Category Archives: કાવ્યપ્રકાર

હું કશુંક પી ગયો છું…. – ગની દહીંવાલા

જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીવો
કાં પ્રિયા કાં યાર બુધ્ધિમાનની સાથે પીવો
ખૂબ પી ચકચૂર થઇ, જગનો તમાશો ના બનો
કમ પીવો છાની પીવો પણ ભાનની સાથે પીવો
– ઉમર ખૈયામ અનુ.’શૂન્ય’ પાલનપુરી

સ્વર : પંકજ ઉધાસ

holding hands

.

ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.

જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું,
કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.

હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,
ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.

આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,
કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.

નથી કાંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો,
નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.

બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જિવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.

’ગની’ પર્વતોની આગળ આ રહ્યું છે શીશ અણનમ,
કોઈ પાંપણો ઢળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું.

આભાર : જયદીપનું જગત

તબલા – ઝાકિર હુસૈન

જો તમે મારા બ્લોગ પર વારંવાર આવતા હો, તો અલ્પેશભાઇને તો ઓળખતા જ હશો. મારા મોટાભાઇ.. અને પેલુ કહેવાય ને, ‘friend, philosopher and guide’. મારી જિંદગી પર ભાઇનો જેટલો પ્રભાવ છે, એને શબ્દો આપવાનું મારુ ગજુ નથી. અને સંગીત પ્રત્યેની મારી રૂચી પણ ભાઇને જ આભારી છે.

એક વાત આજે યાદ આવે છે. જ્યારે ભાઇ 2-3 વર્ષનો હતો, ત્યારે મમ્મી-પપ્પા અતુલ-ફર્સ્ટગેટ રહેતા. ઘર હાઇ-વે થી થોડુ દૂર, એટલે હાઇ-વે બાજુ જવાનું હોય તો એને ‘ફર્સ્ટગેટ’ જવાના, એવું જ કહેતા. અને ત્યાં ઘણી વાર મદારી આવતા, વાંદરા અને ડુગડુગી અને ઢોલક અને એવું બધું લઇને. ભાઇને એ એટલું ગમતુ, કે પપ્પા 5 વાગે ઘરે આવે, એટલે ભાઇ તૈયાર થઇ જાય. અને ત્યારે એને કદાચ સરખુ બોલતા પણ નો’તુ આવડતું. એટલે એ પપ્પાને કંઇક આવું કહેતો. ‘પપ્પા.. ફજેત.. પપ્પા.. ઢમઢમ.. ‘

ઢોલક સાથેનો ભાઇનો પ્રેમ હજુ પણ અકબંધ રહયો છે ખરો. આમ તો ભાઇને સંતુર, વાંસળી, કે મોહનવીણા જેવું પણ ગમે, અને કિશોરી અમોલકર, રાજન-સાજન મિશ્રા, ભીમસેન જોષી.. વગેરેના ‘વોકલ’ ( આનું ગુજરાતી ? ) પણ ગમે.

તો યે.. ઢમઢમ એટલે ઢમઢમ.. બરાબર ને ભાઇ ?

મારી પાસે હમણા ઢોલક સંગીતની કોઇ સારી mp3 નથી. એટલે આજે તબલાથી જ કામ ચલાવી લઉં.

ભાઇ.. હેપ્પી બર્થ ડે.. ( 13 ઓક્ટોબર )

દરિયો…

મૃગજળ બની છલકતો ફરું રણની રેતમાં,
‘આદિલ’, કદી સમુદ્રના તળિયે જઈ બળું !
– ‘આદિલ’ મન્સૂરી

દરિયાનું નામ એણે કદી સાંભળ્યું નથી,
ખાબોચિયાંને ઠાઠથી તે તરવા નીસર્યા !
– રમેશ પારેખ

જીત હું નીરખ્યા કરું છું સર્વદા મુજ હારમાં
મુક્તિ મારી આખરે છે એક કારાગારમાં;
ડૂબીને તરતો રહીશ હું સાગરોની ધારમાં,
હોડી મારી લઇ જઉં હું ડૂબવા મઝધારમાં!
– અનંતરાય ઠક્કર, ‘શાહબાઝ’

—-

ઘણા વખતથી આ ગઝલ શોધું છું. મને ફક્ત થોડા શબ્દો યાદ છે, જે અહીં લખ્યા છે. કોઇની પાસે હોય તો મને મોકલશો.

