Category Archives: ટહુકો

H श्री गणेशाय धीमहि

ગણેશચતુર્થીના દિવસની હાર્દિક શુભેચ્છાઓ… અને સાથે ગણેશજીની આ મને ખૂબ જ ગમતી સ્તુતિ.. શંકર મહાદેવનના સ્વરમાં…

સ્વર – શંકર મહાદેવન
સંગીત – અજય-અતુલ
આલ્બમ – વિરૂધ્ધ

મ મ મ મ …! મ મ મ મ …
આ આ આ આ …! આ આ આ આ …

ગણનાયકાય ગણદૈવતાય ગણાધ્યક્ષાય ધીમહિ
ગુણશરીરાય ગુણમન્દિતાય ગુણેશાનાય ધીમહિ
ગુણાતિતાય ગુણાધીશાય ગુણપ્રવિષ્ટાય ધીમહિ

એકદંતાય વક્રતુન્ડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેષાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ
{એકદંતાય વક્રતુન્ડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેષાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ}-chorus

ગાનચતુરાય ગાનપ્રાણાય ગાનાન્તરાત્મને
ગાનોત્સુખાય ગાનમત્તાય ગાનોત્સુખમનસે

ગુરુપુજીતાય ગુરુદૈવતાય ગુરુકુલસ્થાયીને
ગુરુવિક્રમાય ગુહ્યપ્રવરાય ગુરવે ગુણગુરવે

ગુરુદૈત્ય કલક્ષેત્રે ગુરુધર્મ સદારાખ્યાય
ગુરુપુત્ર પરીત્રાત્રે ગુરુ પાખંડ ખંડકાય

ગીતસારાય ગીતતત્વાય ગીતગોત્રાય ધીમહિ
ગુઢગુલ્ફાય ગંધમત્તાય ગોજયપ્રદાય ધીમહિ
ગુણાતિતાય ગુણાધીશાય ગુણપ્રવિષ્ટાય ધીમહિ

એકદંતાય વક્રતુન્ડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેષાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ
{એકદંતાય વક્રતુન્ડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેષાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ}-chorus

ગર્વરાજાય ગંધાય ગર્વગાન શ્રવણ પ્રણયીમે
ગાઢાનુરાગાય ગ્રંથાય ગીતાય ગ્રંથાર્થ તત્પરીમે

ગુણયે… ગુણવતે…ગણપતયે…

ગ્રંથ ગીતાય ગ્રંથગેયાય ગ્રંથાન્તરાત્મને
ગીતલીનાય ગીતાશ્રયાય ગીતવાદ્ય પટવે

તેજ ચરિતાય ગાય ગવરાય ગંધર્વપ્રીક્રુપે
ગાયકાધીન વીઘ્રહાય ગંગાજલ પ્રણયવતે

ગૌરી સ્તનમ ધનાય ગૌરી હ્રુદય નંદનાય
ગૌરભાનુ સુતાય ગૌરી ગણેશ્વરાય

ગૌરી પ્રણયાય ગૌરી પ્રવણાય ગૌર ભાવાય ધીમહિ
ગો સહસ્ત્રાય ગોવર્ધનાય ગોપ ગોપાય ધીમહિ
ગુણાતિતાય ગુણાધીશાય ગુણપ્રવિષ્ટાય ધીમહિ

એકદંતાય વક્રતુન્ડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેષાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ

{એકદંતાય વક્રતુન્ડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેષાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ}-chorus
——————–

Thanks to Niral : I got the lyrics in Gujarati.

હું તો કાગળિયાં લખી લખી થાકી

સ્વર : દિવાળીબેન ભીલ અને કોરસ
સંગીત : દિલીપ ધોળકિયા

.

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા કાળજડાં ઠરી ઠરી જાય રે
પાતળીયા તારા મનમાં નથી

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા પાવનિયાં બળી બળી જાય રે
છોગાળા તારા મનમાં નથી

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે

કાનુડા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

ચોમાસું ક્યાંક આસપાસ છે – તુષાર શુક્લ

આજનું આ મારું તો અતિપ્રિય ગીત ખરું જ – અને આ ગીત વિષે થોડી વાત વિવેક ટેલરના શબ્દોમાં …

‘હસ્તાક્ષર’ના છ ભાગમાંથી કયું ગીત મને સૌથી વધુ સ્પર્શી ગયું છે એમ કોઈ પૂછે તો નિમિષમાત્રનો વિલંબ કર્યા વિના હું આ ગીત પર આંગળી મૂકું. કવિતાની દૃષ્ટિએ ઉત્તમ ગીત, સ્વરબદ્ધતાની નજરે શ્રેષ્ઠ અને ગાયકી જુઓ તો એ પણ બેમિસાલ… હસ્તાક્ષરની MP3 ગાડીમાં વાગતી હોય ત્યારે આ ગીત જેટલીવાર રસ્તામાં આવે, છ-સાતવાર એકધારું સાંભળું નહીં ત્યાં સુધી ચેન પડતું નથી….

સ્વર : આરતી મુન્શી
સંગીત :નયનેશ જાની
આલ્બ્મ : હસ્તાક્ષર

આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
આંખોમા બેઠેલા…

કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
આંખોમા બેઠેલા…

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી… – નાથાલાલ દવે

આજે આ ખૂબ જ સુંદર વિદ્યાવિહાર-ગીત.. (આભાર – મેહુલ શાહ)
સ્વર : સેજલ માંકડ-વૈદ્ય
સંગીત : ?

.

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)
મોડી રાતે મેઘ વિખાયો… ભાર હૈયાનો કીધો ખાલી..

તૃણે તૃણે પાને પાને
ઝાંકળબિંદુ ઝબકે જાણે…(2)

રાતે રંગીન નિહારીકા ધરતી ખોળે વરસી ચાલી….
હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

રમતાં વાદળ ગિરીશિખરે
મધુર નાની સરિતા સરે…(2)

દૂર દિગંજે અધીર એનો પ્રિતમ ઉભો વાટ નિહાળી… (2)
હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

રવિ તો રેલે ન્યારા ..
સોનેરી સૂરની ધારા….

વિશાળે ગગન ગોખે જાય ગૂંથાતી કિરણ જાળી….. !
હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

મન તો જાણે જુઇની લતા…
ડોલે બોલે સુખની કથા..

આજ ઉમંગે નવ સુગંધે ઝુલે એ તો ફૂલીફાલી…
હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

ગરવો ગુજરાતી – આયના તરફથી… (by AIANA)

આજની પોસ્ટ ઊર્મિ તરફથી… એટલે કે એમના બ્લોગ પરથી સીધ્ધું Copy – Paste 🙂
*******
આજે પ્રસ્તુત છે માતૃભૂમિનું એક ગીત… આપણા પ્રિય ગાયક પાર્થિવ ગોહિલનાં ખુમારીભર્યા અવાજમાં… આ ગીત ‘ચાલો ગુજરાત’ પરિષદનાં પ્રસંગે ગુજરાતી અને ગુર્જરમૈયા માટે જ ખાસ લખાયું છે.

સંગીત : પાર્થિવ ગોહિલ
સંગીત સંયોજન : બોબી અને ઝોહેલ
સ્વર : પાર્થિવ ગોહિલ
શબ્દો: અંકિત ત્રિવેદી, સાંઈરામ દવે અને પાર્થિવ ગોહિલ

માતૃભૂમિ પર પ્રેમભાવના જાગે,
રોમ રોમમાં એ જ ભાવના જાગે.

ગર્વ સાથે સૌ એક શ્વાસમાં ગાઓ,
વિશ્વ ગુર્જરી સ્વર્ણ ગુર્જરી થાઓ…
સાથે સૌ ગાઓ… એક થૈ ગાઓ…
ગુજરાતી… ગુજરાતી… ગુજરાતી… હું ગરવો ગુજરાતી…

ગાંધીની અહિંસા જેના કણકણમાં,
નરસૈંયાનો કેદારો રજકણમાં;
સરદાર સમી ખુમારી હર નરમાં,
પહોંચી ચંદા પર નારી પલભરમાં…

હૈયામાં જેના મેઘાણી, ઉદ્યમથી ઉજળા અંબાણી,
નર્મદની ગૂંજે સૂરવાણી, વિક્રમની વિજ્ઞાની વાણી…

