Category Archives: અનિલ જોશી

અમે બરફનાં પંખી રે ભાઈ – અનિલ જોશી

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ

.

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લૂમાં તરતો ઘોર ઊનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાના ટીપાં
કમળપાંદડી ઝીલે,

ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા !
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલા-સૂકા જંગલ વચ્ચે
કાબરચીતરા રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ,

રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.
– અનિલ જોશી

ટહુકે છે લીલીછમ ડાળ – અનિલ જોશી

આજે સવારથી અહીં અમારા સાન ફ્રાન્સિસ્કોમાં મૌસમનો પહેલો વરસાદ ઝીલાઇ રહ્યો છે… અને સાથે કોમ્પ્યુટર પર ઝીલાઇ રહ્યા છે એક પછી એક ‘વરસાદી ગીતો’..!! તો થયું કે એ જ બહાને તમને પણ સંભળાવી દઉં આ એક મઝાનું ગીત…!

સ્વર – ફાલ્ગુની શેઠ
સ્વરાંકન – અજીત શેઠ

વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ
આ તો વરસે છે લીલુંછમ ઝાડ મારા વાલમા
પીળક તો ક્યારનું ઉડી ગયું ક્યાંક
આ તો ટહુકે છે લીલીછમ ડાળ મારા વાલમા…

ખોળો વાળીને ઘર વાળતી રે, ધીમા તાપે ચઢાવીને ભાત
સંજવારીમાં કેમ કાઢવાં રે, પડ્યાં ઓસરીમાં ચાંદરણાં સાત
ઓસરીએથી જાઉં ફળિયે, પછી ફળિયેથી ઓસરી ગઈ
પૈંડા બેસાડી ધક્કા મારજો રે, મારી વેળા ગોકળગાય થઈ…
વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ…

વાયરો આવેને ફૂલ ઝૂલતા રે, એમ કાનમાં ઝૂલે એરિંગ
પાથરણાં કેમ કરું પંડનાં રે, હું તો થઈ ગઈ સરગવાની શીંગ
કાને માંડી મેં જરીક ડાળખી, ત્યાં તો સંભળાતું ઝીણકલું પાન
પાંખડીનાં ઉંબરા વળોટતા રે, જુઓ સુરજમુખીના પીળા વાન…
વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ…

– અનિલ જોશી

તુલસીનું પાંદડું – અનિલ જોશી

em tipa
એમ પાંદડામાં ટીપાઓ ફરતાં…. (Picture: Vivek Tailor)

મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું.

ઘાસભરી ખીણમાં પડતો વરસાદ
ક્યાંક છૂટાછવાયાં ઢોર ચરતાં,
ભુલકણી આંખનો ડોળો ફરે ને
એમ પાંદડામાં ટીપાઓ ફરતાં.
મેં તો આબરૂના કાંકરાથી પાણીને કૂંડાળું દીધું.

પાણીનાં ટીપાંથી ઝગમગતા ઘાસમાં
નભના ગોવાળિયાઓ ભમતા,
ઝૂલતા કદંબના ઝાડમાંથી મોઈ ને
દાંડિયો બનાવીને રમતા.
મેં તો વેશ્યાના હાથને સીતાનું છૂંદણું દીધું,

મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું.

– અનિલ જોશી

કોઇ ગઝલના ગિરનારી ગઢ – અનિલ જોશી

કોઇ ગઝલના ગિરનારી ગઢ કોઇ ગીતના ગઢવી છે.
પોપટલાલને ભગવદ્ ગીતા તરન્નુમમાં પઢવી છે.

કોયલ ટહુકે આંબાડાળે, દાદ નહિ ફરિયાદ,
ચકલીબાઈથી ચીં.. થઇ જાય તો આભ કહે ઈર્શાદ
માટીની સોડમને તારે કાગળિયામાં મઢવી છે?

સંત કબીરની કહી ગયા તે વાત બહુ અલગારી છે,
દોરાધાગા કરવા કરતાં ચાદર વણવી સારી છે.
આ તે કેવી મેડી છે જે વગર પગથિયે ચડવી છે?

કોઇ ગઝલના ગિરનારી ગઢ કોઇ ગીતના ગઢવી છે.
પોપટલાલને ભગવદ્ ગીતા તરન્નુમમાં પઢવી છે.

– અનિલ જોશી

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા… – અનિલ જોશી

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં

અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા
પડતર જમીન સમા યાતરી
તમે આવળના ફૂલ સમું એવું જોતા કે જાણે
મળતી ન હોય પીળી ખાતરી.

અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે,
ને એમ દિવસો ગણતા કે હજી કેટલાં?
ને તમે દીધાં સંભારણાના પડદા ઉંચકાય નહીં,
લોચનમાં થાક હતા એટલા.

અમે પીછું ખરે ને તોય સાંભળી શકાય
એવા ફળિયાની એકલતા ભૂરી
તમે ફળિયામાં આવીને એવું બેઠા કે
જાણે રંગોળી કોઈ ગયું પૂરી

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં

– અનિલ જોશી

Happy Birthday to … વ્હાલા કવિ શ્રી અનિલ જોશી

કવિ શ્રી અનિલ જોશીને આજે એમનાં જન્મદિવસ પર ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ… મારા અને તમારા તરફથી…!  અને સાથે સાંભળીએ થોડી વાતો – કવિ શ્રી વિષે – અને કવિ શ્રી તરફથી..!!

(Video માટે આભાર – ગુજરાતી સાહિત્ય અકાદમી)

અહીં પ્રસ્તુત videoમાં એમણે સંભળાવેલા ગીતોમાંથી થોડા ટહુકો પર અહીં સાંભળો:

1. બરફનાં પંખી – અનિલ જોશી

2. સાંજ હીંચકા ખાય .. – અનિલ જોશી

3.  સૂકી જુદાઇની ડાળ – અનિલ જોશી 

બાલ્ટીમોરના જંગલમાં – અનિલ જોશી

બાલ્ટીમોર જવાનું આજ સુધી થયું નથી..! પણ આ ગીત વાંચીને લાગે છે કે ભવિષ્યમાં કોઇકવાર ચોક્કસ જવું પડશે બાલ્ટીમોરના જંગલમાં રખડવા માટે..!

વાવટાની જેમ ઊભાં ઝાડ.... Patterson Park, Baltimore

પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ
ધૂળીયા મારગ તો ક્યાંય દેખાય નહીં બંધ આંખ્યુમાં લીલો ઉઘાડ

અહીં પગલાં ને પગરવ તો ભોંયવટો ભોગવતાં
ગાડું ચાલ્યાના નથી ચીલા
ફૂલ જેમ ઓચિંતા ઊઘડી ગયા
મારી છાતીમાં ધરબ્યા જે ખીલા

છૂટાછવાયા ઘર ઉપર તડકાની જેમ પથરાયા ઘાસના ઓછાડ
પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ !

માનવીના બોલ ક્યાંય સંભળાતા નૈ
બધે પંખીના કલરવના ધોધ
દુર્વાસા મુનિ બધે પૂછતા ફરે
તમે જોયો છે ક્યાંય મારો ક્રોધ ?

મારી ચામડાની બેગમાં જંગલનાં સંપેતરાં પહોંચાડું કોને કમાડ ?
પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ !

-અનિલ જોશી

વાલમનો બોલ – અનિલ જોષી

ગઈ કાલે, 17 May 2012, કવિ શ્રી રમેશ પારેખની છઠ્ઠી પુણ્યતિથી હતી – તો એમને ફરી એકવાર શ્રધ્ધાંજલી!….

કવિ શ્રી રમેશ પારેખ અને કવિ શ્રી અનિલ જોષીની દોસ્તીથી તો તમે વાકેફ હશો જ. એમણે સાથે લખેલું પેલું ગીત – ડેલીએથી પાછા મા વળજો હો શ્યામ – યાદ છે?

બે કવિઓ ભેગા મળી ગીત-ગઝલ લખે – એ સમજી શકાય… પણ એક કવિનું ગીત, બીજા કોઇ કવિની યાદમાં લખાયેલું ગીત, ત્રીજા એક કવિ એ સ્વરબધ્ધ કર્યું હોય, એવું તમને યાદ છે? અહીં પ્રસ્તુત આ ગીત લખ્યું છે અનિલ જોષીએ.. કવિ શ્રી મણીલાલ દેસાઇની યાદમાં.. અને એનું સ્વરાંકન કર્યું છે – કવિ શ્રી રમેશ પારેખએ..! અરે થોભો…!! હજું એક વાત તો બાકી રહી ગઈ… આ જ ગીતને કવિ રમેશ પારેખ અને અનિલ જોષીએ – સાથે મળીને સ્વર પણ આપ્યો છે..!!

અને હા.. આ વિડિયો ક્લિપમાં પ્ર્સ્તુતકર્તા કવિ શ્રી શોભિત દેસાઇ…!!

સ્વર – અનિલ જોષી અને રમેશ પારેખ
સંગીત – રમેશ પારેખ
ગીત પ્રસ્તાવના – શોભિત દેસાઇ

કૂવો ઊલેચીને ખેતરમાં વાવ્યો
ને ઊગ્યો તે બાજરાને મોલ
કાંટાની વાડ કૂદી આવ્યો રે આજ
મારા વાલમનો હરિયાળો કોલ

શેઢે ઘૂમે રે ભૂરી ખિસકોલી જેમ
મારી કાયાનો રાખોડી રંગ
તરતું આકાશ લઈ વહી જાય ધોરિયે
અંતરનો બાંધ્યો ઉમંગ

દખ્ખણની કોર હવે ઊડતું રે મન
જેમ ખેતર મેલીને ઊડે પોલ.

ચારે દિશાઓ ભરી વાદળ ઘેરાય
અને પર્વતના શિખરોમાં કંપ
આઘે આઘે રે ઓલી વીતકની ઝાડીમાં
હરણું થઈ કૂદે અજંપ

સામે આવીને ઊભી ઝંઝાની પાલખીમાં
ફરફરતો વાલમનો બોલ.

– અનિલ જોષી

************
અને આ રહ્યો – લયસ્તરો પર કવિ મિત્ર વિવેકે કરાવેલો આ ગીતનો આસ્વાદ…   (આભાર – લયસ્તરો.કોમ)

અનિલ જોષીના ખાસ મિત્ર રમેશ પારેખ આ ગીતનો ‘પાણીદાર ગીત’ કહીને જે આસ્વાદ કરાવે છે એને ટૂંકાણમાં માણીએ (થોડી મારી નોંક-ઝોંક સાથે):

ગીતના ઉપાડમાં જ કવિ ‘પાણી ઉલેચ્યું’ એમ નહીં, ‘કૂવો ઉલેચ્યો’ એમ કહીને આ કૈંક જુદી જ વાત છે એનો સંકેત કરી દે છે. પછી તરત જ ‘કૂવો વાવ્યો’ એમ કહે છે ત્યારે કૂવો એના વાચ્યાર્થનો પરિહાર કરીને રહસ્યમય વ્યંજના ધારણ કરે છે. વાતે-વાતે રડી પડનારને લોકો ‘ભઈ, તારે તો કપાળમાં કૂવો છે’ એવું કહે છે તે યાદ આવે. અને તરત જ ‘આંખ’ના સંદર્ભો વીંટળાઈ જાય. ‘ખેતર’નો પણ એની જડ ચતુઃસીમામાંથી મોક્ષ થયો છે. પ્રતિભાશાળી સર્જક પગલે પગલે શબ્દોનો મોક્ષ કરતો હોય છે.

જેનાથી દૃષ્ટિ પોતાનું સાર્થક્ય પામે તેવા કોઈ ‘અવલોકનીય’ને પામવાની અપેક્ષામાં આંખને રોપી, વાવી. પછી? પછી બાજરાના મોલની ખળા સુધી પહોંચવા માટે હોય તેવી પક્વ સજ્જતાનું અને ઉત્સુક્તાનું દૃષ્ટિમાં પ્રકટીકરણ થયું. કાંટાની વાડનું નડતર પણ ન રહ્યું કેમકે એને અતિક્રમીને વ્હાલમનો બોલ સન્મુખ પ્રકટ થયો છે.

કાયા અને કાયામાં રહેલો ઉમંગ હવે અસીમ બન્યો છે. ખેતર પાછળ મેલીને પોલ ઊડી નીકળે એમ સ્થૂળ દેહ ખેતરના શેઢે છોડીને મન વિસર્જિત થવા દક્ષિણ તરફ ઊડ્યું. (મૃત્યુ પછી મૃતદેહને દક્ષિણ દિશામાં વિસર્જિત કરાય છે એ પરંપરાગત સંદર્ભમાંથી કવિએ આ માર્મિક અભિવ્યક્તિ નિપજાવી લીધી છે).

ચારે દિશાઓ ભરાઈ જાય એટલા ઉમળકા હૈયામાં ઊઠી રહ્યા છે અને અ-ચલ પર્વતના શિખરોમાં ય કંપ છે. હરણાં જેવું મન અજંપે ચડી કૂદાકૂદ કરે છે…કેમકે પવનની પાલખીમાં આવેલ વ્હાલમનો કોલ, ઉપયોગી કે નિરુપયોગી તમામ વળગણોને તોડીફોડીને, પાલખીમાં લઈ જવા આવ્યો છે એટલે લઈ જ જશે….

ખાલી શકુંતલાની આંગળી – અનિલ જોશી

કાવ્ય પઠન – અનિલ જોશી

કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

ઝંઝાના સૂસવાટા પાંખમાં ભરીને ઊડું આખ્ખું ગગન મારી ઇચ્છા
વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં ખરતા પરભાતિયાનાં પીંછાં
ઉરમાં તે માય નહીં ઉડતો ઉમંગ મને આવીને કોઇ ગયું સાંભળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઇ એવું તો મન ભરી ગાતો
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
કાંઇ એવું તો મન ભરી ગાતો.
જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર, ક્યાંય કાગડો થઇ ન જાય રાતો!

આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઇ ઊડી જાય વાંસળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

– અનિલ જોશી

બરફનાં પંખી – અનિલ જોશી

ઓગસ્ટ ૨૦૦૭માં આ પહેલા ટહુકો પર પોસ્ટ કરેલું આ ગીત – આજે મઝાના સ્વર-સ્વરાંકન સાથે ફરી એકવાર…

ગાયક :- શૌનક પંડ્યા અને જીગીષા ખેરડીયા
રચના :- અનીલ જોષી
સ્વરાંકન :- શૌનક પંડ્યા

ટહુકે ટહુકે પીગળ્યાં…. Photo: Vivek Tailor

આલ્બમ : સંગત
સ્વર : શ્યામલ સૌમિલ મુન્શી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લૂમાં તરતો ઘોર ઊનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાના ટીપાં
કમળપાંદડી ઝીલે,

ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા !
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલા-સૂકા જંગલ વચ્ચે
કાબરચીતરા રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ,

રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.