ટહુકો માં શોધો..

વિભાગો

જૂની પોસ્ટ

વર્ષો જવાને જોઇએ - અમૃત ‘ઘાયલ’

સ્વર - સંગીત : મનહર ઉધાસ

This text will be replaced

વર્ષો જવાને જોઇએ ત્યાં ક્ષણમાં જઇ ચડયો,
આશ્ચયૅ વચ્ચે એમના આંગણમાં જઇ ચડયો!

પૂછો નહીં કે આજ તો કયાં નીકળી ગયો,
કાજળને સ્પર્શવા જતા કામણમાં જઇ ચડયો!

અંધારમુકત થઇ ન શકયો રોશની મહીં,
આંખોમાં આંખ નાખી તો પાંપણમાં જઇ ચડયો!

મનફાવે તેમ આભમાં ફંગોળતી રહી,
હું કયાંય નહિ ને ગેબની ગોફણમાં જઇ ચડયો.

કૈં ચાંદની જ એવી હતી, ભાન ના રહ્યું;
જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઇ ચડયો!

ન્હોતી ખબર, જવાય નહીં એમ સ્વર્ગમાં;
પહેર્યું હતું હું એ જ પહેરણમાં જઇ ચડયો!

‘ઘાયલ’ ગયો’તો કેમ સુરાલયમાં શું કહું?
ખૂબ જ હતો હું આજ વિમાસણમાં, જઇ ચડયો.

- અમૃત ‘ઘાયલ’

એક વર્ષ પહેલા : દાન દે... વરદાન દે... - જયંત પલાણ

બે વર્ષ પહેલા : મારો અભાવ… - મનોજ ખંડેરિયા

ત્રણ વર્ષ પહેલા : બચપણ .... - કૈલાસ પંડિત , પ્રેમના ટહુકાઓ - દિલીપ પરીખ

માનવને મારી - અમૃત ઘાયલ

ચડી આવે યદી ભૂખ્યો કોઈ હાંકી કહાડે છે
નથી કાંઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે
કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે
અહીં માનવને મારી લોક ઈશ્વરને જિવાડે છે

- અમૃત ઘાયલ

એક વર્ષ પહેલા : ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ ! -વેણીભાઈ પુરોહિત

બે વર્ષ પહેલા : મારી ગાગર ઉતારો તો જાણું ! - સુરેશ દલાલ

કચ્છનું પાણી ! - અમૃત ઘાયલ

(Photo : http://www.shunya.net/)

* * * * *

ભાંભરું તોયે ભીંજવે ભાવે,
વણબોલાવ્યું દોડતું આવે
હોય ભલે ના આંખની ઓળખ,
તાણ કરીને જાય એ તાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

જાય હિલોળા હરખે લેતું,
હેતની તાળી હેતથી દેતું.
હેત હરખની અસલી વાતું,
અસલી વાતું જાય જ નાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

આગવી બોલી બોલતું જાયે,
પંખી જેમ કલ્લોલતું જાયે,
ગુંજતું જાયે ફૂલનું ગાણું,
વેરતું જાયે રંગની વાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતાના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

- અમૃત ઘાયલ

એક વર્ષ પહેલા : ગઝલ - મરીઝ

બે વર્ષ પહેલા : ઝાકળ થયા પછી - રઇશ મનીઆર

નીકળ્યા ! - અમૃત ઘાયલ

ના હિન્દુ નીકળ્યાં ન મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.

સહેલાઇથી ન પ્રેમના અરમાન નીકળ્યા,
જો નીકળ્યા તો સાથે લઇ જાન નીકળ્યા.

તારો ખુદા કે નીવડ્યા બિન્દુ મોતીઓ,
મારા કરમ કે આંસુઓ તોફાન નીકળ્યા.

એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યા.

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યા પાન નીકળ્યાં.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.

- અમૃત ઘાયલ

એક વર્ષ પહેલા : ગઝલ - ગૌરાંગ ઠાકર

બે વર્ષ પહેલા : પ્રેમ એટલે કે... - મુકુલ ચોક્સી

દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના - અમૃત ઘાયલ

ટહુકો પર પહેલા ફક્ત પાંચ શેર સાથે રજુ થયેલી આ ગઝલ, આજે બાકીના શેર સાથે ફરીથી પ્રસ્તુત કરું છું.

આવી જ એક ખુમારીભરી હર્ષ બ્રહ્મભટ્ટની ગઝલ - અમે રાખમાંથીયે બેઠા થવાના (જેની વાત ધવલભાઇએ commentમાં કરી) - એ પણ ખાસ વાંચવા જેવી છે. અને થોડા દિવસમાં એ ગઝલને ફરીથી માણીશું - હેમા-આશિત દેસાઇના સુમધુર સ્વર સાથે :)

river crossing

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહિં ડૂબીને સિન્ધુ તરી જવાના.

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના,
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના.

મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓ માં પણ પાથરી જવાના.

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના.

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના.

એક વર્ષ પહેલા : જે ગમે જગત ગુરુ દેવ જગદીશને - નરસિંહ મહેતા