ફફડતું રહે છે… -વિવેક મનહર ટેલર

ગાગરમાં સાગર‘ પર ઊર્મિ આ અઠવાડિયાને કાવ્યપઠન-સ્પેશ્યલ વીક તરીકે ઉજવી રહી છે ત્યારે એની ઉજવણીમાં વિવેકભાઈનું કાવ્યપઠન માણીને આપણે પણ અહીંથી એક આહુતિ આપીએ…

PB134857
(જરઠ ઝાડ…                      ફોટો: વિવેક ટેલર)

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.

છે દિલ પર અસર શેનાં આકર્ષણોની ?
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.

પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.

રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.

આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.

આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.

હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે.

-વિવેક મનહર ટેલર

(જરઠ=વૃદ્ધ)

(માણેકશાહ બાવાની ચટાઈ: અમદાવાદનો (કે મહેમદાબાદનો) સુલતાન શહેર ફરતે કોટ બાંધી રહ્યો હતો ત્યારે ત્યાં પડી રહેતો ફકીર ઓલિયો માણેકશાહ બાવો ચટાઈ વણતો રહેતો. દિવસ દરમિયાન એ ચટાઈ વણતો રહેતો અને કોટ બંધાવા આવતો પણ સાંજ પડતા એ ચટાઈ ખોલી નાંખતો અને કોટ તૂટી પડતો દિવસો સુધી આમ ચાલ્યું પછી જ્યારે રાજાને ફકીરનું મહત્વ સમજાયું અને એના આશીર્વાદ લેવા ગયો ત્યારે માણેક બાવાએ ચટાઈ ઊકેલવાનું બંધ કર્યું અને કોટ બંધાયો)

6 replies on “ફફડતું રહે છે… -વિવેક મનહર ટેલર”

  1. રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
    રહી પાસે કોઈ, અછડતું રહે છે.
    સુન્દર ગિત ..વિવેક્ભાઈની રચનામા અર્થપુર્ણ શબ્દો હોય છે.

  2. સ્રરસ ગઝલ માટે શ્રી વિવેક્ભાઈને અભિનદન……..

  3. સરસ ગઝલ અને સુંદર રજૂઆત!
    ઐતિહાસિક સંદર્ભ સાથેનો માણેકશાની ચટાઈ વાળો શેર કાબિલેદાદ છે!
    અભિનંદન!
    સુધીર પટેલ.

  4. આ ગઝલ વિવેક્ભાઈના બ્લૉગ પર પહેલા વાંચી હતી પણ પઠન સાથે ફરી વાંચવાથી નવા વિભાવ ઉઘડ્યાં. પઠન બદલ આભાર જયશ્રી.

  5. સરસ ગઝલ અને સુંદર રજૂઆત!
    ઈતિહાસના સંદર્ભ સાથેનો માણેકશાની ચટાઈ વાળૉ શેર કાબિલેદાદ થયો છે! અભિનંદન!
    સુધીર પટેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *