Category Archives: આશિત દેસાઇ

રાત આખી ઝરમરનાં ઝાંઝર વાગે – હરીન્દ્ર દવે

સ્વરાંકનઃ આશિત દેસાઈ
સ્વરઃ હેમા દેસાઈ
આલબમ: માધવ ક્યાંય નથી મધુવનમાં

.

કાવ્યપાઠ : હરીન્દ્ર દવે

.

સ્વરઃ હંસા દવે
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

.

સૌજન્ય: માવજીભાઈ.કોમ

રાત આખી ઝરમરનાં ઝાંઝર વાગે
કે માડી ગેબના મલકથી ઊતરતાં લાગે

ધીમું ધીમું રે કોઈ જંતર વાગે
ને વિના વેણ કોઈ સંભળાય ગાણું
મધરાતે મન એના સૂરમાં પરોવ્યું
એને સાંભળી રોકાઈ ગયું વ્હાણું
જરા હળવેઃ કે ચાંદનીના ફોરાં વાગે

આભથી પનોતાં કોઈ પગલાં પડે ને
પછી ધરતીનું હૈયું મ્હેક મ્હેક
ભીનાં તરણાંનું બીન સાંભળું ત્યાં
અજવાળું પાથરે છે મોરલાની ગ્હેક
હજી કળીઓ સૂતી’તી, હવે ફૂલો જાગે

– હરીન્દ્ર દવે

જંગલ સમી મારી પીડા – રમેશ પારેખ

સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

જંગલ સમી મારી પીડા, સોનાંદે, કેડી સમું આ ટાણું,
અરઘી રાતે દીવો કર્યો ને ઊગ્યું ઘરમાં વ્હાણું.

સાત જનમનો ડૂમો મારી આંખોમાં ઘોળાતો,
ડૂસકે ડૂસકે જાય ઢોળાતી વણબોલાતી વાતો;

એક ટીપું તું વરસી અને ઘર આખુંયે ભીંજાણું.

આવ, તને હું મારા ઉજ્જડ સ્પર્શોથી શણગારું,
છુટ્ટું મૂકી દઉં છાતીમાં ટળવળતું અંધારું ;

પંખીના ટૌકાનું તોરણ મારા હોઠોમાં બંધાણું.

– રમેશ પારેખ

ક્યાંક ઝરણાંની ઉદાસી – શ્યામ સાધુ

આલ્બમ : સંગત
સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયા તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે !

પંખીઓનાં ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
ઓ હ્રદય ! બોલો કે આ કેવી ઘડી છે !

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહી ઠેબે ચડી છે !

ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?
– શ્યામ સાધુ

રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો – જલન માતરી

થોડા વખત પહેલા ‘ફીલિંગ્સ દીપોત્સવી વિશેષાંક – સંગીત વિશેષ’ વિષે વાત કરી હતી એ યાદ છે? એ જ અંકમા રઇશભાઇએ કેટલીક ગુજરાતી – સંગીતબધ્ધ થયેલી અમર ગઝલો નો આસ્વાદ કરાવ્યો છે. એમાંની એક ગઝલ, સાંભળીએ આશિતભાઇના મઝાના સ્વર-સંગીત સાથે, અને સાથે માણીએ રઇશભાઇના શબ્દોમાં આ ગઝલનો રસાસ્વાદ..!!

સ્વર – સંગીત : આશિત દેસાઇ

.

ટહુકો ફાઉન્ડેશનના કાર્યક્રમ સુર શબ્દની પાંખેમાં અચલ અંજારિયાના સ્વરમાં સાંભળો

રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો
ખુદા છે કે નહી હાક મારી તો જો

પલાઠી લગાવીને ના બેસી રહે
તુ મુઠ્ઠીઓ વાળીને ભાગી તો જો

હશે તો ઉઠી દોડવા માંડશે
તુ પ્રારબ્ધને લાત મારી તો જો

ખબર તો પડે મોતીઓ છે કે નહી
તુ સમુંદરમાં ડુબકી લગાવી તો જો

છે મીઠા કે ખારા સમજ તો પડે
જલન ઝાંઝવાઓને ચાખી તો જો

————–

આસ્વાદ : (‘ફિલિંગ્સ’ માંથી સાભાર)
જનાબ જલન માતરી ગુજરાતી ભાષાના વિદ્રોહી શાયર છે. ભારતીય સંસ્કૃતિમાં ચાર્વાકની નાસ્તિકતાથી લઇ, ઉપનિષદોના `અહં બ્રહ્માસ્મિ’ સુધીનું વૈવિઘ્યપૂર્ણ તત્ત્વજ્ઞાન ઝીલાયું અને સચવાયું છે. આ ગઝલમાં પણ કવિનો મિજાજ ઇશ્ર્વરના ઐશ્ર્વર્યને અને પ્રારબ્ધવાદના દૈન્યને પડકારે છે. રહસ્યોના પડદાની પાછળ ઓઝલ રહે, એવો ઇશ્ર્વર કવિને ખપતો નથી. જ્યાં જ્યાં પડદા છે ત્યાં પડદાની પાછળ ખરેખર કોઇ છે પણ ખરું ? એવો શક પડે. આ શકનો દાયરો ધર્મપ્રબોધકોએ, મુલ્લાઓ અને પંડિતોએ ઊભો કર્યો છે. ઇશ્ર્વર અનુભવી શકાય એટલો પારદર્શક બની જાય તો મુલ્લાઓ અને પંડિતોની દુકાન કેવી રીતે ચાલે ? તેથી જ દુનિયામા: પડદાઓનો (અને પંડાઓનો) મહિમા છે. `પ્રારબ્ધને લાત મારવાની’ વાત અને `હશે તો ઊઠી દોડવા માંડશે’નો વિચાર અદ્ભુત છે.અને જીવનારાઓમાં જોમ પ્રેરે એવો છે. આટલી બિન્ધાસ્ત રીતે, આટલી બેફિકરાઇથી અને આલી ખુમારીથી પુરુષાર્થનો મહિમા કદાચ બીજી કોઇ કવિતામાં થયો નહીં હોય !
– રઇશ મનીઆર

ના મારો શ્યામ પિચકારી – આશિત દેસાઈ

હોળી તો થોડા મહિના પહેલાં ગઈ પણ હોળીનું ગીત માણવા માટે કોઈ પણ સમય ચાલે..ખરુંને?
લો તો આ જુઓ અને સાંભળો એક મજાનું હોળીનું ગીત!

સ્વરાંકન અને નિયોજન : આલાપ દેસાઈ,
સ્વર: હિમાલી વ્યાસ નાયક

ના મારો શ્યામ પિચકારી
મોરી ભીગે ચુનરિયા સારી
મોરી સાસ નનદિયા દેંગી ગારી…

લાજ નાહિં આવે તોહે
છેડો ના શ્યામ મોહે
કોઈ ના રોકે તોહે
મુરલી કે બજૈયા
શ્યામ રંગ સે ભિગોયે
રંગ કે રંગૈયા…

~ શબ્દ સંકલન : આશિત દેસાઈ

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે – ‘ગની’ દહીંવાળા

સ્વર: પ્રહર વોરા
સ્વરાંકન : આશિત દેસાઈ

.

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે…

દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે…

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દરુપે દર્દનો દેનાર લાગે છે…

હૃદયની આશને ઓ તોડનારા આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે…

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે…

‘ગની વિતેલ જીવનનાં સ્મરણ તાજાં થયા આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે…

– ‘ગની’ દહીંવાળા

વ્હાલમનું નામ -સુધીર દેસાઈ

સ્વર : હેમા દેસાઈ
સંગીત : આશિત દેસાઈ

.

વ્હાલમનું નામ એ તો મધમીઠું નામ ,
એને બોલું તો કેમ કરી બોલું ?
ઉરનું આ દ્વાર એ તો પ્રિતમ નું ધામ ,
એને ખોલુ તો કેમ કરી ખોલુ ?

તમે બોલ્યાં જ્યાં નામ હું તો ભૂલી પડી ,
હું તો શમણાં માં ક્યાંક ક્યાંક ઘૂમી વળી .
અરે !મનથી એ નામ મીઠું ચુમી વળી !
સોનાનું નામ મારુ પાડેલું નામ ,
એને બોલું તો કેમ કરી બોલું ?

મારા મનની મંજુશા ની મોંઘી મૂડી ,
કોઈ બોલે જ્યાં નામ મારી ખણકે ચુડી ,
મને પાંખો ફૂટે ને હું તો જાઉ ઊડી ,
મનના ગોકુલીયા માં નટખટ નું નામ
એને બોલું તો કેમ કરી બોલું .
-સુધીર દેસાઈ

હુ તુ તુ તુ… જામી રમતની ઋતુ.. – અવિનાશ વ્યાસ (Melody Eve with Prahar)

આજે ફરી એકવાર આ રમતિળાય – રમતનું ગીત – અને સાથે સાંભળીએ આ ગીત કેવી રીતે બન્યું એની થોડી વાતો… આભાર, પ્રહર અને ગૌરાંગ કાકા!

