ગઇકાલે ઘણીવાર સુધી એક એવું ગીત શોધતી રહી, જે આજે તમારી સાથે વહેંચી શકું. આજે ૨૦૦૯ નો છેલ્લો દિવસ, હોં ને? આખી દુનિયા જુદી જુદી રીતે ૨૦૦૯નું સરવૈયુ કાઢશે, અને સાથે ૨૦૧૦ને આવકારવાની તૈયારી..!! તો એ રીતે દિવસ થોડો ખાસ તો ખરો ને? પણ ખાસ ગીત જાણે ખોવાઇ ગયું હોય એમ ઘણીવાર શોઘવું પડ્યું.. અને આખરે મળ્યું, ખોવાઇ ગયેલા ગીતનું ગીત..!!
આ પહેલા ગાર્ગી વોરાના સ્વર સાથે માણેલું આ ગીત, આજે પ્રકાશ નાયકના સ્વરાંકનમાં – નીચે કોમેંટમાં કેતનભાઇએ જે ‘પરેશ સ્મૃતિ’ કાર્યક્રમની વાત કરી છે, એવા જ એક ‘પરેશ સ્મૃતિ’ કાર્યક્રમ વખતે રજુ થયેલા ગીતનું લાઇવ રેકોર્ડિંગ.
સ્વરાંકન – પ્રકાશ નાયક
સ્વર – રવિન નાયક, પ્રકાશ નાયક અને વૃંદ
.
———-
Posted on October 8th, 2007
સ્વર : ગાર્ગી વોરા
સંગીત : ડો. ભરત પટેલ
.
ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં
ઘેઘૂર ઉજાગરામાં ઊગે તે રાતને
આથમી ન જાય એમ રાખું
ભીડેલી પાંપણમાં કોણ જાણે કેમ
ફરી ઊઘડે પરોઢ તો ય ઝાંખું
આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં
ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં
આંગળીની ફૂંકથી ન ઓલવી શકાય
એવા પથ્થરમાં ઝળહળતા દીવા
પાણીથી ફાટફાટ છલકાતાં હોય તો ય
ચીતર્યાં તળાવ કેમ પીવાં
જંગલ તોડીને વહે ધસમસ લીલાશ અને ભીંજે નહીં તરણું યે બીડમાં
ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં