Category Archives: ક્ષેમુ દિવેટીઆ

લાગી રે લગન – રાજેન્દ્ર શાહ

આજે એક જ ગીત… ત્રણ અલગ અલગ સ્વરમાં..!! આમ તો ઘણીવાર ટહુકો પર એકજ ગીત અલગ-અલગ ગાયકોના સ્વરમાં મુકુ છું, પણ આજે ખૂબી એ છે કે – ત્રણે ગીતોના સ્વરાંકન પણ અલગ અલગ છે..! એક જ ગીત આમ ગુજરાતના દિગ્ગજ સ્વરકારો – ગાયકો પાસે જુદા જુદા રાગ-સ્વરૂપમાં સાંભળવાની મઝા આવશે ને? 🙂

સ્વર: મન્ના ડે
સંગીત : નીનુ મઝુમદાર

.

સ્વર: હેમા દેસાઇ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

.

સ્વર: હંસા દવે
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

.

લાગી રે લગન
પિયા! તોરી લાગી રે લગન

રેણ રે ઝૂમેલી બરિખન માસની
રૂમઝૂમ રેલ્યો અંધકાર
ભીને રે અંચળ ભમતો રાનમાં
ફૂલની ફોરમનો લઈ ભારઃ
વીજને તેજે તે પેખું પંથને,
ઉરમાં એક રે અગન.

તમરાં બોલે રે તરુવરપુંજમાં
જલપે ઝરણાં હજાર,
અડધી રાતે યે મનનો મોરલો
મારો ગાયે રે મલારઃ
આભ રે વીંટાયું અવની અંગને
એવાં મિલને મગન.

આજ રીસાઇ અકારણ રાધા… – સુરેશ દલાલ

કવિ : સુરેશ દલાલ

.

આજ રીસાઇ અકારણ રાધા…
આજ રીસાઇ અકારણ
બોલકણીએ, મૂંગી થઇ ને
મૂંગું એનું મારણ

મોરલીના સૂર છેડે માધવ
વિધવિધ રીતે મનાવે
નીલ-ભૂરા નીજ મોરપિંછને
ગોરા ગાલ લગાવે

આજ જવાને કોઇ બહાને
નેણથી નીતરે શ્રાવણ
રાધા.. આજ રીસાઇ અકારણ

છાની છેડ કરે છોગાળો
જાય વળી સંતાઇ
તોય ન રીઝે રાધા
કા’નનું કાળજું જાયે કંતાઇ

થાય રે આજે શામળિયાને
અંતરે બહુ અકળામ
રાધા… આજ રીસાઇ અકારણ

આજ રીસાઇ અકારણ
રાધા… આજ રીસાઇ અકારણ

મનડું વિંધાણું રાણા… – મીરાંબાઇ

ઘણા વખતથી ટહુકો પર ગુંજતું આ મીરાંકાવ્ય, આજે કૌમુદી મુન્શીના સ્વરમાં અને એક અલગ જ સ્વરાંકન સાથે ફરીથી એક વાર… બંને સ્વરાંકન આટલા અલગ.. અને તો યે બંને એટલા જ સુરીલા… !

સ્વર : કૌમુદી મુન્શી
સંગીત : ??

.

———————–
Posted on September 19, 2008

સ્વર : બંસરી યોગેન્દ્ર (know more about Bansari Yogendra’s Musical Journey)
સંગીત : ક્ષેમુ દિવેટીયા
સંગીત Arranger : ઇમુ દેસાઇ

.

મનડું વિંધાણું રાણા, મનડું વિંધાણું
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું

નીંદા કરે છે મારી નગરીના લોક રાણા
તારી શીખામણ હવે મારે મન ફોક રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું

ભૂલી રે ભૂલી હું તો ઘરના રે કામ રાણા
ભોજન ના ભાવે નૈણે નિંદ હરામ રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું

બાઇ મીરાં કહે પ્રભ્રુ ગિરીધરના ગુણ વ્હાલા
પ્રભુ ને ભજીને હું તો થઇ ગઇ ન્યાલ રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું

———————

If you are in Los Angeles Area : Enjoy Musical Evening by Mrs. Bansari Yogendra

ક્ષેમુદાદાને શ્રધ્ધાંજલી : આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી – બાલમુકુન્દ દવે

શ્રાવણ મહિનો શરૂ થયો ત્યારથી વિચારતી હતી કે એકાદ દિવસ આ ગીત મુકુ… (જે આમ જુઓ તો લગભગ ૫-૬ મહિનાથી સાચવી રાખ્યુ હતુ, શ્રાવણ મહિનામાં મુકવા માટે)

અને ગઇ કાલે જ ક્ષેમુદાદાની વિદાયના સમાચાર મળ્યા…

તો આજે સાંભળીએ અમર ભટ્ટ અને કાજલ કેવલરામાની – ના સુરીલા અવાજમાં એમનું આ મઝાનું ગીત…
એમના બીજા ગીતો ટહુકો પર અહીં કલિક કરી સાંભળી શકો છો.
https://tahuko.com/?cat=245

.

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઇ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઇ ઝીલો જી
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઇ ઝીલો જી.

આ જલધારામાં ઝૂલતી કોઇ ઝીલો જી
પેલી તૂટે મોતનમાળ હો કોઇ ઝીલો જી
આ લટ લહેરાતી લળી લળી કોઇ ઝીલો જી
પેલું કોણ હસે મરમાળ? હો કોઇ ઝીલો જી.

આ નથી ટપકતાં નેવલાં કોઇ ઝીલો જી
આ વરસે અમરત-મેહ હો કોઇ ઝીલો જી
આ સમણાં કેરા કરા પડે કોઇ ઝીલો જી
આ નરદમ વરસે નેહ હો કોઇ ઝીલો જી

આ ચળકે વાદળ-તલાવડી કોઇ ઝીલો જી
એની તડકે બાંધી પાળ હો કોઇ ઝીલો જી
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઇ ઝીલો જી
આ રાત ચલી રઢિયાળ હો કોઇ ઝીલો જી

આ દૂધે ધોયા ડુંગરા કોઇ ઝીલો જી
પેલી ઝરણાંની વણજાર હો કોઇ ઝીલો જી
આ જતિ-સતીનાં તર રેલે કોઇ ઝીલો જી
પેલા શિવલોચન-અંબાર હો કોઇ ઝીલો જી

સ્વરકાર ‘ક્ષેમુ દિવેટીઆ’ ને અલવિદા….

ગુજરાતી સંગીત જગતના જાજરમાન સ્વરકાર શ્રી ‘ક્ષેમુ દિવેટીઆ’ ગઇકાલે – 30 July, 2009 ના રોજ અવસાન પામ્યા..! સંગીત-સુધાના ૧૦ ભાગમાં જેંમણે ગુજરાતી કવિતાની કેટકેટલીય અમર રચનાઓ – ગુજરાતભરના કલાકારો સમક્ષ ગવડાવીને, દેશ-દુનિયાના ખૂણે ખૂણે આપણી ભાષાની મહેક પ્રસરાવી છે, એ ક્ષેમુદાદા એમના સંગીત થકી હંમેશા આપણી વચ્ચે જરૂર રહેશે.

પુરુષોત્તમ ઉપાધ્યાય જેમને ગુજરાતી સંગીતના ભિષ્મપિતામહ કહીને અવિનાશ વ્યાસ પછીનું સ્થાન આપે છે, એવા ક્ષેમુદાદાની ખોટ ગુજરાતી સંગીત જગતને હંમેશા સાલશે. ‘કાશીનો દિકરો’ ફિલ્મના ગીતો માટે એમને શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ મળ્યો, પરંતુ એ એકમાત્ર એવી ફિલ્મ હતી જેમાં એમણે સંગીત આપ્યું. અને થોડા સમય પહેલા જ એમના ગુજરાતી-સંગીત ક્ષેત્રના પ્રદાન માટે એમને મોરારીબાપુના હસ્તે ‘અવિનાશ વ્યાસ’ એવોર્ડ એનાયત કરાયો હતો.

જેમાંથી ‘ગુજરાત’ની મહેક આવે એવા એમના ગીતોમાં એમણે શાસ્ત્રીય રાગો અને ગુજરાતના લોકસંગીતનો અદભૂત સમન્વય સાધ્યો. ઉત્તમ સંગીતકાર, અને એટલાજ ઉમદા વ્યક્તિ. જીવનના ૬૦ વર્ષની ઉજવણી એમણે ગુજરાતને ‘સંગીત-સુધા’ની ભેટ આપીને કરી.. ૩૦થી પણ વધુ નામી-અનામી કલાકારોને કંઠે ૫૦થી વધુ કવિઓની સ્વરરચનાનો ખજાનો – એમણે મને એમના હાથે, એમના આશિર્વાદ સાથે આપ્યો હતો લગભગ ૨ વર્ષ પહેલા, એ દિવસની એમની સાથેની મારી મુલાકાત મને હજુ યે યાદ છે.

એમના કેટકેટલાય ગીતો અસંખ્ય વાર સાંભળ્યા છે.. પણ આજે એમને શ્રધ્ધાંજલીરૂપે અહીં કયું ગીત મુકવું એ નક્કી જ ન કરી શકી. કહું ગીત સંભળાવું ને કયું બાકી રાખું?

એમના જ શબ્દો અહીં ટાંકું છું –

સ્પંદનોનું વ્યક્ત વૈવિધ્ય એ સહુને સહજસિધ્ધ નથી.
સુવાસને શબ્દસ્થ કરવાનું સહેલું કયાં છે? ત્યારે,
કવિતા મદદે આવે છે. આ છે કેસેટ-સ્થ કવિતા.
ભાવ-ઉર્મિ-વિચારનો સૂરીલો ધબકાર.
મૌન સંવેદનાની સંગીત સભર અભિવ્યક્તિ.
વિભિન્ન ક્ષણોની મૂક અનુભૂતિનું સૂર-શબદમાં
સહિયારું પ્રાગટ્ય,
“સંગીત સુધા”.
આવો,
અસ્તિત્વ સમગ્રથી એનું પાન કરીએ.

– ક્ષેમુ દિવેટીઆ

.

પ્રભુ એમના આત્માને ચિરશાંતી અર્પે એવી હ્રદયપૂર્વકની પ્રાથના સાથે એમને નતમસ્તક વંદન કરું છું.

હોરી આઇ હોરી કાના… – પિનાકીન ઠાકોર

ફરીથી એકવાર.. સૌને હોળી-ધૂળેટીની રંગભર શુભેચ્છાઓ..

સ્વર : શ્રુતિવૃંદ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

.

હોરી આઇ હોરી કાના હોરી આઇ રે
આજ હોરી આઇ રે…

કદંબ બનકી ડાલી ડાલી પે છિપ છિપ
બંસી બજાઇ રે
આજ હોરી આઇ રે…

દૂર ગગન મેં ગુલાલ પૂરવને શુભ્ર ભાલ
રેલ રહી લાલ લાલ
કેસરિયા કિરણોની ઝળહળ
ઝળહળ અરુણાઇ રે
આજ હોરી આઇ રે….

વાયુની વાય વેણુ વનવનમાં મત્તમધુર
પાથરે પરાગરેણુ પાગલ પ્રીતિને સૂર
વાગે ઝાંઝ પખાવજ

ફાગણની શરણાઇએ
આજ હોરી આઇ રે….

ફાગણ આયો ફાંકડો કોઇ ફાગણ લ્યો – રાજેન્દ્ર શાહ

આજે ફાગણ સુદ એકમ… અને હમણાં જ તો આપણે ‘ક્ષેમુ દિવેટીઆ સ્પેશિયલ’ અઠવાડિયુ ઉજવ્યું – તો પછી આજે રંગીલા ફાગણને આવકારવા આના કરતા વધારે સારું ગીત કયું હોય, બરાબર ને? ફાગણના અલગ-અલગ રંગોને કવિને ખૂબ સુંદર રીતે વણી લીધા છે ગીત માં – અને સાથે એવાજ ખુશાલીના રંગો ઉમેર્યા છે ક્ષેમુદાદાના સંગીત અને ભવન્સવુંદના સ્વરો એ..!!

આપણને ય જાણે મન થઇ જાય કે ટોપલામાં ફાગણ નાખીને વહેંચવા નીકળી પડીયે… કોઇ ફાગણ લ્યો… કોઇ ફાગણ લ્યો…!!

(આંબાની મ્હોરી મંજરી … Photo From : emblatame (Ron))

* * * * *

.

હે જી ફાગણ આયો ફાંકડો કોઇ ફાગણ લ્યો
એના વાંકડિયો છે લાંક રે કોઇ ફાગણ લ્યો
એ જી આંબાની મ્હોરી મંજરી કોઇ ફાગણ લ્યો
એવા સરવર સોહે કંજ રે કોઇ ફાગણ લ્યો

હે જી દરિયા દિલનો વાયરો કોઇ ફાગણ લ્યો
એ તો અલમલ અડકી જાય રે કોઇ ફાગણ લ્યો
હે જી જુગલ વાંસળી વાજતી કોઇ ફાગણ લ્યો
એને નહીં મલાજો લાજ રે કોઇ ફાગણ લ્યો

હે જી દિન કપરો કંઇ તાપનો કોઇ ફાગણ લ્યો
એની રાત ઢળે રળિયાત રે કોઇ ફાગણ લ્યો
હે જી ઊડે કસુંબો આંખમાં કોઇ ફાગણ લ્યો
એને વન પોપટની પાંખ રે કોઇ ફાગણ લ્યો

હે જી ગગન ગુલાબી વાદળાં કોઇ ફાગણ લ્યો
જોબનિયું કરતું યાદ રે કોઇ ફાગણ લ્યો
હે જી ફાગણ આવ્યો ફાંકડો કોઇ ફાગણ લ્યો
એનો વાંકડિયો છે લાંક રે કોઇ ફાગણ લ્યો

‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 6: મારી આંખે કંકુના સૂરજ આથમ્યા – રાવજી પટેલ

આ ગીત અગાઉ ટહુકો પર – ભુપિન્દરના સ્વરમાં તમે સાંભળ્યું હશે. પરંતુ જ્યારે ‘ ક્ષેમુ દિવેટીઆ‘ને ‘અવિનાશ વ્યાસ’ એવોર્ડ મળ્યાની ઉજવણી થતી હોય – તો કાશીનો દિકરો ફિલ્મનું ‘રાસબિહારી દેસાઇ’નો સ્વર મઢ્યું આ અમરગીત તો કેમ ભુલાઇ?

‘આભાસી મુત્યુનું ગીત’. કવિ સુરેશ દલાલ આ ગીતને ‘અકાળે આથમેલો સૂર્ય’ જેવું શીર્ષક આપીને કહે છે કે –

” રાવજી પટેલ અકાળે આથમ્યા, પણ ન આથમે એવું ગીત આપીને. આ કાવ્ય અંતિમ વિદાયનું છે પણ એનો ભાગ લગ્નગીતનો છે એટલે કે, વિદાયનું ગીત મિલનના લયમાં છે. આ લયનાં મૂળ લોકગીતમાં છે, પણ લયનું ફળ શોકગીતમાં છે. માણસ મૃત્યુની અંતિમ ક્ષણે શું અનુભવે છે એ તો લગભગ અકળ રહે છે. પણ માણસ અંતિમ ક્ષણ પહેંલા નજીક ને નજીક આવતા મૃત્યુનો સાક્ષાત્કાર કરે છે ત્યારે એની હ્રદયની ભાવસ્થિતિનો ચિતાર અને અત્યંત ઝીણો સૂક્ષ્મ ચિત્કાર કવિએ અહીં આપ્યો છે. આ ગીત વિશે ઘણું લખાયું છે અને લખાશે, કારણ કે આ કાવ્ય સહ્રદયને પડકારે એવું છે. ”

અને આવા કરુણાસભર શબ્દોને  ક્ષેમુ દિવેટીઆ અને રાસબિહારી દેસાઇ જેવા દિગ્ગજોના સંગીત-સ્વર મળે ત્યારે કવિના શબ્દો જાણે વધુ ધારદાર થઇને હૈયામાં ઉતરે છે…

.

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 5 : માધવે રાધા જ્યાં અધરે ધરી… – ઉશનસ

વાત સૂર-સંગીતની હોય કે પ્રેમની, રાધા-માધવ અને વાંસળી વગર અધૂરી જ કહેવાય… જાણે રાધાના આવતા એના ઝાંઝર રણકે એના અવાજ સાથે શરૂ થતું સંગીત અને એમાં આરતી મુન્શીનો વાંસળીના સૂર જેવો મીઠેરો અવાજ.. રાધા-માધવની સાથે સાથે આપણે ય સૂર સૂર થઇ જઇએ એવું ગીત…

સ્વર : આરતી મુન્શી
સંગીત :  ક્ષેમુ દિવેટીઆ

.

માધવે રાધા જ્યાં અધરે ધરી કે આખી
વાંસળીની જેમ ઉઠી વાગી
સાત સાત સૂરના મેઘના ધનુષ જેમ
રોમ રોમ રાગીણી જાગી ….

સાત સાત સૂરોનું ગૂંથેલું મોરપીંછ
જેવું જરાક નમી ઝૂક્યું
પ્રેમને જરાક પાન આખુંય સામ ગાન
વેધ વેધ વેદ જેમ ફૂંક્યું
વેગળી કરે છે તોયે વાગે છે મોરલી
એકલીય માધવની રાગી ! ….

ફૂંકે તે સૂર સૂર, ઝીલે તે સૂર સૂર
સૂર સૂર શ્યામ અને રાધા
ખીલ્યું છે સૂરધનું આંખનાં અગાધ એમાં
ઓગળે છે દ્વેત આધા આધા
સૂરનો ત્રિભંગ સોહે મોહે વરમાંડ, આજ
અદકું કંઇ વિશ્વ વરણાગી….

‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 4 : એવા રે મલક હજો આપણા – રવીન્દ્ર ઠાકોર

ઘૂંટડે બુઝાતી ચિર પ્યાસ… કવિતાની, ગુજરાતી સુગમની ચિર પ્યાસને બુઝાવતો એક ઘૂંટડો પાતી  ક્ષેમુ દિવેટીઆની આ રચના વિષે વધુ તો શું કહું? ખૂબ જ સુંદર શબ્દોને અનુરૂપ ગીત-સંગીત મળે ત્યારે આવી કોઇ રચના બને….

સંગીત : ક્ષેમુ દિવેટીઆ
સ્વર : હર્ષિદા – જનાર્દન રાવળ

.

એવા રે મલક હજો આપણા
ઝળહળ થિર જ્યાં પ્રકાશ
એવા રે મલક હજો આપણા

કોઇ ન રોકે ને ટોકે બંધવા
આપણે તો નિજમાં મગન
અંતર આસને બેઠો વ્હાલીડો
ચિત્તને તેની હો લગન

પળ પળ વહે તેનો શ્વાસ.. એવા રે…

આપણા તે સંતરી રે આપણે
આતમને કોઇની ન આણ
એને તે ભરુંસે વ્હેતી રોજ જો
અમરતની કલકલ સરવાણ

ઘૂંટડે બુઝાતી ચિર પ્યાસ… એવા રે…

અમ્મર જ્યોતિ, જ્યહીં ઝળહળે
જ્યહીં આપણોજ વહે રે પ્રકાશ
એવા રે મલક વાસો આપણા
આપણા અનંત ત્યાં રે નિવાસ

એવે રે પથ હો પ્રવાસ…. એવા રે…