Category Archives: ગાયકો

કોઇ શબ્દોની સમજ… – રવિ ઉપાધ્યાય

કવિ: રવિ ઉપાધ્યાય (www.raviupadhyaya.wordpress.com) ,
ગાયક: પાર્થિવ ગોહિલ
સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય
પ્રસ્તાવના અને મલ્ટીમિડિયા રચયિતા ડો.જગદીપ ઉપાધ્યાય
મ્યુઝિક વીડીયો આલ્બમ ‘મંઝિલને ઢૂંઢવા..’

કોઇ શબ્દોની સમજ સ્વરથી પડે,
બ્રહ્મનો જેમ ભેદ તો ભીતરથી જડે…

રામ છૂપાયાં નથી રામાયણે,
ખોલશો જો દ્વાર તો અંતરથી મળે…

કાષ્ટમાં અગ્નિ છતાં દેખાય ક્યાં?
ના કોઇ ઉકેલ તો ઉત્તરથી મળે…

પ્રેમનો સાચો પરિચય ત્યાગમાં,
ફૂલની પિછાણ તો અત્તરથી પડે…

લાગણીનું પણ સદા એવું જ છે,
ક્યાંથી જન્મી, કયાં જઈ ઢળતી રહે…

હોય શ્રધ્ધા તો દિસે ઇશ્વર ‘રવિ’,
રામ નામે સેતુ તો પથ્થરથી બને…

ચકીબેન ! ચકીબેન !….

સ્વર – અંજના દવે
સંગીત – ઉદયન ભટ્ટ

ચકીબેન ! ચકીબેન !
મારી સાથે રમવા
આવશો કે નહીં ?

બેસવાને પાટલો ને
સૂવાને ખાટલો
ઓઢવાને પીંછા આપીશ તને
હું આપીશ તને…

પહેરવાને સાડી મોરપીછાં વાળી
ઘમ્મરિયો ઘાઘર આપીશ તને
હું આપીશ તને…

બા નહીં વઢશે
બાપુ નહીં લડશે
રમવાને ઢીંગલો આપીશ તને
હું આપીશ તને…

મોહનની પ્રીતિ – સુરેશ દલાલ

સંગીત – સુરેશ વાઘેલા
કવિ – સુરેશ દલાલ

.

સ્વર – સુરેશ વાઘેલા

.

સ્વર – રેખા ત્રિવેદી

* * * * * * *

મોહનની પ્રીતિ એ તો મહેંદી નહિ
કે એને આજે મૂકોને કાલે ઊડે
હથેળીની રેખા જેમ એવી અંકાય
એતો ઊંડી રહે પ્રાણ ભલે ઊડે

રણઝણતા વાયરામાં ફરફરતા કેશ નહિ
સિંદુર પૂરેલી છે સેંથી
માધવની પ્રીતિ નહિ માટીનું બેડલું
એ તો યમુના બે કાંઠે રહે વહેતી

મોહનની પ્રીતિ એ તો મહેંદી નહિ
કે એને આજે મૂકોને કાલે ઊડે

મોહનની પ્રીતિ નહિ સાત-સાત રંગ
એતો શિર પર ઝૂલે છે આકાશ
વાલમની પ્રીતિ નહિ વિખૂટો શબ્દ
એની મોરલીની સૂર મારે શ્વાસ

મોહનની પ્રીતિ એ તો મહેંદી નહિ
કે એને આજે મૂકોને કાલે ઊડે

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ – અમિત ત્રિવેદી

સ્વર – નિશા પારઘી
સંગીત – નયનેશ જાની


(ચાલ…..ગુલમહોર થઈએ…….. Photo: Flowers of India)

.

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ
ટહુકા ભીની સાંજે મોર થઈએ

જો રિસામણાં હોય કદીક તો
માયા આખી હાલક ડોલક

કરી મનામણાં મોરના ટહુકે,
આપણ બેઉ મલ્લક મલ્લક
આપણ બેઉ અલ્લડ જોડી ,
સાત સૂરે હલ્લક હલ્લક

આપણ બન્ને અડખે પડખે
ચાલ મોસમ છલકાવી દઈએ
આંખથી વરસી મબલખ અમી
એક બીજાના દર્પણ થઈએ

ઝીણી ઝીણી શરણાઈ વાગે
બેઉ હૈંયા થન્નક થન્નક

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ
ટહુકા ભીની સાંજે મોર થઈએ

તું મારો વર ને હું તારી વહુ – અવિનાશ વ્યાસ

સ્વર : ગીતા રોય
સંગીત : અવિનાશ વ્યાસ

(Happy Anniversary….Romilla & Vishal Patel)

.

