Category Archives: કૃષ્ણગીત

જાગો રે જશોદાના જીવણ ~ નરસિંહ મહેતા

જાગો રે જશોદાના જીવણ વ્હાણલાં વાયાં
તમારે ઓશીકે મારાં ચીર રે ચંપાયા…

પાસું તો મરડો વ્હાલા ચીર લેઉં તાણી
સરખી રે સહિયરું સાથે મારે જાવું પાણી

પંખીડાં બોલે તો વ્હાલા રાત રહી થોડી
સેજલડીથી ઉઠો વ્હાલા આળસડી મોડી

સાદ પાડું તો વ્હાલા લોકડિયાં જાગે
અંગૂઠો મરડું તો વ્હાલા પગના ઘૂઘરા વાગે

જેનો જેવો ભાવ હોયે તેને તેવું થાય
નરસૈંયાનો સ્વામી વિના રખે વ્હાણલું વાયે

– નરસિંહ મહેતા

સ્વરકાર – અંજલીબહેન ખાંડવાલા 
સ્વર – વિભા દેસાઈ

હરિએ દઈ દીધો હરિવટો… – રમેશ પારેખ

હરિએ દઈ દીધો હરિવટો…

ક્યાં દેખું એ સુંદર મુખ, ક્યાં સનકારો ગળચટો?
આધે આછા હરિરથ ઝળકે તેને તાકું કેવા !
પ્રાણ હોય તો તોડું આ તો હરિપણાંના હેવાં
નહીં સૂરતની, નહીં મૂરતની, આંસુની રમઝટો….

મીરાં કે પ્રભુ, અણસમજુનાં ક્યાં છે એવાં ગજાં ?
કરી મને પાંપણથી ચપટી વગાડવાની સજા
દરિયાએ પોતાના જળને એમ કહ્યું કે ‘ ઘટો ! ‘
હરિએ દઈ દીધો હરિવટો…

– રમેશ પારેખ

સ્વરાંકન : શ્રી. સુરેશ જોશી
સ્વર: શ્રીમતી વિભા દેસાઈ

વૃંદાવનમાં વેણુ વગાડે શ્યામ – જયશ્રી વિનુ મર્ચન્ટ

વૃંદાવનમાં વેણું વગાડે શ્યામ
ને યમુના તટે મારી જોને ગાગર છલકે…
હૈયું હરણ બની એ…ય…ને, જાય દોડી,
હું દોડી ચ૨ણ લઈ જોને, ગાગર છલકે…
વૃંદાવનમાં વેણુ વગાડે શ્યામ…

આંખ્યુંમાં ઉજાગરો રાતની રાતો,
ને, તારા નયનના ઉલાળાનું કરું શું શ્યામ?
તારી તે ૨ઢમાં મૂક્યાં મેં કામકાજ,
ને, વેણુની તાન દિ’ આખો ગણગણું શ્યામ!
વૃંદાવનમાં વેણુ વગાડે શ્યામ…

છૂટી મૂકું ગાયોને, બંધાતી હું ખીલે,
મનના હિંડોળે તો શ્યામ તું જ સદા ઝૂલે…!
સાનભાન ભૂલેલી અડતી કુંવારી કળીને,
સપનાંનાં ફૂલો મારે રોમેરોમ જોને ખીલે…!
વૃંદાવનમાં વેણુ વગાડે શ્યામ…

– જયશ્રી વિનુ મર્ચન્ટ

કૃષ્ણ બધુંય જાણે છે – મુકેશ જોષી

નયન આમ ના થાવ અધીરાં કૃષ્ણ બધુંય જાણે છે,
હૃદય વાગતું કે મંજીરાં કૃષ્ણ બધુય જાણે છે.

આરસના મ્હેલોમાં રાણો સ્વયં થયો ખંડેર હશે,
ઠેઠ સુધી ના સમજાયું કે કોણે પીધું ઝેર હશે.
હસી પડીને બોલ્યાં મીરાં કૃષ્ણ બધુંય જાણે છે.

પાંચ પાંચ દીવાઓ તોય અંધારું સેકાયું નહીં
મનમાં પડતાં ચીરા કોઈ ચંદન થઈ ડોકાયું નહીં.
પહેલાં પૂર્યાં ચીર કે ચીરા કૃષ્ણ બધુય જાણે છે.

