Category Archives: ભોજા ભગત

સંતો ભાઇ ભુવન જીત્યા – ભોજા ભગત

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

કાર્યક્રમની લિંક –

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

.

સંતો ભાઇ ભુવન જીત્યા ભવ સારા
અનંત લોચન અંતર ઊઘડિયાં; નીરખ્યા નાટ નિરાળા. સંતો..

મનમંદિર દીપક દરશાના, ઊઘડી ગયાં તનતાળાં;
રંગ લાગ્યો ને રવિ પ્રગટિયો, અનેક દિશે અજવાળાં. સંતો..

કરણ વર્ણ જેણે મરણ મિટાયા, ચરણ ગ્રહ્યાં છોગાળા;
છૂટી ગયાં ચેન ઘન, ઘનઘોરા, ભાસ્યા બ્રહ્મ રસાળા. સંતો..

ગગન ગાજે ત્યાં અનહદ વાજે, સદ્ગુરુકી સાન શિખાયા;
ભોજો ભગત કહે પ્રેમ પિયાલો, પીતાં નયને નીર ઝલકાયા. સંતો..
– ભોજા ભગત

હાલો ને કીડીબાઇની જાનમાં – ભોજા ભગત

સ્વર – પ્રફુલ દવે
સંગીત – સી.અર્જુન
ગુજરાતી ફિલ્મ – ભગત પિપાજી (૧૯૮૦)

કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા…હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં….

મોરલે બાંધ્યો રૂડો માંડવો રે, ખજુરો પિરસે ખારેક
ભુંડે રે ગાયાં રૂડાં ગીતડાં…હે પોપટ પિરસે પકવાન,
હાલો ને કીડીબાઇની જાનમાં….

મંકોડાને મોકલ્યો માળવે રે લેવા માંડવીયો ગોળ
મંકોડો કેડે થી પાતળો…હે ગોળ ઉપડ્યો ન જાય
હાલો ને કીડીબાઇની જાનમાં….

મીનીબાઇને મોકલ્યાં ગામમાં રે એવા નોતરવાં ગામ
હામા મળ્યા બે કૂતરા…હે બિલાડીના કરડ્યા બે કાન
હાલો ને કીડીબાઇની જાનમાં….

ઘોડે રે બાંધ્યા પગે ઘુઘરા રે, કાકીંડે બાંધી છે કટાર
ઉંટે રે બાંધ્યા ગળે ઢોલકા…હે ગધેડો ફુંકે હરણાઇ
હાલો ને કીડીબાઇની જાનમાં….

ઉંદરમામા હાલ્યા રે રીહામણે ને, બેઠા દરીયાને પેટ
દેડકો બેઠો ડગમગે…હે મને કપડાં પેહરાવ
જાવું છે કીડીબાઇની જાનમાં….

વાંસડે ચડ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ
આજતો જાનને લુટવી…હે લેવા સર્વેના પ્રાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….

કઇ કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર
ભોજા ભગતની વિનતી…હે સમજો ચતુર સુજાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….

કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા…હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં…..

– ભોજા ભગત