ગુજરાતી… ગુજરાતી… ગુજરાતી… હું ગરવો ગુજરાતી…

હું વિશ્વપ્રવાસી ગરવો ગુજરાતી,
હું પ્રેમીલો ને સાચો ગુજરાતી;
હું દૂર વતનથી તોયે વતનની પ્યાસ,
ગુજરાતીને ગુજરાતી પર વિશ્વાસ…

મીઠું બોલી જગ જીતનારો, જેને રાસ ને રમઝટ શણગારો,
મહેમાનો માટે મરનારો, ગુજરાતીના આ સંસ્કારો…

ગર્વ સાથે સૌ એક શ્વાસમાં ગાઓ,
વિશ્વ ગુર્જરી સ્વર્ણ ગુર્જરી થાઓ…
સાથે સૌ ગાઓ… એક થૈ ગાઓ…
ગુજરાતી… ગુજરાતી… ગુજરાતી… હું ગરવો ગુજરાતી…

*

ઑગષ્ટ 10મી એડિસન, ન્યુ જર્સી ખાતે થયેલી ઈંડિયા-ડે પરેડમાં આયના ટીમે ‘ચાલો ગુજરાત’ નો ફ્લોટ રાખ્યો હતો અને આખી ટીમે આ પરેડમાં નાચી-કુદીને-ગરબા ગાઈને ખૂબ જ મસ્તી અને મજા કરી હતી… ત્યારે ખાસ આ પરેડમાં વગાડવા માટે પાર્થિવે અમને આ ગીત ઉતાવળમાં જ તૈયાર કરી આપ્યું હતું… એટલે આનાથી પણ વધુ સારી ગુણવત્તાવાળું આ જ ગીત તેઓ મને ફરી મોકલશે એવું એમણે મને વચન આપ્યું છે. એટલે કે થોડા દિવસમાં આપણે ફરી આ ગીતને એક નવા જ રૂપમાં ફરી માણીશું… ખેર, ત્યાં સુધી તો આપણે આ જ ગીતને માણીએ.

‘ચાલો ગુજરાત’નાં અવસર માટે ખાસ આ ગીતને શક્ય બનાવનાર બધા કલાકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર… અને હાર્દિક અભિનંદન !!

‘યાહોમ ગુજરાતી’ નામનું બીજું એક ગીત પણ આવે છે, જેનું સ્વરાંકન પરાગ શાસ્ત્રીએ કર્યુ છે… તે પણ આયનાએ ખાસ ‘ચાલો ગુજરાત’ માટે જ કરાવ્યું છે અને થોડા દિવસોમાં મને જેવું મળશે કે તરત જ હું તમને એ ગીત જરૂરથી સંભળાવીશ…!

મ્હેંકનો મૃદુ ભાર, ભીની સ્હેજ ઝૂકી ડાળ, સપનાં .. – રાજેન્દ્ર શુક્લ

સ્વર : બંસરી યોગેન્દ્ર
સંગીત : હરેશ બક્ષી

.

મ્હેંકનો મૃદુ ભાર, ભીની સ્હેજ ઝૂકી ડાળ, સપનાં,
નિષ્પલક પળની પરી, તે જોઈ રહેતો કાળ, સપનાં.

એક લટને, લ્હેરખીને લ્હેરવું નખરાળ, સપનાં.
ને પલકનું પાંખડી સમ ઝૂકવું શરમાળ, સપનાં.

લાલ, પીળી, કેસરી, નીલી, ગુલાબી ઝાળ, સપનાં,
હું, તમે, ઉપવન, વસંતોનું રૂપાળું આળ સપનાં.

હા, હજુ થાક્યાં ચરણને કોક વેળા સાંભરે છે,
આભને ઓળંગતી એ સ્વર્ણમૃગની ફાળ સપનાં.

જિંદગીને લક્ષ્ય જેવું તો કશું આમે હતું ના,
મદછકેલાં ત્યાં મળ્યાં એ, સાવ અંતરિયાળ સપનાં!

– રાજેન્દ્ર શુક્લ
(કોમલ રિષભ)

વાંસલડી ડૉટ કૉમ – કૃષ્ણ દવે

આ ગીત મારા માટે તો ઘણું જ સ્પેશિયલ છે.. હું અમેરિકા આવી એના થોડા વખત પછી પપ્પા એ અમદાવાદથી એક પાર્સલ મોકલ્યું હતું, એમા બીજી થોડી વસ્તુઓની સાથે એક ધ્યાન ખેંચે એવી વસ્તુ હતી – કૃષ્ણ દવેની ‘વાંસલડી ડોટ કોમ’. ત્યારે તો હજુ ટહુકો શરૂ નો’તો કર્યો.. અને મારો કવિતાઓ પ્રત્યેનો લગાવ બધા માટે (મારા માટે પણ) અજાણ્યો જ હતો. તો પપ્પાએ અચાનક આ કવિતાની ચોપડી કેમ મોકલી? એ તો પપ્પા જ જાણે… પણ હા – ત્યારથી કવિ કૃષ્ણ દવે – અને એમની પહેલી વાંચેલી કવિતા – વાંસલડી ડોટ કોમ – મારા માટે એકદમ ખાસ છે…

અને આજે તો વ્હાલા કાનુડાનો જન્મદિવસ પણ ખરો ને? તો મારા તરફથી સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… અને સાંભળો આ સ્પેશિયલ ગીત – બે સુમધુર સૂર સાથે…

સ્વરાંકન: ચન્દુ મટ્ટાણી
સ્વર: આલાપ – હેમા દેસાઈ

krishna_PG11_l

.

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ…

એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ…

Vansaladi.com , Vansaladi dot com, krushna dave

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી – રમેશ પારેખ

રમેશ પારેખનું આ ગીત મારા ઘણા જ ગમતા ગીતોમાંનુ એક.. એક તો રમેશ પારેખના શબ્દો – અને એમાં પાર્થિવ ગોહિલનો અવાજ..

mari.jpg

આલ્બમ: હસ્તાક્ષર
સંગીત: શ્યામલ-સૌમિલ
સ્વર: પાર્થિવ ગોહિલ

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?

મારી આંખમાં તું…

ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…

રંગાઇ જાને રંગમાં…..

સ્વર : હેમંત ચૌહાણ

radha.jpg

.

રંગાઇ જાને રંગમાં…..
સીતારામ તણા સતસંગમાં
રાધેશ્યામ તણા તુ રંગમાં…..રંગાઇ…..

આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ તૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં…..રંગાઇ…..

જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ,
પહેલાં અમર કરી લઉં નામ,
તેડું આવશે, યમનું જાણજે, જાવું પડશે સંગમાં…..રંગાઇ…..

સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ,
રહેવા ના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં…..રંગાઇ….

ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ,
પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં…..રંગાઇ…..

બત્રીસ જાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ,
એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં…..રંગાઇ…..

રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં…..રંગાઇ…..

અમારા બધાં સુખ તમોને મુબારક – કમલેશ સોનાવાલા

સ્વર : ભુપિન્દર
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
આલ્બમ : સંમોહન

.

સંધ્યાના નભમાં છે લાલી શરાબી,
પણ ઇશ્ક છે, ફરેબી ને આલમ ખરાબી.

અમારા બધાં સુખ તમોને મુબારક,
મહેલોની મહેફિલ તમોને મુબારક;
તનહાઈયાંમાં યાદી તમારી,
અમારા બધા સુખ તમોને મુબારક.

પ્રેમ તણી કશ્તી મેં દિલમાં હિલોળી,
મૌનનાં ખડક થઈ તમે રે ડૂબાડી;
સાગરના મોતી તમોને મુબારક,
તનહાઈયાંમાં યાદી તમારી,
અમારા બધા સુખ તમોને મુબારક.

કરું હાથ ઊંચા ના બંદગી સમજશો,
બતાવી રહ્યાં ત્યાં વફાની તબાહી;
ખુદાની ખુદાઈ તમોને મુબારક,
તનહાઈયાંમાં યાદી તમારી,
અમારા બધા સુખ તમોને મુબારક.

કમલ તણી યાદોનાં ભ્રમર કદી બનશો,
પંકમાં ખીલ્યાં’તાં ને પંકમાં બીડાયાં;
બહારોની બરકત તમોને મુબારક,
તનહાઈયાંમાં યાદી તમારી,
અમારા બધા સુખ તમોને મુબારક.