Category Archives: ગઝલ

ગઝલ – રુસ્વા મઝલુમી

ન પૂછશો દોસ્તો – એ, લાજની મારી હતી, કેવી ?
કે મારા હાથમાં લેટી રહી’તી ચાંદની કેવી ?

અમે કલ્પી હતી કેવી અને એ નીકળી કેવી ?
હવે શો ફાયદો કહેવાથી કે દુનિયા હતી કેવી ?

હતી પહેલાં હવે એવી અમારી જિંદગી કેવી ?
નથી એ યાદ પણ ત્યારે હતી મનમાં ખુશી કેવી ?

દિલાસો આપવા માટે પધાર્યા હોય ના પોતે ?
કબરનાં ઘોર અંધારે નહીં તો રોશની કેવી ?

ખુદાની મહેર છે, મીઠી નજર છે મહેરબાની છે,
અમારે ખોટ કૈં કેવી, અમારે કંઇ કમી કેવી ?

મને એકાંત આપો મારે અંગત વાત કહેવી છે
ખુદા જાણે કયામતમાં મળશે મેદની કેવી ?

સરળ શબ્દો વડે ‘રુસ્વા’ ગહન મર્મો ઉકેલે છે
છતાંય એની ગઝલોમાં મળે છે સાદગી કેવી ?

ત્રણ ગઝલકાર… એક ગઝલ

florida

મીર સૂતા છે આંખ ખોલીને,
મૌન પાળે છે બોલી બોલીને.

દરિયો દરિયો છલકતું ફ્લોરીડા,
દાદ આપે છે ડોલી ડોલીને.

રાતનો આ ખુમાર આંખોમાં,
સપનાં શોધે છે બારી ખોલીને.

કેવો પ્રકટ્યો છે કપાસનો તડકો,
રાતના કાલાં ફોલી ફોલીને.

શબ્દ રૂપેરી ઝાંઝર પહેરી,
સાદ પાડે છે કોઇ ઢોલીને.

અર્થનો ગર્ભ કાઢવો ‘આદિલ’
શબ્દની છાલ છોલી છોલીને.

થૈ ગયા ફૂલ હાથ અશરફના,
એણે ઊંચકી ગઝલની ડોલીને.

– રશીદ મીર, આદિલ મન્સૂરી, અશરફ ડબાવાલા

( વેસ્ટ પામબીચથી ટેમ્પો જતાં સફરમાં લખાયેલી ગઝલ )

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા – આદિલ મંસૂરી

.

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.

એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.

છલોછલ છલકતી શ્રધ્ધા – મકરંદ મુસળે

અળગી નથી કરી તને મેં અવગણી નથી,
તું પ્રેમને ન માપ એની માપણી નથી

મળવાનું મન કરે કદી ઠેકીને આવજે,
ભીંતો અમારી એટલી ઊંચી કરી નથી.

આવે ગઝલમાં જે રીતે બસ આવવા દીધી
મેં લાગણીની કોઇ દી’ માત્રા ગણી નથી

હું આયનામાં જાત જોઇ ખળભળી ઊઠ્યો,
સારું છે એમની નજર મારા ભણી નથી.

દેખાઉં છું, તે છું નહીં, ને એટલે જ તો,
મારી છબીને મેં કદી મારી ગણી નથી.

એથી જ પ્રેમ પામવાની આશ છે હજી
તેં હા કહી નથી મને, ના પણ ભણી નથી.

હ્રદય છલકાઇને મારું – કૈલાસ પંડિત

ગાયક : મનહર ઉદાસ

.

હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે
ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે

ન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દે
જમાના કેમ તું હાથે કરી તકરાર માંગે છે

ખરે છે રોજ તારાઓ ભલા શાને ગગનમાંથી
મુલાયમ કોણ એવો નિત્યનો શણગાર માંગે છે

સહારો આંસુઓનો પણ હવે ‘કૈલાસ’ ક્યાં બાકી
રુદનના કારણો દુનિયા ખુલાસા વાર માંગે છે

નાજુક ક્ષણોની ગઝલ – અમિત વ્યાસ

પૂર્વવત ભૂતકાળ તાજો થાય છે;
ને હજુ એક હાથ ત્યાં લંબાઇ છે!

ટુકડા રૂપે મળે છે, જે બધું,
એ બધું ક્યાં સોયથી સંધાય છે!

રક્ષવાનું હોય છે હોવાપણું,
અહીં બધુંયે એકનું બે થાય છે!

કાચની સામે રહી જો એકલો,
નિતનવા ચહેરા પ્રતિબિંબાય છે!

છે ભૂલા પડવાનો એક જ ફાયદો,
કેટલા રસ્તા પરિચિત થાય છે!

સમય – કુતુબ ‘આઝાદ’

સમયનો સાદો નિયમ છે કે એ અટકતો નથી
નિયમ છે પ્રેમનો સાદો કે એ કદિ ટકતો નથી
તમારો સાદો નિયમ છે કે સૌને ભટકાવો
ને મારો સાદો નિયમ છે કે હું ભટકતો નથી

.

સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય.
સદ્-ભાગી કો’ક ને જ ફળી જાય છે સમય.

રહેશો ના કોઇ પણ આ સમયના ગુમાનમાં
સરતો હવાની જેમ સરી જાય છે સમય.

ક્યારેય કોઇ એકનો થઇને રહ્યો નથી
રાજા અને નવાબનો બદલાય છે સમય.

‘આઝાદ’ અણઉકેલ સમસ્યા છે આ સમય
સમજી શકે છે તેમને સમજાય છે સમય .

દિવાળી ગઝલ – રવીન્દ્ર પારેખ

એક દીવો હાથમાં લઇ આવ તું,
તે પછી તોફાનને બોલાવ તું.

આંખ છે કે જ્યોત સમજાતું નથી,
સહેજ તો દીવો નજીક લઇ આવ તું.

આભ એ અજવાળી શકવાનો નથી,
એના કરતાં દીવો ઘરમાં લઇ આવ તું.

હોય જ્યાં હૈયું જ ઝળહળતું સદા,
ત્યાં અમસ્તો ના દીવો સળગાવ તું.

ને તને શ્ર્ધ્ધા જ હો કે નહીં ડૂબે,
તો ભલે જળમાં દીવો સરકાવ તું.

કે હવે ક્યાંથી સળગશે જ્યોત થઇ?
થઇ ચૂકી અંધારમાં ગરકાવ તું.

એટલાથી જાત કૈં પરખાય ના –
સેંકડો દીવા ભલે સળગાવ તું.

એ ભલેને હોય મૃત્યુ, શું થયું?
માર્ગમાં એને દીવો બતલાવ તું.

વ્યથા હોવી જોઈએ -’મરીઝ’

સ્વર ‘: મનહર ઉધાસ

.

આ મુહોબ્બત છે કે છે એની દયા, કહેતા નથી
એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલિસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.

હું કશુંક પી ગયો છું…. – ગની દહીંવાલા

જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીવો
કાં પ્રિયા કાં યાર બુધ્ધિમાનની સાથે પીવો
ખૂબ પી ચકચૂર થઇ, જગનો તમાશો ના બનો
કમ પીવો છાની પીવો પણ ભાનની સાથે પીવો
– ઉમર ખૈયામ અનુ.’શૂન્ય’ પાલનપુરી

સ્વર : પંકજ ઉધાસ

holding hands

.

ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.

જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું,
કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.

હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,
ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.

આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,
કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.

નથી કાંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો,
નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.

બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જિવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.

’ગની’ પર્વતોની આગળ આ રહ્યું છે શીશ અણનમ,
કોઈ પાંપણો ઢળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું.

આભાર : જયદીપનું જગત