પીંજારાના નામે કોઈ જાત ભૂલી પીંજાઈ ગયું.
ગોકુળિયું તો ઠીક આખું બરસાના ભીંજાઈ ગયું
કેમ ઊડાડ્યા જાતના લીરા કૃષ્ણ બધુંય જાણે છે.

– મુકેશ જોષી

ગિરધર ગુનો અમારો માફ – રમેશ પારેખ

કવિ: રમેશ પારેખ
સ્વરકાર: અમર ભટ્ટ

.

કવિ રમેશ પારેખને ગઈ કાલે એમની કવિતાઓ ગાઈ, વાંચી, વહેંચીને યાદ કર્યા. પછી એક કવિતાસંગીતપ્રેમીએ હક્કપૂર્વક ધ્યાન દોર્યું કે ગઈ કાલે વહેંચેલાં ગીતોમાં એમનું એક પણ મીરાંકાવ્ય ન હતું. મીરાંની મનોદશામાં પહોંચીને એમણે આખો સંગ્રહ આપ્યો – ‘મીરાં સામે પાર’. એમનું એક મીરાંગીત થોડો સમય પહેલાં સ્વરબદ્ધ થયું હતું તે સાંભળો. માત્ર ફૉનમાં રૅકોર્ડ કર્યું હતું એટલે હાર્મોનિયમ વધારે સંભળાશે; પણ ભાવ સમજાશે ને સંભળાશે પણ-

‘ગિરધર ગુનો અમારો માફ

તમે કહો તો ખડ ખડ હસીએં, વસીએં જઈ મેવાડ
માર અબોલાનો રહી રહીને કળતો હાડોહાડ
સાવરણીથી આંસુ વાળી ફળિયું કરીએં સાફ
ગિરધર ગુનો અમારો માફ

મીરાં કે પ્રભુ દીધું મને સમજણનું આ નાણું
વાપરવા જઈએં તો જીવતર બનતું જાય ઉખાણું
પેઢી કાચી કેમ પડી છે જેના તમે શરાફ?
ગિરધર ગુનો અમારો માફ’
– રમેશ પારેખ

અલી બઈ હવે હું નઈ – અવિનાશ વ્યાસ

સ્વર: વિભા દેસાઈ અને શુભા સ્વાદિયા
સ્વરાંકન અને સંગીત: ગૌરાંગ વ્યાસ

.

અલી બઈ હવે હું નઈ
નઈ રે માઇ વેચવા ને જાઉં રે
અલી બઈ હવે હું નઈ
નઈ રે મઇ વેચવા ને જાઉં રે
કાનો મારી કેડે પડ્યો છે
અલી બઇ..

મેતો કેટલી એ વાર જશોદા ને કહ્યું જઈ
કાનો મારી કેડે પડ્યો છે
અલી બઇ

એક તો હુ મટુકી ના ભારે લચકતી લચકતી જાઉં
જોવે નઇ મને જાયો જશોદા નો
ઘુંઘટડે અકડાઉ ..

રોકે મારગડો મારો ગોવાળીયા ને લઇ
કાનો મારી કેડે પડયો છે
અલી બઇ હવે હુ નઈ

આવે આની કોર થી
આવે પેલી કોર થી
કેટલી બચાવું જાત ચિતડાંના ચોરથી..

સામે આવે તોરથી, મોરલી ના શોરથી
થાકી હુતો જાઉ આવા મીઠા મસ્તીખોરથી

બળ્યું ગમે તોયે આંખમાંથી આસુ જાય વઇ ..
કાનો મારી કેડે પડયો છે
અલી બઇ હવે હુ નઈ

મેતો કેટલી એ વાર જશોદા ને કહ્યુ જઇ
કાનો મારી કેડે પડ્યો છે
અલી બઇ હવે હુ નઈ …
નઈ રે મઇ વેચવા ને જાઉ રે
કાનો મારી કેડે પડ્યો છે
અલી બઇ ..
– અવિનાશ વ્યાસ

રાધા શોધે મોરપિચ્છ – સુરેશ દલાલ

સ્વર : કલ્યાણી કૌઠાળકર
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

રાધા શોધે મોરપિચ્છ ને ,શ્યામ શોધતા ઝાંઝરિયા,
રાધિકાની આંખ જપે છે સાંવરિયા ! ઓ સાંવરિયા !

મુરલીના સૂર કદંબવૃક્ષે ચીર થઈને ઝૂલે,
અને શ્યામની આંખો જળમાં કમળ થઈને ખૂલે;
કુંજગલીમાં ધૂળ રેશમી તો ય કહે એ કાંકરિયા….

ઉજળો દિવસ શ્યામ થયો ને રાધિકા થઇ રાત,
યમુનાના જળ દર્પણ થઈને કરે હૃદયની વાત;
ભરી ભરીને ખાલી ખાલી કરતી ગોપી ગાગરિયા…

– સુરેશ દલાલ

સખી માધવનું વ્હાલ નથી ખાલી બે વેણ – ભાસ્કર વ્હોરા

સ્વર : ડો.દર્શના ઝાલા
આલબમ : તારા નામમાં

.

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : આશિત દેસાઈ

.

સખી માધવનું વ્હાલ નથી ખાલી બે વેણ,
જેને સાંભળવા વાટ નીત જોતી જોતી

હરિયાળા હૈયામાં છુટ્ટું મેલીને
એના સૂર તણું ગોધણ કોક દિ
નીતરતા નેણને વહેતું મેલીને
એની લાગણીનું લટ ઘૂમે કોક દિ

લાગણીના લટકામાં લાખેણી દુનિયામાં
ખાલી ના સાવ આમ જોતી જોતી

કાળી રે કામળીમાં બાંધી રાખેલ એની
લીલા લહેરાવે કો’ક દી,
મધરાતે માવઠાથી ભીંજવીને
એની ફોરમમાં ફોરમાઇ એમ રે.

ફોરમતાં ફોરાંની મલકાતી માયામાં,
ખાલી આ ડાળ વલોતી વલોતી
– ભાસ્કર વ્હોરા

ગોકુળ વ્લેહેરા પધારજો રે – નરસિંહ મહેતા

સ્વરકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: ભાવના દેસાઈ

.

ગોકુળ વ્લેહેરા પધારજો રે.
હે મથુરા રે જાઓ તો મારા સમ
હો મારા લાલ, કે ગોકુળ વ્હેલેરા પધારજો

રથ જોડીને અક્રુર આવિયા
હે મને દુ:ખડિયાનો દેનાર
હો મારા લાલ કે ગોકુળ વ્હેલેરા પધારજો

ઓ જાય(૨) રથ રે મારા નાથનો રે લોલ
હે માંહે બેઠા હળધરવીર લાલ
હો મારા લાલ કે ગોકુળ વ્હેલેરા પધારજો

આગળ રાધાજી ઉભાં રહ્યાં ને
મારા હ્રુદિયા પર રથ હાંકો લાલ
મહેતા નરસૈંનો સ્વામી શામળાને
વ્હાલે રમાડ્યા રાસ રે
મ્હારે વ્હાલે રમાડ્યા રાસ રે
– નરસિંહ મહેતા

ના મારો શ્યામ પિચકારી – આશિત દેસાઈ

હોળી તો થોડા મહિના પહેલાં ગઈ પણ હોળીનું ગીત માણવા માટે કોઈ પણ સમય ચાલે..ખરુંને?
લો તો આ જુઓ અને સાંભળો એક મજાનું હોળીનું ગીત!

સ્વરાંકન અને નિયોજન : આલાપ દેસાઈ,
સ્વર: હિમાલી વ્યાસ નાયક

ના મારો શ્યામ પિચકારી
મોરી ભીગે ચુનરિયા સારી
મોરી સાસ નનદિયા દેંગી ગારી…

લાજ નાહિં આવે તોહે
છેડો ના શ્યામ મોહે
કોઈ ના રોકે તોહે
મુરલી કે બજૈયા
શ્યામ રંગ સે ભિગોયે
રંગ કે રંગૈયા…

~ શબ્દ સંકલન : આશિત દેસાઈ