Category Archives: કવિઓ

દીકરીને – યોસેફ મેકવાન

જન્મી અમારે ઘર આંગણે તું
દોડે ધમાલો કરી, ધીમું ચાલે;

ને હાસ્યથી ખંજન થાય ગાલે
જોઉં અરે શૈશવ મારું છે તું!

તારા રૂપાળા કરથી તું મારું
ચિબૂક કેવું પસવારે વ્હાલે,

ને અંગૂલિથી કદી નાક ઝાલે,
મારુંય હૈયું બનતું સુંવાળું!

તને પરાયું ધન હું ન માનું
તું લૂણ છે આ ધરતીનું જાણું.

અનાદિથી તું રહી પ્રાણપોષી
બ્રહ્માંડની તું ધરી, સૂક્ષ્મકોષી.

તું પ્રકૃતિનું જીવતું પ્રતીક
ને સંસ્કૃતિનું ધબકંત ગીત!

કસમ દીધા છે મને જ્યારથી – મેઘબિંદુ

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

કસમ દીધા છે મને જ્યારથી રહ્યો ત્યારથી ચૂપ
સાચું કહું છું મને ગમે છે તારું સુંદર રૂપ
કસમ દીધા છે……..

બંધ કરું જો આંખો તોયે તું જ મને દેખાતી
મીઠી-મીઠી યાદોની સુગંધ મને વીંટળાતી
મળું તને હું તુજમાં ત્યારે થઇ જતો કદરૂપ
કસમ દીધા છે…….

પનઘટ પરથી સંકેતોની હેલ ભરી તું આવે
સ્મિત તણાં એ જળથી મારા જીવતરને ભીંજાવે
મળ્યું મને ના જોવા કોઇ દિ કોઇનું એવું રૂપ
કસમ દીધા છે…..

કા’નને સંદેશ – ભાગ્યેશ જહા


કા’ન તમે જન્મો તો કહેવું છે કાનમાં,
મેં સદીઓ પીધી છે, તેં દુનિયા દીધી છે, હવે બોલવું છે થોડું બેભાનમાં.

બહેરાની ના’ત બધી બેઠી બઝારમાં,
ને કહે છે કે હળવેથી બોલો,
કૌતુક જોઇને કીધુ રાધાએ કાનમાં
કે મૌનનું મકાન તમે ખોલો,

શબ્દો તો તાણી ગયા જાણીતા ત્રાસવાદી, સમજો તો સમજાવું કાનમાં,
કા’ન તમે જન્મો તો કહેવું છે કાનમાં.

પંખીના ટહૂકાથી દોરેલી રેખાઓ
પ્રગટાવે થાકેલી પાંખો,
આંસુને લૂછીને આંગળી હટાવું
ને જોવું તો ગોપીની આંખો,

ઉડ્વાનુ, ગાવાનું, મસ્તીમાં રમવાનું, કેટલું સમાવું હવે મ્યાનમાં,
કા’ન તમે જન્મો તો કહેવું છે કાનમાં.

ભાગ્યેશ જહા
ગાંધીનગર

મને રેતીમાંથી રતન જડ્યા – ડો. દિનેશ શાહ

આજે ૫ મી સપ્ટેમ્બર.. શિક્ષકોનો દિવસ..! અને મધર ટેરેસાની પુણ્યતિથી પણ આજે..! એક વિશ્વવિખ્યાત શિક્ષક જેણે શિક્ષક દિનને દિવસે વિદાય લીધી..!

ગઇ કાલે જે ગીત સંભળ્યાવ્યું – પરથમ પરણામ મારા – રામનારાયણ પાઠક ‘શેષ’ એમાં ત્રીજી કડી યાદ છે?

ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે
જડ્યાં કે ન જડિયા, તોયે સાચા જી;

અને વાત તો સાચી જ ને… જાણ્યે – અજાણ્યે કેટકેટલાય લોકો આપણને ડગલે ને પગલે કેટલું બધું શિખવાડતા હોય છે..! એ બધા જ કંઇક અંશે તો શિક્ષક – ગુરુ જ થયા ને? ઘણીવાર લોકો બીજું કંઇ નહીં તો એટલું શિખવાડતા હોય છે કે એમના જેવા લોકો સાથે પનારો પડે તો શું કરવું 🙂 .

આજે જે ગીત લઇએ આવી છું, એ ઘણી બધી રીતે ઘણું જ સ્પેશિયલ છે..!

સૌપ્રથમ તો.. ગીતનો ભાવ.. અમેરિકામાં વસતા અને અમેરિકાની યુનિવર્સિટીમાં ભણાવતા આ ગુજરાતી શિક્ષકે દુનિયાના ખૂણે ખૂણેથી આવેલા ચુનંદા વિદ્યાર્થીઓને શિખવાડવામાં.. પોતાને પાસે છે એમને વહેંચવામાં જીવન પસાર કર્યું છે, અને આ ગીત પણ એમણે પોતાના વિદ્યાર્થીઓને માટેની પોતાની લાગણી દર્શાવીને એમને અર્પણ કર્યું છે.

અને સંગીત આપ્યું છે ઉદય મઝુમદારે.. વારંવાર સાંભળ્યા જ કરીએ એવો મઝાનો લય, અને કર્ણાટકના ગાયક ‘વિજય પ્રકાશ’ જે પેલા દુનિયાભરમાં ગુંજેલા ગીત ‘જય હો’ ને લીધે હવે તો ઘણા જ જાણીતા છે, એમણે ઉદયભાઇના સંગીતને પૂરેપૂરો ન્યાય આપ્યો છે. એમના હાવભાવ, અને જે મસ્તીથી એ ગીત એમણે રજૂ કર્યું છે – સાંભળનારનું હૈયુ ચોક્કસ ડોલી ઉઠે..!!

અને હા.. ગીતની પ્રસ્તાવના લઇને આવનાર છે વ્હાલા કવિ મુકેશ જોષી..!!

ખોળ્યાં મેં અવનિ આભ ઘણાં
કીધાં મેં સાગર પાર ઘણાં
ધીખતા રણ આ કોણે ઘડ્યાં
મને રેતીમાંથી રતન જડ્યાં

દેશ વિદેશ કે પંથ તણાં
એને ભેદ નથી કોઇ ઘર્મ તણાં
હીરા કઠિન આ વજ્ર સમા
મને રેતીમાંથી રતન જડ્યાં

ઝબક્યા હીરા અંધાર ઘણાં
એક દીપક પણ પ્રતિબિંબ ઘણાં
એક જ્યોતમાં લાખ દીવા મેં દીઠાં
મને રેતીમાંથી રતન જડ્યાં

વર્ષગાંઠ મુબારક હો, જયશ્રી !

ટહુકો ડૉટ કોમ પર સૂરજની બાંગ પુકારતા કૂકડા જેટલી નિયમિતતાથી સવારે સાડા છના સુમારે ક્યારેક શબ્દ તો ક્યારે શબ્દ સાથે સૂર પીરસતી જયશ્રી પટેલ (ભક્ત)નો આજે જન્મદિવસ છે… અમારી આ વહાલી મિત્રને મારા, ઊર્મિ અને ધવલના પરિવાર તરફથી અને ટહુકો.કોમ તથા ઊર્મિસાગર.કોમના વાચકમિત્રો તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ…

शतम् जीवम् शरदः |

jayudi2

જે ગાલિબે કદી માંગી, દુઆ હું એ જ માંગું છું,
હું એની બંદગીમાં મારી ઇચ્છા પણ ઉમેરું છું;
ભલે ઇચ્છા હજારો હો, ભલે નીકળે બધી પર દમ,
ફળીભૂત થાય એ સઘળી, હું એથી કંઈ ન માંગું કમ.

હજારો વર્ષ તું જીવે, હજારો દિન હો વર્ષોના,
હજારો પળ હો દિવસની અને હર પળ હો મંગળમય;
હજારો ગીત ટહુકો ડૉટ કોમે હોય, ને જયશ્રી !
એ સઘળા ગીતમાં તારી પ્રસિદ્ધિનો જ ગુંજે લય !!

– વિવેક
(૦૪-૦૯-૨૦૦૯, મળસ્કે ૨:૪૫ વાગ્યે)

… અને મારી એક ગઝલ મારા જ અવાજમાં જયશ્રીને ભેટ સ્વરૂપે:

જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.

શું તારા સ્પર્શથી એને થતી નથી તૃપ્તિ?
ન હોય તું જો કને, તારી યાદને અડકે.

ઊગી છે પાણીમાં તું આ કિંવા કમળ થઈને,
હશેને કૈંક તો એવું કે જે તને અડકે ?!

દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે. *

સતત હૃદય, બધા કોષો અને મગજને અડે,
વિચાર લોહી જેવો છે, દરેકને અડકે.

ઘડી ઘડી તને લેવો પડે, શી મજબૂરી !
હે શબ્દ ! શ્વાસ થઈ શાને તું મને અડકે ?

-વિવેક મનહર ટેલર

* જો એ દસ આંકડાઓ સ્પીડ-ડાયલમાં સેવ કરી દીધા હોય તો આજકાલ તો માત્ર એક-બે આંકડા દબાવવાથી જ કામ થઈ જાય છે… એટલે કવિશ્રી, એટલો દમ તો તમારે આંગળામાં રાખવો જ જોઈએ હોં, બરાબર ને જયશ્રી?! 🙂 -ઊર્મિ

દશા અને દિશા – વેણીભાઈ પુરોહિત

દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ,
નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ.

દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રુજનારાઓ !
કહી દો   એમને  કે,  હે દશાના  પૂજનારાઓ !

દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી,
સડકને  ખૂંદનારાને  સડક  ઝાલી નથી શકતી.

– વેણીભાઈ પુરોહિત

અમને ખબર નઇ – ડૉ. ગોપાલ શાસ્ત્રી

આજે એક મસ્ત મઝાનું નખરાળું ગીત..! ગામના કોઇ છોકરા-છોકરીની આંખો મળે, અને આખા ગામને ઓળખતા એ બન્ને એ વાત છુપાવાની કોશિશ તો કરે જ ને..! પણ મરીઝ કહે છે ને –

એકાદ હો તો એને છૂપાવી શકું ‘મરીઝ’
આ પ્રેમ છે ને એનાં પુરાવા હજાર છે.

એમ છાની-છપની વાત ગામમા વહેતી તો થઇ જ જાય… અને પછી ઉઠતા સવાલોમાંથી બચવાનો કેટલો સરળ રસ્તો કવિએ અહી શોધી આપ્યો…

સ્વર : અચલ મહેતા – દેવાંગી જાડેજા
સંગીત : અચલ મહેતા

( કો’ક પૂછે તો એમ કહેવું કે…. Photo : DollsofIndia.com)

છાની છપની વાત અજાણી ગામમાં વહેતી થઇ
કો’ક પૂછે તો એમ કહેવું કે અમને ખબર નઇ

આથમતી આ સાંજની સાથે આવતી તને જોઇ
વાયરાની જેમ દોટ મેલી તો ક્યાંક ન દીઠું કોઇ
ત્યાં અચાનક મારા કાનમાં મારા ટહુકા કરતું કોઇ
કો’ક પૂછે તો એમ કહેવું કે અમને ખબર નઇ

સાવ સૂની આ સીમમાં તને દેખતાં ફૂટ્યું ગીત
આંખમાં માઝમ રાતના શમણા રેલાવે સંગીત
ક્યાં લગ નજરુથી મળવાનું સાવ અજાણ્યા થઇ
કો’ક પૂછે તો એમ કહેવું કે અમને ખબર નઇ

– ડૉ. ગોપાલ શાસ્ત્રી

ક્યાં જશે ? – દિલીપ મોદી

મોરને છોડીને ટહુકા ક્યાં જશે ?
આ ધરાથી દૂર દરિયા ક્યાં જશે ?

