ટહુકો.કોમના ગાયક વૄંદ – હેતલ બ્રહ્મભટ્ટ, આણલ અંજારિયા, અચલ અંજારિયા અને વિજય ભટ્ટ – સૌ એ જયશ્રી ભક્તાની આગેવાની હેઠળ ફરી એકવાર સુંદર કાર્યક્રમ પીરસ્યો; Los Angeles ના ગુજરાતીઓને ગુજરાતીપણાનું ગૌરવ અપાવ્યું. ૧૩મી જુલાઇની બપોરે સાન ફર્નાન્ડો વેલી ગુજરાતી એસોસિયેશનના ઉપક્રમે ૧૬૦થી વધુ ગુજરાતીઓએ ગુજરાતી ગીત-સંગીત-કવિતા માણ્યા. SFVGA ના શ્રીમતી સુરભીબેન શાહે સૌને આવકાર્યા અને જયશ્રી ભક્તાને કાર્યક્રમનું સંચાલન સોંપ્યું. સળંગ કાર્યક્રમ દરમ્યાન જયશ્રીએ સુંદર કાવ્યપંક્તિઓ દ્રારા રમેશ પારેખ અને અન્ય કવિઓની કવિતાનો શ્રોતાઓને રસાસ્વાદ કરાવ્યો.
આણલે પોતાના તાલિમબધ્ધ અવાજથી સુંદર શ્લોક ગાઇને કાર્યક્રમનો શુભારંભ કર્યો. હેતલે ખૂબજ ભાવપૂર્વક માડી તારુ કંકુ ખર્યું ગીતની કલાત્મક રજૂઆત કરી વાતાવરણને ઊર્જામય બનાવી મા સ્તુતિ રજૂ કરી. આણલે રમેશ પારેખનું મીરાગીત શાસ્ત્રીય રીતે રજુ કરીને ‘આજ મને મોરપિંછના શુકન થયા’ ગાઇને ર.પા.ની મીરાસ્થિતીનો ખ્યાલ આપ્યો. વિજયભાઇએ રમેશ પારેખની ગઝલ ‘લે મારાથી કર શરૂ’ ની રજુઆત રાગ કિરવાણીમાં પોતાની આગવી ઢબે દરેક શેર સમઝાવતા ગાઇને શ્રોતાઓને રમેશ પારેખના ઉંડા માનવતાવાદી અભિગમનો પરિચય કરાવી દાદ મેળવી. ત્યાર બાદ અચલ રમતિયાળ અને પ્રેમસભર રમેશ પારેખનું ગીત – મારી આંખમાં તું – રજૂ કરી પુરુષપ્રધાન પ્રણયગીતની રજૂઆત કરી.
આ દરમ્યાન જયશ્રી બે ગીતોની વચ્ચે ખૂબ જ રસપ્રદ રીતે કવિતાની પંકિત રજૂ કરી બે ગીતોને વણી લેતી હતી. આણલનું છેલાજી રે સૌને જાણીતા ગીત સાથે ગણગણવાનું ખૂબ ગમ્યું. આણલની રજૂઆત ખૂબ જ મનોરંજક હતી. અને તેમાં વળી જયશ્રીની પ્રસ્તાવનાએ શ્રોતાઓને ખૂબ જ રમૂજ પુરી પાડી. ત્યાર બાદ હેતલે તેના તાલિમબધ્ધ અવાજમાં રમેશ પારેખનું ભાવવિભોર પ્રિયતમાનું ગીત – સાંવરિયો – ગાયું. જે શ્રોતાઓએ ભરપૂર તાળીઓથી વધાવી લીધું. વિજય-અચલે – રમેશ પારેખનું રમતિયાલ ગીત – એક છોકરી ન હોય – ગાઇને મસ્તીનું વાતાવરણ ઉભું કરી દીધુ.
