Category Archives: ટહુકો

ઝનનન ઝાંઝર બોલે રે – લાલજી કાનપરિયા (ક્ષેમુદાદાનું છેલ્લું સ્વરાંકન)

આજે ૩૦ જુલાઇ – આપણા મુર્ધન્ય સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટીઆની પૂણ્યતિથિ. તો આપણા સૌ ગુજરાતીઓ તરફથી એમને શ્રધ્ધાંજલી સાથે આજે માણીએ એક એવું ગીત – જે એમણે ગુજરાતી સુગમસંગીતની શાસ્ત્રીયસંગીતને અંજલિ તરીકે બનાવ્યું છે. સાંભળીએ આ ગીત અમરભાઇ પાસે – અને સાથે અમરભાઇના જ શબ્દોમાં થોડી વાતો આ સ્વરાંકન વિષે (ગીતના શબ્દોની નીચે).

સ્વર – અમર ભટ્ટ
સ્વરાંકન – ક્ષેમુ દિવેટીઆ

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં આણલ અંજારિયાના સ્વરમાં સાંભળો

ઝનનન ઝાંઝર બોલે રે,
ભેદ ભીતરના ખોલે રે

મન મસ્તાનું થઈને ઝૂલે પવન્નનાં પારણીયે જી,
મોતી શું મલકાતું આવે કોઈ હવે બારણિયે જી
વળે છે નજરો ટોળે રે

ફૂલો આગળ ભમરો છેડે ફળિયે ગુન ગુન રાગ જી,
સંતો વચાળે હરતો ફરતો મઘમઘતો એક બાગ જી,
ચડે છે જીવડો ઝોલે રે

ઘડીક ઘરની અંદર ઘડીમાં બહાર ફરતાં પગલાં જી,
ફૂલો જેવાં ઊગી નીકળે અવસર ઢગલે ઢગલા જી,
અત્તરિયા દરિયા ડોલે રે

– લાલજી કાનપરિયા

ક્ષેમુભાઇનું આ છેલ્લું સ્વરાંકન સુગમ સંગીતની શાસ્ત્રીય સંગીતને અંજલિ છે. સ્થાયી રાગ છાયાનટની ઉસ્તાદ ફેયાઝ ખાનસાહેબે ગાયેલી બંદિશ -ઝનનન બાજે બીછુઆ – પર આધારિત છે.

પ્રથમ અંતરાની પ્રથમ પંક્તિ સૂરશ્રી કેસરબાઈ કેરકરના ગાયેલા રાગ નટકામોદની બંદિશ- નેવર બાજો- પર આધારિત છે. બીજા અંતરાની પ્રથમ પંક્તિ પંડિત ઓમકારનાથજીના ગાયેલા રાગ નીલામ્બરીની બંદિશ- હે મિતવા- પરથી એમણે બાંધી છે અને છેલ્લા અંતરાની પ્રથમ પંક્તિમાં પંડિત રવિશંકરના રાગ પરમેશ્વરીનો આધાર છે. શાસ્ત્રીય સંગીતથી આપણને સમૃદ્ધ કરનાર સૌ દિગ્ગજ કલાકારોને ક્શેમુભાઈની સલામ આ સ્વરાંકનમાં છે, જે જન્મતું જોવાનો ને પ્રથમ વાર ગાવાનો લ્હાવો મને મળ્યો એ મારું સદનસીબ!
– અમર ભટ્ટ

બહુ એ ના કહી દિલને છતાં મહોબ્બત કરી બેઠું – અવિનાશ વ્યાસ

થોડા દિવસ પહેલા જ જુલાઇ ૨૧ ગઇ- એ દિવસ એટલે ઉમાશંકર જોષી અને અવિનાશ વ્યાસની જન્મતિથિ. એકે શબ્દબ્ર્હમની ઉપાસના કરી અને બીજાએ નાદબ્ર્હમની..!! તો આજે અવિનાશ વ્યાસને ફરી એકવાર યાદ કરી શ્રધ્ધાંજલી આપીએ..!!

સ્વરાંકન : અવિનાશ વ્યાસ
સ્વર : આનંદકુમાર સી.

આકાશમાં સુરાહી કોઈના હાથથી ઢોળાઈ ગઈ
ને આભની ધરતી બધી મદીરા થકી છલકાઈ ગાઈ

પકડી ક્ષીતીજની કોરને સુરજ ઊગ્યો ચકચુર થઈ
રજની બિચારી શું કરે ચાલી ગઈ મજબુર થઈ

એ ચાલી ગયેલી રાત આવી મહેબુબાના દ્વાર પર
જ્યારે મહેબુબાની આંગળી રમતી હતી સિતાર પર

એ રાત ને એ મહેબુબા બેસી ગયા મહેફિલ ભરી
બંને મળીને પી ગયા કોઈની સુરાહી દિલ ભરી

એ મહેબુબા ચક્ચુર છે ને રાત પણ ચકચુર છે
પણ દિલ નથી આ દિલ માં બાકી બધું ભરપુર છે

બહુ એ ના કહી દિલને છતાં મહોબ્બત કરી બેઠું
અરે કમબખ્ત મારી રહી સહી ઈજ્જત હરી બેઠું

પુછ્યું મે આ કર્યું તેં શું મને અણજાણ રાખી ને
તો કહે જુઠું હતું તે સહેજ માં હકિકત બની બેઠું

રહું હું એને જોઈ ને તો એ કોઈને જોઈ ઝુંરતું
જરી જોવા ગયો રૂપને તો ઝટ ઘુંઘટ ધરી બેઠું

કહ્યું મ્હેં મન ભ્રમર ને ઊડ નહીં તું એ ચમન ઊપર
રુંધે જે પ્રાણ એનીજ એ જઈ ખિદમત કરી બેઠું

બહુ એ ના કહી દિલને છતાં મહોબ્બત કરી બેઠું

– અવિનાશ વ્યાસ

માનવીના હૈયાને નંદવામાં વાર શી – ઉમાશંકર જોશી

૨૧ જુલાઇ, વ્હાલા કવિ-સંગીતકાર શ્રી અવિનાશ વ્યાસનો અને કવિ શ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ..!

સ્વર – નિરુપમા શેઠ
સંગીત – અજીત શેઠ

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને

અધ બોલ્યા બોલડે
થોડે અબોલડે

પોચા શા હૈયાને પીંજવામાં વાર શી
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને

સ્મિતની જ્યાં વીજળી
જરી શી ફરી વળી

એના એ હૈયાને રંજવામાં વાર શી
એવા તે હૈયાને નંદવામાં વાર શી

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને

– ઉમાશંકર જોશી

તું સપનામાં પણ late કરે છે – અંકિત ત્રિવેદી

આ પહેલા ૨૦૦૭ માં ફક્ત શબ્દો સાથે ટહુકો પર મુકેલું આ ગીત – આજે પાર્થિવ ગોહિલના સ્વર-સંગીત સાથે ફરી એકવાર..! શબ્દો એવા મઝાના છે, કે વારંવાર મમળાવવા ગમશે. અને અહીં જે બીજી કળી લખી છે, એના કરતા પાર્થિવભાઇએ કંઇક અલગ શબ્દો ગીતમાં લીધા છે. અંકિતભાઇ બસ થોડા દિવસમાં અહીં બે એરિયા આવવાના જ છે, ત્યારે પૂછી લઇશ એમને 🙂

સ્વર-સંગીત = પાર્થિવ ગોહિલ


*******************

Posted on Oct 26, 2007

chhokaro.jpg

એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે

આગળ પાછળ તારી એ
આખો દી ફરતો રાઉન્ડ રે…
એના આખા જીવનનું તું
લાગે છે કમ્પાઉન્ડ રે…

ક્યારેક આવી ખોલે છે તું…
કાચી ઊંઘે એક છોકરો રોમરોમનો gate કરે છે

ધીમે ધીમે પડશે સમજણ
કેવી છે આ થીમ
ધોધમાર તો પછી વરસવું
પહેલા તો રીમઝીમ…

તારા માટે તડપે છે એ…
નાહકનો એને તું who is that કરે છે
એવી કેવી મોંઘેરી તું…

પેલા ખેતર કેરે શેઢે (પાવા) – પ્રહલાદ પારેખ

સ્વર – સ્વાતિ પાઠક અને કોરસ
સંગીત સંચાલન – ચિંતન પંડ્યા
વાદ્ય વ્રુંદ – ક્ર્મવીર મહેતા (તબલા), જયદીપ શાહ (કી બોર્ડ). અભિજીત ગોહિલ (સાઇડ રીથમ)

પેલા ખેતર કેરે શેઢે રે,
ખેતર કેરા શેઢે કોઈ પાવા બજવતું જાય;
એના સૂર કેરી તાણે રે,
સૂર કેરી તાણે એક મનડું તણાય.