શ્વાસના સામીપ્યમાં તો કૈંક છે.
શબ્દથી અકબંધ રેખા ક્યાં જશે ?

ક્ષુબ્ધ ઘટના ચોતરફથી ઘૂઘવે,
હાથમાં મેંદીની છાયા ક્યાં જશે ?

હું પરિચિત ભીંતમાં ડૂબી શકું,
ભાગ્યના ખંડેર પડઘા ક્યાં જશે ?

લ્યો, હકીકત ધૂળમાં છુપાઈ ગઈ,
પારદર્શક શ્વેત પગલાં ક્યાં જશે ?

– દિલીપ મોદી

પાટીમાં ઘૂંટેલા દિવસો – અંકિત ત્રિવેદી

પાટીમાં ઘૂંટેલા દિવસો યાદ કરતાં સમય કરે છે છણકો
બાળપણના એ દિવસોને સ્હેજ અડું ત્યાં થાતો મોટો ભડકો

લીટાવાળી દીવાલો પર લટકે આખું બચપણ થઇને ફોટો
વા થયેલા પગને હજુયે વિતી ગયેલી પળમાં મૂકવી દોટો

દૂરબીનમાં જોયેલા દ્રશ્યો ચશ્માં થઇને આંખો સામે ઝૂકે
હાલરડામાં ઓગળતી રાતોનું સપનું આવે ભૂલેચૂકે

દિવસો વિતતા ચાલ્યા એમ જ વધતી ચાલી નેઇમપ્લેટની ઉંમર
ઘર-ઓફિસના રસ્તા વચ્ચે પગની ઠોકર ખાતો રહેતો ઉંબર

જન્મદિવસ તો યાદ ને સુધ્ધાં યાદ રહે છે એ દિવસનો તડકો
યાદ નથી કે કઇ તારીખે ભૂલી જવાયું રમતાં અડકો દડકો…

– અંકિત ત્રિવેદી

આભમાં – મણિલાલ દેસાઈ

આ ગીત વિશે ધવલભાઈનું કહેવું છે કે–
આ ગીત કાનથી વાંચવાનું ગીત છે. ગીતનો લય એટલો સશક્ત છે કે તમને પરાણે તાણી ન લે તો જ નવાઈ. મારી તો તમને આ ગીત સમજવાની જરાય કોશિષ કર્યા વિના બે-ચાર વાર મોટેથી વાંચવાની વિનંતી છે – લયવમળમાં તમે ન ખેંચાઈ જાવ તો કહેજો ! ગીતમાં સહજ પ્રકૃતિવર્ણન છે… પણ કેટલું મીઠું અને મોહક લાગે છે – એ કવિની હથોટી દર્શાવે છે.

તો મિત્રો, આજે આપણે કાનથી જ આ ગીતને વાંચીએ… 🙂

આભમાં કોયલ કીર કબૂતર ઊડે:
ઝાડ જમીને
નભના નીલા રંગમાં ઘડીક તરતાં ઘડીક બૂડે.

જલની જાજમ પાથરી તળાવ
ક્યારનું જોતું વાટ:
કોઈ ના ફરક્યું કાબરકૂબર
સાવ રે સૂના ઘાટ !
એય અચાનક મલકી ઊઠ્યું ચાંચ બોળી જ્યાં સૂડે.

વાત કે’વાને થડના કાનમાં
ડાળ જ્યાં જરાક ઝૂકી,
તોફાની પેલી ચકવાટોળી
ચટાક દઈને ઊડી.
પવન મધુર સૂરથી ગુંજે વાંસળી વન રૂડે !

– મણિલાલ દેસાઈ

(સાભાર લયસ્તરો પરથી…)