——————————–
Posted on : Nov 27, 2010

આમ તો વર્ષોથી ટહુકો પર ગૂંજતું આ મઝાનું ગીત… આજે ફરી એકવાર સાંભળીએ .. મન્ના ડે ના દિગ્ગજ સ્વર સાથે..!!

સ્વર – મન્ના ડે

.

——————————–
Posted on January 2, 2007

સંગીતકાર : ગૌરાંગ વ્યાસ

આ ગીત મારા ઘણા ગમતા ગુજરાતી ગીતોમાં આવે… આખો દિવસ આ જ ગીત વાગે તો પણ આરામથી સાંભળી શકું…. અને જ્યારે પણ સાંભળું ત્યારે ઓછામાં ઓછા 5-6 વાર તો સાંભળવું જ પડે.. ત્યાં સુઘી તો મન ઘરાય જ નહીં… (બિચારી મારી South Indian Roommates.. 2 કલાક સુધી હુ તુ તુ તુ સાંભળ્યા કરે…) અને સૌથી મજા આવે ગીતની આ પંક્તિઓ ગાતી વખતે… ( એ સમયે ઘરમાં કોઇ હાજર હોય તો એને ભગવાન બચાવે…)

તેજ ને તિમિર રમે… હુ તુ તુ તુ તુ તુ તુ તુ
પાણી ને સમીર રમે.. હુ તુ તુ તુ તુ તુ તુ તુ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

સ્વર – આશિત દેસાઇ

.

હુ તુ તુ તુ તુ તુ તુ તુ
જામી રમતની ઋતુ
આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
જગત રમતું આવ્યું ને રમે છે હુ તુ તુ તુ તુ

તેજ ને તિમિર રમે… હુ તુ તુ તુ હુ તુ તુ તુ
પાણી ને સમીર રમે.. હુ તુ તુ તુ હુ તુ તુ તુ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
ખમીર થી ખમીરનો ખેલ રે મંડાયો ભાઇ
હોય જગ જાગતું કે હોય સુતું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
ભેરું તો દેખાવ કરીને ખેલ ખેલતા ઉંચે શ્વાસે
પર ને કેમ પરાજીત કરવો અંતર પ્રગટી એક જ આશે
વિધ વિધ નામ ઘરી સંસારની કેડી માથે
ખાકનાં ખિલોના રમે સાચું અને જુઠું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

મનડાની પાછળ મન દોડે તનડું તન ને ઢુંઢે
ધનની પાછલ ધન દોડતું પ્રપંચ ખેલી ઉંડે
જાત જાત ભાત ભાત ના વિચાર દાવ પેચ
કયારે મળે લાગ અને ક્યારે લુટું ?……… હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

હું થઇ જઈશ પરાગ જો -જવાહર બક્ષી

સ્વર: આલાપ દેસાઈ
સંગીતઃ આશિત દેસાઈ
આલ્બમ: ગઝલ રુહાની

.

હું થઇ જઈશ પરાગ જો ઝાકળ બનીશ તો
ધુમ્મસની જાળમાં ફસાઈ જઈશ તો..

કોઈ મને ઉઠાવી જશે તારા શહેરમાં
અધવચ્ચે ઊંઘમાંથી જાગી જઈશ તો..

તારા વહાણ આવવાનો થઇ જશે સમય
ને હું જ એકાએક વમણ થઇ જઈશ તો..

હમણાં તો અલવિદા કહી છુટ્ટા પડી જશું
રસ્તામાં ક્યાંક હું તને પાછો મળીશ તો..
-જવાહર બક્ષી

જે ક્ષિતિજો પર -જવાહર બક્ષી

સ્વર: આશિત દેસાઈ
સંગીતઃ આશિત દેસાઈ
આલ્બમ: ગઝલ રુહાની

.

જે ક્ષિતિજો પર વિખેરાયા હશે
એ વિરહના ધુમ્મસી ચહેરા હશે

લાગણી ક્યારેય પૂરી થાય નહી
એને માટે જે હતી, ઈચ્છા હશે

બારણું નહિ ખોલું તો કોઈ હશે
બારણું ખોલીશ તો ભણકારા હશે

આગની આવી તો હિંમત હોય નહી
જે મને બાળી ગયા, તણખા હશે

કેમ એ આવ્યા નહી કોને ખબર?
એમને પણ કોઈ મર્યાદા હશે
-જવાહર બક્ષી