ઓ રંગ રસિયા કહે ને
હું તારી શું છઉં
તું મારો વર ને હું તારી વહુ

નથી થવું મારે રાજાની રાણી
મારે મન આટલું બહુ
કે હું તારી વહુ

ઓ રંગ રસિયા કહે ને….

બની તારા ઘરની રાણી
ઘૂંઘટડો તાણી હું પનઘટ
પાણી ભરવા જઈશ રે

તુજને ભાળી નૈના ઢાળી
મારા એ આવ્યા, એ આવ્યા
એવું કહીશ રે

છાનું રે છપનું સપનું સરજું
તને કહું કહું ને રહી જઉં
કે હું તારી વહુ

ઓ રંગ રસિયા કહે ને….

પૂરણપોળી ઘીમાં ઝબોળી
તને જનની જેમ જમાડીશ

થઈ નટખટ નારી
લ્યો પાનસુપારી,
કહી સંગે રંગ રમાડીશ

તારા મન ઉપવનની કોયલ થઈ
તને ટહુકી ટહુકી કહું
કે હું તારી વહુ

ઓ રંગ રસિયા કહે ને….
————-

આભાર : mavjibhai.com

આવી વસંત મત્ત ફૂલોની રાણી – જયંત પલાણ

આજે વસંતપંચમી… ફૂલોની રાણી.. વસંતઋતુની પધરામણી…!! અમારા તરફથી સૌને વસંત મુબારક.. સાથે માણો આ મઝાનું વસંતગીત..!!

સંગીત : જગદીપ અંજારિયા
સ્વર : નાદ ગ્રુપ (દિપક અંજારિયા, પરાગ અંજારિયા, પ્રાર્થના રાવલ, અસ્મિતા ઓઝા, કૃતિકા ત્રિવેદી)

* * * * *

.

આવી વસંત મત્ત ફૂલોની રાણી
ફુટી કળીઓને હૈયે ફોરમની વાણી હે..એ…

ડોલે રે આનંદ મસ્ત રંગભીનો કેસુડો હો જી…
મ્હેકે રે ડોલર જુઈ કોઙભર્યો કેવડો હો જી…

જેણે જગાવી ઊરે વેદના અજાણી
આવી વસંત મત્ત ફૂલોની રાણી હે..એ…

આ..આ..આ..આ…

લાવે રે વાયરા વાત એક છાની જી
શેણે રે ભુલાય ઓલી આંખ હરણાની હો જી…

સૌએ માંડી રંગ રૂપની ઊજાણી
આવી વસંત મત્ત ફૂલોની રાણી હે..એ…

– જયંત પલાણ

રેડિયો 12 : લતા મંગેશકર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અમે નીલ ફુવારે રમતાં રે મનગમતાં રે.. – પ્રવીણ બક્ષી

સ્વર : ચિત્રા શરદ, પ્રકાશ સૈયદ
સંગીત : દિપેશ દેસાઇ

.

અમે નીલ ફુવારે રમતાં રે મનગમતાં રે..
વસંતની ફુલછાબ બિછાવી
બુલબુલ નાદ સુણંતા
પરાગના અસવાર બનીને ગંધ-સુગંધ વિહરંતા — અમે નીલ..

અષાઠની ઘનઘોર ઘટામાં ચમક ચમક ચમકંતા
સાંજ પડે ધીરીરાત ઢળે ત્યાં સપનાં સાથ ભમંતા — અમે નીલ..

ઉષા અરૂણના કુમકુમ પગલે રંગ સુરંગ રચંતા
કાજળ કેરા કેશ કરી કદી મયુરને નચવંતા.. — અમે નીલ..

વસંતની ફુલછાબ બિછાવી
બુલબુલ નાદ સુણંતા
પરાગના અસવાર બનીને ગંધ-સુગંધ વિહરંતા

– પ્રવીણ બક્ષી

ગુજરાત તને અભિનંદન -ભાગ્‍યેશ જહા

સૌને ૨૦૧૦ ના નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. નવુ વર્ષ સૌને માટે (અને આ અમેરિકાની ઇકોનોમી માટે) ખુશીઓ અને સમૃધ્ધિ લાવે એવી પ્રભુપ્રાર્થના… 🙂

અને નવા વર્ષની શરૂઆત કરીએ મેહુલ સુરતીના આ મઝાના ગુજરાતગીત સાથે…!!

