Category Archives: કાવ્યપ્રકાર

મનોજ પર્વ ૧૧ : શાહમૃગો

કાવ્યસર્જનના આરંભકાળમાં મનોજ ખંડેરિયા, ગઝલ ઉપરાંત ગીત, અંજનીકાવ્ય અને અછાંદસની સાથે પણ કામ પાડે છે; તો કેટલાંક સંતર્પક દીર્ઘકાવ્યો પણ આપે છે. ‘શાહમૃગો’, સાધંત પ્રવાહી શૈલીમાં વહેતી અને ઝીણવટભર્યું કવિકર્મ દાખવતી કવિની ખૂબ જ જાણીતી બનેલી કૃતિ છે. આ રચનામાં કવિ, શાહમૃગોને પ્રતીકાત્મક સ્તરે પ્રયોજીને, માનવજીવનની સાથે જોડાયેલાં આકર્ષણો-પ્રલોભનો અને વળગણોની મર્મવેધક વાત કરે છે. અને એમ, આજના મનુષ્યની દશાને અસરકારક રીતે આલેખે છે.
આબાલ-વૃધ્દ્ર સૌ કોઈ જેનાથી સંમોહિત છે એવા શાહમૃગોની મોહિની વ્યાપક સ્તરે પ્રભાવ પાથરે છે, એની વેધક અભિવ્યક્તિ આ પંક્તિઓમાં થઈ છે –

શાહમૃગોની પાંખે મોહ્યો તડકો
રોજ સવારે શાહમૃગોનાં પટપટ પીછાં ગણતો
શાહમૃગોની ઋજુ રેશમી પતલી ડોકે
હવા ચૂમતી જાય.

અને પછીથી ભારે શરીરે ભાગી છૂટેલા શાહમૃગોને પકડવાના પ્રયત્નોને અંતે પણ એ હાથ ન લાધે ત્યારે –

શાહમૃગોના પગની ધૂળે
હજીય કંઈ વરસોથી આજે
ગામ ગામ અટવાય
ભીંત ભીંત આટવાય.

ભાવવ્યંજકતા અને ગતિશીલતાના ગુણથી સોહતું આ કાવ્ય આમ, કવિની કવિત્વશક્તિનો પરિચય આપવા ઉપરાંત એમની આગવી ઓળખ પણ રચી આપે છે.

નીતિન વડગામા

***********

(શાહમૃગ….San Francisco Zoo)

શાહમૃગોનાં રૂપે રૂપે વારી ગયાં રે લોક
શાહમૃગોને પકડીને વાડામાં રાખ્યાં
શાહમૃગોની ફરતો દીવાલ કેરો પ્હેરો
શાહમૃગોને જીવ માફક જાળવતાં શહેરો
શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો
જોઈ જાતી આંખો
શાહમૃગોને જોવા આવે નગર
શાહમૃગોને જોવા આવે ગામ
ગામની સીમ
સીમમાં ધૂધરિયાળી વેલ
“વેલમાં બેઠો વાણિયો કંઈ કાગળ લખતો
કાગળમાં બે પૂતળિયું કંઈ હસતી રમતી”
વાતો કરતી
વાતોમાં એ શાહમૃગોનાં સપનાં જોતી
શાહમૃગોને રૂપે મ્હોતી
શાહમૃગોને કહેતી
શાહમૃગો ઓ શાહમૃગો, અમને વરવા આવો
અમે તરસીએ રૂપ તમારું, અમને હરવા આવો
પૂતળીઓએ
બાળપણામાં હોળી-ખાડે વ્હેલી સવારે
કંકુ છાંટી – દીવો મૂકી – કરી નાગલા – કર જોડીને
ઘર માગ્યું’નું શાહમૃગોનું
વર માગ્યા’તા શાહમૃગોના.
શાહમૃગો તો બાળકનાં સપનાંમાં આવે
પરીઓ સાથે આવે
શાહમૃગો તો
હવે વૃધ્દ્રની બધી બોખલી વાતવાતમાં આવે
શાહમૃગો પર
મૂછનો બોરો ફૂટ્યો એવા જુવાન ખુશખુશ
શાહમૃગો પર
સોળ વરસની કન્યા ખુશખુશ
શાહમૃગોની પાંખે મોહ્યો તડકો
રોજ સવારે શાહમૃગોનાં પટપટ પીછાં ગણતો
શાહમૃગોની ઋજુ રેશમી પતલી ડોકે
હવા ચૂમતી જાય.
વાડે રાખ્યાં શાહમૃગો તો
લળકત લળકત ડોકે
જુએ દીવાલો
જુએ ઝાંપલો
કદી કદી આકાશે માંડે આંખ
પ્રસારે પાંખ
છતાંયે કેમે ના ઉડાય
શરીર બાપડું ભારે એવું
પાંખ એટલો ભાર ઝીલી શકે ના ભાર.
એક સવારે
આવી નીરખવા આંખો થઈ ગઈ વ્યાકુળ
સાવ ઝાંપલો ખુલ્લો
શાહમૃગો વિણ વાડો ખાલી ખાલી
બુમરાણ મચાવી આંખોએ કે
શાહમૃગો તો ભાગ્યાં.
બૂમ પડીને ઘર કંઈ વ્યાકુળ
બૂમ પડીને ઘર શેરી વ્યાકુળ
આકુળવ્યાકુળ ગામ પકડવા શાહમૃગોને દોડ્યું
ગામે વાત કરી નગરોને
નગર નગરની ભીંતો દોડી
શેરી દોડી
રસ્તા દોડ્યા
મકાન દોડ્યાં
બારી દોડી
ઊંબર દોડ્યા
બાર-ટોડલા દોડ્યા
દુકાન દોડી
દુકાન-ખૂણે પડ્યાં ત્રાજવાં દોડ્યાં
શાહમૃગોનાં રૂપના પાગલ સહુ રે દોડ્યા.
શાહમૃગો તો સહુને પાછળ આમ આવતા જોઈ
બમણી તીર-વછૂટી ગતિએ નાઠા
ક્યાંક ભડકતા ભાગ્યા હફરક….હફરક….
આખા પંથે ધૂળ ઉડાડી હફરક….હફરક….
ધૂળના ઊંચા પ્હાડ ઉડાડી હફરક….હફરક….
ધૂળથી આખું આભ ઢાંકતાં જાય
દોડતા જાય
ક્ષિતિજની પાર નીસરી જાય
દૂર દૂર તે ક્યાંય ઊતરી જાય
ક્યાંય….
શાહમૃગોના પગની ધૂળે
હજીય કંઈ વરસોથી આજે
ગામ ગામ અટવાય
ભીંત ભીંત આટવાય.
શાહમૃગોનાં રૂપની પાગલ આંખે
ધૂળ ભરાતાં થઈ આંધળી-ભીંત
આંખ ચોળતા લોક દોડતા પૂછે :
શાહમૃગો પકડાયાં ?
શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો
જોઈ જાતી આંખો પૂછે :
શાહમૃગો એ ક્યાં છે ? ક્યાં છે ?
શાહમૃગોની વાટ નીરખતી પૂછે પૂતળીઓ :
શાહમૃગોને લાવ્યા ?
ઘડી વિસામો લેવા બેઠો
વડની છાંયે વૃધ્દ્ર બબડતો :
આ ચિરકાળથી દોડી રહેલા શાહમૃગો તો
હવે અટકશે ક્યારે, ક્યારે, રામ ?
શાહમૃગોની કરે પ્રતીક્ષા આંખ.

– મનોજ ખંડેરિયા

મનોજ પર્વ ૧૦ : ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ

સ્વર – સંગીત : અમર ભટ્ટ

(The horizon @ 0.00 degrees Equator, Kenya)

.

ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.

અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પહોંચશું, એની ખબર ક્યાં છે,,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.

દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.

અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,
અમે કમભાગી કે ના કાંઈ પણ દઈ અમને દોડાવ્યા.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

ઘસાતા બન્ને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં-
થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.

– મનોજ ખંડેરિયા

મનોજ પર્વ ૦૯ : પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને

આ વર્ષના ‘મનોજ પર્વ’ના બીજે દિવસે સાંભળીએ કવિ શ્રી મનોજ ખંડેરિયાની આ મને ખૂબ જ ગમતી ગઝલ..! કવિના પોતાના અવાજમાં.. મનોજ ખંડેરિયાની ગઝલોમાં આવતા જૂનાગઢ, નરસિંહના સંદર્ભો આમ તો અજાણ્યા નથી – પણ આ ગઝલમાં જૂનાગઢ કે નરસિંહ મહેતાના નામ વગર આવતો સંદર્ભ વિષે કવિના પોતાના અવાજમાં જ સાંભળો.

ગઝલ પઠન : મનોજ ખંડેરિયા

.

*****

અને સાથે બે અલગ સ્વરાંકનો અને સ્વરોમાં માણીએ આ ગઝલ ..!

સ્વર અને સ્વરાંકન : રાસબિહારી દેસાઇ
(થોડું જૂનું રેકોર્ડિંગ હોવાથી અવાજ થોડો ધીમો છે… ચલાવી લેશો ને? 🙂 )

.

સ્વર અને સ્વરાંકન : સોલી કાપડિયા

.

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

– મનોજ ખંડેરિયા

મનોજ પર્વ ૦૮ : હાથમાં કારોબાર રાખ્યો તેં

આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસેઆપણા સર્વ તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..! અને ગયા વર્ષની જેમ, આ વખતે પણ મોકો લઇ લઉં એમની રચનાઓનો રસથાળ સતત એક અઠવાડિયા સુધી આપને પીરસવાનો.

ચાડી ખાશે સુગંધ ગઝલોની,
ક્યાંક અત્તરમાં હાથ નાખ્યો તેં
– મનોજ ખંડેરિયા

અને શરૂઆત કરીએ એમની આ ખૂબ જ જાણીતી ગઝલથી. આ ગઝલ આમ તો ટહુકો પર Dec 4, 2007 ના દિવસથી શ્યામલભાઇના અવાજમાં મૂકી છે – પણ આજે આ ગઝલ – કવિના પોતાના સ્વરમાં પઠન સાથે…!

ગઝલ પઠન : કવિ શ્રી મનોજ ખંડેરિયા

________________

Posted on December 4, 2007

મને ખૂબ જ ગમતી ગઝલ.. શબ્દરચનામાં મનોજ ખંડેરિયાએ, અને સ્વર આપવામાં શ્યામલભાઇએ ખરેખર કમાલ કરી છે..!!

સ્વર : શ્યામલ મુન્શી

સંગીત – શ્યામલ – સૌમિલ મુન્શી

kheen.jpg

.

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.

કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

– મનોજ ખંડેરિયા

વાદળી વરસીને ચાલી ગઈ -રમણભાઈ પટેલ

rain-photography1
(ઝરમર ઝરમર પ્રેમ વરસાવે આભથી…)

સંગીત : શ્યામલ-સૌમિલ મુનશી
સ્વર : કવિતા કૃષ્ણમૂર્તિ
આલ્બમ : હસ્તાક્ષર

વાદળી વરસીને ચાલી ગઈ.
ધરતીના હૈયા ધબકાવતી ગઈ,
વાદળી વરસીને ચાલી ગઈ.

કુદરતમાં લીલાંછમ્મ રંગો રેલાવતી;
મધુર મધુર ભીંજવતી ગઈ,
ઝરમર ઝરમર પ્રેમ વરસાવે આભથી,
એ તો ક્યાંથી આવીને ક્યાં ગઈ !
વાદળી વરસીને ચાલી ગઈ.

પળભરમાં પ્રીતીનો પાલવ લહેરાવતી;
કણકણ પ્રગટાવતી ગઈ,
ધબકે છે હૈયું આ, જોઉં જ્યાં વાદળી;
એ તો પળમાં અણજાણ બની ગઈ !
વાદળી વરસીને ચાલી ગઈ.

-રમણભાઈ પટેલ

તરત જ ગમી જાય એવું સાવ સરળભાષી અને મનભાવન ગીત… ઉપરથી કવિતા કૃષ્ણમૂર્તિનો કર્ણપ્રિય અવાજ સાચે જ એક વાદળી વરસાવી જતો હોય એમ નથી લાગતું…?!

આ તે કેવું ? – કૃષ્ણ દવે

ઝરણાનું દે નામ અને ના આપે વહેવું ! આ તે કેવું ?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું ! આ તે કેવું ?

રણની જેવું તરસી પડીએ તોય વહે તું અધ્ધર ?
ઝાકળ જેવું વરસી પડીએ તોય કહે તું પથ્થર ?
તું બોલે બેફામ ને મારે કંઇ ના કહેવું ? આ તે કેવું ?

હોય વૃક્ષની જાત અને ના છાંયો આપે ?
છે અમાસની રાત અને પડછાયો આપે?
માંગું ખુલ્લેઆમ ને તારે કંઇ ના દેવું ? આ તે કેવું ?

મત્સ્ય હોઉં ને જળને કંઇ તરવાનું પૂછું ?
વાદલ છું તો વરસું કંઇ સરનામું પૂછું ?
ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું ! આ તે કેવું ?

