Category Archives: ભજન/ધૂન/આરતી/ભક્તિપદ

લખ રે જોજન કેરા – અવિનાશ વ્યાસ

આ સુંદર માતાજીની

ગીત સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : ભાવના દેસાઈ
આલબમ : સ્વરાંજલિ

લખ રે જોજન કેરા આકાશી ગોખલે,
માડી તારો દીવડો જલે.
એનાં રે અજવાળાં જગમાં ઢળે;
માડી તારો દીવડો જલે.

ઝૂલે રે વિરાટ હિંડોળા ખાટ,
રાતડીએ પાથરી તેજની બિછાત;
કોણ રે કળ્યું એ કળે,
માડી તારો દીવડો જલે.

નીલાંબરી અંબર તારાઓના ઝૂલે ઝુમ્મર,
જગદંબા ગરબે ઘૂમે અવનિને ઉંબર;
જગનાં તિમિર તો ટળે,
માડી તારો દીવડો જલે.

વાઘને વાહન વિરજી વાઘેશ્વરી,
રંગતાળી દઈ ઘૂમે રંગમાં રાસેશ્વરી;
ભક્તોની ભક્તિ ફળે.
– અવિનાશ વ્યાસ

ગિરધર ગુનો અમારો માફ – રમેશ પારેખ

કવિ: રમેશ પારેખ
સ્વરકાર: અમર ભટ્ટ

.

કવિ રમેશ પારેખને ગઈ કાલે એમની કવિતાઓ ગાઈ, વાંચી, વહેંચીને યાદ કર્યા. પછી એક કવિતાસંગીતપ્રેમીએ હક્કપૂર્વક ધ્યાન દોર્યું કે ગઈ કાલે વહેંચેલાં ગીતોમાં એમનું એક પણ મીરાંકાવ્ય ન હતું. મીરાંની મનોદશામાં પહોંચીને એમણે આખો સંગ્રહ આપ્યો – ‘મીરાં સામે પાર’. એમનું એક મીરાંગીત થોડો સમય પહેલાં સ્વરબદ્ધ થયું હતું તે સાંભળો. માત્ર ફૉનમાં રૅકોર્ડ કર્યું હતું એટલે હાર્મોનિયમ વધારે સંભળાશે; પણ ભાવ સમજાશે ને સંભળાશે પણ-

‘ગિરધર ગુનો અમારો માફ

તમે કહો તો ખડ ખડ હસીએં, વસીએં જઈ મેવાડ
માર અબોલાનો રહી રહીને કળતો હાડોહાડ
સાવરણીથી આંસુ વાળી ફળિયું કરીએં સાફ
ગિરધર ગુનો અમારો માફ

મીરાં કે પ્રભુ દીધું મને સમજણનું આ નાણું
વાપરવા જઈએં તો જીવતર બનતું જાય ઉખાણું
પેઢી કાચી કેમ પડી છે જેના તમે શરાફ?
ગિરધર ગુનો અમારો માફ’
– રમેશ પારેખ

રાત આખી ઝરમરનાં ઝાંઝર વાગે – હરીન્દ્ર દવે

સ્વરાંકનઃ આશિત દેસાઈ
સ્વરઃ હેમા દેસાઈ
આલબમ: માધવ ક્યાંય નથી મધુવનમાં

.

કાવ્યપાઠ : હરીન્દ્ર દવે

.

સ્વરઃ હંસા દવે
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

.

સૌજન્ય: માવજીભાઈ.કોમ

રાત આખી ઝરમરનાં ઝાંઝર વાગે
કે માડી ગેબના મલકથી ઊતરતાં લાગે

ધીમું ધીમું રે કોઈ જંતર વાગે
ને વિના વેણ કોઈ સંભળાય ગાણું
મધરાતે મન એના સૂરમાં પરોવ્યું
એને સાંભળી રોકાઈ ગયું વ્હાણું
જરા હળવેઃ કે ચાંદનીના ફોરાં વાગે

આભથી પનોતાં કોઈ પગલાં પડે ને
પછી ધરતીનું હૈયું મ્હેક મ્હેક
ભીનાં તરણાંનું બીન સાંભળું ત્યાં
અજવાળું પાથરે છે મોરલાની ગ્હેક
હજી કળીઓ સૂતી’તી, હવે ફૂલો જાગે

– હરીન્દ્ર દવે

સતગુરુએ મુને ચોરી – દાસી જીવણ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

કાર્યક્રમની લિંક –

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

.

સદગુરુએ મુંને ચોરી શીખવાડી‚
જ્ઞાન ગણેશિયો ઘડાયો રે…

પવનરૂપી ઘોડો પલાણ્યો‚ ઊલટી ચાલ ચલાયો રે ;
ગંગા-જમનાના ઘાટ ઉલંઘી‚ જઈ અલખ ઘીરે ધાયો રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…

ધમણ ધમુંકે તિયાં વીજું ચમુંકે‚ અનહદ નોબત વાગે રે ;
ઠારોઠાર નિયાં જ્યોતું જલત હે‚ ચેતન ચોકી માં ય જાગે રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…

સાંકડી શેરી નિયાં વાટું છે વસમી‚ માલમીએ મુંને મૂક્યો રે ;
નામની નિસરણી કીધી‚ જઈ ધણીને મોલે ઢૂંક્યો રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…

શીલ-સંતોષનાં ખાતર દીધાં‚ પ્રેમે પેસારો કીધો રે ;
પેસતાં ને પારસમણિ લાધી‚ માલ મુગતિ લીધો રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…

આ રે વેળા યે હું ઘણું જ ખાટયો‚ માલ પૂરણ પાયો રે ;
દાસી જીવણ સત ભીમનાં ચરણે‚ આજ મારો ફેરો ફાવ્યો રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી..
– દાસી જીવણ

અકલ કલા ખેલત – અખા ભગત

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

.

અકલ કલા ખેલત નર જ્ઞાની
જેસે નાવ હિરે ફિરે દશો દિશે
ધ્રુવ તારે પર રહત નિશાની

ચલન વલન રહત અવની પર વાંકી
મન કી સૂરત આકાશ ઠહરાની
તત્વ સમાસ ભયો હે સ્વત્રંત
જેસી હિમ હોત હે પાની

અજબ ખેલ અદભુત અનુપમ હે
જાકુ હે પહિચાન પુરાની
ગગન હી ગેબી ભયો નર બોલે
એહિ અખા જાનત કોઈ જ્ઞાની…
– અખા ભગત

अकल कला खेलत नर ज्ञानी।
जैसे नाव हिरे फिरे दसों दिश।
ध्रुव तारे पर रहत निशानी।।

चलन वलन रहत अवनि पर वाँकी।
मन की सूरत आकाश ठहरानी।।
तत्त्व समास भयो है स्वतंत्र।
जैसी हिम होत है पानी।। अकल ….

अजब खेल अदभुत अनुपम है।
जाकूँ है पहिचान पुरानी।।
गगन ही गेब भयो नर बोले।
एहि अखा जानत कोई ज्ञानी।। अकल….

આજની રાત ની વાર્તા શી કહું? – નરસિંહ મહેતા

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

કાર્યક્રમની લિંક –

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

.

આજની રાત ની વાર્તા શી કહું?
સ્વપ્નમાં શામળા સંગ પરણી
ચોરીમાં પરવરી પાસ બેઠા હરિ
બાઈ મારા કર્મની કોણ કરની ?

ચાર વેદે કરી ચાર ફેરા ફરી
શ્રી હરિએ મારો હાથ ઝાલ્યો
કૃત તણાં દિપક મંડપ ચોરી રચી
આંગણે નંદ આનંદ મ્હાલ્યો !

થાળ કુમકુમ ભરી મોડ મસ્તક ધરી
જશુમતી સાસુને પાય લાગી
નરસૈંના સ્વામીને સંગ રમતી હતી
એટલે ઝબકીને હું રે જાગી
-નરસિંહ મહેતા

ગોકુળ વ્લેહેરા પધારજો રે – નરસિંહ મહેતા

સ્વરકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: ભાવના દેસાઈ

.

