Category Archives: રઘુનાથ બ્રહ્મભટ્ટ

રસિલાં પ્રેમીના હૈયાં – રઘુનાથ બ્રહ્મભટ્ટ

સ્વર : શુભા જોશી

રસિલાં પ્રેમીના હૈયાં

રસિલાં પ્રેમીના હૈયાં પ્રીતમમાં રાત દિન રમતાં
સલુણાં શામના સપનાં નજરથી ના ઘડી ખસતાં
રસિલાં પ્રેમીના હૈયાં…

પ્રીતમ જો હોય પાસે તો બધુંય વિશ્વ પાસે છે
વસે જો નજરથી દૂર એ જગત આ શૂન્ય ભાસે છે
રસિલાં પ્રેમીના હૈયાં…

પ્રીતમ ઘેલા પ્રિયાના છે પ્રિયા ઘેલી પ્રીતમની છે
પ્રીતમનું જગ પ્રિયામાં છે પ્રિયાનું જગ પ્રીતમમાં છે
રસિલાં પ્રેમીના હૈયાં…

અધુરાં એ સવાલોના જવાબો પ્રેમીઓ ખોળે
અજબ એ પ્રશ્નના ઉત્તર એ પ્રશ્નોમાં સમાયા છે
રસિલાં પ્રેમીના હૈયાં…

– રઘુનાથ બ્રહ્મભટ્ટ

મને આપો આંખ મુરારી – રઘુનાથ બ્રહ્મભટ્ટ

સ્વર / સંગીત – આશિત દેસાઇ

મને આપો આંખ મુરારી
પ્રભુ એક જ આશા મારી

રંગભરેલી રચના તારી
મારે કાળી કાળી
મને આપો આંખ…

જીવન કલ્પના જગત કલ્પના
કાળી આભ અટારી
કાજળ છાયા ડગલે ડગલે
જિંદગી જ્યાં અંધારી
મને આપો આંખ…

પ્રભાત કાળા સંધ્યા કાળી
કાળી સૃષ્ટિ સારી
હર અંધારે રોજ ભટકતો
દુનિયા લાગે ખારી
મને આપો આંખ…

– રઘુનાથ બ્રહ્મભટ્ટ

સાહ્યબો મારો ગુલાબનો છોડ – રઘુનાથ બ્રહ્મભટ્ટ

‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે…. ‘ ગીતના મૂળ રચયિતા, અને ગુજરાતી રંગભૂમિના ગીતો દ્વારા ગુજરાતી પ્રજાને પોતાના શબ્દોનું ઘેલું લગાડનાર ‘રસકવિ’ રઘુનાથ બહ્મભટ્ટનો આજે જન્મદિવસ… આપણા સર્વે તરફથી એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.

‘સાહ્યબો મારો ગુલાબનો છોડ’ આ જ પ્રથમ પંક્તિ તરીકે વાપરીને બીજા પણ કેટલાક ગીતો લખાયા છે…

સાહ્યબો… મારો ગુલાબનો છોડ… – કૈલાસ પંડિત (સંગીતબધ્ધ)
સાહ્યબો મારો ગુલાબનો છોડ – પન્ના નાયક (સંગીતબધ્ધ)

કવિ વિશે વધુ રસપ્રદ વાતો ભવિષ્યમાં કોઇકવાર ફરી માંડીશું. આજે એમના વિષે – અન્ય કવિઓના શબ્દોમાં….

********

એક રઘુનાથ આવ્યા ને એમણે ગાયું : ‘નાગરવેલીઓ રોપાવ તારા રાજ મહેલોમાં’ ને હજારો ગુર્જર નારીઓએ એને ઝીલી લીધું.
– મહાકવિ નાનાલાલ

********

રસકવિ રઘુનાથભાઇનો સ્નેહ મારી જેમ ઘણા માણસો પામ્યા હશે. એમની આંખમાં અમી ઊભરાતું હોય. ગુજરાતી ભાવગીતોને સમૃધ્ધ આપણી એ કલાકારે.
– ઉમાશંકર જોષી

********

કવિના શરૂઆતના ત્રણ નાટકો, ત્રણેય સફળતા પામ્યાં. આ ખ્યાતિ કોઇપણ ઊગતા લેખકને અભિમાન આપે એવી છે. સદભાગ્યે કવિને અભિમાન તો ન આવ્યું, પણ નાટકો કવિતાપ્રધાન હતાં એટલે જીવનને કવિતાપ્રધાન કરી મુક્યું.
– પ્રભુલાલ દયારામ દ્વિવેદી

********

રસકવિ રઘુનાથનું અર્પણ ગુજરાતી રંગભૂમિનું કાયમનું સંભારણું છે. કવિ ! તમે રંગભૂમિને અતોનાત પ્રેમ કર્યો છે. તમારો આ પ્રેમ અમારી પેઢીને વારસામાં મળ્યો.
– હરીન્દ્ર દવે.

********

કવિ રઘુનાથને ‘રસકવિ’નું બિરૂદ મળ્યું છે. આ નાટ્યલેખકે એકે નાટક ના લ્ખ્યું હોત અને ફક્ત ગીતો લખ્યાં હોત તો એમાંથી એવડો કાવ્યસંગ્રહ જરૂર થાત કે જેથી એ પોતાનું સ્થાન આપમેળે કોઇપણ પ્રતિષ્ઠિત કવિસંમેલનમાં પ્રાપ્ત કરી શકત.
– ચંદ્રવદન ચી. મહેતા

********

અને હા… જુલાઇ ૧૧, ૨૦૦૬ ના દિવસે ટહુકો પર ફક્ત શબ્દો સાથે મુકેલું આ ગીત… આજે આશિત-હેમા દેસાઇના યુગલસ્વરમાં ફરી એકવાર…

.

સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની,
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.

આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી,
કેસરને ક્યારડે કસ્તુરી આ ભળી.

રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ :
ઓઢણી ઓઢી ઉમંગની.

– રઘુનાથ બ્રહ્મભટ્ટ
( જન્મ : ડિસેમ્બર 13, 1892 ; અવસાન : જુલાઇ 11, 1983 )