Category Archives: કવિઓ

Happy Birthday … to.. વ્હાલા કવિ શ્રી સુરેશ દલાલ

આજે 11 ઓક્ટોબર, 2007. ગુજરાતી કવિતા જેમના વગર અધૂરી કહેવાય, એવા કવિ શ્રી સુરેશ દલાલનો 75મો જન્મદિવસ. એમના વિષે કંઇ પણ કહેવાની તો મારી ક્ષમતા જ નથી. હા.. એક વાત કહેવાની છે… એમના જન્મદિવસની ઉજવણીના ન્યુ જર્સીમાં થયેલા કાર્યક્રમની ઘરે બેઠા મજા લેવી હોય તો… આપણા ઊર્મિબેનને યાદ કરવાનું ભૂલતા નહીં.. 🙂
અને જન્મદિવસની ઉજવણી જ્યારે ટહુકો પર કરવાની હોય, તો ગીત સિવાય કંઇ યાદ આવે ખરું? તો સાંભળીયે કવિ શ્રી સુરેશ દલાલના થોડા ગીતો…

sureshdalal.jpg

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વ્હેતું ના મેલો

તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી….

આંખ્યુંના આંજણમાં..

અમે એવા છઇએ – સુરેશ દલાલ.

ઇટ્ટા કિટ્ટા…

કમાલ કરે છે…

આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…

મનના મેવાડમાં એક રાણો વસે છે ..

ગરબે રમવાના થયા ઓરતા રે.. – દિલીપ જોશી

સ્વર : પ્રીતિ ગજ્જર, નિગમ ઉપાધ્યાય
સંગીત : ડો. ભરત પટેલ

bhagawati_PZ44

.

ગરબે રમવાના થયા ઓરતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ચોકે નર-નાર સહુ ડોલતા રે…
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

પડવેથી પૂનમનો પંથ કેવો પાવન
જ્યાં જ્યાં નિહાળો ત્યાં માઁના હો દર્શન

આંગણિયે આંગણિયા આજ થયા ઉપવન
સોળે શણગાર સહુ શોભતા રે…
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ગરબે રમવાના થયા ઓરતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ઝળહળતી હોય ધરા ઝળહળતું અંબર
માઁને પૂછીને ઉગે સૂરજ ને ચંદર

ચોકે ચોકે રે ઝરે ઉમંગી અવસર
આઠે બ્રહ્માંડ રંગ ઘોળતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ગરબે રમવાના થયા ઓરતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ચોકે નર-નાર સહુ ડોલતા રે…
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

પન્નીને પહતાય તો કે’ટો ની…. – ડો. રઇશ મનીયાર

ચલો… રવિવાર સુધરી જાય એવું કંઇક કરીયે આજે…

એટલે કે.. ટહુકો પર બીજુ તો શું કરવાનું હોય, એક મસ્તીભર્યું ગીત સાંભળીયે. 🙂

કવિ શ્રી રઇશ મનીયારની આ હઝલ ( હાસ્ય ગઝલ ) ઘણી જ જાણીતી છે. અને આપણા મેહુલભાઇએ એને ખૂબ જ સરસ સંગીત આપ્યું છે.. ગમે એવા મૂડમાં હો, ચહેરા પર સ્મિત આવી જાય !!

આમ તો રઇશભાઇ હમણા અમેરિકામાં જ છે, અને East Coastમાં એમના ઘણા પ્રોગ્રામ પણ થાય છે, પણ અમે કેલિફોર્નિયાવાળા રહી ગયા… 🙁

ચલો.. રૂબરૂમાં નહીં તો આવી રીતે જ.. એમની રચના માણીને મઝા કરીયે..

સંગીત : મેહુલ સુરતી
સ્વર : સત્યેન જગીવાલા

after-marriage.jpg

.

પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.

”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.

હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.

( આભાર : લયસ્તરો )

ફરમાઇશ કરનાર મિત્ર : હાર્દિક શાહ.

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં – -‘સૈફ’ પાલનપુરી

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

khushboo

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં અસીમ મહેતાના સ્વરમાં સાંભળો.

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં.

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતાં.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

પેલા ખૂણે બેઠા છે એ “સૈફ” છે મિત્રો જાણો છો ?!
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા !

ચાંદ થોડો ચાંદ જેવો લાગશે ! – અદી મિર્ઝા

તું જો આજે મારી સાથે જાગશે
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !

કોણ તારી વાત સાંભળશે, હ્ર્દય !
એક પથ્થર કોને કોને વાગશે?

તું અમારો છે તો ધરતીના ખુદા!
તું અમારા જેવો ક્યારે લાગશે ?

જિંદગી, તું આટલી નિર્દય હશે?
તું મને શું એક પળમાં ત્યાગશે?

હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે!

એણે માગી છે દુવા તારી ‘અદી’
તું ખુદા પાસે હવે શું માગશે !!

અમે કોમળ કોમળ…- માધવ રામાનુજ

સ્વર : હરીહરન

સંગીત : અજીત શેઠ

Photo by [ CK ]

.

હળવા તે હાથે ઉપાડજો એ હળવા તે હાથે ઉપાડજો
સાથરે ફૂલડાં ઢાળજો એ અમે કોમળ કોમળ…

આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા એ અમને રૂંધ્યા રગેરગ;
ઊનાં તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ..

પેર્યા ઓઢ્યાના ઓરતા એ છોગે છેલ ઝુલાબી,
આંખમાં રાત્યું આંજતા એ અમે ઘેન ગુલાબી,
કેડિયે કોયલ ગૂંથજો એ અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગે’કાવજો એ અમે કોમળ કોમળ…

હાથ મૂકી મારે કાળજે એ પછી થોડુંક લખજો:
– ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો !
– ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન મળજો !

કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ !
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ !

કાવ્ય – કરસનદાસ માણેક

gandhijee.jpg

કોટિ કંઠ જેના સ્તુતિગાન કરે
કોટિ કંઠ જેના સ્તુતિગાન રટે,
જેને દર્શન વિશ્વ બધું ઉમટે ;
મૃત માનવતાને  જીવાડવામાં
જેની જોડી નથી ધરતીને પટે ;

એવા અદભૂત આ અવધૂતનું અંતર
આંખ ખોલી એક વાર જુઓ :
એને ભીતરમાં ભડકા સળગે ,
એનું દુ:ખ દેખી એકવાર રુવો !

એણે માનવપ્રેમનું ગાણું કર્યું :
ઝેર જીરવીને સુધા-વ્હાણું કર્યું ;
અને જૂઠને હિંસાની સામે સદા એણે
એક અખંડ ધિંગાણું કર્યું ;

અને આજે એની તપસિધ્ધિકેરે ટાણે
જૂઠ ને ઝેર રેલાઇ રહ્યા !
જેને નાથવા આયખું ગાળ્યું તે નાગના
તાંડવ આજ ખેલાઇ રહ્યા !

એણે માનવતાને મ્હોરાવવી’તી ,
દેવવાડી ધરાપે લ્હેરાવવી’તી :
હ્ર્દયે હ્ર્દયે પ્રભુના કમલો કેરી
ફોરમ દિવ્ય ફોરાવવી’તી :

અને ઉકરડા આજ ડુંગર ડુંગર
જેવડા એની મા-ભોમ પરે ;
બદબો થકી રુંધતા આત્મને દેખી
ઉર એનું કલ્પાન્ત કરે !

ઓ રે , જન્મજયંતી તણા રસિયા ,
ખોલો લોચન અંધકારે ગ્રસિયાં
જરી તો દેખો ઘન વેદનાના
વન અંતર જે એમને વસિયા

એની આત્મસૃષ્ટિને ઉચ્છેદીને
એના દેહની આરતી શીદ કરો :
ડગલે ડગલે એનું ખૂન કરી
એને પૂજવા પુષ્પથી કાં નીસરો !

એની જન્મજયંતી તો ત્યારે થશે ,
જ્યારે પ્રેમની બીન બજશે ,
જ્યારે બ્રહ્મના અંકશા મુક્ત આકાશમાં
મુક્ત ધરા દિવ્યતા સજશે ;

એને મુક્ત સમીરને નીરના નૃત્ય ની
સંગ મીલાવીને તાલ સદા
અરે મુક્ત પ્રકાશમાં મુક્ત માનવ્યનું
નાચી રહેશે મન મુક્ત યદા !

શબ્દો છે મારાં શ્વાસ – વિવેક મનહર ટેલર

શબ્દો છે મારા શ્વાસ અને કાવ્ય પ્રાણ છે,
ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.

સિદ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું છું હું,
લોહીનું શબ્દે-શબ્દે કલમમાં પ્રયાણ છે.

ઇંદ્રિયના આ ઢોરને કાબૂમાં કરશો કેમ?
દરવાજા છોને બંધ હો, ખુલ્લી ગમાણ છે.

અણઆવડતનું બહાનું હવે કેમ કાઢશો?
ઊભા છો જ્યાં આ પાણી તો ઢીંચણસમાણ છે.

બોલે જો હોઠ જૂઠું, સીધું આંખમાં જુઓ,
વર્ષો જૂનો ઇલાજ છે પણ રામબાણ છે.

બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.

અમે રે સૂકું રૂનું પૂમડું – મકરંદ દવે

સંગીત : અજીત શેઠ

Photo by dumbskull

.

અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે, સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઊધઈખાધું ઈધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

તોફાન થાય ક્યાં જો એ દરિયામાં થાય ના – મરીઝ

ocean.jpg

સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના,
પગલાના આ ધ્વનિ છે તમારી વિદાયના.

ના, એવું દર્દ હોય મહોબત સિવાય ના,
સોચો તો લાખ સૂઝે – કરો તો ઉપાય ના.

જીવનનો કોઇ તાલ હજુ બેસતો નથી,
હમણાંથી કોઇ ગીત મહોબતમા ગાય ના.

આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.

સારા કે નરસા કોઇને દેજે ન ઓ ખુદા,
એવા અનુભવો કે જે ભૂલી શકાય ના.

એ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી,
આ છે ગઝલ, કંઇ એમાં ઝડપથી લખાય ના.

આરામમાં છું કોઇ નવા દુ:ખ નથી મને,
હા દર્દ છે થોડા વીતેલી સહાય ના.

જ્યાં પણ હ્રદયના ઊભરા, ઊભરે કરો કબુલ,
તોફાન થાય ક્યાં જો એ દરિયામાં થાય ના.

હા છે વિવિધ ક્ષેત્રમાં એવા છે પ્રેમીઓ,
એવી વફા કરે છે કે માની શકાય ના.

સગવડ છે એટલી કે ગમે ત્યાં હસી શકો,
અગવડ છે એટલી કે ગમે ત્યાં રડાય ના.

જોવા મને હું લોકની આંખોને જોઉં છું,
લોકોની આંખમાં જ હતા સ્પષ્ટ આયના.

મૃત્યુની પહેલા થોડી જરા બેવફાઇ કર,
જેથી ‘મરીઝ’ એમને પસ્તાવો થાય ના.