પેલા શ્રાવણને સરવડે રે,
શ્રાવણને સરવડે મોલ ડોલી જાય;
એવા સૂર કેરે ફોરે રે,
સૂર કેરે ફોરે એક દિલ કૉળી જાય!

જેવું સીમ કેરી કાયે રે,
સીમ કેરી કાયે તેજ સોનેરી સોહાય,
એવું એક મન માહેં રે,
એક મન માંહે સુખ સૂરનું છવાય.

આવી મેહુલે બનાવી રે,
મેહુલે બનાવી જેવી ભૂમિ હરિયાળી;
એવી દિલ કેરી ભોમે રે,
દિલ કેરી ભોમે સૂરે શોભા જનમાવી.

અલ્યા, પૂછું હું, અજાણ્યા રે,
પૂછું હું, અજાણ્યા, મેં જે ગીત ગાયાં છાનાં,
એ તો કેમ કરીને આજે રે,
કેમ કરીને આજે તારા પાવામાં ઝીલાણાં?

– પ્રહલાદ પારેખ

રવીન્દ્ર ગુર્જરી – રવીન્દ્ર સંગીતની ગુજરાતીમાં રજૂઆત

Ravindra Gurjari

Bay Area, California માટે ગૌરવની વાત છે કે કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરને ગુજરાત તરફથી શ્રધ્ધાંજલી રૂપે એક અનોખું આલ્બમ – ‘રવીન્દ્ર ગુર્જરી’ નું આજે જુન ૩૦ ના દિવસે લોકાર્પણ થઇ રહ્યું છે. Bay Areaના જ માધ્વી-અસીમ મહેતાની આગેવાનીમાં તૈયાર થયેલા આ આબ્લ્મમાં અહીંના જ બીજા કલાકારો સાથે મળીને એમણે ૧૨ રવિન્દ્રનાથ ટાગોરની કવિતાઓના ગુજરાતી ભાવાનુવાદોની – રવિન્દ્ર સંગીત શૈલીમાં રજૂઆત કરી છે. તમે પણ જો અહીં નજીકમાં રહેતા હો તો ‘ICC Milpitas’ માં થનાર આ વિમોચન પ્રસંગે આ જ બધા કલાકારોને પ્રત્યક્ષ માણવાનો ફરી લ્હાવો મળશે.

આ આબ્લમ ‘રવિન્દ્ર ગુર્જરી’ મેળવવા માટેની માહિતી ટૂંક સમયમાં ટહુકો પર જરૂર મળશે.

વૃન્દ – માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,સંજીવ પાઠક,રાજ મુનિ, મીનૂ પુરી

પ્રસ્તાવના : માધ્વી મહેતા

ત્યાં સુધી તો આજે પ્રસ્તુત આ ગીત માણો. આ પહેલા પણ થોડા ગીતો ટહુકો માટે માધ્વીબેન-અસીમભાઇ પાસેથી મળ્યા છે – જે અહીં ક્લિક કરવાથી સાંભળી શકશો.

સ્વર – અસીમ મહેતા
સ્વરાંકન – રવીન્દ્રનાથ ટાગોર
આલબમ – રવીન્દ્ર ગુર્જરી

વિત્યા દિનોની એ સહુ વાતો
ભૂલી હાય, શેં ભૂલાય
નજર નજરથી કરેલી વાતો
કદિયે શું ભૂલાય?

આવને ફરી એકવાર સખા
પ્રાણોમાં સમાઇ જા
આવ સુખદુઃખની કરીએ વાતો
હ્રદય ભરાઇ જાય .. વિત્યા દિનોની…

આપણ વ્હેલી સવારે ચૂંટતાં ફૂલો
ઝુલા પર ઝૂલ્યાં
બાંસુરી સાથે ગીત ગાતાં’તાં
બકુલ છાંય તળે

હાર રે કેવી રીતે અધવચ્ચે
વિખૂટાં થઇ ગયાં
હવે ફરી જો મળીએ સખા
પ્રાણમાં સમાઇ જા ..

– રવિન્દ્રનાથ ટાગોર (અનુ. મેઘલતા મહેતા)

મશ્કરીની વાત હશે – શયદા

સંગીતકાર પંડિત ઓમકારનાથ ઠાકુરને એમના જન્મદિવસ….૨૪મી જૂન….આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી….!!

સ્વત – અતુલ દેસાઈ
સંગીત – પંડિત ઓમકારનાથ ઠાકુર

શરૂ શરૂમાં હું સમજયો
હજુ શરૂઆત હશે,
મશ્કરીની વાત હશે,
મીઠી મજાક હશે.

અજાણ હું હતો
સજા નહિ સમજયો,
દિવસો દુઃખના હશે,
રુદનની રાત હશે,
હજુ શરૂઆત હશે,
મીઠી મજાક હશે,
મશ્કરીની વાત હશે.

કબૂલ કર્યું મેં છે છતાં
દિલ કહે છે મારું,
કે જૂઠી કબૂલાત હશે,
મીઠી મુલાકાત હશે,
મશ્કરીની વાત હશે.

કહે છે સનમ કે
આવુ છું મળવા તને,
કે વિરહની વાત હશે,
વરલની એ રાત હશે,
હજુ શરૂઆત હશે.

કહે છે કે દિલ મારું
મળવા તને આવું કે,
કે મૃત્યુની એ રાત હશે,
શયદાને સનેપાત હશે,
મીઠી મજાક હશે,
મશ્કરીની વાત હશે,
મીઠી મજાક હશે.

– શયદા

પ્રથમ સૂર્ય પાસે… – હેમંત પુણેકર

કાવ્ય પઠન – હેમંત પુણેકર

પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે
પછી ચાંદ બહુ હોશિયારી કરે છે

જરી અમથી છે વાત મારી તમારી
છતાં સૌ વધારી વધારી કરે છે

હવે મારા મિત્રો, રહ્યાં ક્યાં છે મારા?
મળે છે મને, વાત તારી કરે છે

આ ઝાકળને આવી, તુજ આંસુની ઈર્ષા
જે ફૂલોથી કોમળ સવારી કરે છે

સુકોમળ સપન તે છતાં ઊગવાનાં
તું શું પથ્થરોની પથારી કરે છે!

મહેકતી પળો છે, બહેક મન મૂકીને
બધું શું વિચારી વિચારી કરે છે

અચાનક મળી તું, અવાચક છું હું, પણ
હૃદય હર્ષની ચિચિયારી કરે છે

– હેમંત પુણેકર

છંદોવિધાનઃ લગાગા લગાગા લગાગા લગાગા

******
(આભાર – હેમકાવ્યો)

ટહુકોની સાતમી વર્ષગાંઠ – Happy 7th Birthday to ટહુકો.કોમ

આજે જુન ૧૨.. ટહુકો.કોમ શરૂ થયાને સાત વર્ષ થયા..!  Happy Birthday to Darling tahuko.com ..!!  આ સાત વર્ષોમાં ટહુકો એ ઘણું ઘણું આપ્યું. અને આ સફર આમ જ ચાલુ રહેશે એની ખાત્રી છે – કારણ કે ટહુકો જે ઘણું આપ્યું – એમાં સૌથી ટોચ પર કંઇક આવતું હોય તો એ છે મિત્રો..! અને આપ સૌ મિત્રોનો પ્રેમ અને સહકાર જ આ સફર આગળ ધપાવશે..!

7th-birthday

અને ટહુકોની સફર ભવિષ્યમાં નવા માઇલસ્ટોન્સ સર કરશે જ.  iPhone, iPad, Android phones માં ટહુકો બરાબર વંચાતો નથી – સંભળાતો નથી – એનું મને ધ્યાન છે – અને આવતા વર્ષમાં એ ઉપણ દૂર થઇ જ જશે. એ પછી પણ ટહુકોની iPhone app, iPad app, Android app વગેરે પર કામ કરવાનું છે.

આ બધું થશે.. બસ થોડી વધુ રાહ જોવી પડશે. હું CPA, અને અમિત Architect/Construction Manager… એટલે ટહુકોને technologically advanced કરવા માટે in-house resources પૂરતા નહીં થાય, outsourcing કરવું પડશે. 🙂

ચલો, બાકીની વાતો પછી… આજે તો સાતમા જન્મદિવસની ખુશીઓ મનાવીએ..! કેવી રીતે? અરે… ગીતો સાંભળીને ..! સાંભળો આ થોડાં અમને ગમતાં ટહુકાઓ…!! અને for-a-change – અહી મુકેલા ગીતો-ગઝલો તમારા iPhone, iPad, Android phones, Android tablets માં પણ સાંભળાશે..!!  કેવી લાગી આ birthday gift ?? 🙂

આંખ્યુંનાં આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ… (સાંવરિયા રમવાને ચાલ)

અમૃત ભરેલું અંતર જેનું (આંધળી માંનો કાગળ)

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

એક છોકરી ના હોય ત્યારે કેટલા અરીસાઓ સામટાં ગરીબ બની જાય છે

હુ તુ તુ તુ તુ…. જામી રમતની ઋતુ…

આંખોમાં આવી રીતે તું દ્રશ્યો ના મોકલાવ

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો…

આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો, હું પાટો બંધાવાને હાલી રે…

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે…

નયને નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કહેવાના, તમને પારકાં માનું કે માનું પોતાના…

કેવા રે મળેલા મનના મેળ…

એમ પૂછીને થાય નહીં પ્રેમ…. દરિયાના મોજા કંઇ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ?

મારા રામ તમે સીતાની ને તોલે ન આવો…

સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માંગું ને દઇ દે દરિયો…

હાથને ચીરો તો ગંગા નીકળી, ને છેવટે એ વાત અફવા નીકળે…

ચાલ સખી, પાંદડીમાં, ઝાકળના ટીપાંની જેમ ફરી જિંદગીને મૂકીએ…

અરે! મારા આ હાથ છે જડભરતને..

ક્યારે પૂરા થશે મનના કોડ, કે સાહ્યબો મારો ગુલાબનો છોડ

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ…

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન

પાનખરોમાં પાન ખરે ને ઝાડનો આખો વાન ખરે ને ત્યારે, સાલું લાગી આવે…

આભને ઝરૂખે માડી તારો દિવડો પ્રગટાવ્યો

એક પાટણ શહેરની નાર પદમણી

હે જી એવી ચોપાટ્યું મંડાળી ચંદન ચોકમાં

એ થી જ રંગ રંગથી સઘળું ભર્યું હતું, આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું

આ ડાળ ડાળ જાણે કે રસ્તાં વસંતના

આ કોની મનોરમ દ્રષ્ટિથી…

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે

આહા એટલે આહા એટલે આહા….

આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે

મારી આંખે કુંકુના સૂરજ આથમ્યા..

અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ રણઝણ

બજે તાલ મંજીરા ઢોલ રે ભવાની માં…

બંસીના સૂર તમે છેડો તો ક્હાન મારા કાનોમાં મધનો વરસાદ જો..

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા..

તને નજરું લાગી છે મારા નામની

માળામાં ફરક્યું વેરાન

વરસે ઝડી વર્ષાની વ્હાલમા – ભાસ્કર વ્હોરા

સ્વરાંકન : ક્ષેમુ દિવેટીઆ
સ્વર : આરતી-સૌમિલ મુન્શી

વરસે ઝડી વર્ષાની વ્હાલમા
વ્હાલમા નીંદ ન આવે
પ્રણય ઘડી પાગલ થઈ સજની
સજની આમ સતાવે રે
…વ્હાલમા નીંદ ન આવે

વાદળીની વણઝારે વ્હાલમા
વ્હાલમા આભ ધ્રુજાવે રે
વીરહીણી એ થઇને સજની
સજની નીર વહાવે રે
…વ્હાલમા નીંદ ન આવે

વીજ બની ધનુ કામનું વ્હાલમા
વ્હાલમા ઉર મૂંઝાવે રે
એજ ધરાને મેઘની સજની
સજની પ્રીત સુહાવે રે
…વ્હાલમા નીંદ ન આવે

– ભાસ્કર વ્હોરા