– કૃષ્ણ દવે

—————–
વેમ્બલિમાં ઝળહળતી ગુર્જરી માટે એક અનેરો લ્હાવો…. કવિ કૃષ્ણ દવે સાથે મજલિસ (લંડન, 17 જુલાઈ 2010, બપોરે 2.30)

હંકારી જા (મારી બંસીમાં બોલ બે વગાડી તું જા…) – સુન્દરમ

Sept 2006મા એક અજાણ્યા સ્વર સાથે રજૂ કરેલી કવિ શ્રી સુન્દરમની આ અમર રચના…. આજે ફરી એકવાર… જુદા સ્વરાંકન, અને એક ખૂબ જ મીઠા સ્વર સાથે….!! વારંવાર બસ સાંભળ્યા જ કરીએ…. સાંભળ્યા જ કરીએ..!!

સાથે ખાસ આભાર આ આલ્બમના નિર્મિતા પ્રણવભાઇનો, જેમણે મને આ આબ્લમની કેસેટ ઘણા વખત પહેલા આપી હતી. કેસેટ તો ઘણીવાર માણી, પણ કેસેટમાંથી mp3 કરવાનું બાકી હતું. આભાર સુનિલભાઇનો, હજુ ગયા શનિવારે તો વાતો કરી કે વિદ્યાવિહાર ગીતોની mp3 કરી આપશો? અને આજે તો એમાંથી એક ટહુકો પર આવી ગયું… 🙂

(ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા… …નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭ : Vivek Tailor)

સ્વર – આરતી મુન્શી
સ્વરાંકન – ભાઇલાલભાઇ શાહ
સંગીત સંચાલન – ગૌરાંગ વ્યાસ
આલ્બમ – વિદ્યાવિહાર ગીતો (પ્રણવ મહેતા નિર્મિત)

.

સ્વર – : ??
સ્વરાંકન – : ??

.

પઠન – : સુન્દરમ

.

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી સોણલું બતાડી તું જા.

મારી બંસીમાં….

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી,
જનમભૂખીને જમાડી તું જા.

મારી બંસીમાં….

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા.

મારી બંસીમાં….

નેવાં – મનોજ ખંડેરિયા

આજે પલળીએ મનોજ ખંડેરિયાના આ મઝાના હાયકુ-કાવ્ય સંગાથે..!!

ટપકે નેવાં
આજે તો અવકાશે
છલકે નેવાં

રાત પડે ને
સામે ઘેર જવાને
સરકે નેવાં

કોણ આવતું
આજ આંખની જેવાં
ફરકે નેવાં

અષાઢ-રાતે
કણું બનીને આંખે
ખટકે નેવાં

પાંખ-પાંખમાં
મૌન ધ્રૂજતું ભીનું
ધબકે નેવાં

– મનોજ ખંડેરિયા

રાજા તારા ડુંગરિયા પર – મીરાંબાઈ

Last week મા બોલે છે ઝીણા ઝીણા મોર.. – કેશવ રાઠોડ post પર આવેલી પંચમભાઇની ખાસ ફરમાઇશ પર – આજે સાંભળીએ આ મધુર ગીત… પંડિત ઓમકારનાથજીના શિષ્ય શ્રી અતુલ દેસાઈના કંઠે….!

કવિ : મીરાંબાઈ
સ્વર – સંગીત : અતુલ દેસાઈ

.

રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણાં મોર

મોર જો બોલે, પપૈહા જો બોલે
કોયલ કરે કલશોર – બોલે….

માઝમ રાત ને બિજલડી ચમકે
છાઈ ઘટા ઘનઘોર રે – બોલે….

બાઈ મીરાં કહે, પ્રભુ ગિરધર નાગર
તું મારા ચિતડાનો ચોર – બોલે

– મીરાંબાઈ

ઈચ્છાઓ ઘર ઘર રાખી છે – મકરંદ મુસળે

જાણે દુશ્મન પર રાખી છે,
એમ નજર ભીતર રાખી છે.

નિષ્ફળતાનો પ્રશ્ન જ ક્યાં છે,
શ્રધ્ધા જાત ઉપર રાખી છે.

છાતી પર ખંજર ક્યાં મારો?
જાન હથેળી પર રાખી છે.

હું તો ચલ ધીમું ચાલું છું,
તેંય ગતિ મંથર રાખી છે.

માણસ દોડ્યે રાખે માટે,
ઈચ્છાઓ ઘર ઘર રાખી છે.

– મકરંદ મુસળે