ગોકુળ વ્લેહેરા પધારજો રે.
હે મથુરા રે જાઓ તો મારા સમ
હો મારા લાલ, કે ગોકુળ વ્હેલેરા પધારજો

રથ જોડીને અક્રુર આવિયા
હે મને દુ:ખડિયાનો દેનાર
હો મારા લાલ કે ગોકુળ વ્હેલેરા પધારજો

ઓ જાય(૨) રથ રે મારા નાથનો રે લોલ
હે માંહે બેઠા હળધરવીર લાલ
હો મારા લાલ કે ગોકુળ વ્હેલેરા પધારજો

આગળ રાધાજી ઉભાં રહ્યાં ને
મારા હ્રુદિયા પર રથ હાંકો લાલ
મહેતા નરસૈંનો સ્વામી શામળાને
વ્હાલે રમાડ્યા રાસ રે
મ્હારે વ્હાલે રમાડ્યા રાસ રે
– નરસિંહ મહેતા

સંતો ભાઇ ભુવન જીત્યા – ભોજા ભગત

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

કાર્યક્રમની લિંક –

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

.

સંતો ભાઇ ભુવન જીત્યા ભવ સારા
અનંત લોચન અંતર ઊઘડિયાં; નીરખ્યા નાટ નિરાળા. સંતો..

મનમંદિર દીપક દરશાના, ઊઘડી ગયાં તનતાળાં;
રંગ લાગ્યો ને રવિ પ્રગટિયો, અનેક દિશે અજવાળાં. સંતો..

કરણ વર્ણ જેણે મરણ મિટાયા, ચરણ ગ્રહ્યાં છોગાળા;
છૂટી ગયાં ચેન ઘન, ઘનઘોરા, ભાસ્યા બ્રહ્મ રસાળા. સંતો..

ગગન ગાજે ત્યાં અનહદ વાજે, સદ્ગુરુકી સાન શિખાયા;
ભોજો ભગત કહે પ્રેમ પિયાલો, પીતાં નયને નીર ઝલકાયા. સંતો..
– ભોજા ભગત

હરિનો મારગ છે શૂરાનો – પ્રીતમદાસ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

કાર્યક્રમની લિંક –

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

.

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.

મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને
-પ્રીતમદાસ

આવશે આ દ્વારે એક વાર પ્રભુજી

ટહુકોના ચાહક પલ્લિકાબેને એક ગીત મોકલ્યું છે નાનકડી પ્રસ્તાવના સાથે:
એ અહીં મુકું છું, (રેકોર્ડિંગ એટલું સ્પષ્ટ નથી,પ્રયત્ન કર્યા છે એને સારું કરવાનો)
“આમ તો મારી બહેનો નાં સંગીત નાં સરે આ ગીત એમને નાનપણ માં શીખવાડ્યું હતું, પણ મારાં નાની ને એ એટલું ગમતું કે દર વખતે આખું કુટુંબ ભેગું થાય ત્યારે ગવડાવતાં. ધીરે ધીરે કુટુંબની બધી સ્ત્રીઓ (જેમાંની ઘણી આમે સંગીતમાં પારંગત હતી), અને પછીતો ગાવાનાં શોખીન પુરુષો પણ આ ગીત શીખી ગયા. સ્કુલમાં મમ્મીએ આ ગીત પર દીવા ડાન્સ કરાવ્યો, અને મોટા માસી કીર્તનનાં ક્લાસ ચલાવે, એટલે માસીઓ અને બહેનોએ મળીને રેકોર્ડ કર્યું. હવે નાની નથી (એમની જન્મ શતાબ્દી ઉજવીએ છીએ), પણ હજુએ ખુબ બહોળો પરિવાર જયારે ભેગો થાય છે, ત્યારે આ ગીત ચોક્કસ ગાઈએ છીએ.”

શબ્દ, સ્વરાંકન : ?
સ્વર : ચારૂલતા રેશમવાલા, બીના કાનાણી, ગીતા શ્રોફ અને અન્ય

.

આવશે આ દ્વારે એક વાર, પ્રભુજી મારા આવશે આ દ્વારે એક વાર.
મારા રણકે હૈયાનાં તાર તાર રે, પ્રભુજી મારા આવશે આ દ્વારે એક વાર.

આંગણમાં રમતી રજકણ રૂપેરી પેલી, પગલાંથી ઓપશે અપાર.
નીચાં નમી નમી ને વેલી ને ફૂલડાં ઓ, સૌરભનો દેતાં ઉપહાર.
પ્રભુજી મારા આવશે આ દ્વારે એક વાર.

શીતલ સમીર ની લહેરાતી લહેર લાવે, પ્રભુનાં લેપન ની સુવાસ રે,
ફોરતી એ ફોરમનાં ઉડતાં ફુવારા મારું ભીંજવી દે અંતર પારાવાર.
પ્રભુજી મારા આવશે આ દ્વારે એક વાર.