Category Archives: ટહુકો

મેરે પિયા મેં કછુ નહીં જાનૂં – સુન્દરમ્

આલ્બમ : સંગત
સ્વર : હિમાલી વ્યાસ-નાયક

.

સ્વર : નયન પંચોલી
સ્વરાંકન : નયન પંચોલી

.

મેરે પિયા મેં કછુ નહીં જાનૂં
મેં તો ચુપચુપ ચાહ રહી

મેરે પિયા, તુમ કિતને સુહાવન
તુમ બરસો જિમ મેહા સાવન
મેં તો ચુપચુપ નાહ રહી

મેરે પિયા, તુમ અમર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડભાગી,
મૈં તો પલપલ બ્યાહ રહી

– સુન્દરમ્

ક્યાંક ઝરણાંની ઉદાસી – શ્યામ સાધુ

આલ્બમ : સંગત
સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયા તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે !

પંખીઓનાં ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
ઓ હ્રદય ! બોલો કે આ કેવી ઘડી છે !

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહી ઠેબે ચડી છે !

ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?
– શ્યામ સાધુ

બાઈ રે, તારાં ભાગ્ય મહાબળવાન – ઉશનસ્

આલ્બમ : સંગત
સ્વર : હેમા દેસાઈ
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

બાઈ રે, તારાં ભાગ્ય મહાબળવાન:
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે કહાન !

ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ, આ તો માગત દાણ.

કંઈક બીજી જો મહિયારીની કોઈ ન ફોડે ગોળી,
રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન.

ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઈ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઈ !
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ !

-ઉશનસ્

પાનખરનાં હૈયામાં ટહુકે વસંત – નરેન્દ્ર મોદી

સ્વરઃ પાર્થિવ ગોહિલ

.

અંતમાં આરંભ અને આરંભમાં અંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત

સોળ વર્ષની વય, ક્યાંક કોયલનો લય
કેસૂડાંનો કોના પર ઉછળે પ્રણય?
ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત

આજે તો વનમાં કોનાં વિવા?
એક એક વૃક્ષમાં પ્રગટે દીવા!
આશીર્વાદ આપવા આવે છે સંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત
-નરેન્દ્ર મોદી

સતગુરુએ મુને ચોરી – દાસી જીવણ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

કાર્યક્રમની લિંક –

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

.

સદગુરુએ મુંને ચોરી શીખવાડી‚
જ્ઞાન ગણેશિયો ઘડાયો રે…

પવનરૂપી ઘોડો પલાણ્યો‚ ઊલટી ચાલ ચલાયો રે ;
ગંગા-જમનાના ઘાટ ઉલંઘી‚ જઈ અલખ ઘીરે ધાયો રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…

ધમણ ધમુંકે તિયાં વીજું ચમુંકે‚ અનહદ નોબત વાગે રે ;
ઠારોઠાર નિયાં જ્યોતું જલત હે‚ ચેતન ચોકી માં ય જાગે રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…

સાંકડી શેરી નિયાં વાટું છે વસમી‚ માલમીએ મુંને મૂક્યો રે ;
નામની નિસરણી કીધી‚ જઈ ધણીને મોલે ઢૂંક્યો રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…

શીલ-સંતોષનાં ખાતર દીધાં‚ પ્રેમે પેસારો કીધો રે ;
પેસતાં ને પારસમણિ લાધી‚ માલ મુગતિ લીધો રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…

આ રે વેળા યે હું ઘણું જ ખાટયો‚ માલ પૂરણ પાયો રે ;
દાસી જીવણ સત ભીમનાં ચરણે‚ આજ મારો ફેરો ફાવ્યો રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી..
– દાસી જીવણ

ફરી કહું છું – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વરાંકન – જન્મેજય વૈદ્ય
કંઠ – અજય કુમા૨ તોમર

.

ફરી કહું છું અમારી હાજરી હસ્તી ગણાશે નહીં
આ દુનિયાના નશાના દોર કોઈ મસ્તી ગણાશે નહીં

નજરને તો હંમેશાં હોય છે નવતર તમાશાઓ
નર્યા આ નેત્રનું હોવું મને દ્રષ્ટિ ગણાશે નહીં

ખડક છે આગ જળ છે જીવો છે આસમાનો છે
કોઈ રીતે કશું મુજથી અલગ વસ્તી ગણાશે નહીં

કોઈ બોલી ગયા ને કોઈ તો અર્થો ગ્રહી બેઠા
કહાની એ રીતે મારી જબાં રચતી ગણાશે નહીં

ભલે પાગલ કહો, પાછળ પડો કે પથ્થર મારો
ગમે તે થાય આ દીવાનગી સસ્તી ગણાશે નહીં

અમે એના ભરોસે લાખ મઝધારો તરી બેઠા
તમે જે કાષ્ઠને કહેતા હતા કસ્તી ગણાશે નહીં

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

બેડાં મૂકીને તમે બેસજો ઘડીક – માધવ રામાનુજ

સ્વર : અમર ભટ્ટ

.

બેડાં મૂકીને તમે બેસજો ઘડીક,
હું તો સુક્કાં સરોવરનો ઘાટ,
વીરડા ગાળીને પછી ભરજો નિરાંતમાં,
મારો ખાલીખમ ઉચાટ.

તમને જોયાં કે પાંચ પગલાની
એકવાર હૈયે જડેલ ભાત સાંભરે,
એકવાર છલછલતા હિલ્લોળે
પોંખ્યાના કંકુ ચોખાની વાત સાંભરે.
મને પત્થરના શમણાના સમ
ફરી જાગે એ તે;દિનો ભીનો તલસાટ.
બેડાં મૂકીને..

ઝાંઝરના મૂંગા રણકાર સમું ગામ
આમ ટળવળતું ટળવળતું જાય,
ઝાંઝવાની પરબો રેલાય તોય
વાયરાની તરસી વણઝાર ના ધરાય.
વાત વાદળ કે કાજળની કરતા જાજો,
વાત સુરજ કે છુંદાણાની કરતા જાજો,
નકર નહીં ખૂટે નોંધારી વાટ.
બેડાં મૂકીને..
-માધવ રામાનુજ

આ શબ્દ હવે છૂટે તો સારું -માધવ રામાનુજ

સ્વર : શેખર સેન
સ્વરાંકન : સુરેશ જોશી

.

સ્વર : અમર ભટ્ટ

.

આ શબ્દ હવે છૂટે તો સારું.
મૌન સુધીના મારગ માંડ મળ્યા છે,
વાટ ખૂટે તો સારું.

સંબોધનમાં, સંબંધોમાં,
માયાની માયામાં,
પગલે પગલે શબ્દ અહીં રોકી રાખે છે,
એના પડછાયામાં;

આ મનમાં પળ પળ ઊગતા રહેતા મોહ
હવે છૂટે તો સારું.

ક્યાં અધવચ્ચે, ક્યાં મઝધારે
ક્યાં અંતરને આરે,
ખુદને મૂકી પાછળ ચાલ્યા,
પાછા ફરશું ક્યારે!

આ જીવતર જેવું જીવતર અટવાયું છે,
જાળ તૂટે તો સારું.

આ શબ્દ હવે છૂટે તો સારું.
મૌન સુધીના મારગ માંડ મળ્યા છે,
વાટ ખૂટે તો સારું.
આ શબ્દ હવે છૂટે તો સારું.

-માધવ રામાનુજ

સૌજન્ય : ગુજરાતી ગઝલ

સૈયર તારા કિયા છૂંદણે – માધવ રામાનુજ

સંગીત :શ્યામલ સૌમિલ મુન્શી
સ્વરઃ દિપાલી સોમૈયા ,સાધના સરગમ

.

સૈયર તારા કિયા છૂંદણે મોહ્યો તારો છેલ કહેને,
સૈયર તારા કિયા ફૂલની લૂમી ઝૂમી વેલ કહેને.

કિયા વરતમાં પાંચ આંગળે કિયો પીપળો પૂજ્યો સૈયર,
મંન ભરીને મોહે એવો કિયો ટૂચકો સૂઝયો સૈયર.

સૈયર તારા કિયા છૂંદણે મોહ્યો તારો છેલ કહેને,
સૈયર તારા કિયા ફૂલની લૂમી ઝૂમી વેલ કહેને.

કૂવાને કાંઠે કઈ ઘડીએ રહી ગઈ વાત અધૂરી,
સૈયર તારા ઉજાગરાની કિયા તારલે સાખ્યું પૂરી.
-માધવ રામાનુજ

અકલ કલા ખેલત – અખા ભગત

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

.

અકલ કલા ખેલત નર જ્ઞાની
જેસે નાવ હિરે ફિરે દશો દિશે
ધ્રુવ તારે પર રહત નિશાની

ચલન વલન રહત અવની પર વાંકી
મન કી સૂરત આકાશ ઠહરાની
તત્વ સમાસ ભયો હે સ્વત્રંત
જેસી હિમ હોત હે પાની

અજબ ખેલ અદભુત અનુપમ હે
જાકુ હે પહિચાન પુરાની
ગગન હી ગેબી ભયો નર બોલે
એહિ અખા જાનત કોઈ જ્ઞાની…
– અખા ભગત

अकल कला खेलत नर ज्ञानी।
जैसे नाव हिरे फिरे दसों दिश।
ध्रुव तारे पर रहत निशानी।।

चलन वलन रहत अवनि पर वाँकी।
मन की सूरत आकाश ठहरानी।।
तत्त्व समास भयो है स्वतंत्र।
जैसी हिम होत है पानी।। अकल ….

अजब खेल अदभुत अनुपम है।
जाकूँ है पहिचान पुरानी।।
गगन ही गेब भयो नर बोले।
एहि अखा जानत कोई ज्ञानी।। अकल….