Monthly Archives: October 2008

જય જય ગરવી ગુજરાત – કવિ નર્મદ

આજે ૩૧ ઓક્ટોબર, આપણા વ્હાલા સરદાર પટેલનો જન્મદિવસ.. તો આજે ગુજરાતના પનોતા પુત્રને વ્હાલા એવા ગુજરાતના ગુણગાન ગાતું એક. ગુજરાતને ગુજરાત બનાવવામાં સરદારનો કેટલો મોટો ફાળો છે એ તો આપણે જાણીએ જ છીએ. આજે ફરી એમને હ્રદયપૂર્વક વંદન..!

(પહેલા ફક્ત એ ગીતની લિંક હતી ટહુકો પર, હવે એ ગીત ટહુકો પર જ ગુંજશે, એ પણ બે અલગ અલગ સ્વર સંગીત સાથે)

સ્વર: ??

.

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

Continue reading →

કવિતા – સુરેશ દલાલ

તને જ આપવા માટે મેં કેટલાયે સમયથી
મારી કવિતાની ડાયરીમાં એક ફૂલ મૂકી રાખ્યું હતું.
આજે અચાનક ઘણા વર્ષો પછી ડાયરી ખોલી ઃ
સુકાઇ ગયેલા ફૂલમાંથી હજીયે આવે છે તારી સ્મૃતિની સુગંધ.

– સુરેશ દલાલ

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં – ભાગ્યેશ જહા

સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…. નુતનવર્ષાભિનંદન… અને સાથે સોલીભાઇનું આ ગીત.. (શબ્દો સાથે પહેલા ટહુકો પર હતું, આજે નવા વર્ષ એમાં સ્વર-સંગીતની ભેટ ઊમેરી..)

એમ પણ, પરદેશમાં દિવાળી કરવી પડે, અને પરિવારજનો દેશમાં હોય, તો જ્યાં હોય ત્યાં દેશ અને ઘર યાદ આવે જ.. સાન ફ્રાન્સિસ્કોનો ‘Ocean Beach’ જોઇને ‘તિથલ’ અને ‘દેવકા’ યાદ આવે.. અને ‘Halloween’ ની વસ્તુઓ બજારમાં જોઇને વાપી બજારમાં (અને આમ તો દેશભરમાં) જોવા મળતા કોડીયા અને કરોટીના ઢગલા યાદ આવે..!!

———————————

એક સાંભળો અને બીજું તરત યાદ આવે, એવાં મને ઘણાં ગમતા બે ગીતો આજે… એક ટહુકા પર (પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે) , એક મોરપિચ્છ પર. અને બંને ગીતના શબ્દો પણ એવા છે.. કે તમને કદાચ બીજું ગીત યાદ આવે કે ના આવે…. પણ, કોઇક તો જરૂર યાદ આવી જ જાય….

This text will be replaced

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં

અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતું પાણી

તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી

અમે રેતી જોઇ ને તમે યાદ આવ્યાં
અમે વાણી ખોઇ ને તમે યાદ આવ્યાં

અમે દરિયામાં ડુબેલી નદીઓના નામ
તમે નદીઓના ડુબેલા ગાન

અમે ડુબવાની ઘટનાનું ભુરું આકાશ
તમે વાદળમાં સાગરનું ભાન

નામ ડુબતું જોયું ને તમે યાદ આવ્યાં
આભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યાં

ઊંચી મેડી તે મારા સંતની રે – નરસિંહ મહેતા

સૌને મારા અને અમિત તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. સૌને દિવાળીના ફટાકડા, રંગોળી, મઠિયા, ચોળાફળી, ઘૂઘરા, ચેવડો, અને ભરપૂર મિઠાઇઓ સાથે દિવાઓ ભરી દિવાળી મુબારક..!!

સ્વર : હંસા દવે
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ…હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ…

અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ…હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે….

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ…હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે….

નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ…હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે….

– નરસિંહ મહેતા

એક જ રવિવાર કેમ ? – જિગર જોષી ‘પ્રેમ’

રોજે મનમાં સવાલ થાતો કોણ રમી ગયુ ગેમ !
આખેઆખા અઠવાડિયામાં એક જ રવિવાર કેમ ?

સવારમાં તો સ્કૂલે જાવું બપોર પછી હોય ટ્યુશન
ગજા બહારનું લેશન દેવું થઈ ગઈ છે આ ફેશન
પડ્યો પડ્યો સુકાઈ જાવાનો ‘બચપણ’ નામનો ડેમ
રોજે મનમાં સવાલ થાતો……

ભણવું ભણવું ભણવું ભણવું બીજી નહીં કોઈ વાત
હવે તો ભણતર નામે સાલો લાગે છે આઘાત
ડિક્શનેરીમાંથી ભૂંસાઈ જાશે હૂંફ, લાગણી ને ‘પ્રેમ’
રોજે મનમાં સવાલ થાતો……