Category Archives: શૌનક પંડ્યા

શૌનક પંડ્યા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અલ્લાબેલી - સુંદરજી બેટાઈ
આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના! - ડૉ. મનોજ જોષી 'મન'
આપણો સંબંધ જાણે... - અંકિત ત્રિવેદી
આભનો એક જ મલક - સુરેશ દલાલ
એક ઘેરો રંગ છે મારી ભીતર - વિવેક મનહર ટેલર
એને સમજુની સાન ઘડી આલો - જગદીશ જોશી
કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે - રઈશ મનીઆર
છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ - મુકેશ જોષી
તમારી એ આંખોની હરકત નથી ને ? -યામિની ગૌરાંગ વ્યાસ
થોડુંક હરખી જોઈએ - યામિની વ્યાસ
નાદાન મનને એ બધું ક્યાં ભાન હોય છે - કિરણ ચૌહાણ
પ્રિયે મને ના છેડ... - ભુપેન્દ્ર વકિલ
બરફનાં પંખી - અનિલ જોશી
મારા સપના માં આવ્યા હરી - રમેશ પારેખ
માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે - અંકિત ત્રિવેદી
સુરત નહિ સ્વીકારે હાર -ગૌરાંગ ઠાકર
હસ્તરેખા વળી શું? - યામિની ગૌરાંગ વ્યાસમારા સપના માં આવ્યા હરી – રમેશ પારેખ

સ્વર / સંગીત – શૌનક પંડ્યા

મારા સપના માં આવ્યા હરી
મને બોલાવી, ઝુલાવી, વહાલી કરી,

સામે મરકત મરકત ઊભા
મારા મનની દ્વારિકાના સુબા,

આંધણ મેલ્યા’તા કરવા કંસાર
એમાં ઓરી દીધો મેં સંસાર
હરી બોલ્યા : અરે બ્હાવરી …!

– રમેશ પારેખ

આપણો સંબંધ જાણે… – અંકિત ત્રિવેદી

નવેમ્બર ૧૩, ૨૦૦૮ ના દિવસે ફક્ત શબ્દો સાથે ટહુકો પર પ્રકાશિત આ ગીત – આજે શૌનકભાઇના સ્વર-સ્વરાંકન સાથે ફરી એકવાર…

સ્વર – સ્વરાંકન : શૌનક પંડ્યા

વરસ્યા વિનાનાં વાદળાં…    Near Mount St. Helens,  Washington (Sept 2009)

વરસ્યા વિનાનાં વાદળાં… Near Mount St. Helens, Washington (Sept 2009)

આકાશે ધોધમાર બંધાતા રોજ તોય ઇચ્છા વિનાનાં સાવ પાંગળાં
આપણો સંબંધ જાણે વરસ્યા વિનાનાં રહ્યાં વાદળાં…

કોડિયામાં પ્રગટેલા અજવાળાં જેમ
એકબીજામાં ઝળહળતાં આપણે
અજવાળું ઓલવીને કેમ કરી મોકલેલું
શરતોનું સરનામું પાંપણે –

સમણાંના તુટવામાં એવું લાગે કે જાણે હાથમાંથી છૂટાં પડ્યાં આંગળા…
આપણો સંબંધ જાણે…

અંતરથી અંતર જો માપો તો આમ અમે
પાસે ને આમ દૂર દૂર…
કિનારે પહોંચેલાં મોજાંની જેમ અમે
દરિયાથી છૂટવા આતૂર…

ચહેરાના ભાવ બધા વાંચી શકાય તોય આંખોને લાગીએ કે આંધળા…
આપણો સંબંધ જાણે…

ના છૂટકે લેવાતા શ્વાસોમાં વરસતી
સંગાથે જીવ્યાંની ભૂલ
આપણા જ ક્યારામાં આપણે જ વાવેલું
સુગંધ વિનાનું એક ફૂલ.

સાથે રહ્યાંની વાત ભૂલી જઇને આજ છુટ્ટા પડવાને ઉતાવળાં…
આપણો સંબંધ જાણે…

– અંકિત ત્રિવેદી

આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના! – ડૉ. મનોજ જોષી ‘મન’

કવિ શ્રી મનોજ જોષીને એમના જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! આજે માણીએ એમની કલમે લખાયેલું, અમારું ખૂબ જ ગમતું ગીત..! કાજલ ઓઝા લિખિત – અને વિરલ રાચ્છ દિગદર્શિત નાટક – સિલ્વર જ્યુબિલીનું આ title song.. જો કે ગીત એવું મઝાનું છે કે તમે નાટક નહીં જોયું હોય તો પણ માણવાની એટલી જ મઝા આવશે..

સ્વર – શૌનક પંડ્યા, જિગીષા ખેરડીયા
સ્વરાંકન – શૌનક પંડ્યા

ઉથલાવવાની રાતો; દિવસોને વાંચવાના,
ફાટેલ ક્ષણ લઇને; યુગોને સાંધવાના!
આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના!

સાચું બિછાનું અહીંયા કોને નસીબ થાતું?
ઇચ્છાઓ પાથરીને સપનાઓ ઓઢવાના…
આ જીંદગી જ…

જે આપણે ચહ્યું’તું એ આ કશું તો નહોતું,
જે આપણે ચહ્યું’તું એ ક્યાં જઇને ગોતું
ખોટી પડી હકીકત સાચા પડ્યા બહાના…
આ જીંદગી જ….

શું આપણી ભીતરથી ધ્રુસકે ને ધ્રુસકે રોતું?
શું આપણી ભીતરથી ઉખડ્યું છે મૂળસોતું!
મુળિયા વગરના સંબંધ કાયમ ઉછેરવાના…
આ જીંદગી જ….

નજદીક સાવ તો પણ અંતર વચાળે અંતર
નજદીક સાવ તો પણ રસ્તા રહ્યા સમાંતર
રસ્તાઓ જ્યાં અલગ ત્યાં પગલા શું જોડવાના?…
આ જીંદગી જ….

ખુદને અને પરસ્પર મળતા’તા બેઉ નોખું
સહવાસ લાગે ઝળહળ બળતા’તા બેઉ નોખું.
પોતે સળગતા હો એ બીજું શું ઠારવાના?…
આ જીંદગી જ….

સરખા હતા એ દ્રશ્યો જોતા’તા બેઉ નોખું
વાતાવરણ તો એક જ, શ્વસતા’તા બેઉ નોખું,
અંદરથી સાવ નોખા, બહારે શું તાગવાના?…
આ જીંદગી જ….

રાતો ભરે છે હીબકા દિવસો રડે છે છાના,
હસતી ક્ષણોના ખાલી ફોટા જ પડવાના!
આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના!

– ડૉ. મનોજ જોષી ‘મન’

અલ્લાબેલી – સુંદરજી બેટાઈ

સ્વર / સંગીત – શૌનક પંડ્યા

**********************

Posted on January 16, 2010:

કવિ શ્રી સુંદરજી બેટાઈની આજે પુણ્યતિથિ. એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ આ એમનું ઘણું જ જાણીતું ગીત…

***

અલ્લાબેલી, અલ્લાબેલી,

જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!

ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે,
છોને એ દૂર છે!

આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા;
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
બંદર છો દૂર છે.

આંખોના દીવા બુઝાયે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;
તારી છાતીમાં, જૂદેરું કો શૂર છે.
છોને એ દૂર છે!

અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!

– સુંદરજી બેટાઇ

બરફનાં પંખી – અનિલ જોશી

ઓગસ્ટ ૨૦૦૭માં આ પહેલા ટહુકો પર પોસ્ટ કરેલું આ ગીત – આજે મઝાના સ્વર-સ્વરાંકન સાથે ફરી એકવાર…

ગાયક :- શૌનક પંડ્યા અને જીગીષા ખેરડીયા
રચના :- અનીલ જોષી
સ્વરાંકન :- શૌનક પંડ્યા

ટહુકે ટહુકે પીગળ્યાં…. Photo: Vivek Tailor

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લૂમાં તરતો ઘોર ઊનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાના ટીપાં
કમળપાંદડી ઝીલે,

ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા !
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલા-સૂકા જંગલ વચ્ચે
કાબરચીતરા રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ,

રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.