‘ગાગરમાં સાગર‘ પર ઊર્મિ આ અઠવાડિયાને કાવ્યપઠન-સ્પેશ્યલ વીકતરીકે ઉજવી રહી છે ત્યારે એની ઉજવણીમાં વિવેકભાઈનું કાવ્યપઠન માણીને આપણે પણ અહીંથી એક આહુતિ આપીએ…
(જરઠ ઝાડ… ફોટો: વિવેક ટેલર)
જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.
છે દિલ પર અસર શેનાં આકર્ષણોની ?
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.
પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.
રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.
આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.
આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.
હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે.
-વિવેક મનહર ટેલર
(જરઠ=વૃદ્ધ)
(માણેકશાહ બાવાની ચટાઈ: અમદાવાદનો (કે મહેમદાબાદનો) સુલતાન શહેર ફરતે કોટ બાંધી રહ્યો હતો ત્યારે ત્યાં પડી રહેતો ફકીર ઓલિયો માણેકશાહ બાવો ચટાઈ વણતો રહેતો. દિવસ દરમિયાન એ ચટાઈ વણતો રહેતો અને કોટ બંધાવા આવતો પણ સાંજ પડતા એ ચટાઈ ખોલી નાંખતો અને કોટ તૂટી પડતો દિવસો સુધી આમ ચાલ્યું પછી જ્યારે રાજાને ફકીરનું મહત્વ સમજાયું અને એના આશીર્વાદ લેવા ગયો ત્યારે માણેક બાવાએ ચટાઈ ઊકેલવાનું બંધ કર્યું અને કોટ બંધાયો)
ગઇકાલે ટહુકોની ત્રીજી વર્ષગાંઠ પર મુકુલભાઇએ સ્પેશિયલ ગીત લખીને મને અને સૌને એક અમુલ્ય ભેટ આપી છે.. મુકુલભાઇ, આભાર કહીને આ ભાર ઓછો નહીં કરું! હું એ માટે હંમેશા આપની ઋણી રહીશ.! અને શુભેચ્છા પાઠવનાર દરેક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર..!
આજે સાંભળીએ હેમુ ગઢવી અને દીના ગાંધર્વના સ્વરમાં આ ખૂબ જાણીતુ લોકગીત.
એવોયે વખત હશે, જ્યારે વાણિયા જેવી પોચી જાત અને તેમાંયે એક અબળા, પોતાના ઉપર કુદ્રષ્ટિ કરનાર રાજાને પણ કાળજે કારી ઘા પડે તેવો માર્મિક જવાબ આપીને ભોંઠો પાડતી. જીવાજી ઠાકોરે રોજ રોજ લાલચો દીધી. વાણિયાણીએ ખામોશ પકડી. પણ આખરે તો એણે રાજાની રાણીઓની, રાજ્યની અને મસ્તકની જ હરરાજી બોલાવી,ત્યારે ઠાકોર ઘોડાં પાવા જવાનું ભૂલી ગયા.- ‘રઢિયાળી રાત’ -સંપાદક-ઝવેરચંદ મેઘાણી
આજે ટહુકો.કોમને ત્રણ વર્ષ પૂરા થયા છે. જાણે હજી તો કાલે જ જન્મ્યો’તો ટહુકો, અને જોતજોતામાં તો ત્રણ વર્ષનો બાળક પણ થઈ ગયો. આપણા આ વ્હાલા ટહુકાને, ટહુકાનાં ઘર (એટલે કે જયશ્રી) અને વરને… અને ટહુકાનું ગુંજન સાંભળવા અને મોજથી માણવા આવતા બધ્ધા દેશી-વિદેશી પંખીઓને (એટલે કે આપણે બધ્ધા) ટહુકો.કોમની ત્રીજી વર્ષગાંઠ પર મારા-તમારા તરફથી તેમ જ મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને મબલખ શુભેચ્છાઓ.
થોડા દિવસથી ટહુકાનાં નવા રૂપ-રંગ તો તમે જોવા જ માંડ્યા હશે… આ સાથે જ કક્કાવાર અનુક્રમણિકા નું બદલાયેલું રૂપ પણ જોઈ લેશો. ઘણા વખતથી જયશ્રીએ ટહુકો ઉપર એક નવો વિભાગ શરૂ કરવો હતો… કે જ્યાંથી અલગ અલગ આલ્બમ ક્યાંથી મેળવી શકાય એની માહિતી મળી રહે… તો મિત્રો, આજે ટહુકોની ત્રીજી વર્ષગાંઠ પર એણે એ વિભાગનો પણ શુભારંભ કરી દીધો છે… સૂરનામા ! આ સાથે જ થોડી નાની-નાની સુવિધાઓ પણ તમને દેખાશે… કોશિશ તો એ જ છે કે વાંચક-મિત્રોને જોઈતી કોઈ પણ માહિતી એકદમ સરળતાથી મળી રહે.
