Category Archives: ભગવતીકુમાર શર્મા

ગઝલ લખતાં થયેલી છેકછાક – ભગવતીકુમાર શર્મા

હું ગઝલ લખતાં થયેલી છેકછાક;
પણ ગઝલિયતના યે ચમકારા કશાક!

હિંગળોકી છે અનિદ્રા રાતભર;
લ્યો, મળસકું ઊગ્યું છે રાતુંચટાક!

પ્રેમ પહોંચ્યો, પણ ન ઠેકાણે કદી;
ગેરવલ્લે જાય છે મારી જ ડાક!

ઘૂઘવે છે રણમાં પણ દરિયો હવે;
આ ચઢ્યો છે ઝાંઝવાને શાનો છાક?

મૃત્યુની ક્ષણ, ખાતરી આપું તને;
વીત્યાં વર્ષો, વીતશે થોડા કલાક.

હાથતાળી દઈ રહ્યો છું ક્યારનો;
મૃત્યુની કરવી ગમે થોડી મજાક.

– ભગવતીકુમાર શર્મા

ઘેઘૂર થઇ ગયો છે, વર્ષાનો શામિયાણો – ભગવતી કુમાર શર્મા

કવિશ્રી ભગવતીકુમાર શર્માને એમના જન્મદિને વંદન સહ શ્રધ્ધાંજલી. 🙏🙏

ઘેઘૂર થઇ ગયો છે, વર્ષાનો શામિયાણો
આકાશને ધરા છે, મલ્હારનો ઘરાણો 

ગુજરીમાં જઈને પુસ્તક જૂનું ખરીદ્યુ કિન્તુ
ઉથલાવતા મળ્યો એક કાગળ બહુ પુરાણો

બુદ્ધિ ને લાગણીઓ, જકડાયેલો ઝૂરાપો
માણસ ઉપર પડે છે ચોમેરથી દબાણો

ડૂબી જશે કે તરશે આ કાળના પ્રવાહે
મ્હેં લોહીથી ભર્યા છે મારા બધા લખાણો

– ભગવતીકુમાર શર્મા

સ્વરકાર – આલાપ દેસાઈ (આલ્બમ – સૂર વર્ષા)
સ્વર – હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ

માણસ જેવો માણસ છું – ભગવતીકુમાર શર્મા

કોમળ છું, કાંટાળો છું; માણસ જેવો માણસ છું;
પોચટ છું, પથરાળો છું; માણસ જેવો માણસ છું

આકાશે અણથક ઊડવું, આ ધરતી પર તરફડવું;
ઘાયલ છું, પાંખાળો છું; માણસ જેવો માણસ છું.

તેજ-તિમિરનાં ચિતરામણ, તડકા-છાંયાનાં કામણ;
મારગ છું, ફાંટાળો છું; માણસ જેવો માણસ છું.

આંખે અશ્રુની ધારા, હોઠે સ્મિતના ઝબકારા;
ખુલ્લો છું, મર્માળો છું, માણસ જેવો માણસ છું.

ધિક્કારું છું હું પળમાં, પ્રેમ કરું છું હું પળમાં;
આશિક છું, કજિયાળો છું; માણસ જેવો માણસ છું.

ચોમાસે પાણી પાણી; ચૈત્રે લૂઝરતી વાણી;
ભેજલ છું, તડકાળો છું; માણસ જેવો માણસ છું

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું

ભગવતીકુમાર શર્મા

ઘરમાં રહું ને તોયે ભીંજાઉ સોંસરવી – ભગવતીકુમાર શર્મા

સ્વરઃ વિભા દેસાઈ
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ
ઓડીઓ માટે સૌજન્યઃ mavjibhai.com

.

સ્વરાંકન – શ્રી જયદેવ ભોજક
સ્વર – નૂપુર મોદી
સંગીત – ડો. પ્રભાતદેવ ભોજક

.

ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?

કાજળ કાઢીને મારી ભૂરીછમ આંખનું
મેઘને તે કેમ કરી આંજવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?

હીંચકાની સાંકળમાં નેવાં છલે ને
મોર તોરણ આ ટહુકે આકાશને
ઝાંઝરની ઘુંઘરીમાં લાવી મઢાવું કેમ
કોરા આ સોનલ બોલાશને?
સૂનાં તે ઓરડામાં કેમ કરી
મેઘધનુ કેરાં ગુલમહોર ને તે વાવવો?

ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?

ખેતર જવાને પંથ અધવચ્ચે આવીને
છોગાળો એવો મુને આંતરે
કાંડું વછોડી કહું ઊભે મારગ ને
ઘરમાં આવીને ગીત છેડજે!

કેટલું તો મ્હેકે મારી કાયા અબોટી
એમાં માટીનો તોર ક્યાંથી લાવવો?

ઝુમ્મર જડેલી મારી છતમાં ઘેરાય
આવી વાદળ શ્રાવણને અષાઢના
ઓકળીયે ટપ ટપ હું પગલાં મુકુને,
વન ઉભરાયે ભીની લીલાશનાં
વાડામાં વહેતી હો નાનકડી નીક,
એમાં દરિયો તે ક્યાંથી છલકાવવો ?

ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
-ભગવતીકુમાર શર્મા

ચાંદ સે લિપટી હુઈ -ભગવતીકુમાર શર્મા

ચાંદ સે લિપટી હુઈ સી રાત હૈ, પર તૂ નહીં
ફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી..

વાહ, ક્યા બાત હૈ! કેવો સરસ શેર, એ પણ બાયલિન્ગ્યુઅલ એટલે કે દ્વિભાષી! ગઝલનો ઉઘાડ હિન્દી-ઉર્દૂ અંદાજમાં અને બીજી જ પંક્તિ ગુજરાતી ગઝલના રુઆબમાં ચાલે એવો પ્રયોગ માત્ર ગુજરાતી ભાષામાં જ થયો હોવાની સંભાવના છે. પછી તો આ ગઝલ રાગેશ્રી-બાગેશ્રીનો હાથ ઝાલીને રાતની રાણીની જેમ મદમસ્ત મ્હાલે છે.

ગીત, ગઝલ, ભજન, સોનેટ અને ગદ્યકાવ્ય જેવાં વિવિધ સ્વરૂપોને ખેડનારા કવિ ભગવતીકુમાર શર્મા આ ગઝલમાં એમના વ્યક્તિત્વમાં જોવા મળે એવી કોમળતા અને ઋજુતા લઈને આવ્યા છે.
આ ગઝલ સ્પર્શી ગઈ એનું કારણ છે સ્વરાંકનજેણે કર્યું છે રાસબિહારી દેસાઇ અને વિભા દેસાઇના ભાણિયા રથિન મહેતાએ.
ગઝલ સ્વરબદ્ધ કરવી ચેલેન્જ છે કેમ કે હિન્દી લાઈન હિન્દી કે ઉર્દૂ ફોર્મેટમાં અને ગુજરાતી પંક્તિ ગુજરાતી ગઝલના રુઆબમાં ચાલે એ રીતે સ્વરબદ્ધ કરી છે. આ ગઝલ સૌ પ્રથમ 2010માં રાસબિહારી દેસાઈએ કેનેડામાં ગાઈ હતી અને પહેલા જ પ્રયોગમાં વન્સમોર થઈ હતી. ત્યાર બાદ ઓસમાન મીરે, હિમાલી વ્યાસ, આલાપ દેસાઈ, પ્રહર વોરા ઇત્યાદિ ઘણી કોન્સર્ટમાં ખૂબ સરસ રીતે ગાય છે.

સ્વર: પ્રહર વોરા
સંગીતકાર : રથિન મહેતા

.

જલસોના ૧૦૦ મા એપિસોડ દરમ્યાન હિમાલી-વ્યાસ-નાયકે આ ગઝલની રજૂઆત કરેલી. (જલસો ના સૌજન્ય થકી)

ચાંદ સે લિપટી હુઈ સી રાત હૈ પર તૂ નહીં
ફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી

આપણાં બન્નેનાં અશ્રુઓ અલગ ક્યાંથી પડે
હર તરફ બરસાત હી બરસાત હૈ, પર તૂ નહીં

હૈ ઝમીં બંજર મગર યાદોં કિ હરિયાલી ભી હૈ
પાનખરમાં રણ બન્યું રળિયાત છે, પણ તું નથી

મૌસમ-એ-બારિશ મેં કશ્તી કો ડૂબોના ચાહિએ
પત્રરૂપે તરતાં પારિજાત છે, પણ તું નથી

બોજ આહોં કા અકેલા મૈં ઉઠા સકતા નહીં
ચોતરફ વીંઝાય ઝંઝાવાત છે, પણ તું નથી
-ભગવતીકુમાર શર્મા

ભીનો ભીનો કાગળ લઇ – ભગવતીકુમાર શર્મા

સ્મરણ લીલું -શ્રી રાસબિહારી દેસાઈ(સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇના સ્મરણ સાથે શ્રી અમર ભટ્ટની પ્રસ્તુતિ)

એક અને માત્ર એક રાસભાઈ
અમુક વ્યક્તિઓ લગભગ રોજ યાદ આવે. એમાંની એક તે રાસભાઈ. 23 જૂન એમની જન્મતારીખ. કાવ્યસંગીત ગુરુ તરીકે ને ગુજરાતી કાવ્યસંગીતના પાયામાં રહેલ ગાયક તરીકે તો એ યાદ આવે જ પણ આજે એમને સ્વરકાર તરીકે યાદ કરું છું. મારી પાસે એમણે કવિ ભગવતીકુમાર શર્માનું આ ગીત ગવડાવ્યું.-

‘ભીનો ભીનો કાગળ લઇ વરસાદ ચીતરવા બેઠા
પીંછી બદલે પાંપણ લઇ વરસાદ ચીતરવા બેઠા

આકુળ વ્યાકુળ ધરતીના આ લૂ ઝરતા નિઃશ્વાસ
ચાતકની કરપીણ તરસનો તગતગતો ઇતિહાસ
ભૂરું ભૂરું અંધારું કોકરવરણો અંજવાસ
રામગિરિના યક્ષનો ચીતર્યો વસમો વિયોગવાસ

લીલીસૂકી અટકળ લઇ વરસાદ ચીતરવા બેઠા
આંસુઓના પુદ્દગળ લઇ વરસાદ ચીતરવા બેઠા

ટહુકાની વચ્ચે ચીતરી મઘમઘ માટીની મ્હેંક
મંદાક્રાન્તા વડે આળખી શબ્દ-છંદની ઠેક
સમીર ચીતર્યા, પર્ણ પર્ણની ચીતરી મર્મર ગહેંક
વણખીલેલા મેઘધનુષની ચીતરી કલ્પિત રેખ

પળ બે પળની ઝળહળ લઇ વરસાદ ચીતરવા બેઠા
જીવવું મરવું કોમળ લઇ વરસાદ ચીતરવા બેઠા’

કવિ: ભગવતીકુમાર શર્મા
સ્વરકાર: રાસબિહારી દેસાઈ
ગાન: અમર ભટ્ટ

વરસાદની વાત છે એટલે મલ્હારનો આધાર તો હોય પણ ગીતમાં રહેલો વિષાદનો ભાવ- પૅથોસ- એમણે મલ્હારના સ્વરો,ખાસ કરીને બંને નિષાદ – કોમળ અને શુદ્ધ -,અદ્દભુત રીતે પ્રયોજીને વ્યક્ત કર્યો છે. એ એમની સ્વરકાર તરીકેની આગવી સૂઝ પણ દર્શાવે છે. 12 સપ્ટેમ્બર 2012ના દિવસે આ ગીત સ્ટુડિયોમાં મેં ગાયું. એ પહેલા જ ટૅકમાં ઑકે થયું એનો રાસભાઈને થયેલો આનંદ અને એમનો એ ‘વૉર્મ હગ’-હજી ભુલાતા નથી.
અદમ ટંકારવીનો શેર છે:
‘સ્મરણ લીલું કપૂરી પાન જેવું
હવામાં ચોતરફ લોબાન જેવું ‘
રાસભાઈનું સ્મરણ લોબાનની જેમ મઘમઘે છે.
રાસભાઈને સૂરવંદન.
-અમર ભટ્ટ

વરસાદી સાંજ – ભગવતીકુમાર શર્મા

આવી શકે તો આવ, આ વરસાદી સાંજ છે;
છત્રી વગર ઝુકાવ, આ વરસાદી સાંજ છે.

કાગળ ઘણા લખ્યા છે પરસ્પરને આપણે;
એની બનાવ નાવ, આ વરસાદી સાંજ છે.

માટીની મ્હેક તારી તરફ તો ઘણી હશે;
સાથે તું લેતી આવ, આ વરસાદી સાંજ છે.

થોડી જ વારે મેઘધનુ ખીલી ઊઠશે;
ગજરે તું એ ગૂંથાવ, આ વરસાદી સાંજ છે.

નેવાં છલી ઊઠ્યાં છે ને વૃક્ષો ટપક-ટપક;
સંતૂર તું બજાવ, આ વરસાદી સાંજ છે.

કેવળ ગહેકે મોર તો જલસો નથી થતો;
મલ્હાર તું સુણાવ, આ વરસાદી સાંજ છે.

છે કલ્પનાની વાત કે વરસાદ ભીંજવે;
તું આવ ને ભીંજાવ, આ વરસાદી સાંજ છે.

– ભગવતીકુમાર શર્મા

સાથે બેસી કાગળ વાંચીએ – ભગવતીકુમાર શર્મા

આજે સાંભળીએ ભગવતીકાકાની આ મઝાની ગઝલ.. મારી-તમારી પેઢીના મોટા ભાગના લોકોને કાગળ વાંચવાનો અનુભવ હશે..! દૂર રહેતા સગાં કે મિત્રોના ઘણા કાગળો વાંચ્યા છે. હોસ્ટેલમાં રહેતા ભાઇનો કાગળ આવે એની તો કાગડોળે રાહ જોતી.. !! આજે હવે ‘ટપાલ…’ એવી બૂમ સંભળાતી નથી..! ટપાલી પાસેથી કાગળ લઇને કોનો કાગળ છે? શું લખ્યું છે – એ રોમાંચની મઝા જાણે દુર્લભ થઇ ગઇ છે..!!

અને હા… વર્ષો સુધી કોઇ કાતરિયામાં.. કોઇ ડબ્બામાં… કોઇ પુસ્તક વચ્ચે સચવાઇ રહેલો.. કોઇને લખેલો અને પોસ્ટ ન કરેલો? કે કોઇએ લખેલો અને આપણે જીવની જેમ સાચવેલો.. કાગળ અચાનક મળી આવે તો? એ કાગળ પહેલીવાર આવ્યો તો, અને એને વાંચવામાં જે ટોસ્ટ બાળી નાખેલો, એ બળેલા ટોસ્ટની સુવાસ જાણે આજે ફરીથી અનુભવાતી લાગે…! અને કાગળ ભલે વર્ષો પહેલા લખાયેલો હોય, પણ એ સાથે જાણે વીતેલાં વર્ષોની પળેપળ એકસાથે લઇને આવે..

*******

સ્વર – સ્વરાંકન : દેવેશ દવે

ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ,
વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ.

છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો,
કાળજીથી ખોલીને સળ વાંચીએ.

પત્ર સૌ પીળા પડયા તો શું થયું?
તાજે તાજું છાંટી ઝાકળ વાંચીએ.

કેમ તું રહી રહીને અટકી જાય છે?
મન કરી કઠ્ઠણ ને આગળ વાંચીએ.

પત્રના શબ્દો ચહેરાઈ ઝાંખા થયા,
આંખથી લુછી લઈ જળ, વાંચીએ.

લ્યો, ટકી રહી છે હજી થોડી સુવાસ,
શ્વાસમાં ઘુંટીને પીમળ વાંચીએ.

માત્ર આ પત્રો સીલકમાં રહી ગયા,
કંઈ નથી આગળ તો પાછળ વાંચીએ.

– ભગવતીકુમાર શર્મા

આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા – ભગવતીકુમાર શર્મા

સાંભળો એ બધા ગીતો કાન સુધી તો પહોંચે… એમાંથી કેટલાક મન સુધી – હ્રદય સુધી જાય..! પણ આ એક ગીત સાંભળો ત્યારે જાણે કાનનું અસ્તિત્વ જ નથી જણાતું..! સ્વર સીધો હ્રદયના ખૂણે ખૂણે પ્રસરી જાય..  અમુક ગીતો એવા હોય કે એના પર નિબંધ લખી શકાય.. અને છતાંયે એક વાર સાંભળો પછી એને બીજી કોઇ વાત કહેવાની જરૂર જ ના પડે.

આ ગીતના શબ્દો, સ્વર અને સંગીત – ભેગા મળીને એવો જાદુ રચે છે કે… તમે જાતે જ સાંભળી લો! હું તો બસ એટલું કહીશ કે – એક અનોખી દુનિયાની સફર માટે તૈયાર થઇ જાવ.

સ્વર – આલાપ દેસાઇ
સ્વરાંકન – ઉદયન મારૂ

આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા,
વચ્ચે સૂનકાર નામ મીરાં
રણકી રણકીને કરે ખાલીપો વેગળો,
હરિના તે નામના મંજિરા
બાજે રણકાર નામ મીરાં…

મહેલ્યુંમાં વૈભવના ચમ્મર ઢોળાઇ
ઉડે રણમાં તે રેતીની આગ
મીરાંના તંબુરના સૂરે સૂરેથી વહે
ગેરૂવા તે રંગનો વૈરાગ

ભગવું તે ઓઢણું ઓઢ્યું મીરાએ
કીધા જરકશી ચૂંદડીના લીરા
સાચો શણગાર નામ મીરાં…

રણને ત્યજીને એક નિસરે રે શગ
એને દરિયે સમાવાના કોડ
રાણાએ વિષનો પ્યાલો ભેજ્યો
એણે સમરી લીધા શ્રી રણછોડ
જળહળમાં ઝળહળનો એવો સમાસ
જાણે કુંદનની વીટીંમા હીરા
જીવતો ધબકાર નામ મીરાં…

– ભગવતીકુમાર શર્મા

વરસાદમાં – ભગવતીકુમાર શર્મા

યાદ આછી ફરફરે વરસાદમાં,
આંખ ઝીણું ઝરમરે વરસાદમાં.

બારીની જળમાં થઈ કાલાપલટ,
બારણું ડૂસકાં ભરે વરસાદમાં.

કેટલી વ્યાકુળ તરસની છે તરસ !
કૂવાથાળે કરગરે વરસાદમાં.

મિટ્ટીની ખુશ્બુને પૂરી પામવા,
આભ હેઠું ઊતરે વરસાદમાં.

મોરના ટહુકા ને સણકા છાતીના;
કોણ, ક્યાં ક્યાં વિસ્તરે વરસાદમાં !

પાતળો કાગળ લઈ આકાશનો;
કોઇ હોડી ચીતરે વરસાદમાં.

આંખ ને નભ સર્વ એકાકાર છે;
કોણ આવે ખરખરે વરસાદમાં.

– ભગવતીકુમાર શર્મા