Category Archives: ગઝલે સુરત

લગ્નની ભેટ – આસીમ રાંદેરી

લગ્નની ભેટ

અનોખી આજ ‘લીલા’ને લગ્નની ભેટ આપી દઉં,
કબૂલે તો કોઈ એના જ મનની ભેટ આપી દઉં.

છે હાજર પુષ્પ-કળીઓ પણ, છે સૂરજ ચાંદ-તારા પણ,
ધરાની ના ગમે તો કો’ ગગનની ભેટ આપી દઉં.

વિયોગે જે નયન છલકાઈને નદીઓ વહાવે છે,
કહે તો એ ઉભય ગંગા-જમનાની ભેટ આપી દઉં.

યદિ એકાંતમાં કંઈ વાંચવાનો શોખ જાગે તો,
લખેલાં લોહીથી મારાં કવનની ભેટ આપી દઉં.

મળે તો દ્રૌપદીનું ચીર ચોરી, લાજ સાચવવા;
અમારા પ્રેમ-શબ માટે કફનની ભેટ આપી દઉં.

ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.

વિરહથી ‘કોઈના’, જો તન-બદનમાં આગ સળગે તો,
હું ઠંડા શ્વાસના શીતળ પવનની ભેટ આપી દઉં.

છે નાજુક, પુષ્પ-શય્યા પર રખે શરદી ન થૈ જાયે,
સ્વીકારે તો જરા દિલની જલનની ભેટ આપી દઉં.

નહીં જોઈ શકે એ, કિન્તુ ના જોવાનું જોવાને,
સદા માટે હવે મારાં નયનની ભેટ આપી દઉં.

વફા ને પ્રેમની ભેદી કથાઓ જેમાં ઝળકે છે,
ગમે તો દિલનાં એ મોંઘાં રતનની ભેટ આપી દઉં.

અગર આ સૌ પસંદ આવે નહીં તો છેવટે ‘આસિમ’ !
હું ‘લીલા’ની ખુશી માટે જીવનની ભેટ આપી દઉં.

– આસીમ રાંદેરી

માણસ જેવો માણસ છું – ભગવતીકુમાર શર્મા

કોમળ છું, કાંટાળો છું; માણસ જેવો માણસ છું;
પોચટ છું, પથરાળો છું; માણસ જેવો માણસ છું

આકાશે અણથક ઊડવું, આ ધરતી પર તરફડવું;
ઘાયલ છું, પાંખાળો છું; માણસ જેવો માણસ છું.

તેજ-તિમિરનાં ચિતરામણ, તડકા-છાંયાનાં કામણ;
મારગ છું, ફાંટાળો છું; માણસ જેવો માણસ છું.

આંખે અશ્રુની ધારા, હોઠે સ્મિતના ઝબકારા;
ખુલ્લો છું, મર્માળો છું, માણસ જેવો માણસ છું.

ધિક્કારું છું હું પળમાં, પ્રેમ કરું છું હું પળમાં;
આશિક છું, કજિયાળો છું; માણસ જેવો માણસ છું.

ચોમાસે પાણી પાણી; ચૈત્રે લૂઝરતી વાણી;
ભેજલ છું, તડકાળો છું; માણસ જેવો માણસ છું

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું

ભગવતીકુમાર શર્મા

કોણ ઊભું હશે ? – યામિની વ્યાસ

ગાઢ અંધારમાં કોણ ઊભું હશે ?
એ નિરાકા૨માં કોણ ઊભું હશે !

તું જ દર્પણ અને તું જ ચહેરો અહીં
આર ને પારમાં કોણ ઊભું હશે ?

બાળપણનાં એ સ્વપ્નો ભુલાતાં નથી
સાવ સૂનકારમાં કોણ ઊભું હશે ?

બૂમ પાડ્યા કરે છે નિરંતર મને
મનના ભણકા૨માં કોણ ઊભું હશે ?

નાવ જાણે કે મળવા અધીરી થઈ
દૂર મઝધારમાં કોણ ઊભું હશે ?

આજ તો એમ લાગ્યું કે ‘આવો’ કહ્યું
બંધ એ દ્વારમાં કોણ ઉભું હશે?

– યામિની વ્યાસ

એ સાક્ષાત્ હોય તો

ફૂલોની સાથે પત્રની સોગાત હોય તો !
એ કોઈના પ્રણયની કબૂલાત હોય તો !

કેમે કરીને આપવો ઉત્તર નકારમાં,
ફૂલો મઢેલી એની રજૂઆત હોય તો ?

કેમે નકારવી રહી રેશમ શી માંગણી ?
મીઠી મધુરી એની શરૂઆત હોય તો !

તીરછી નજરનાં તીર ને મારકણી એ અદા,
એકધારી પ્રિયતમની વસુલાત હોય તો !

પ્રત્યેક માંગ એની નકારી શકાય ના,
નયનોની ભીની ભીની વકીલાત હોય તો !

‘ગુલ’ : મારા મનની વાત કરું, એને સ્વપ્નમાં,
સ્વપ્નો મહીં સદેહે એ સાક્ષાત્ હોય તો.

– ‘ગુલ’ અંકલેશ્વરી