એક દીવો હાથમાં લઇ આવ તું,
તે પછી તોફાનને બોલાવ તું.
આંખ છે કે જ્યોત સમજાતું નથી,
સહેજ તો દીવો નજીક લઇ આવ તું.
આભ એ અજવાળી શકવાનો નથી,
એના કરતાં દીવો ઘરમાં લઇ આવ તું.
હોય જ્યાં હૈયું જ ઝળહળતું સદા,
ત્યાં અમસ્તો ના દીવો સળગાવ તું.
ને તને શ્ર્ધ્ધા જ હો કે નહીં ડૂબે,
તો ભલે જળમાં દીવો સરકાવ તું.
કે હવે ક્યાંથી સળગશે જ્યોત થઇ?
થઇ ચૂકી અંધારમાં ગરકાવ તું.
એટલાથી જાત કૈં પરખાય ના –
સેંકડો દીવા ભલે સળગાવ તું.
એ ભલેને હોય મૃત્યુ, શું થયું?
માર્ગમાં એને દીવો બતલાવ તું.