સંગીત : મેહુલ સુરતી

સ્વર : પાર્થિવ ગોહિલ

ગુજરાત તને અભિનંદન
ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન.

વેદકાળથી વહે નિરંતર જ્ઞાનભકિતની ધારા,
દશે દિશાઓ રક્ષે દેવો, નરનારી અહીં ન્‍યારા,

તું સોમનાથનું બિલીપત્ર, તું દ્વારકેશનું ચંદન,
અભિનંદન, ગુજરાત તને અભિનંદન.

ધરતીકંપમાં ઉભો રહયો તું, સાવ અડીખમ માણસ,
દુષ્‍કાળોની દારુણ ક્ષણમાં, સતત ધબકતો માણસ
સરળ-સહજ થઇ સંતાડયું તેં આંસુભીનું ક્રંદન
અભિનંદન, ગુજરાત તને અભિનંદન.

કોમ્‍પ્‍યુટરમાં કૃષ્‍ણ નિહાળે,
ગરબે અંબા રમતી
દેશવિદેશ વેબસાઇટમાં
વિસ્‍તરતી ગુજરાતી / ગુજરાતી વિસ્‍તરતી

સમૂહજીવનમાં સૌની સાથે, વ્‍હેંચે કેવાં સ્‍પંદન
અભિનંદન, ગુજરાત તને અભિનંદન.’
સ્‍વર્ણિમ સંકલ્‍પો જાગ્‍યા છે,
જાગી છે મહાજાતિ,
જય જય જય જય જય
બોલે હર ગુજરાતી. દેશ અને દુનિયાને ખૂણે
કરીએ મળીને વંદન

-ભાગ્‍યેશ જહા

ગાતાં ખોવાઇ ગયું ગીત – રમેશ પારેખ

ગઇકાલે ઘણીવાર સુધી એક એવું ગીત શોધતી રહી, જે આજે તમારી સાથે વહેંચી શકું. આજે ૨૦૦૯ નો છેલ્લો દિવસ, હોં ને? આખી દુનિયા જુદી જુદી રીતે ૨૦૦૯નું સરવૈયુ કાઢશે, અને સાથે ૨૦૧૦ને આવકારવાની તૈયારી..!! તો એ રીતે દિવસ થોડો ખાસ તો ખરો ને? પણ ખાસ ગીત જાણે ખોવાઇ ગયું હોય એમ ઘણીવાર શોઘવું પડ્યું.. અને આખરે મળ્યું, ખોવાઇ ગયેલા ગીતનું ગીત..!!

આ પહેલા ગાર્ગી વોરાના સ્વર સાથે માણેલું આ ગીત, આજે પ્રકાશ નાયકના સ્વરાંકનમાં – નીચે કોમેંટમાં કેતનભાઇએ જે ‘પરેશ સ્મૃતિ’ કાર્યક્રમની વાત કરી છે, એવા જ એક ‘પરેશ સ્મૃતિ’ કાર્યક્રમ વખતે રજુ થયેલા ગીતનું લાઇવ રેકોર્ડિંગ.

sunrise

સ્વરાંકન – પ્રકાશ નાયક
સ્વર – રવિન નાયક, પ્રકાશ નાયક અને વૃંદ

.

———-
Posted on October 8th, 2007

સ્વર : ગાર્ગી વોરા
સંગીત : ડો. ભરત પટેલ

.

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

ઘેઘૂર ઉજાગરામાં ઊગે તે રાતને
આથમી ન જાય એમ રાખું
ભીડેલી પાંપણમાં કોણ જાણે કેમ
ફરી ઊઘડે પરોઢ તો ય ઝાંખું

આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

આંગળીની ફૂંકથી ન ઓલવી શકાય
એવા પથ્થરમાં ઝળહળતા દીવા
પાણીથી ફાટફાટ છલકાતાં હોય તો ય
ચીતર્યાં તળાવ કેમ પીવાં

જંગલ તોડીને વહે ધસમસ લીલાશ અને ભીંજે નહીં તરણું યે બીડમાં

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં