ઘણા વખત પહેલા ટહુકો પર એક મિત્રએ આ ગીતની ફરમાઇશ કરી હતી.. અને ત્યારે મેં આ ગીત સાંભળ્યું નો’તુ – તો એના બદલે
વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમડી…
એ ગીત મુકી દીધું… ગરબાની કેટગરીમાં મુકી શકાય એવું આ લોકગીત ક્ષેમુદાદાએ ખૂબ જ સરસ રીતે સ્વરબધ્ધ કર્યું છે.. અને સાથે વિભા દેસાઇ, માલિની પંડિત, હર્ષિદા રાવળ, જયશ્રી વોરા, આરતી મુન્શી અને સુધા દિવેટીયા એ સ્વર પણ એવો જ આપ્યો છે કે સાથે આપણને પણ ‘ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો…’ કરવાનું મન થઇ જાય…
સ્વર : વિભા દેસાઇ અને વૃંદ
.
દાડમડીના ફૂલ રાતાં ઝૂલણ લ્યો વણઝારી
ફૂલ રાતાં ને ફળ એનાં લીલાં ઝૂલણ લ્યો વણઝારી
હું તો વાણીડાને હાટે હાલી
ચૂંદડી મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી…
હું તો સોનીડાને હાટે હાલી
ઝુમણા મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી…
હું તો મણિયારાને હાટે હાલી
ચૂંડલા મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી…
– લોકગીત