ક્યાં દેખું એ સુંદર મુખ, ક્યાં સનકારો ગળચટો?
આધે આછા હરિરથ ઝળકે તેને તાકું કેવા !
પ્રાણ હોય તો તોડું આ તો હરિપણાંના હેવાં
નહીં સૂરતની, નહીં મૂરતની, આંસુની રમઝટો….
મીરાં કે પ્રભુ, અણસમજુનાં ક્યાં છે એવાં ગજાં ?
કરી મને પાંપણથી ચપટી વગાડવાની સજા
દરિયાએ પોતાના જળને એમ કહ્યું કે ‘ ઘટો ! ‘
હરિએ દઈ દીધો હરિવટો…
ગુજરાતી સુગમ સંગીત સાથે સંકળાયેલા અને ગુજરાતી સુગમ સંગીતને ચાહનાર લોકોના હૃદય જે કલાકાર બેલડીનું નામ લેતા જ પ્રેમ, આદર અને અહોભાવથી છલકાઈ જાય એ સ્વર-યુગલ એટલે સ્વરસ્થ શ્રી રાસબિહારી દેસાઈ અને શ્રીમતી વિભા દેસાઈ. શ્રી રાસબિહારી દેસાઈને સહુ ” રાસભાઈ ” કહીને જ બોલાવે. રાસભાઈ અને વિભાબેન નાં ગીત સંભાળતા જ એક અલગ દુનિયામાં ખોવાઈ જવાય.
આ સ્વર-બેલડી દ્વારા રચાયેલા અને રજુ થયેલા સંગીતના શ્રવણથી જૂની પેઢીના સંસ્મરણો તાજા થાય અને નવી પેઢી ને ખુબ બધું શીખવા મળે એ હેતુથી એક યુટ્યુબ ચેનલ શરુ કરવાનો વિચાર સ્ફૂર્યો અને એનું નામ પડ્યું બિલીપ્રત્ર!
ગુજરાતી સંગીતની જણસ સમા, લગભગ ક્યાંય સાંભળવા ન મળે એવા આ ગીતો માટે જયારે મેં વિભાબેનને પૂછ્યું, કે “હું આ ગીતો ટહુકો પર મૂકું?” વિભાબેનનો બસ આટલો જ ટૂંકો અને પ્રેમાળ જવાબ: “ચોક્કસ. સારાં સંગીતની લહાણી થાય એમાં તો આનંદ જ હોય ને?”
આજે ૨૩ જુન… મુરબ્બી રાસભાઈનો જન્મદિન….ટહુકો પર આ અલભ્ય ગીતોની શ્રેણીનો આરંભ કરવા માટે આનાથી રૂડો બીજો કયો અવસર હોય?!… તો આ સ્વર-યુગલના કંઠે ગવાયેલ અવિનાશ વ્યાસની એક ખુબ જ સુંદર રચનાથી અઠવાડિક શ્રેણીની શુભારંભ કરીયે –
રચના : અવિનાશ વ્યાસ
સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર : રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ
ભરી દે ભરી દે ભરી દે
કોઈ ભિક્ષુકની ઝોળી ભગવંત…
જીવ તો તારું એક રમકડું
નિમિત્ત બને છે રૂડું ભૂંડું
આશિષનું એક અમૃત બિંદુ
ઝરી દે ઝરી દે ઝરી દે…
તું તરણાની ઓથે ડુંગર
તું છું સત્યમ્ શિવં સુન્દરમ્
મધ્ય મહેરામણ કોઈની હોડી
ડૂબતી પાર કરી દે…
(‘વાત તારી ને મારી છે’ મ્યુઝિક આલબમમાંથી પ્રસ્તુતિ ક્રમાંક-૨.)
નોંધ: દર અઠવાડિયે સોમવારે ઓડિયો આલબમમાંથી એક નવું સ્વરાંકન બ્લોગમાં મુકાશે. આ રીતે સુગમ સંગીતના કુલ ૯ ગીત-ગઝલની પ્રસ્તુતિ અહીં થશે.)
ધીમું ધીમું રે કોઈ જંતર વાગે ને
વિના વેણ કોઈ સંભળાય ગાણું
મધરાતે મન એના સૂરમાં પરોવ્યું
એને સાંભળી રોકાઈ ગયું વ્હાણું
જરા હળવે આ ચાંદનીના ફોરાં વાગે
આભથી પનોતાં કોઈ પગલાં પાડે ને
પછી ધરતીનું હૈયું મ્હેક મ્હેક
ભીનાં તરણાંનું બીન સાંભળું ત્યાં
અજવાળું પાથરે છે મોરલાની ગ્હેક
હજી કળીઓ સૂતી’તી, હવે ફૂલો જાગે
આ ગઝલના શબ્દો અને સંગીત ભલે પહેલીવાર સાંભળતા હોવ, પણ ખાસ તો મત્લા અને આ સ્વરાંકન જાણીતા અને પોતીકા લાગે છે – જાણે કે આ શબ્દોને જ સાકાર કરતા હોય – વાત તારી મારી છે!
વિશ્વ સંગીત દિવસે આપણું આંગણું બ્લોગ તરફથી આ વિશ્વના આંગણે ધરાયેલી ભેટ છે – આપ સૌ ને પણ એ એટલી જ પોતાની લાગશે એ આશા છે.
(‘વાત તારી ને મારી છે’ મ્યુઝિક આલબમમાંથી પ્રસ્તુતિ-૧.)
નોંધ: દર અઠવાડિયે સોમવારે ઓડિયો આલબમમાંથી એક નવું સ્વરાંકન બ્લોગમાં મુકાશે. આ રીતે સુગમ સંગીતના કુલ ૯ ગીત-ગઝલની પ્રસ્તુતિ અહીં થશે.)
Apple Music Link:
https://apple.co/3xxlwC4
——————–
ગઝલ:
શબ્દની પાલખી મેં એટલે શણગારી છે
છે ગઝલ ને તે છતાં વાત તારી-મારી છે
તું કહે તો વન મહીં ને તું કહે તો મન મહીં
જ્યાં કહે ત્યાં આવવાની આપણી તૈયારી છે
ચંદ્ર થઈ ઊગ્યો છે તું બેઠી છું હું ચાતક બની
એક એવી કલ્પના મેં તારા વિશે ધારી છે
જ્યારે એને ખોલું છું કે તું તરત દેખાય છે
મારા ઘરમાં ખૂબ અંગત એક એવી બારી છે
ભગ્ન દીવો યાદનો પેટાવીને મૂક્યો છે મેં
ત્યાં જ એનું આવવું, ઘટના ઘણી અણધારી છે