દરિયા ને જોઇ હું તો દરિયો થઇ જાઉં
મને દરિયો દેખાય તારી આંખમાં

છીપલામાં સદીઓથી કેદ થઇ સૂતેલા દરિયાને સપનું આવ્યું
બાઝેલી લાગણીની પીળી ખારાશ લઇ માછલીને મીઠું જળ પાયું… ( ?? )

…. મોરપિછું લહેરાય તારી આંખમાં..

તમે અહીંયા રહો તો … – ભાગ્યેશ જહા

થોડા દિવસો પહેલા બે સરખા જેવા ગીતો એક સાથે મોરપિચ્છ અને ટહુકો પર મૂકેલા; ( અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં – ભાગ્યેશ જહા અને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે )

આજે પણ કંઇક એવું જ…. “તમે અહીંયા રહો તો … ” અને “તમે વાતો કરો તો..” સુરેશ દલાલના હસ્તાક્ષરમાં “તમે વાતો કરો તો.. ” સ્વરબધ્ધ થયેલું છે, એટલે ઘણાં એ કદાચ સાંભળ્યું હશે. અને ‘તમે અહીંયા રહો તો, ‘ભાગ્યેશ જહા’ની બીજી રચનાઓ સાથે ‘આપણા સંબંધ’ આલ્બમમાં સોલીભાઇએ ખૂબ સરસ ગાયું છે.

સ્વર : સોલી કાપડિયા

.

તમે અહીંયા રહો તો મને સારું રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

તમે આંખોથી આંસુ નીચોવી લીધું
આ વાદળને રડવાનું કાનમાં કીધું
તમે આવજો કહીને પછી આવશો નહીં
તમે ભૂલવાની ભ્રમણામાં ફાવશો નહીં

આ શબ્દોને ઉંડું એક વળગણ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

હવે સૂરજ આથમશે તો ગમશે નહીં
આ સપનાનો પગરવ વર્તાશે નહીં
રાતે તારાને દર્પણમાં ઝીલશું નહીં
અને આભ સાથે કોઇ’દિ બોલશું નહીં

મારા દર્દોનું એક મને મારણ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

એક પંખી સૂરજ સામે સળગી જશે
એના સપનાઓ વીજળીમાં ઓગળી જશે
તમે ચીરી આકાશ ક્યાંય ઊડતા નહીં
આ ખારા સાગરને ખૂંદતા નહીં

અહીં વરસાદે વરસાદે ભીનું રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

અહીં ઉપવનમાં આંસુના ઉગશે બે ફૂલ
આંખ રડશે કે તડકામાં સળગી ‘તી ભૂલ
તમે આશાની આશામાં રડશો નહીં
તમે હસવામાં હસવાનું ભરવાનું નહીં

અહીં વૃક્ષોનું ડોલવાનું કાયમ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

તારા રે નામનો છેડ્યો એકતારો…(આજ નો ચાંદલિયો)

chando

.

તારા રે નામનો છેડ્યો એક તારો
હું તારી મીરા તુ ગીરીધર મારો
આજ નો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

આપણે બે અણજાણ્યા પરદેશી પંખી
આજ મળ્યા જુગજુગનો સથવારો ઝંખી
જોજે વિખાય નહીં શમણાનો માળો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

દો રંગી દુનિયાની કેડી કાંટાળી
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

સંદેશ આપે છે – ઇજન ધોરાજવી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે
નથી કાયમ અહીં કોઇ, મરણ સંદેશ આપે છે
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે

કઝા યાદ આવી – ’મરીઝ’


મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.

નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ,
હતી એક મીઠી મજા યાદ આવી.

જીવનના કલંકોની જ્યાં વાત નીકળી,
શરાબીને કાળી ઘટા યાદ આવી.

હજારો હસીનોના ઈકરાર સામે,
મને એક લાચાર ‘ના’ યાદ આવી.

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.

કબરનો આ એકાંત,ઊંડાણ,ખોળો,
બીજી કો હુંફાળી જગા યાદ આવી.

સદા અડધે રસ્તેથી પાછો ફર્યો છું,
ફરી એ જ ઘરની દિશા યાદ આવી.

કોઈ અમને ભૂલે તો ફરિયાદ શાની!
’મરીઝ’ અમને કોની સદા યાદ આવી?