સૌને નવા વર્ષની .. ૨૦૧૧ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!!
*****
એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે !
લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી,
સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે !
તક આવી નિમજ્જનની પછીથી તો ક્યાં મળે
લે આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે !
મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !
સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ તો આ ગાલ ધર્યો, લે !
કેમે ય કરી ડૂબ્યો નહિ જીવ અમારો
ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે !
‘ઘાયલ’ને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી,
મૃત્યુ ય ગયું સૂંઘી પરંતુ ન મર્યો, લે !
– અમૃત ‘ઘાયલ’
મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !
સરસ ગઝલ.આપને સૌને નવા વરસની-૨૦૧૧ના વરસની શુભકામનાઓ.
સરસ રચના, ઘયલ સાહેબને સલામ……….
જયશ્રીબેન તથા ટહુકો ટીમ,
આપને સૌને નવા વરસની-૨૦૧૧ના વરસની શુભકામનાઓ અને સૌ ગઝલ-ગીત-સુગમ સંગીત- અને ગુજરાતી પ્રેમી ભાવકો, ચાહકો, રસિકજનોને નવા વરસના અભિનદન……….શુભેચ્છાઓ….
અદભૂત ગઝલ! વિવેકભાઈ સાથે સહમત…લે જેવી રદીફ સુંદર રીતે નિભાવી છે. નિમજ્જન શબ્દ શીખવા મળ્યો.
લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી,
સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે !
આ પંક્તિઓમાં કાકલૂદી નહીં પરંતુ સમજ આપતી ખુમારી છે. ‘લે’શબ્દ પહેલી પંક્તિમાં અને બીજી પંક્તિમાં એ રદીફ ત્તરીકે આવી સુંદર અર્થ ગરિમા પ્રગટ કરે છે. સરળ સાદા શબ્દમાં દીપ સમાન પ્રજ્જ્વલિ ઊઠતું કૉવત ‘ઘાયલ’સાહેબની સિધ્ધિ છે.
અદભૂત ગઝલ.
કેમે ય કરી ડૂબ્યો નહિ જીવ અમારો
ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે !
ઘાયલ સાહેબની રચના અદભુત…
સૌને નવા વર્ષની .. ૨૦૧૧ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. આભાર જયશ્રીદિદિ ….
વાહ… અદભુત ગઝલ.. ઘણા સમયે માણી… લે જેવી અઘરી રદીફ સુપેરે નિભાવી છે…
સરસ જીવનદર્શન !આભાર !
ખૂબ જાણીતી ગઝલ. ઘાયલ સાહેબનો સિગ્નેચર શેર ટાંક્યા વિના કેમ રહી શકાય?
મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !