ફાગણ આવે એટલે કેસુડાના અને હોળીના રંગોની સાથે ગુલમહોર પણ લાવે.. અતુલમાં બાળપણના કેટલાય સંભારણાઓ સાથે ગુલમહોર પણ સ્મૃતિમાં અકબંધ છે. હા, આજકલ ગુલમ્હોરને સ્મૃતિઓ અને ફોટામાં જ જોવા પડે છે! 🙁 આખી સુવિધા કોલોનીમાં કેટલા ગુલમહોર હતા એ તો યાદ નથી, પણ આખી કોલોનીનો કોઇ જ એવો રસ્તો હશે જેના પર તમને ગુલમ્હોર ના હોઇ… અનેે જ્યારે એ મહોરે.. આ હા હા..
(ગુલમ્હોર મ્હોર્યા … Photo From : Flickr – Sanju)
* * * * *
છાપરાં રાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે,
માર્ગ મદમાતા થયા ગુલમ્હોર મ્હોર્યા એટલે.
આંખની તો વાત ના પૂછો કે એને શું થયું,.
દ્ર્શ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
બાધી ના બંધાઈ કંચુકીમાં એની પોટલી,
વક્ષ ચડિયાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
વાયુ અણિયાળો થયો તેની ય ના પરવા કરી,
મન ઉઝરડાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
આ ગલીમાં, ઓ ગલીમાં આ ઘરે, ઓ મેડીએ,
જીવ વહેરાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં-
પર્વ ઊજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
કઈ તરફ રહેવું અમારે, કઈ તરફ વહેવું રમેશ?
ભાન ડહોળાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.