Category Archives: ગીત

ગ્લૉબલ કવિતા : ૨૦૧ : શબવાહિની ગંગા – પારુલ ખખ્ખર

એક અવાજે મડદા બોલ્યાં ‘સબ કુછ ચંગા-ચંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

– પારુલ ખખ્ખર



ગુજરાતી ભાષાની પ્રથમ વાઇરલ કવિતા – આસ્વાદ: વિવેક મનહર ટેલર

દુનિયામાં ભાગ્યે જ કોઈ એવી સભ્યતા હશે, જેને આકાર આપવામાં સાહિત્ય-કળાએ સિંહફાળો ન આપ્યો હોય. આપણી સંસ્કૃતિ ઉપર રામાયણ અને મહાભારતની સર્વગામી સર્વકાલીન સર્વાયામી અસર કોણ નકારી શકે? એમા લેઝારસે લેડી લિબર્ટીના પૂતળા વિશે ‘ન્યૂ કૉલોસસ’ નામે એક સૉનેટ લખ્યું. ફ્રાન્સે અમેરિકાની આઝાદી નિમિત્તે અને અમેરિકા-ફાન્સ વચ્ચે દોસ્તીનું ગઠબંધન મજબૂત કરવાના ઈરાદાથી અમેરિકાને સ્ટેટ્યૂ ઑફ લિબર્ટી ભેટ આપ્યું હતું, પણ આ સૉનેટે આ પૂતળાંને ‘નિર્વાસિતોની મા’ (Mother of Exiles) કહીને સંબોધ્યું અને આઝાદીનું કે બે દેશ વચ્ચેની મૈત્રીનું પ્રતીક બની રહેવાના બદલે આ પૂતળું જાણે આંગણે આવેલ તમામને આવકારો આપતી માનું ચિહ્ન બની ગયું. પ્રતિમાનો અર્થ અને હેતુ જ સમૂળગાં બદલાઈ ગયાં. ચૌદ જ પંક્તિની કવિતા! કેવો ચમત્કાર!

સાહિત્ય-કળા આવા ચમત્કારો કરવા માટે સાચા અર્થમાં સક્ષમ છે. નેલ્સન મંડેલા બે દાયકાથીય વધુ સમય કાળકોટડીમાં કેદ હતા ત્યારે હેન્લીની ‘ઇન્વિક્ટસ’ કવિતાએ એમની હિંમત અને આશાને ટકાવી રાખવામાં સિંહફાળો ભજવ્યો હતો. ‘અન ટુ ધ લાસ્ટ’ના ગાંધીજીના જીવન પરના પ્રભાવથી ભાગ્યે જ કોઈ ભારતીય અજાણ હશે. ઇન્ટરનેટ, ટીવી ચેનલો અને ફેસબુક (૨૦૦૪) તથા વૉટ્સએપ (૨૦૦૯) જેવા સોશ્યલ મીડિયાના કારણે દુનિયામાં છેલ્લા દોઢેક દાયકામાં જેટલા પરિવર્તન આવ્યાં છે એટલા ગઈ આખી સદીમાં આવ્યાં નહીં હોય. એક અવાજને વિશ્વભરમાં પડઘાતા આજે વાર નથી લાગતી. કોઈ પણ માણસ રાતોરાત વાઇરલ, ‘ગ્લૉબલ સેન્સેશન’ બની શકે છે. ગુજરાતી સાહિત્યના ભાગે આવું સદનસીબ જો કે ભાગ્યે જ આવ્યું છે, પણ તાજેતરમાં એક કવયિત્રીએ કોરોના મહામારી દરમિયાન સરકારની નિષ્ફળતાને ખુલ્લા ચાબખા મારતી કવિતા લખી અને વાઇરલ થઈ ગઈ. કહેવાય છે કે આ કવિતા, એના વિશેની ચર્ચાઓ, પ્રતિચર્ચાઓ – આ બધા પર મળીને ૨૮૦૦૦થી વધુ કમેન્ટ્સ થઈ. ગુજરાતી સાહિત્ય ઇતિહાસમાં ઘટેલી આ શકવર્તી न भूतो, न भविष्यति ઘટનાની નોંધ કદાચ અકાદમી કે પરિષદ ન પણ લે, પણ લોકઅકાદમી અને લોકપરિષદે તો એને ફૂલો અને પથ્થરોના મહાસાગરથી નવાજી દીધી.

