Category Archives: જન્મેજય વૈદ્ય

ફરી કહું છું – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વરાંકન – જન્મેજય વૈદ્ય
કંઠ – અજય કુમા૨ તોમર

.

ફરી કહું છું અમારી હાજરી હસ્તી ગણાશે નહીં
આ દુનિયાના નશાના દોર કોઈ મસ્તી ગણાશે નહીં

નજરને તો હંમેશાં હોય છે નવતર તમાશાઓ
નર્યા આ નેત્રનું હોવું મને દ્રષ્ટિ ગણાશે નહીં

ખડક છે આગ જળ છે જીવો છે આસમાનો છે
કોઈ રીતે કશું મુજથી અલગ વસ્તી ગણાશે નહીં

કોઈ બોલી ગયા ને કોઈ તો અર્થો ગ્રહી બેઠા
કહાની એ રીતે મારી જબાં રચતી ગણાશે નહીં

ભલે પાગલ કહો, પાછળ પડો કે પથ્થર મારો
ગમે તે થાય આ દીવાનગી સસ્તી ગણાશે નહીં

અમે એના ભરોસે લાખ મઝધારો તરી બેઠા
તમે જે કાષ્ઠને કહેતા હતા કસ્તી ગણાશે નહીં

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

લોક કહે – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વરાંકન તથા સંગીત – જન્મેજય વૈદ્ય
સ્વર – સુપર્ણા બેનર્જી દાસ

.

લોક કહે ડુંગ૨ ૫૨ ઊગ્યાં છે ઝાડ મારે ઝાડવાંમાં ડુંગ૨ ૨મમાણ છે
આખોયે દેશ સાવ વાદળ થઈ જાય એવા નકરા જાદુનું આ કામ છે

કાળ-જૂના પથ્થરમાં ઊભી તિરાડ સમી આકરી વ્યથામાં સહેજ જોવું
અંદર છે ઝરણાને રણઝણતું રાખવાને આખાયે જંગલનું હોવું

ક્યાંક કંઈક કોળે તો એક વાત જાણીએ કે જંગલ તો ઊગવાનું જ્ઞાન છે
લોક કહે ડુંગ૨ ૫૨ ઊગ્યાં છે ઝાડ મારે ઝાડવાંમાં ડુંગ૨ ૨મમાણ છે

મહુડા કે સાગડામાં આથમતા સૂરજથી જંગલની વારતાઓ થાય નહીં
રંગ રૂપ ગંધ સ્વાદ શબ્દ ઢોલ-થાપ વિના જંગલનાં ગીતો ગવાય નહીં

જંગલ તો હાથ મૂકો છાતીએ’ને સાંભળી લો એવા થડકારાનું નામ છે
લોક કહે ડુંગ૨ ૫૨ ઊગ્યાં છે ઝાડ મારે ઝાડવાંમાં ડુંગ૨ ૨મમાણ છે

આખોયે દેશ સાવ વાદળ થઈ જાય એવા નકરા જાદુનું આ કામ છે
-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

ઝોળીએ ઝુલાવીને – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વરાંકન, સંગીત તથા કંઠ – જન્મેજય વૈદ્ય

.

ઝોળીએ ઝુલાવીને હેતથી હુલાવીને પાડેલાં નામ છે તે નહીં ?
તાંબાનાં પતરાંમાં સૂરજ ને સોમ સુધી આપેલાં ગામ છે તે છે નહીં?

એટલે કે ઓચિંતી ઘટના ઘટીને સાવ ઓચિંતી ક્યાંક મટી જાય છે
આટલી ક્ષણોમાં તો જીવ્યું કહેવાવાની કેટલીયે રચનાઓ થાય છે

હાથ મહીં રેખા કે કાગળના લેખામાં છાપેલી વાત છે તે છે નહીં?
તાંબાનાં પતરાંમાં સૂરજને સોમ સુધી આપેલાં ગામ છે તે છે નહીં?

કાંઠ કે રેતી કે માછલી કે નીરમાંથી નદીઓ કહેવાય બોલ કોને?
પૂછવા રહો તે જઈ આઘેરા ની૨ કહે આવેલા સપનાને જોને

સોના કે રૂપા કે હાથચડ્યા હથિયારે માણસનું માપ છે તે છે નહીં?
ઝોળીએ ઝુલાવીને હેતથી હુલાવીને પાડેલાં નામ છે તે છે નહીં?

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

લીલી છમ્માક – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર : જન્મેજય વૈદ્ય
સ્વરાંકન : જન્મેજય વૈદ્ય

.

લીલી છમ્માક હોય પર્વતની ધાર અને તડકા છાયાની હોય ભાત
હુક્કો ભરોને પછી માંડો તો સાંભળીએ ધોધમાર વરસ્યાની વાત

આખી વણજાર ક્યાંક રોકાશે રાત પછી નદીએ નાહ્યાનો સમો આવશે
એટલીક આશાના તાંતણાને અંત લગી ચાલ્યા કરવાનું કેમ ફાવશે
કોકવાર વાદળાંને થાશે કે ચાલ જરા ભીનેરું કરીએ વેરાન
હુક્કો ભરોને પછી માંડો તો સાંભળીએ ધોધમાર વરસ્યાની વાત

ચૈતરની ચાંદનીને પૂછ્યું કે, બોલ અલી, ફળિયું ઢળાય છે કે ઢોલિયા
મલકાતી જાય અને વળતું પૂછે કે,તમે માણસ જીવ્યાં કે નર્યા ખોળિયા
રઢિયાળી રાત હોય ,વાતુંનો ભાર હોય ઘેરાતી હોય જારી આંખ
હુક્કો ભરોને પછી માંડો તો સાંભળીએ ધોધમાર વરસ્યાની વાત

– ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

મારામાં આરપાર -ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સંગીત તથા સ્વર : જન્મેજય વૈદ્ય

.

મારામાં આરપાર સાત સાત દરિયા ને દરિયામાં આરપાર તું
પળમાં પળ ગૂંથીને તું વારતા વણે ને એને જીવતરનું નામ દઉં હું

કાળમીંઢ પથ્થરનું ભૂરું પોલાણ મારી લાગણીથી હાથવેંત છેટું
વેદના તો હસતાંયે વેઠી લેવાય; આવા સુખને વેઠું તો કેમ વેઠું
આંખોનાં પોપચાંમાં સાચવી મૂક્યાં છે એને સપનાં કહું કે કહું શું
મારામાં આરપાર સાત સાત દરિયા ને દરિયામાં આરપાર તું

મુઠ્ઠી ભરીને વ્હાલ વ્હેંચતા રહો કે ભલે આપણી હથેળી હોય ખાલી
દરિયાને પૂછવાનું ટાળજો કે, ભાઈ,તને ભરતી ગમે કે ઓટ વ્હાલી
પંખી તો કોઈનેય કહેતું નથી કે, એણે પીંછામાં સાચવ્યું છે શું
મારામાં આરપાર સાત સાત દરિયા ને દરિયામાં આરપાર તું.

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત