Category Archives: ધ્વનિત જોષી

ઓ મારી અંબે માં….ગરબે રમવાને આવો

નવરાત્રીન સૌને શુભેચ્છાઓ સાથે આજે માણીએ આ ગરબો….

સ્વર / સંગીત – ધ્વનિત જોષી

આવો ને અંબે માં….આવો ને અંબે માં
ઓ મારી અંબે માં….ગરબે રમવાને આવો

ગરબે રમવા, દર્શન દેવા
ગરબે રમવા, દર્શન દેવા
આવોને અંબે માં….આવોને અંબે માં
ઓ મારી અંબે માં….ગરબે રમવાને આવો

પગના ઝાંઝરીયા છમ છમ છમ છમકે
ભાલે દામણી જો દમ દમ દમ દમકે
કુમકુમ પગલા થાય….કુમકુમ પગલા થાય
ઓ મારી અંબે માં….ગરબે રમવાને આવો

લાલ ચટક ચુંદડીમાં હીરલાઓ ચમકે
નભમાં જાણે કે તારલીઆ ટમકે
પાલવમાં વ્યોમની છે ભાત….પાલવમાં વ્યોમની છે ભાત
ઓ મારી અંબે માં….ગરબે રમવાને આવો

નવ નવ સાહેલી, ગરબે ઘૂમતી જાય
ચાંચર ચોકે રે, જાણે અવની ઝુમતી જાય
જન ગણ ગદૂગદૂ થાય….જન ગણ ગદૂગદૂ થાય
ઓ મારી અંબે માં….ગરબે રમવાને આવો

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે – રઈશ મનીઆર

આ મઝાની ગઝલ આજે ફરીથી એકવાર માણીએ… કવિના પોતાના અવાજમાં પ્રસ્તાવના અને પઠન સાથે..!

પ્રસ્તાવના અને પઠન: રઈશ મનીઆર

——————-

Posted November 16, 2008

આ પહેલા સ્વર – સંગીત સાથે માણેલી રઇશભાઇની આ ગઝલ ફરી એકવાર – એક નવા સ્વર – સંગીત સાથે !! અને એ સ્વર છે શૌનકનો..!

સ્વર – સંગીત : શૌનક પંડ્યા

——————-
(posted on Feb 24, 2008)

રઇશભાઇની આ ગઝલ મારા જેવા ઘણાની very favorite ગઝલ હશે જ… ગઝલના દરેકે દરેક શેર ગમી જાય એવા છે. અને આવી સરસ ગઝલ.. એવા જ સુરીલા સ્વરમાં સાંભળવા મળે તો રવિવાર સુધરી જાય કે નહીં ?

ચલો તો, સાંભળીયે ધ્વનિત જોષીના સ્વર અને સુર મઢેલી આ સુંદર ગઝલ. અને હા, ધ્વનિત ને તમારા પ્રતિભાવો આ ઇમેઇલ એડ્રેસ પર પણ આપી શકો છો : dhwanit.joshi@gmail.com

river

સ્વર – સંગીત : ધ્વનિત જોષી

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ;
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.

તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

સમયના સૂર્યનું ચાલે તો સળાગાવી મૂકે સઘળું,
વ્યથાનાં વાદળો વાતાવરણને જીવતું રાખે.

કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે,
જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈ એ પણ-
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણાને જીવતું રાખે.

‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.

– રઇશ મણિયાર

તને ખોટું જો લાગે તો હું શું કરું? – હિતેન આનંદપરા

શોભિત દેસાઇ આ ગીતની શરૂઆતમાં જ કહે છે એમ – ખોટું લગાડવાનો પણ એક અલગ જ મહિમા, એક અલગ જ મઝા છે. ખરેખર તો કોઇને ખોટું લાગશે એ ખબર હોવા છતાં ‘એમાં હું શું કરું’ કરીને ખસી જવાની મઝા એટલા માટે છે કે કોઇને ખોટું લાગે તો જ તો એમને મનાવવાનો લ્હાવો મળે ને? અને ખોટું લગાડનાર પણ કોઇ મનાવશેની આશા સાથે જ રીસાતા હોય છે. ખબર જ હોય કે કોઇ નથી મનાવવાનું, તો કોઇ ખોટું લગાડે ખરું?

લયસ્તરો પર ઘણા વખત પહેલા વાંચલું ત્યારથી ઘણું જ ગમી ગયેલું ગીત.. અને હમણા થોડા વખત પહેલા એ સંગીત સાથે જડી ગયું..

અને આ સ્વરાંકન અને ધ્વનિત જોષીનો સ્વર એટલો ગમી ગયો કે સવારથી (એટલે કે છેલ્લા ૩ કલાકથી) આ ને આ જ ગીત સાંભળી રહી છું. તમને ગમે કે ન ગમે તો એમાં હું શું કરું? મને ગમ્યુ એ વહેંચવાની ટેવ… 🙂

જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂરના જઇ શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢુ છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી

– શોભિત દેસાઇ
( આ ગઝલ પંકજ ઉધાસના સ્વરમાં અહીં સાંભળી શકો છો )

સ્વર- સ્વરાંકન : ધ્વનિત જોષી

(મને આછકલું અડવાની ટેવ….   Photo from Flickr)

.

તને ખોટું જો લાગે તો હું શું કરું?
મને આછકલું અડવાની ટેવ.

હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
તને ભીનું ન લાગે તો હું શું કરું?
મને કોરુંકટ રડવાની ટેવ.

રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
મને ઊછળતા દરિયાની ટેવ.

હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
તારે કહેવી હો હા ને તોય તું શું કરે
તને ના રે ના કરવાની ટેવ.

– હિતેન આનંદપરા