અમરેલીના કવયિત્રી પારુલ ખખ્ખરે રચનાને કોઈ શીર્ષક આપ્યું નથી, પણ ગુજરાતી કવિતાની સહુથી મોટી વેબસાઇટ લયસ્તરો.કોમ પર એને અપાયેલા ‘શબવાહિની ગંગા’ શીર્ષકથી એ પ્રસિદ્ધ થઈ છે. સાહિત્યસ્વરૂપની રીતે આ ગીતને મરશિયો (elegy) કે રાજિયો કહી શકાય. મરશિયો કે મરસિયો શબ્દ અરબી સંજ્ઞા मरसी યાને કે વિલાપ કરવો પરથી मर्सियः અને એ પરથી मर्सिया થઈને આપણી ભાષામાં આવ્યો. હુસૈન ઇબ્ન અલી અને સાથીદારોની કરબલાની શહીદીને યાદ કરીને મહોરમમાં રડતાં-કૂટતાં જે શોક-વિલાપના ગીતો ગવાતા એ મરસિયા કહેવાતા. સમય સાથે એના સ્વરૂપ અને હેતુ સર્વવ્યાપી થયા. મરસિયા ગાવા ‘રૂદાલી’ જેવી વ્યાવસાયિક સ્ત્રીઓનો ઉપયોગ પણ કરવામાં આવે છે. વાતાવરણમાં મૃત્યુનો કરંટ રેલાવતા અને શોકપ્રસંગે છાતી કૂટતાં-કૂટતાં મોટા અવાજે રડીને ગવાતાં આ શોકગીતો કદાચિત્ દુઃખનું વિરેચન (catharsis) કરવામાં નિમિત્ત બને છે. પ્રસ્તુત ગીતમાં મુખબંધ અને ત્રણ અંતરા સાથે ચૌદ પંક્તિની કાઠી અને ચોટના કારણે કોઈને ઊલટા લખાયેલ (યુગ્મક અને ત્રણ ચતુષ્ક) સૉનેટનો ભાસ થાય તો ખોટું નથી. મરશિયામાં સામાન્ય રીતે ‘હાય-હાય’ કે ‘અરેરે’ જેવો કોઈક ઉદગાર હૂકનું કામ બજાવે છે, જેના ઉપર ટીંગાઈને ગીત ગતિ કરે છે. પ્રસ્તુત રચનામાં કવયિત્રીએ ‘રાજ’ શબ્દને હૂક તરીકે વાપર્યો છે. કવયિત્રી રામરાજ્યથી માંડણી કરે છે, એ જોતાં વિચાર આવે કે ‘રાજ’ના સ્થાને ‘રામ’ સંજ્ઞા પણ વાપરી શકાઈ હોત. પણ એમ કરવા જતાં કવયિત્રી પર પડી છે એના કરતાં કદાચ અનેકગણી મોટી પસ્તાળ પડવાની સંભાવના નકારી ન શકાય. ચૌદમાંથી દસ પંક્તિઓનો ઊઠાવ ‘રાજ’ સંબોધનથી થાય છે. કવયિત્રીએ a-a /b-b-a-a/ c-c-a-a/ d-d-a-a પ્રકારે ચુસ્ત પ્રાસવ્યવસ્થાનું પાલન કર્યું છે. પ્રાસ અને અષ્ટકલમાં લયની ચુસ્ત જાળવણીના કારણે ગીતની પ્રવાહી ગેયતા ક્યાંય સુધી આપણી અંદર તરંગાયે રાખે છે.

ગીતનું મુખબંધ એવું પ્રભાવક થયું છે, કે ભાવકને આખી રચના માણવાની ફરજ પડે જ પડે. કટ્ટર વિરોધાભાસથી ગીત પ્રારંભાય છે. એકી અવાજે મડદાંઓ –જીવતાં માણસો નહીં- આપણને બધું જ સાજુંસમું હોવાનું કહે છે. ગુજરાતી ગીતમાં ‘સબ કુછ ચંગા-ચંગા’ જેવો વિભાષી પ્રયોગ વિરોધાભાસને વધુ તીવ્ર બનાવે છે. બીજી પંક્તિમાં એ બળવત્તર બને છે. એક તરફ કવયિત્રી રાજાના રાજ્યને રામરાજ્ય કહીને સંબોધે છે તો બીજી બાજુ પુણ્યસલિલા ગંગાને શબવાહિની વિશેષણ આપે છે. બે જ પંક્તિમાં કોરોનાની મહામારી નજર સમક્ષ કેવી તાદૃશ થઈ ઊઠી!

૨૦૧૯ના અંતભાગે ચીનના વુહાન શહેરમાંથી નીકળી નોવેલ કોરોના વાઇરસ [SARS-CoV-2]એ દુનિયાના તમામ દેશોમાં અજગર ભરડો લીધો. કરોડો નાગરિકો સંક્રમિત થયા. લાખોએ જાન ગુમાવ્યો. લૉકડાઉનના કારણે સમગ્ર વિશ્વમાં ઘેરી આર્થિક કટોકટી સર્જાઈ. પહેલી લહેર વખતે ન તો સારવાર નિશ્ચિત હતી, ન તો રસી ઉપલબ્ધ હતી. આખી દુનિયા ઊંઘતી ઝડપાઈ હતી. સ્પેનિશ ફ્લૂના સોએક વરસ બાદ પહેલવહેલીવાર આવી મહામુસીબત આપણે જોઈ. સદનસીબે ૨૦૨૦ના અંતભાગે પહેલી લહેરનો અંત અનુભવાયો. પણ બીજી લહેરની અધિકૃત આગાહીઓને અવગણીને સરકાર પહેલી લહેરને નાથવામાં મળેલી આકસ્મિક સફળતાની વાહવાહીને બટોરવામાં મશગુલ રહી. હંગામી હૉસ્પિટલો બંધ કરી દેવાઈ. ઓક્સિજનની, દવાની, વેન્ટિલેટર્સની અને ખાટલાઓની અછત ઊભી ન થાય એ માટે આગોતરા પગલાંઓ ભરવાના બદલે સરકાર ચૂંટણીસભાઓમાં ગુલ થઈ ગઈ. આખા વર્ષ દરમિયાન ગામડાંઓમાં કોઈ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભાં કરાયાં નહીં.

પહેલી મહામારી વખતે દેશના વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધન કર્યાં. આખા દેશે એક કાને એમને સાંભળ્યા. પણ વડાપ્રધાને પહેલાં આખા દેશને તાળી-થાળી વગાડવાનો અને પછી દીવા સળગાવવાના તિકડમ આપ્યા. દેશની એકતા સિદ્ધ કરવા અને કોરોના વૉરિયર્સને માન-સન્માન આપવા માટેના આ ગતકડાંઓમાં આખો દેશ જોતરાયો. રાષ્ટ્રજોગ સંબોધનોમાં સૉશ્યલ ડિસટન્સિંગ, માસ્ક તથા સેનિટાર્ઝર્સનો વપરાશ ગૌણ વિષય બની રહ્યો. મહામારી ઉજાણીમાં ફેરવાઈ ગઈ.

પહેલી લહેર નબળી પડી કે તરત બીજી લહેર માટે આરોગ્યતંત્ર અને સાધનસુવિધાઓનો પ્રબંધ કરવાના બદલે ખુરશીની હુંસાતુંસીમાં આખો દેશ એમ જોડાયો, જાણે કોરોના કોઈ પરગ્રહની બિમારી ન હોય! થાળી-તાળી અને દીવા જેવી બાબતમાં નેતાનું આંધળું અનુકરણ કરતી પ્રજા ચૂંટણી-સરઘસો જોઈને શું શીખે? સૉશ્યલ ડિસ્ટન્સિંગ વિસારે પડી ગયું અને બીજી લહેર ત્સુનામીની જેમ દેશને ધમરોળી ગઈ. બીજી લહેરની શરૂઆતમાં મોટાભાગની રાજ્યસરકારોએ ક્યાંય સુધી આંખમીંચામણાં કરી, ઘોડા તબેલામાંથી નાસી છૂટ્યા ત્યારે તાળાં મારવાની શરૂઆત કરી. પણ વૈશ્વિક વાહવાહી લૂંટવાની લ્હાયમાં મસમોટો જથ્થો પાડોશી દેશોને દાન કરી દેવાયો અને દેશના નાગરિકો માટે ઘરના છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો જેવો ઘાટ થયો. બિમારી અને મૃત્યુના આંકડા અમાનવીય રીતે છૂપાવવાની ગંદી રાજરમત ચાલી. એટલા બધા લોકો સાગમટે મૃત્યુ પામ્યાં કે સ્મશાન ઓછાં પડ્યાં, સ્મશાનોમાં લાકડાં ખૂટી ગયાં. ચારે તરફ મૃત્યુનો કાળો ઓછાયો ફરી વળ્યો હોય, ઘરે ઘરે જઈને યમરાજ અને એની ટોળકી મોતનો કઢંગો નાચ કરતી હોય એવામાં મરનારની પાછળ રડનારાં પણ ઓછાં જ પડે ને! મૃતકને સ્મશાને લઈ જવા માટે ડાઘુઓ પણ ક્યાંથી લાવવા?

ચોવીસે કલાક ચિતાઓ નિરંતર સળગતી રાખવી પડવાના કારણે સ્મશાનોમાં ચિમનીઓ અને ગેસની સગડીઓની ટ્રે સુદ્ધાં પીગળી ગઈ. વહીવટી તંત્રની બિનજવાબદારી અને અગમચેતીના અભાવના કારણે આરામ કરવાનું સુખ કોરોનાકાળમાં ધગધગ ધૂણતી ચિમનીઓને ક્યાંથી નસીબ થાય? અસંખ્ય ઘર આખાને આખા ખલાસ થઈ ગયા. આખાને આખા કુટુંબોનું અસ્તિત્વ જ મટી ગયું. તૂટતી બંગડીઓના ચિત્કાર અને કૂટાતી છાતીઓના આક્રંદથી રાજતંત્ર જાણે સાવ બેખબર ન હોય એમ એક તરફ કોરોનાની બીજી લહેર એક રાજ્યમાંથી બીજા રાજ્ય તરફ દરિયાના મોજાંઓની જેમ દોડી રહી હતી, અને બીજી તરફ તમામ પક્ષના નેતાઓ આંખે પાટા બાંધીને ચૂંટણીપ્રચારમાં મશગૂલ થઈ ગયા. કહે છે કે ઈસવીસન ૬૪માં રોમ ભડકે બળતું હતું ત્યારે સરમુખત્યાર શાસક ફીડલ વગાડતો હતો. નીરોની અડોઅડ બિલ્લા-રંગા નામના જઘન્ય અપરાધીઓને ગોઠવીને કવયિત્રીએ ઇતિહાસના બે અંતિમ છેડાના પૃષ્ઠોને સ-રસ રીતે ‘બાઇન્ડ’ કર્યાં છે. ‘વાહ રે’નો કટાક્ષ કવિતા વધુ પ્રાણવંતી બનાવે છે. ૧૯૭૮માં દિલ્હીમાં કુલજિતસિંહ ઉર્ફે રંગા અને જસબીરસિંહ ઉર્ફે બિલ્લાએ ગીતા અને સંજય ચોપરા નામના સોળ અને ચૌદ વર્ષના બાળકોનું ખંડણી મેળવવા અપહરણ કર્યું. પણ પિતા નૌસેનામાં હોવાની ખબર પડતાં ગીતા પર તથાકથિત બળાત્કાર ગુજારી, બંનેની કરપીણ હત્યા કરી. રંગા-બિલ્લાને ૧૯૮૨માં ફાંસી અપાઈ.

શાસકપક્ષના બે મુખ્ય નેતાઓ માટે રંગા-બિલ્લા વિશેષણ વાપરવા સામે સોશ્યલ મિડીયામાં પ્રચંડ હોબાળો થયો. કવિતા કવયિત્રીની ફેસબુક વૉલ પર પોસ્ટ થતાંની સાથે વાઇરલ થઈ ગઈ. કવિને ભાષાસૌજન્ય શીખવવા નીકળેલા લોકો પોતાનો ભાષાવિવેક જ ભૂલી બેઠા. કવિતાએ એવી આગ લગાડી, જેની નોંધ અખબારો અને ટીવી ચેનલોએ પણ લેવી પડી. અસહિષ્ણુતાના ગાડરિયા પ્રવાહમાં તણાઈ રહેલા ઘેટાંઓ ભૂલી ગયા કે કવિ તો ભગવાનને પણ ચોપડાવી શકે છે, તો દેશના વડાપ્રધાન તો વળી શી ચીજ છે? ગાંધી-નહેરુ-સરદારની ટીકા કરનારાઓ વડાપ્રધાનની ટીકા સહી ન શક્યા. અમેરિકામાં ટ્રમ્પના સમગ્ર શાસનકાળ દરમિયાન ચાલેલી વિરોધ-ઝુંબેશને સમર્થન આપતી ભારતીય પ્રજા ભૂલી ગઈ કે લોકશાહીમાં આ કરવાનો અધિકાર ભારતના સર્જકને પણ હોય જ. સમર્થ કવિઓ અને સાહિત્યકારો પણ ભીષ્મધર્મ બજાવી કવિતાનું સમર્થન કરવાથી ચૂકી ગયા. જો કે આવા લોકો માટે કવયિત્રી એ પ્રથમ પંક્તિમાં જ કહી દીધું છે કે ‘એક અવાજે મડદા બોલ્યાં ‘સબ કુછ ચંગા-ચંગા.” કવયિત્રીના સમર્થનમાં પણ અસંખ્ય લોકો ઊભા રહ્યા એટલું એનું નસીબ! હિંદી, મરાઠી, અંગ્રેજી, ઉર્દૂ, બંગાળી, પંજાબી અને મલયાલમ –એમ સાતથી વધુ ભાષાઓમાં કવિતાના એકાધિક અનુવાદો થયા. અનેક લોકોએ પ્રતિકાવ્યો પણ લખ્યા. પણ વિરોધીઓના લાખ ધમપછાડા છતાં અને સમસામયિક તથા રાજકારણ વિષયક મોટાભાગની કવિતાઓની જેમ કાવ્યતત્ત્વની એરણે ઉત્તમ ન હોવા છતાં આ કવિતા સ્વબળે ભાષા અને ભૂગોળના સીમાડાઓ અતિક્રમી ગઈ. લંડનના ‘ધ ઇકોનૉમિસ્ટ’ અખબારે પણ એનો અંગ્રેજી અનુવાદ અને ટિપ્પણી છાપ્યાં.

ઑડને કહ્યું હતું કે કવિતાથી કશો સક્કરવાર વળતો નથી. પણ હકીકત એ છે કે કવિઓ અને સાહિત્યકારો પરાપૂર્વથી જનમત કેળવવામાં મહત્ત્વનો ભાગ ભજવતા આવ્યા છે અને જનમત જ સમાજનો ચહેરો બદલી શકે છે. બાઇબલના સમયમાં ગુલામી સમાજસ્વીકૃત હતી. હિબ્રૂના પ્રથમ પયગંબર મોઝિસે તો બાપ સગી દીકરીઓને જાતીય ગુલામ તરીકે વેચી શકે છે એમ કહ્યું હતું. પણ આજે ગુલામી દુનિયાના કોઈ ખૂણામાં કાનૂની કે માન્ય નથી. શેલીએ ૧૮૧૯માં એની કવિતા ‘માસ્ક ઑફ એનાર્કી’માં અહિંસક પ્રતિકાર અને શાંતિપૂર્ણ વિરોધનો વિચાર વિશ્વ સમક્ષ મૂક્યો હતો. ગાંધીજીએ એમના લખાણોમાં આ કવિતાની પંક્તિઓ ટાંકી પણ છે. સાહિત્યનો સમાજ પરનો નિર્ણાયક પ્રભાવ નકારી શકાય એમ જ નથી.

અને કવિનું કામ કવિતા કરવાનું છે, સમાજસેવા કરવાનું નહીં. પહેલાના જમાનામાં યુદ્ધમેદાનોમાં ભાટ-ચારણોનું આગવું સ્થાન રહેતું. ભાટ-ચારણો કવિતા લલકારીને સૈન્યને પોરસ ચડાવતા. પણ એમણે તલવાર લઈને યુદ્ધમેદાનમાં ઝંપલાવવું નહોતું પડતું. કવિએ તો જનજાગૃતિ માટે સાહિત્યસર્જન કરવું પણ જરૂરી નથી પણ કોઈ કવિ આ કામ કરે તો એની મૂલવણી કળાની દૃષ્ટિએ જ કરવી ઘટે. કવિતા ભલે રાજકારણ વિષયક હોય, પણ કવિતાના નામે રાજકારણ રમાવું ન જ જોઈએ. ‘અંધ હોવા કરતાં વધુ ખરાબ શું હોઈ શકે?’ એ સવાલનો જવાબ આપતાં હેલન કેલરે કહ્યું હતું: ‘છતી આંખે આંધળા હોવું એ.’ કવયિત્રીએ જો કે આ પૂર્વે પણ સમાજ સાથે નિસ્બત ધરાવતી અનેક કવિતાઓ આપી છે. કેટલાક નમૂના જોઈએ:

દ્વાર ભીડીને ગામ બેઠું’તું,
એટલે પાદરે દવા પીધી.

જોર દેખાડી લાશ બાળી દો,
કાયદા ફાડી લાશ બાળી દો.
ગામ ભડકે બળે તે પહેલાં ઝટ
સત્ય સંતાડી લાશ બાળી દો.

કોણ તારા મરશિયા લખવાનું?
પેન બેહોશ, બેઅસર સૂતી.

વાંચનારા, છાપનારા, તાગનારા ચૂપ છે,
ઓ કવિતા! આજ તારા ચાહનારા ચૂપ છે.
આમ તો તલવાર લઈ કૂદી પડે છે જ્યાં ને ત્યાં,
તેલ પાઈ મૂછને વળ આપનારા ચૂપ છે.

આખરી બંધમાં કવયિત્રી શાસકપક્ષ પર ઓર ચાબખા કસે છે. ૧૮૩૭માં એન્ડરસને લખેલી ‘એમ્પરર્સ ન્યૂ ક્લૉથ્સ’ વાર્તાનો સંદર્ભ અહીં છે. બે ઠગ રાજાના મગજમાં પોતે અદૃશ્ય વસ્ત્રો બનાવ્યા હોવાનું ઠાંસે છે. પરિણામે રાજા આ ચમત્કારી અદૃશ્ય કપડાં પહેરીને નગરમાં સરઘસ કાઢે છે. ભયના માર્યા આખું નગર ચૂપ છે પણ એક નાનકડો બાળક ‘રાજા નાગુડિયો’ કહીને બૂમ પાડી રાજાને વાસ્તવિક્તાનું ભાન કરાવે છે. (આવી જ વાર્તા આપણે ત્યાં અગિયારમી સદીમાં જિનેશ્વરે લખેલ ‘નિવ્વાણલીલાવૈકહા’માં પણ મળી આવે છે.) રાજાના દિવ્ય વસ્ત્રો અને નગરચર્યાનો સંદર્ભ લઈને કવયિત્રી ધાર્યું નિશાન તાકે છે. કહે છે, હે રાજા! તમે ભલે માનો છો કે તમારી પાસે દિવ્ય વસ્ત્ર અને દિવ્ય જ્યોતિ છે, પણ આ કટોકટીકાળમાં સમગ્ર નગર (દેશ) તમારું અસલી સ્વરૂપ જોઈ રહ્યું છે. તમારી નાગાઈ શબ્દશઃ છતી થઈ ગઈ છે. પોલ ખૂલી ગઈ છે. આટલું કહીને કવયિત્રી આહ્વાન આપે છે કે મરદ હોય તે આગળ આવે અને કહે કે મારો રાજા નાગો છે. કવયિત્રીનું આ આહ્વાન સમજવામાં નિષ્ફળ અસંખ્ય ‘મરદો’ નાગા રાજાને નાગો કહેવાની મરદાનગી જો કે દાખવી શક્યા નહીં એ અલગ વાત છે. હિંદી પ્રાસથી પ્રારંભાયેલી ગુજરાતી કવિતા હિંદી શબ્દાવલિ પર આવીને પૂરી થાય છે અને કાવ્યચક્ર સંપૂર્ણ થાય છે.

લયસ્તરો પર ડૉ. તીર્થેશ મહેતા આ યુગપ્રવર્તક ગુજરાતી કવિતાનો સાચો હેતુ નિર્દેશે છે: ‘સિંહાસન ઉથલાવવાની તાકાત ધરાવતી કવિતા!!! શબ્દની-સાહિત્યની આ જ તાકાતથી સત્તાધીશો ધ્રૂજે છે! પ્રલંબ સમયાવકાશ બાદ આવો ધીંગો કવિસ્વર સાંભળ્યો જે અચેતનને ઝંઝોટીને મૂકી દે! પથ્થરમાં પ્રાણ પૂરે! સાચો રાજા આ કાવ્ય-ત્રાડથી સફાળો જાગી પોતાનો ધર્મ નિભાવે…..આ પ્રચંડ નાદને પોતાની અવમાનના ન ગણે!’ સ્વજનના મૃત્યુ પર છાતી કૂટતાં, વિલાપ કરતાં-કરતાં ગાવાનું આ ગીત છે અને ગંગામાં વહેતાં શબોની તસ્વીરો જોઈને કવયિત્રીની છાતીમાંથી આ કાવ્યગંગા પ્રગટી છે, એને ઝીલવાનું સામર્થ્ય મોટાભાગના લોકો ગુમાવી ચૂક્યા છે, પણ ગંગા તો વહીને જ રહેવાની…

અંતે, સાચી કવિતા જ એ છે જે ‘સ્વ’ની મટી જઈ ‘સર્વ’ની બની રહે.

– આસ્વાદ: વિવેક મનહર ટેલર

મુગ્ધાવસ્થા લીલીછમ – સુરેન્દ્ર ભીમાણી

પઠન:સુરેન્દ્ર ભીમાણી

.

ચોરે ને ચૌટે જો ચર્ચાઓ ચાલી રહી,
મારા ને તારા આ પ્રેમતણી લોલ.
તોયે તું માને ના, કહેતી તું સઘળાંને
મારે ને તારે કંઈ લેણું ના લોલ?

ઝાઝું ના ટકશે આ મનને છેતરવાનું,
મનમાં ખટકશે આ કપ્પટ રે લોલ.
છુપ્યો છુપાતો ના, પ્રેમ ઠરી રહેતો ના,
એયે કહેવું શું તને પડશે રે લોલ?

તારા નન્નાથી આમ દિવસો વીતી જાશે,
તરસ્યો રહીશ હું કિનારે રે લોલ.
સાચાં પાણીય મને ઝાંઝવાનાં નીર થશે,
જોતો રહીશ હું તારી વાટડી રે લોલ.

માટે હું કહું છું તને, હજીયે તું માની જા,
છોડી દે બાળ સમી જીદ તારી લોલ.
એક વાર અર્પણ તું તારું કરીને જો,
પ્રેમ પ્રેમ પ્રેમ કેવો વ્યાપ્યો છે લોલ.
– સુરેન્દ્ર ભીમાણી

બહુ એકલવાયું લાગે – વિનોદ જોશી

પઠન – વિનોદ જોશી

.

ઝાડ એકલું અમથું અમથું જાગે,
બહુ એકલવાયું લાગે…

પવન પાદડું સ્હેજ હલાવી પૂછે ખબર પરોઢે,
બપોર વચ્ચે બખોલનો બંજર ખાલીપો ઓઢે;

બંધ પોપચાં મીઠ્ઠા શમણાં માગે,
બહુ એક્લવાયું લાગે….

દળી દળી અજવાળું સૂરજ દડે ખીણમાં સાંજે,
હડી કાઢતી હવા ડાળ પર બેસી ટહુકા આંજે;
એક લ્હેરખી ઊંડા તળને તાગે,
બહુ એકલવાયું લાગે….

અંધારાને અભણ આગિયા પાડે રોજ ઉઝરડા,
અદ્ધર આભે ઝગમગ ઝીણા ફરતા રહે ભમરડા;

રોજ માંહ્યલું જંતર ઝીણું વાગે,
બહુ એકલવાયું લાગે..

– વિનોદ જોશી

ઓ જાદુગર – વિનોદ જોશી

પઠન – વિનોદ જોશી

.

ખાંડી ખાંડી તડકો એનો નરમ છાંયડો કીધો,
ઓ જાદુગર! તેં વગડાને સળંગ ચાખી લીધો…

તારી આંખો હજી પીરસે ગળચટ્ટાં પકવાન,
હજી હોઠ પર હડી કાઢતાં તસતસતાં તોફાન;
જરા ઝળૂંબી બધો ઉમળકો તળિયાંઝાટક પીધો…

મને કનડતો કાંટાળો હણહણતો તારો ભેજ,
મખમલિયા ગાલીચા પર પથરાતું ભીનું તેજ;
કમળપાંદડી વચ્ચે મેં ભમરાને ભીડી દીધો…

– વિનોદ જોશી

આ હું આવ્યો – વિનોદ જોશી

પઠન – વિનોદ જોશી

.

