Category Archives: રવીન્દ્ર પારેખ

એનું નામ જ અખ્ખર ઢાઈ – રવીન્દ્ર પારેખ

કોની વાતે તું ભરમાઈ ?
કોણ કબૂલે એ સચ્ચાઈ ?

હું ઝાકળ છું, તું આંસુ છે,
તારે મારે શી સરસાઈ ?

કોણ છૂટું પડતું કોનાથી,
વાત મને એ ના સમજાઈ.

આ તો તેજ વગર બળવાનું,
એનું નામ જ અખ્ખર ઢાઈ.

જળનાં ટીપાં જેવી યાદો,
વધતાં વધતાં થૈ દરિયાઈ.

હોય ન જ્યારે પણ તું સાથે,
હાથવગી મારે તન્હાઈ.

મારે બદલે યાદ મને તું,
મારે બીજી કઇ અખિલાઈ ?

-રવીન્દ્ર પારેખ

(આભાર – લયસ્તરો)

વીજળી છે કે કોઈના દસ્તખત ! – રવીન્દ્ર પારેખ

(photo: TrekEarth.Com)

ડૂબવાનું હોય જાણે કે જગત,
એટલો વરસાદ વરસે છે સખત.

બારણાં, બારી બધું વરસાદનું,
ને ઉપર વરસાદની એકાદ છત.

જળ ભલે આપે મને વરસાદ તું-
લે, ઉમેરી અશ્રુ આપું છું પરત.

હોય કોરું તોય હું તરબોળ છું,
યાદમાં એવું બધું તો હસ્તગત.

હું મને મળવા મથું પણ ના મળું,
એટલો વરસાદ વચ્ચે છે સતત.

ના કશેથી આવવું કે ના જવું –
ને ઉપરથી જાય ના ભીનો વખત.

શક્ય છે એ રીતથી મળવું બને,
લે; લખ્યો આજે મને એકાદ ખત.

સાવ લીલું ઘાસ ફેલાયું બધે,
દેવકાવ્યોની ખૂલી છે હસ્તપ્રત.

ભીની આંખે કેમ ઉકેલું કહે,
વીજળી છે કે કોઈના દસ્તખત !

-રવીન્દ્ર પારેખ

હો હિંમત તો ટહુકો તું દોર… – રવીન્દ્ર પારેખ

peacock.jpg

અલ્યા, કાગળ પર ચીતરે છે મોર?
મોરને તો નાનકડું છોકરું યે ચીતરે
હો હિંમત તો ટહુકો તું દોર…

મારામાં રાખી અકબંધ મને ચોરે
તું એવો તે કેવો ઘરફોડું?
છતરીની જેમ મને ઓઢી લે આખી
ને પલળે છે તોય થોડું થોડું

પાણીથી ઠીક, જરા પલળી બતાવ મને
હોય જ્યારે કોરુંધાકોર…

મેલું આકાશ ખૂલે જડબાંની જેમ
જાણે ખાતું બગાસું કોઇ લાંબુ
વાદળાય આમ તો છે કાંઇ નથી બીજું
છે ઠળિયા વિનાના બે’ક જાંબુ

વાદળા કે જાંબુ તો ઢગલો તું ચોરે
જરા આખું આકાશ હવે ચોર…

હું છું દીવો – રવીન્દ્ર પારેખ

હું છું દીવો –
લો, મારો આધાર લઇને તમેય થોડું જીવો…

હું મારી અંદર રહું તેથી વધુ રહું છું બહાર,
દૂર જતામાં લાગે કે કોઇ કાઢે મારા તાર,
ઝીણા ઝીણા રેશમ તારે લો અજવાળું સીવો…
હું છું દીવો –

હું જાણે એક નૌકા છું ને મારી બહાર છે જળ,
સહેજ પવન આવે ને અજવાળાંને ચઢતો વળ,
જળ સમજીને અજવાળામાં પડે કોઇ મરજીવો…
હું છું દીવો –
 

હરિ, દિવાળી કરી ? – રવીન્દ્ર પારેખ

તારે તાર થતા તારાની રાત સુંવાળી કરી,
હરિ, દિવાળી કરી ?

ખૂણે ખૂણે દીવી પ્રગટે તે જોતું આકાશ,
એમ લાગતું ધરતી જાણે દર્પણ ધરતી ખાસ,
રાત, પાંખ લઇને ઊડે ન તેથી તેજની જાળી કરી…
હરિ, દિવાળી કરી ?

હરિ, દીવીની જ્યોત તમે તમને હું ફૂંક ન મારું,
તમે ઊડો તો મારે કરમે રહે ફક્ત અંધારું,
ભલા તેથી તો દીવી સઘળી લોહીને બાળી કરી…
હરિ, દિવાળી કરી ?

આખું આ આકાશ રાતનાં ઝાડની જેમ જ ખૂલે,
તારા જાણે ફૂલ હોય તેમ મઘમઘ ફાલેફૂલે,
ધરતીને કોઇ કલમ કરે તેમ નભની ડાળી કરી…
હરિ, દિવાળી કરી ?

દિવાળી ગઝલ – રવીન્દ્ર પારેખ

એક દીવો હાથમાં લઇ આવ તું,
તે પછી તોફાનને બોલાવ તું.

આંખ છે કે જ્યોત સમજાતું નથી,
સહેજ તો દીવો નજીક લઇ આવ તું.

આભ એ અજવાળી શકવાનો નથી,
એના કરતાં દીવો ઘરમાં લઇ આવ તું.

હોય જ્યાં હૈયું જ ઝળહળતું સદા,
ત્યાં અમસ્તો ના દીવો સળગાવ તું.

ને તને શ્ર્ધ્ધા જ હો કે નહીં ડૂબે,
તો ભલે જળમાં દીવો સરકાવ તું.

કે હવે ક્યાંથી સળગશે જ્યોત થઇ?
થઇ ચૂકી અંધારમાં ગરકાવ તું.

એટલાથી જાત કૈં પરખાય ના –
સેંકડો દીવા ભલે સળગાવ તું.

એ ભલેને હોય મૃત્યુ, શું થયું?
માર્ગમાં એને દીવો બતલાવ તું.

આંખોમાં દરિયો થઇ – રવીન્દ્ર પારેખ


આંખોમાં દરિયો થઇ છલકાવું હોય
અને સહરાની જેમ પછી બળવું પડે

પીળાપચ પરબીડિયે ખાલીપો હોય
અને સરનામું તારું ત્યાં કરવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે

ડાળી છોડીને પાન ઊડે ને એમ ઊડે
તુંય મારી વૃક્ષીલી ડાળથી
ઊડેલું પાન ફરી વળગે નંઇ વૃક્ષે
ને તોય તારી વાટ જોઉં ઢાળથી

આમ તો કદીય છૂટા પડીએ નંઇ તોયે
તને ‘કેમ છે?’ કહીને રોજ મળવું પડે
અને સહરાની જેમ વળી બળવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે

ખોબામાં હોઉં ભીના સૂરજની જેમ
અને પળમાં તું ફંગોળે આભમાં
મારા હોવાનું ફરી અવકાશે હોય
અને તારા હોવાનું ‘શુભ લાભ’માં

તારો ઉજાસ તને પાછો મળે ને
એથી બપ્પોરે મારે આથમવું પડે
અને સહરાની જેમ ફરી બળવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે