Category Archives: કાવ્યપ્રકાર

ચાલ ઝાડની ખબર કાઢવા – મુકેશ જોષી

થોડા દિવસ પહેલા ઉર્વિશ વસાવડાની ગઝલ – વૃક્ષ પડે છે ત્યારે... વાંચી હતી એ યાદ છે ને? તો એના જ અનુસંધાનમાં આજની આ ગઝલ.. કવિ મુકેશ જોષીની કલમને દાદ આપવાનું મન થાય એવી ગઝલ… વૃક્ષ પડે ત્યારે શું થાય એ તો ઉર્વિશભાઇની ગઝલ કહે છે.. પરંતુ એ વૃક્ષ જ્યારે કોઇ માનવીની કુહાડીને લીધે પડે ત્યારે?

ચલો આપણે જઇએ કવિ સાથે… ઝાડની ખબર કાઢવા..!!

સ્વર : કવિ મુકેશ જોષી

(એક કુહાડી ક્યાંક ઊઠી છે…. Sequoia National Park, CA – Sept 08)

* * * * * * *

.

કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા
એક કુહાડી ક્યાંક ઊઠી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

પાનખરે જે પંખીઓએ ઝાડને હિંમત આપી’તી
એ પંખીની હામ ખુટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

ડાળ તૂટી ને કેટકેટલા પંખીઓના ઘર તૂટી ગયાં
કોકે શી મિરાત લૂંટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

ઝાડ કુહાડી લાયક હો તો માણસ શેને લાયક ?
તરણાઓમાં વાત ફૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

– મુકેશ જોષી

Happy Birthday to કવિ શ્રી તુષાર શુક્લ

ગયા વર્ષે આપણે ત્રણ મહિના મોડી કવિ તુષાર શુક્લની birthday ઉજવી હતી એ યાદ છે? આ વર્ષે એ ભુલ સુધારી લઇએ ચલો..!

તુષારભાઇને આજે – જુન ૨૯ ના દિવસે (સમયસરની) જન્મદિવસની ખૂબ ખૂબ… અમિત શુભેચ્છાઓ..! 🙂

આમ તો આપણે થોડા થોડા દિવસે એમની રચનાઓ વાંચતા – સાંભળતા જ હોય છે. તો આજે સાંભળીએ, તુષાર શુક્લ સાથે એક વાર્તાલાપ (સૂર-સંવાદ ના આરાધનાબેને લીધેલી એમની મુલાકાત)… સાથે સાથે એમના કેટલાક જાણીતા અને સૌના ગમતા ગીતો.. અને હા, બોનસમાં એમની એક તાજ્જી કવિતા.. એમના જ સ્વરમાં.

.

અને હા.. આ પહેલા ટહુકો પર મુકેલા એમના ગીતો સાંભળવાનો ફરી એકવાર મોકો આપી દઉં ને?

Continue reading →

ઊમટી આવ્યાં વાદળ – પન્ના નાયક

(Photo : http://www.omniplan.hu/)

ઊમટી આવ્યાં વાદળ,
ધોધમાર એ વરસ્યાં આંખનું રેલી નાંખ્યું કાજળ.

કોઇની કાળી નજર લાગી ને
અંગે અંગે વીજળી,
સળવળાટથી સણકે એવી
કે મારામાં ગઇ પીગળી,
મારામાંથી નીકળી ચાલ્યું કોઇ આંખની આગળ.

એવી આ તે કશી કુંડળી
ગ્રહો લડે આપસમાં,
ઝેર ઝેર લ્યો વ્યાપી ચૂક્યું
અમરતની નસનસમાં,
વિધાતાએ કરી મૂક્યો છે કાબરચીતરો કાગળ.

– પન્ના નાયક

બાઇ હું તો કટકે ને કટકે કપાઉં – સુરેન ઠક્કર ‘મેહુલ’

આજે ફરી એક કૃષ્ણગીત… ના.. ખરેખર તો મીરાકાવ્ય..! આ ગીતનું સંગીત શરૂ થાય એના પરથી જ જાણે સ્વરકાર દક્ષેશ ધ્રુવના હસ્તાક્ષર દેખાઇ આવે છે..!

(બાઇ હું તો…. Photo: DollsofIndia.com)

* * * * * * *

સ્વર : નિશા ઉપાધ્યાય
સંગીત : દક્ષેશ ધ્રુવ

.

બાઇ હું તો કટકે ને કટકે કપાઉં,
મોરારીના મનમાં કેમે ના સમાઉં.

દેહ્યુંમાં જાગી દુજા ભવની બળતરા
લખ રે ચોર્યાશી ફેરા નથી મારે ફરવા
બાઇ હું તો નમતું જોખું ને ના તોળાવું
મોરારીના મનમાં કેમે ના સમાઉં.

બાઇ મીરા કહે મારા ઘટમાં ગોઝારો
ઘુમ્યો રે વંઠે મારા મનનો મુંઝારો

બાઇ હું તો ઘણું રે લખું ને ના વંચાવું
મોરારીના મનમાં કેમે ના સમાઉં.

પ્હેલો વરસાદ – પ્રદ્યુમ્ન તન્ના

મોસમના પહેલા વરસાદની મઝા કોણે ના લીધી હોય? અને બાળપણમાં તો એ મઝા જાણે બેવડી નો’તી લાગતી? આખા ઉનાળાના વેકેશનની બધ્ધી જ બપોર ક્યાં તો પોતાના કે કોઇ મિત્રના ઘરે કે ઓટલા પર જ ગાળવાની હોય…! અને એ ગરમી અને એના બંધનમાંથી છુટ્ટી આપતો મોસમનો પહેલો વરસાદ જ્યારે વરસે… આ હા હા… જલસો જ કહેવાય ને?

ક્યારની તે જોતાં’તાં વાટ એવા મોસમના
પ્હેલા વરસાદમાં જાવા દે જરી,
મા ! જાવા દે જરી.

ચારેકોર ઊભરતા હાલક હિલોળ મહીં
ઝબકોળાં થોડાંઘણાં થાવા દે જરી.
મા ! થાવા દે જરી.

કેમ આજે રે’વાશે ઘરમાં ગોંધાઈ,
કેમ બારી ને બા’ર કીધાં બન્ધ ?
ઝાલ્યો ઝલાય નહીં જીવ કેવાં કે’ણ લઈ
આવી મત્ત માટીની ગન્ધ !

ફળિયાને લીમડે ગ્હેંકતા મયૂર સંગ
મોકળે ગળે તે ગીત ગાવા દે જરી,
મા ! ગાવા દે જરી.

ચાહે ઘણુંય તોય રે’શે ના આજ કશું
તસુ એક હવે ક્યહીં કોરું,
જળે ભર્યા વાદળાંના ઝુંડ પર ઝુંડ લઈ
ઝૂક્યું અંકાશ જ્યહીં ઓરું :

ઝડીયુંની જોરદાર જામી આ રમઝટમાં
થઈએ તરબોળ એવું ના’વા દે જરી,
મા ! ના’વા દે જરી.

ક્યારની તે જોતાં’તાં વાટ એવા મોસમના
પ્હેલા વરસાદમાં જાવા દે જરી
મા ! જાવા દે જરી.

પહેલા વરસાદનો છાંટો – અનિલ જોષી

આ ગીત આમ તો વર્ષાગીત કરતા વધુ પ્રેમગીત છે.. ગીતની નાયિકાને માણસને બદલે મીઠાની ગાંગડી થવું છે, કે જેથી પિયુજીના પ્રેમના છાંટે એ ઓગળી જાય..

(હું પાટો બંધાવા હાલી રે…. Photo: DollsofIndia.com)

* * * * * * *

સ્વર : હેમા દેસાઇ
સંગીત : ઉદય મઝુમદાર

.