તમને જરૂર થતું હશે કે ટહુકાની બર્થ-ડે પર અહીં ટહુકવાનું મૂકીને બુલબુલ ક્યાં ચાલી ગઈ ?? તો મિત્રો, એણે કહેલી ખાનગી વાત હું પણ તમને ખાનગીમાં જ કહું છું કે એ ટહુકાવાળી દસ દિવસની છુટ્ટી લઈને ટહુકાની બર્થ-ડે મનાવવા ગઈ છે…! મતલબ કે આજે ટહુકાની બર્થ-ડે કેક પણ આપણે જ કાપવાની છે, અને આપણે જ ખાવાની છે. 🙂
ટહુકાની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે મુકુલભાઈએ ખાસ એક ખૂબ જ મજાનું ગીત લખ્યું છે… જેને મેહુલ સુરતીએ ફિલ્માવીને અહીં સુધી મોકલ્યું છે… એ ગીત આપણે મુકુલભાઈનાં મુખે જ અને એ પણ એમને જોતા જોતા સાંભળીએ અને માણીએ. (આભાર મુકુલભાઈ… આભાર મેહુલ…)
ટહુકો ત્રણ વર્ષનો થયો…
ટહુકો ત્રણ વર્ષનો થયો…
કવિતા ને સંગીતનો આજે અર્થ એટલો જ રહ્યો,
કે ઉમળકો પુસ્તકથી નીકળી નેટમાં પહોંચી ગયો !
કે ટહુકો ત્રણ વર્ષનો થયો…
ટહુકો એટલે જય હો થી પણ આગળ એક જયશ્રી હો,
આવતા ભવમાં કાશ કે આ ટહુકાની જાતી સ્ત્રી હો…
પ્રેમમાં જેના કાવ્યપ્રેમી એક સમૂહ ખેંચાઈ ગયો,
એ ટહુકો ત્રણ વર્ષનો થયો…
ત્રીજે વર્ષે એના ત્રણ અક્ષરને સાર્થક કરીએ,
ચાલો, આ ટહુકાને ભરચક પંખીઓથી ભરીએ..
પછી ગમે ત્યાં એ રહેતો અમને તો ભયો ભયો,
કે ટહુકો ત્રણ વર્ષનો થયો…
લયસ્તરોની – આપણી યાદગાર ગઝલો શ્રેણીમાં વિવેકભાઇએ આ ગઝલનો જે પરિચય આપ્યો છે, એ પછી મારે કશું કહેવાનું બાકી રહેતું જ નથી..! 🙂 (ચલો, આજે હું કોપી-પેસ્ટ નથી કરતી, લયસ્તરોની લિંક આપી છે ત્યાં જઇને વાંચી લેશો ને? )
પણ હા… ગઝલ સાંભળવાની શરુઆત અહીં જ કરી શકો છો..!! 🙂
ગુજરાતી શાળામાં ભણેલા દરેકને આ સ્તુતિ થોડે -ઘણે અંશે તો યાદ જ હશે… ચલો, જો ભુલાઇ ગઇ હોય તો હું આજે યાદ કરાવી દઉં..! અને એ પણ ત્રણ અલગ-અલગ સ્વર-સંગીત સાથે..!! અને શાળાજીવન યાદ કરાવતી આ રચના સૌપ્રથમ સાંભળીએ બાળકોના સ્વરમાં….
થોડા દિવસ પહેલા ધ્રુવ ભટ્ટનું ‘નકરો જાદુ’ ભરેલી કવિતા મૂકી’તી એ યાદ છે ને? બસ એવું જ કંઇ આ કવિતામાં પણ અનુભવાશે.. પાંદડા, પતંગિયા, પહાડ, ઝરણા, ડાળખી અને કેડીની વાતો કરતા કરતા કવિ આપણને જાણે ઘરે બેઠા-બેઠા જ જંગલની વધુ નજદીક પહોંચાડી દે છે..
(ઝરણાના નીર…. Lower Yosemite Falls, Yosemite N.Park, Apr 09)
* * * * *
આજ જંગલ ઊમટ્યું છે મારી આંખમાં
ઝાડથી વછૂટેલા ટહુકાઓ આવીને બેસે છે આજ બારસખમાં
ડાળખીને દોમદોમ ફૂટે ભીનાશ એની
પાંદડાઓ લખતા કંકોતરી
હવે આવશે લીલોતરીનું બે કાંઠે પૂર
આવી આગાહી થાતી આગોતરી
આખ્ખો વિસ્તાર પછી કેમ કરી માપવો નાનકડી નજરુંની પાંખમાં…
ઝરણાના નીરનુંય એવું ખમીર છે કે
મ્હેંક મ્હેંક થાય અંગ આખું
થનગનતા પ્હાડનેય થાતું કે આજ હવે
કેડીને ચૂમું કે ચાખું?
ઊછળતા-કૂદતા પતંગિયાને મુઠ્ઠીમાં તુંય હવે કેદ કરી રાખમાં…