ટહુકાનું ભાષાંતર હોય? – મકરંદ મુસળે February 14, 2014 મૌનનો ક્યાંયે મંતર હોય ? ટહુકાનું ભાષાંતર હોય ? કક્કો ઘૂંટીને શું થાય ? પ્રેમનું તે કંઈ ભણતર હોય ? મહેનતથી મ્હેંકે છે કાય, પરસેવાનું અત્તર હોય ? આભ જુઓ ત્યારે સમજાય, ભીંત વગર પણ છત્તર હોય. માતા જેવું કોઈ ન ગાય, હાલરડાનું જંતર હોય ? – મકરંદ મુસળે
ગમે ત્યારે – મકરંદ મુસળે July 18, 2013 કશું કે’વાય ના આવી પડે એ પળ ગમે ત્યારે, સુલભ વાતાવરણ છે ફૂટશે કૂંપળ ગમે ત્યારે. અમે સચ્ચાઈને ક્યારેય પણ જીરવી નથી શક્તા, બને તો રણ મહીં મૃગજળ બનીને મળ ગમે ત્યારે. તમારી યાદની કેવી અસર છે જોઈ લો જાતે, ધ્રુજી ઊઠશે અમારી પીઠના સળ ગમે ત્યારે. ભલે હો એક ટીપુ પણ નજરઅંદાજ ના કરતાં, સમંદરમાં ભળી એ બોલશે ખળ ખળ ગમે ત્યારે. અમે તો દૂધનો પ્યાલો થઈને ક્યારના બેઠાં, હવે તું આવ ને સાકર બનીને ભળ ગમે ત્યારે. -મકરંદ મુસળે (આભાર – લયસ્તરો)
હોય ભલે ને લાખ કુટેવો – મકરંદ મૂસળે May 16, 2011 કવિ શ્રી સુરેશ દલાલનું એક ગીત છે – ખુણા ખાંચા હોય છતાંયે, માણસ એતો મન મૂકીને ગીત ગઝલમાં ગાવા જેવો. માણસ અંતે ચાહવા જેવો. અને એનું શ્યામલ-સૌમિલ મુન્શીએ એકદમ મઝાનું સ્વરાંકન પણ કર્યું છે – એ પણ ચોક્કસ સંભળાવીશ..! પણ આજે સાંભળો વડોદરાના શાયર શ્રી મકરંદ મૂસળેની આ શાનદાર ગઝલનું વડોદરાના જ સ્વરકાર રાહુલ રાનડે એ કરેલું જાનદાર સ્વરાંકન. સ્વર & સ્વરાંકન -રાહુલ રાનડે હોય ભલે ને લાખ કુટેવો, માણસ તોએ મળવા જેવો. સૌ પૂછે છે સારું છે એને, સાચો ઉત્તર કોને દેવો? આપ ભલે ને હોવ ગમે તે, હુંય નથી કંઈ જેવો તેવો. દર્પણને ઘડપણ આવ્યું છે, હું તો છું એવો ને એવો. બાળક ખાલી આંખ મિલાવે, ત્યાં જ મને છૂટે પરસેવો. – મકરંદ મૂસળે
ઈચ્છાઓ ઘર ઘર રાખી છે – મકરંદ મુસળે June 30, 2010 જાણે દુશ્મન પર રાખી છે, એમ નજર ભીતર રાખી છે. નિષ્ફળતાનો પ્રશ્ન જ ક્યાં છે, શ્રધ્ધા જાત ઉપર રાખી છે. છાતી પર ખંજર ક્યાં મારો? જાન હથેળી પર રાખી છે. હું તો ચલ ધીમું ચાલું છું, તેંય ગતિ મંથર રાખી છે. માણસ દોડ્યે રાખે માટે, ઈચ્છાઓ ઘર ઘર રાખી છે. – મકરંદ મુસળે
છલોછલ છલકતી શ્રધ્ધા – મકરંદ મુસળે October 31, 2006 અળગી નથી કરી તને મેં અવગણી નથી, તું પ્રેમને ન માપ એની માપણી નથી મળવાનું મન કરે કદી ઠેકીને આવજે, ભીંતો અમારી એટલી ઊંચી કરી નથી. આવે ગઝલમાં જે રીતે બસ આવવા દીધી મેં લાગણીની કોઇ દી’ માત્રા ગણી નથી હું આયનામાં જાત જોઇ ખળભળી ઊઠ્યો, સારું છે એમની નજર મારા ભણી નથી. દેખાઉં છું, તે છું નહીં, ને એટલે જ તો, મારી છબીને મેં કદી મારી ગણી નથી. એથી જ પ્રેમ પામવાની આશ છે હજી તેં હા કહી નથી મને, ના પણ ભણી નથી.