હવે વારો હતો રમેશ પારેખની વસંત ગઝલનો. હેતલ-વિજયે ગુલમ્હોર મ્હોર્યા એટલે – ગાઇને યુગલ ગીત-ગઝલ રીતે રજુ કરી. વિજયે આ ગઝલનું સ્વરનિયોજન પોતે કર્યું હતું, અને ખૂબ જ સુંદર રીતે રજુ કરી શ્રોતાઓને ઝુમાવી દીધા, ઉનાળામાં વસંતના ગુલમ્હોર મ્હોરાવી દીધા.
કાર્યક્રમનો બીજો દોર અચલે ‘પંખીડાને આ પીંજરુ‘ ગાઇને શરૂ કર્યો. સૌ ને આ જાણીતા ગીત સાથે ગણગણવાની ખૂબ મઝા આવી. અચલ-આણલે રમેશ પારેખનું ‘એવું કંઇ કરીએ‘ યુગલગીત ગાઇને દાંપત્ય જીવનને કેમ આનંદમય કર્યું તે શીખવ્યું. ત્યારબાદ રમેશ પારેખનું અત્યંત સંવેદનશીલ ‘વૃક્ષસંવનનાર્થીનું ગીત‘ ‘સાવ રે સૂક્કા ઝાડને જોઇ‘ રજૂ કર્યું વિજયે આ ગીતની સમજણ આપતાં ધીમી તરન્નુમની રીતે રસાસ્વાદ કરાવતા રજૂઆત કરી. વિજયે રાગ પહાડી ઉપર આ ગીતનું સ્વરાંકન કર્યું છે તે સમજાવીને રજૂઆત કરી. સુકા વૄક્ષ પ્રેમની વાત સાંભળીને શ્રોતાઓને આંખમાં ઝળઝળિયાં આવી ગયા. આણલે ઓધાજી મારા વ્હાલાને વઢીને કહોજો ની અત્યંત સુંદર ભક્તિમય રજૂઆત કરી શ્રોતાઓના દિલ જીતી લીધા. સુંદર સ્વર ઠરાવ અને પારંપરિક સ્વરનિયોજન શ્રોતાઓને સ્પર્શી ગયું. વિજયભાઇએ જલન માતરીની ગઝલ ‘તકદીર ખુદ ખુદાએ લખી‘ રજૂ કરી જે ખૂબ જ દાદ પામી. વળી પાછા અચલે અવિનાશ વ્યાસની ‘કહું છું જવાનીને‘ ગાઇને શ્રોતાઓને સરી જતી યુવાનીને પકડવા મથતા વ્રૂધ્ધની ઓળખાણ આપી.
ત્યાર બાદ દોર હતો વરસાદી ગીતોનો. આણલ-હેતલે રાગ મલ્હારમાં તાના-રીરીનું ગીત ‘ગરજ ગરજ‘ અત્યંત કલાત્મક અને શાસ્ત્રીય રીતે ગાયું, જાણે મેધરાજા ઉતરી પડ્યા. સૌને ગીતની ઝડપી પરાકાષ્ઠા ખૂબ ગમી. ત્યારબાદ વરસાદનો દોર હેતલે ચાલુ રાખ્યો અને શાસ્ત્રીય રીતે રીમઝીમ ગાઇને તેની ગાયકીની તાલિમનું પ્રદર્શન કર્યું. ત્યાર બાદ સૌએ સાથે મનપાંચમના મેળામાં સમૂહગીત તરીકે રજૂ કર્યું. અને અંતે જાણીતા ગરબા-રાસની શુંખલા રજૂ કરીને સૌને તાનમાં લાવી દીધા કે સૌ શ્રોતાઓ ગરબા-રાસ લેવા લાગ્યા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કી-બોર્ડ અને વાંસળી સાથે ‘અનિસ ચંદાની‘ અને તબલા પર ‘જયપ્રકાશજી’ એ કલાકારોનો ખૂબ જ સરસ સાથ આપીને માહોલને જીવંત રાખ્યું.
અંતે સુરભીબેને સૌનો આભાર માન્યો.