(આકાશની પ્રતિક્ષા…. સંચાર નથી શું પાંખમાં ?)
Photo byNikonsnapper
——————-
અટકી જવાય સાંજમાં તો શું કરી શકો ?
બેસે ન સ્વપન આંખમાં તો શું કરી શકો ?
મન શોધતું ફરે છે ઉદાસીના કારણો
પોતે જ હોય વાંકમાં તો શું કરી શકો ?
લાગે કે એકઠું કરી લીધું બધું અને
નીકળે ન કાંઇ ફાંટમાં તો શું કરી શકો ?
આકાશ તો યુગોથી પ્રતિક્ષા કરે છે
સંચાર હો ન પાંખમાં તો શું કરી શકો ?
લંબાય રાત અંધની આંખો સમી સતત
અટવાય સૂર્ય ઝાંખમાં તો શું કરી શકો ?
પીળાશ પી રહી છે સફેદીને પત્રની
શબ્દો જ હોય ટાંકમાં તો શું કરી શકો ?
ચાવી દઇને વાગતાં વાજાં હરીશ સૌ
સરકે ન જીવ ખાંચમાં તો શું કરી શકો ?
Share what you loved...

Email