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….
વેંત વેંત લોહી કાંઈ ઊંચું થીયું ને
જીવને ચઢી ગઈ ખાલી રે…

સાસ ને સસુરજી અબઘડી આવશે
કાશીની પૂરી કરી જાત
રોજીંદા ઘરકામે ખલેલ પહોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યાં કાતરા રે….

પિયુજી છપરાને બદલે જો આભ હોત
બંધાતી હોત હું યે વાદળી રે…
માણસ કરતાં જો હોત મીઠાંની ગાંગડી
છાંટો વાગ્યો ને જાત ઓગળી રે…

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….

વૃક્ષ પડે છે ત્યારે – ઉર્વીશ વસાવડા

વૃક્ષ ઊગે છે ત્યારે… ઉર્વિશ વસાવડાની આ ગઝલ થોડા વખત પહેલા ટહુકો પર મુકેલી.. એ જ ગઝલની જોડીદાર જેવી આ ગઝલ.. ગમશે ને?

(વૃક્ષ પડે છે ત્યારે…   Sequoia National Park, CA – Photo: from Flickr)

* * * * * * *

શું વીતે છે આભ, ધરા પર, વૃક્ષ પડે છે ત્યારે
વ્યાકુળ થઇ જાતું સચરાચર, વૃક્ષ પડે છે ત્યારે

ટહુકાઓ પણ દિશા ભૂલી, અફળાતા ચારે બાજુ
રૂદન કરે છે પંખીના સ્વર, વૃક્ષ પડે છે ત્યારે

થોડી ઝાઝી અસર થવાની સંવેદન પર સહુના
માણસ હો કે હો એ પથ્થર, વુક્ષ પડે છે ત્યારે

એમ મને લાગે કે ઓછું થયું કશું મારામાં
હું પણ તૂટું મારી અંદર, વૃક્ષ પડે છે ત્યારે

કોરી પાટી જેવી ધરતી નીરખો તો સમજાશે
ભૂંસાતા ઇશ્વરના અક્ષર, વૃક્ષ પડે છે ત્યારે

આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં – સંદીપ ભાટિયા

દેશમાં આમ તો ચોમાસું આવવાને થોડી વાર છે, પણ બે દિવસ પહેલા શિકાગો – મિશિગન બાજું જે ધમધોખાર – સાંબેલાધાર વરસાદ આવ્યો હતો, એ પરથી આ ગીત ચોક્કસ યાદ આવી જાય…!

* * * * *

આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં
ને પરબીડિયું ગયું ગેરવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે

છત્રીને થાય, એક નળિયાને થાય,
કોઈ નેવાને થાય એવું થાતું
ખુલ્લા થયા ને તોયે કોરા રહ્યાનૂં
શૂળ છાતીમાં ઊંડે ભોંકાતું

વાદળાંની વચ્ચોવચ હોવું ને તોય કદી
છાંટા ન પામવા જવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે

ભીંજેલા દિવસોને તડકાની ડાળી પર
સૂકવવા મળતા જો હોત તો
કલરવનો ડાકિયો દેખાયો હોત
કાશ મારુંયે સરનામું ગોતતો

વાછટના વેપલામાં ઝાઝી નહીં બરકત,
ગુંજે ભરો કે ભરો ગલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે.

– સંદીપ ભાટિયા

સુરત નહિ સ્વીકારે હાર -ગૌરાંગ ઠાકર

સુરતમાં બારમી જુને એક સગીર વિદ્યાર્થીની પર ધોળે દહાડે ચાલુ ગાડીમાં ત્રણ-ત્રણ નરાધમો દ્વારા એના સહાધ્યાયીની હાજરીમાં અમાનવીય બળાત્કાર થયો અને નરમાનુષોએ એની વિડીયો ક્લિપિંગ્સ પણ ઉતારી… રૂંવાડા ઊભા કરી દે અને લોહી ઊકળી ઊઠે એવા શહેરની અસ્મિતા પર સરિયામ થયેલા જનોઈવઢ ઘાની કોઈને કળ વળી નથી અને વળી શકે એમ પણ નથી.

અંતરમાં ઉઠેલા એવા જ એક આક્રોશમાંથી જન્મ થયો છે આ ગીતનો.  કેટલીયે દીકરીઓ અને એમના ઘરવાળાઓએ બદનામીના ડરથી આ નરાધમો સામે નમતું જોખીને એમની પાશવીવૃત્તિઓને અજાણ્યે પોષ્યે રાખી હતી.  આવા રાક્ષસો બીજી કોઈ દીકરી સાથે ફરી આવું ન કરી શકે એ ખાતર અને પોતાને થયેલા અન્યાયની સામે હરગીઝ માથું ન ઝુકાવી પોતાની બદનામીની જરાયે ચિંતા કર્યા વગર એ અપરાધીઓને આકરામાં આકરી શિક્ષા થાય એ માટે ન્યાય માંગવા આગળ આવેલી આપણી એ નીડર દીકરીને માટે “શૂરવીર” સિવાય બીજો કયો શબ્દ વાપરી શકાય????  આજે ફાધર્સ ડે છે.. અને આમ તો કાયમ ફાધર્સ ડે પર અહીં દરેક પપ્પા માટે મુકાયેલું કોઈ મજાનું ગીત મૂકીને માણીએ છીએ… પરંતુ આજનું આ ગીત માત્ર એક જ પપ્પા અને એમનાં કાળજાનાં ટુકડાં સમી એ વ્હાલી નીડર દીકરીને સ્નેહાર્પણ… દુનિયાની બધી દીકરીઓ, દીકરીનાં પપ્પાઓ અને એમનાં કુટુંબીજનોને આવી જ રીતે અન્યાય સામે લડવાની પ્રભુ શક્તિ આપે, એ જ પ્રાર્થના સહ…

સંગીત, સ્વરાંકન: શૌનક પંડ્યા
સ્વર: શૌનક પંડ્યા, સત્યેન જગીવાલા

જાગો..જાગો..જાગો…
સુરત નહિ સ્વીકારે હાર
જુલ્મીની પાડે સવાર

સીધેસીધો વાર થયો
હૈયે અત્યાચાર થયો
દીકરીનાં આંસુ ચોધાર
સુરત નહિ સ્વીકારે હાર……

સુરતના આતમ પર ઘા ..?
જનમાનસની આ હત્યા..?
પ્રશ્ન ઊભો છે સૌને દ્વાર
સુરત નહિ સ્વીકારે હાર…

નરાધમોને શિક્ષા થાય,
માસૂમ બાળા માંગે ન્યાય,
ફાંસી દઈ દો ચોકબજાર
સુરત નહિ સ્વીકારે હાર….

દાદાગીરી દૂર કરો,
શાસન થોડું ક્રુર કરો
અબળા નારીનાં ચિત્કાર
સુરત નહિ સ્વીકારે હાર…

-ગૌરાંગ ઠાકર

સોના વાટકડી રે

સ્વર : દિવાળીબેન ભીલ, લખાભાઇ ગઢવી

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા,
લીલો છે રંગનો છોડ, રંગમાં રોળ્યાં, વાલમિયા.

નાક પરમાણ રે નથડી સોઇં, વાલમિયા,
ટીલડીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

પગ પરમાણે રે કડલાં સોઇં, વાલમિયા,
કાંબિયુંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

કેડ પરમાણે રે ઘાઘરો સોઇં, વાલમિયા,
ઓઢણીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

હાથ પરમાણે રે ચૂડલા સોઇં, વાલમિયા,
ગૂજરીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

ડોક પરમાણે રે ઝરમર સોઇં, વાલમિયા,
તુળસીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

કાન પરમાણ રે ઠોળીયાં સોઇં, વાલમિયા,
વેળિયાંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.