Category Archives: ભાવના દેસાઈ

દીપ જલે જો ભીતર સાજન – દેવિકા ધ્રુવ

ગીત : દેવિકા ધ્રુવ
સ્વર અને સ્વરાંકન : ભાવના દેસાઈ
આલબમ : સ્વરાંજલિ

દીપ જલે જો ભીતર સાજન,
રોજ દિવાળી આંગન.
કાચું કોડિયું વાત આ જાણે,
પરમ પુનિત ને પાવન.

મન – બરતનને માંજી દઈએ,
દર્પણ સમ દિલ ભાવન.
પછી ખીલે જો ભીતર સાજન,
રોજ દિવાળી આંગન.

નાની અમથી સમજી લઈએ,
ક્ષણની આવનજાવન.
આસોની અજવાળી અમાસે,
ઝગમગ દીપ સુહાવન.

ૐકારના ગીતો ધરીએ,
સૂરીલી વાગે ઝાલર,
અખંડ જ્યોતે ઝળહળ સૌને,
વંદન સહ અભિનંદન;
અભિનંદન, અભિનંદન.
– દેવિકા ધ્રુવ

લખ રે જોજન કેરા – અવિનાશ વ્યાસ

આ સુંદર માતાજીની

ગીત સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : ભાવના દેસાઈ
આલબમ : સ્વરાંજલિ

લખ રે જોજન કેરા આકાશી ગોખલે,
માડી તારો દીવડો જલે.
એનાં રે અજવાળાં જગમાં ઢળે;
માડી તારો દીવડો જલે.

ઝૂલે રે વિરાટ હિંડોળા ખાટ,
રાતડીએ પાથરી તેજની બિછાત;
કોણ રે કળ્યું એ કળે,
માડી તારો દીવડો જલે.

નીલાંબરી અંબર તારાઓના ઝૂલે ઝુમ્મર,
જગદંબા ગરબે ઘૂમે અવનિને ઉંબર;
જગનાં તિમિર તો ટળે,
માડી તારો દીવડો જલે.

વાઘને વાહન વિરજી વાઘેશ્વરી,
રંગતાળી દઈ ઘૂમે રંગમાં રાસેશ્વરી;
ભક્તોની ભક્તિ ફળે.
– અવિનાશ વ્યાસ

અણધારી આ હલચલ થઈ ગઈ – દેવિકા ધ્રુવ

કવિયત્રી : દેવિકા ધ્રુવ
સ્વરકાર અને સ્વર: ભાવના દેસાઈ
આલબમ : સ્વરાંજલિ

અણધારી આ હલચલ થઈ ગઈ.
અંદર ઉથલપાથલ થઈ ગઈ.

નાની શી ચિનગારી સળગી,
ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ.

ધૂમ્મસનો વિસ્તાર હટ્યો ને,
કાજલ દુનિયા ફાજલ થઈ ગઈ.

વયનો પડદો હાલ્યો ત્યાં તો,
સમજણ આખીસળવળ થઈ ગઈ.

શીતલ વાયુ સ્હેજ જ સ્પર્શ્યો,
પાંખડી મનની શતદલ થઈ ગઈ.

કોણે જાણ્યું ક્યાંથી આવી,
બૂંદો પલભર ઝાકળ થઈ ગઈ.

સુરભિત મુખરિત શ્વાસે શ્વાસે,
આરત ફૂલની ઉજ્જવળ થઈ ગઈ.
– દેવિકા ધ્રુવ

ગોકુળ વ્લેહેરા પધારજો રે – નરસિંહ મહેતા

સ્વરકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: ભાવના દેસાઈ

.

ગોકુળ વ્લેહેરા પધારજો રે.
હે મથુરા રે જાઓ તો મારા સમ
હો મારા લાલ, કે ગોકુળ વ્હેલેરા પધારજો

રથ જોડીને અક્રુર આવિયા
હે મને દુ:ખડિયાનો દેનાર
હો મારા લાલ કે ગોકુળ વ્હેલેરા પધારજો

ઓ જાય(૨) રથ રે મારા નાથનો રે લોલ
હે માંહે બેઠા હળધરવીર લાલ
હો મારા લાલ કે ગોકુળ વ્હેલેરા પધારજો

આગળ રાધાજી ઉભાં રહ્યાં ને
મારા હ્રુદિયા પર રથ હાંકો લાલ
મહેતા નરસૈંનો સ્વામી શામળાને
વ્હાલે રમાડ્યા રાસ રે
મ્હારે વ્હાલે રમાડ્યા રાસ રે
– નરસિંહ મહેતા

કલમને કરતાલે – દેવિકા ધ્રુવ

સ્વરકાર અને સ્વર : ભાવના દેસાઈ

.

લો, અમે તો ચાલ્યાં પાછાં કલમને કરતાલે…!

રોમરોમ શરણાઈ વાગે, કલરવ ડાળે ડાળે,
મઘમઘ રંગ સુગંધ બનીને, મહેકે મનને માળે,
ટમટમ ટમકે અક્ષર જાણે નભને તારે-તારે,
લો, અમે તો ચાલ્યાં પાછાં શબ્દને સથવારે…..!

મબલક અઢળક ઘેરી- ઘેરી, વરસ્યાં નવલખ ધારે,
વાંકા કાંઠા તોડી દોડ્યા, ઉરસાગરને નાદે,
તટના ત્યાગી નામ પછી તો, ઉડાન પાંખે-પાંખે,
લો, અમે તો ચાલ્યાં પાછાં અક્ષરને અજવાળે….!

હળવે-હળવે જીવને શિવનો અર્થ પરમ અહીં જાગે,
જુઠ્ઠા જગનો કાજળ-કાળો અહં ભરમ સહુ ભાગે,
સચરાચરનો પાર પમાડે, શબ્દ-બ્રહ્મની પાળે….
લો, અમે તો ચાલ્યાં પાછાં કલમને કરતાલે….!
– દેવિકા ધ્રુવ

મારે વર તો – મીરાંબાઈ

સ્વરકાર: પૌરવી દેસાઈ
સ્વર: ભાવના દેસાઈ

.

મારે વર તો વિઠ્ઠલને વરવું છે,
બીજાને મારે શું કરવું છે,
મારે વર તો વિઠ્ઠલને વરવું છે.

નંદના કુંવર સાથે નેડલો બંધાણો,
ધ્યાન ધણીનું મારે ધરવું છે….બીજાને મારે..

અવર પુરુષની મારે આશ ન ધરવી,
છેડલો ઝાલીને મારે ફરવું છે….બીજાને મારે….

બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર,
રાસમંડળમાં મારે રમવું છે…. બીજાને મારે….

-મીરાબાઈ