આ હું આવ્યો, ધસ્યો, ઝળુંબ્યો, ગયો નીકળી સોંપટ,
ભલે કહે તું વાવાઝોડું, હું વગડાનો પોપટ….

પાંખો અમથી સાવ અજાણી એક વેલને અડી,
રણઝણતાં ચિક્કાર પાંદડે ખળખળ નદિયું ચડી;

કોને કોની તરસ એ જ કરવી’તી મીઠ્ઠી ચોવટ….

મને ઊડવું ગમ્યું હવાના વળાંક ચાખી ચાખી,
ખરબચડા ટહુકાથી ટોચી, ભરી પાંખમાં આખી;

સાચ્ચેસાચ્ચું કહ્યું મને મેં, તને લાગતું ફોગટ.

– વિનોદ જોશી

મારું રજવાડું – રમેશ પારેખ

ગુજરાતી સાહિત્યના ફલક પર જેમને પોતાની અમીટ અને અવિનાશી એવી મહોર મારી છે એવા કવિશ્રી રમેશ પારેખની સ્મરણતિથિએ એમની આ અણમોલ રચનાનું અદભૂત સ્વરાંકન સ્વરકારના જ અવાજ માં પ્રસ્તુત છે!

સ્વરાંકન અને સ્વર : જન્મેજય વૈદ્ય 

આજે વિશ્વ ચકલી દિવસ… 🙂

કાવ્યપઠન : દિપલ પટેલ

.

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,
તારે બોલે હાંફળ ફાંફળ ચાકર ઉઠે બેસે,
મારા ઘરમાં કીડી સુદ્ધા દમામપૂર્વક બેસે.

મારે ફળીયે ઝૂલે ઝાડની ઘટાદાર ખુશીયારી,
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી,
જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું,

મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.

તારે ફળીયે તારો વૈભવ ખોંખારાઓ ખાય,
મારે પંખીના ટહૂકાથી અજવાળા ફેલાય,
સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો,
હું તો અકડેલઠટ્ઠ ડાયરા વચ્ચે મગન થાતો.

આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું,

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,
– રમેશ પારેખ

અને આજે વિશ્વ ચકલી દિવસ છે તો બીજા થોડા ચકલી ગીતો પણ સાંભળી લો / વાંચી લો ….

ચકલીની ચીંચીં પર ઓવારી જાય મારી ઓસરીનો થાક,
શૈશવ જો ઓચિંતુ આવી ભટકાય તો મારો શો વાંક?
https://tahuko.com/?p=1229

અરે સાહેબ !
અહીં હૉર્ન ઓછા સંભળાય છે અને ટહુકા વધુ…
કોયલે તો દિ’ આખામાં એક ઘડીનોય વિરામ લીધો નથી
ચકલીનું ચીં ચીં ને કબૂતરનું ઘૂ ઘૂ તો
ઘણા દહાડે કાન ભરી ભરીને સાંભળ્યું.
અને ખિસકોલીની ચિક્ ચિક્ તો શહેરમાં આવ્યો પછી પહેલીવાર સાંભળી
https://tahuko.com/?p=8822

કોયલ ટહુકે આંબાડાળે, દાદ નહિ ફરિયાદ,
ચકલીબાઈથી ચીં.. થઇ જાય તો આભ કહે ઈર્શાદ
માટીની સોડમને તારે કાગળિયામાં મઢવી છે?
https://tahuko.com/?p=13563

બા મેં તો બાગમાં બાંધી નિશાળ
કનુ મનુ જનુ છનુ આવ્યા’તા ભણવા
ત્યાં ચકલીઓ ભણવાને આવે છે ચાર
બા મેં તો બાગમાં બાંધી નિશાળ
https://tahuko.com/?p=16066

ચકલીઓએ ચીડિયા કર્યાં રોષમાં બોલ્યો મોર
વાર છે હજી ઊંઘવા દો ને પાછલી રાતને પ્હોર
https://tahuko.com/?p=16520

આજ એક ચકલી ફરી ચોખાનો દાણો લાવશે
ને પછી શૈશવ તણાં સ્મરણોનું ટોળું આવશે
https://tahuko.com/?p=1200

પોપટ બોલાવે ચકલી બોલાવે,
બોલાવે કુતરું કાળું
એ તો વાંકી પૂછડી વાળું…
https://tahuko.com/?p=15852

સોમલ – ઉષા ઉપાધ્યાય

સ્વર અને સ્વરાંકન : નમ્રતા શોધન

.

દરિયાના થોક થોક ઉછળતાં મોજામાં
તરફડતું કોણ આજ આટલું ?
સૂરજના સોનાની નથણી પહેરાવીને
સોમલ ઘૂંટે કોણ આટલું ?

જળ રે મૂંઝાય
એનો લહેરો ઝંખવાય
એના ભીતરમાં મોરેલી ચાંદની રેલાય

જળના તરાપા ને જળમાં ઝુલાવતાં
એ વાયરાનું ગામ ક્યાં શોધવું?
વાસંતી સૂરોની વેણી ઘુથીને હવે
મૌનને ઘૂંટે કોણ આટલું?

જળ રે કંતાય ,એના મોતી નંદવાય
એના ભીતરમાં ફૂટેલી પાંખો કપાય

દરિયાના થોક થોક પછડાતાં મોજામાં
રવરવતું કોણ આજ આટલું ?
તરફડતું કોણ આજ આટલું ?
સૂરજના સોનાની નથણી પહેરાવીને
સોમલ ઘૂંટે કોણ આટલું ?
– ઉષા ઉપાધ્યાય

લાલ લાલ ચુંદડી

આણલ અંજારિયાના કંઠમાં ટહુકો ફાઉન્ડેશનના કાર્યક્રમ “સુર શબ્દની પાંખે”માં ગવાયેલું આ લોકગીત સાંભળો.

લાલ લાલ ચુંદડી રંગાવ મારી માડી
સોનાનું કંકણુ ઘડાવ રે,

ઘેરદાર ઘાઘરો મંગાવ મારી માડી
સેંથે સિંદુર ભરાવ રે!
બારણીયે ઊભા મારા સસરાજી
હસી હસી દીકરી વળાવ રે!

જેમ જંગલનાં પંખી રે માડી
વ્હાણું વાતાં ઊડી જાય રે;
તેમ પરાઈ થઈ દીકરી
દેશ પરાયે જાય રે!

નનો વીરો મરો રોકે રે પાલખી
આંસુના ઝરણા વહાવી રે,
બાપુને ધીરજ ધરાવ મરા વીરા
જેણે મને કીધી પરાઈ રે!
-લોકગીત

કોઈ પળ આકાશ સામે – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વરાંકન – જનમેજય વૈદ્ય
કંઠ – પ્રહર વોરા

.

કોઈ પળ આકાશ સામે આંગળી ચીંધી પછી હું તોરથી બોલી શકું લે આજ
હું બોલી લગાવુંની મજા હો

ને રણકતી હો ઘડી પણ એટલી કે તું તરત બોલી પડે ‘ભૈ થોભ હું આખું
ફલક ખોલી બતાવુંની મજા હો

છો ભર્યા દરબાર જેવા જગ વિશેનું આગમન મારું ગમન આ કોઈએ નોંધી
તો ઠીક જાણી બતાવ્યું નહીં

તે છતાં આ ભરસભા સહુ સાંભળે કે હાં, ભલા આ કોઈ તો બોલી રહ્યું છે
એવડું બોલી બતાવુંની મજા હો

હાટમાં ફૂટપાથ પર બેસી સકળ વિશ્વ વસેલા ઝગમગ્યા તારાગણો
સ૨આમ હું જોખી શકું એવી ક્ષણે

સાવ જુદો હોઉં જ્યારે આપથી આ જાતથી આ હાથથી હાથે લખેલા
અક્ષરોની વાતને પોલી ગણાવુંની મજા હો

એમ તો પાગલ અવસ્થા કે ડહાપણ બે વચાળે દર્શનોનો ભેદ થોડો હોય છે
તે સત્ય નરદમ વાત કહીને

સાવ સાદું જળ જરાક જ એક ઘૂંટે પી લઈને જામ ૫૨ પીધા કરેલા જામ
જેવી મસ્તીને ખોળી બતાવુંની મજા હો

ને પછી આકાશ સામે આંગળી ચીંધી અને હું તો૨થી બોલી દઉં લે આજ હું
બોલી લગાવુંની મજા હો

ને રણકાતી હોય ક્ષણ પણ એટલી કે તું તરત બોલી પડે લ્યા થોભ હું આખું
ફલક ખોલી બતાવુંની મજા હો.

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

અમ કહ્યા જે બોલ – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વરાંકન અને સંગીત – જનમેજય વૈદ્ય
કંઠ – રત્ના વોરા

.

અમે કહ્યા જે બોલ આવડ્યા તમે વદો તે વાણી
તમે પ્રમાણો ભાષા ભૂષણ અમે જીભ પરમાણી

તમે ચમકતા આરસ મહાલ્યા
અમે ધૂળિયા રસ્તે ચાલ્યા,
તમે ભણાવ્યા તોપણ અમને
કોઈ શબદ ક્યાં છે સમજાયા

અમે તો ખળખળ નદી બોલતાં તમે કહો સ૨વાણી
તમે પ્રમાણો ભાષા ભૂષણ અમે જીભ પ૨માણી

તમે વદો નભમાં પર્જન્યો
અમે કહ્યો વરસાદ
રત્નાકરને અમે કહીએ
દરિયો અનરાધાર

તમે કહ્યાં જે જળ ઝળહળતાં અમે સમજતાં પાણી
તમે પ્રમાણો ભાષા ભૂષણ અમે જીભ ૫૨માણી
-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત