લાસના આસોપાલવ ઝૂમે દ્વારે
શ્રદ્ધાના ટમટમતા દીવા કેડીને અજવાળે
કંકુવર્ણી પગલી પાડી, ચૌદ ભુવનની અંબા માડી
મલકી આછું, અવનિ ઉપર ઉતરી જગદમ્બા
– વિહાર મજમુદાર