વર્ષા ની રાણી

સ્વર: રૂપાંગ ખાનસાહેબ અને વૃંદ
સ્વરાંકનઃ મહેશ દવે

.

ચાલો ઝટ ઝટ છત્રી ઉઘાડો
વર્ષાની રાણી આવી
વર્ષાની રાણી ટપ ટપ ટપ ટપ

પેલા પસાકાકા ગબડી જાય, પેલા જાડાકાકા લપસી જાય
લવજી ખેચાણો ભાણાજી ખેચાણો, ખેચાણો પોરબંદર પાણો
ચાલો ઝટ ઝટ છત્રી ઉઘાડો
વર્ષાની રાણી આવી
વર્ષાની રાણી ટપ ટપ ટપ ટપ

આકાશે ઘેરું ઘેરું વાદળ ગરજી જાય, વીજળી ચમકી જાય
અહિયાં પાણી ત્યાં તો પાણી, હું તો ડૂબી ડૂબી જાઉ
બાપ રે…

ચાલો ઝટ ઝટ છત્રી ઉઘાડો
વર્ષાની રાણી આવી
વર્ષાની રાણી ટપ ટપ ટપ ટપ

ગ્લૉબલ કવિતા: ૬૭: એની લજ્જાળુ પ્રેયસીને – એન્ડ્રુ માર્વેલ

આપણી પાસે જો હોતે પૂરતાં જગ, ને સમય
તો આ લજ્જા કોઈ રીતે નહોતી, પ્રિય! અપરાધ કંઈ.
ચાલવું, ને કરવો લાંબા પ્રેમનો દહાડો વ્યતિત;
શોધજે માણેક તું ગંગાકિનારા પર ખચિત,
હું કરીશ ફરિયાદ રહી હમ્બરની ભરતીની કને.
ને પ્રલયના દસ વરસ પહેલાંથી હું ચાહીશ તને;
ને તું, જો રુચે તને, તો ત્યાં સુધી કરજે મના
ધર્મપલટો સૌ યહૂદીઓનો જ્યાં લગ થાય ના.
ભાજીમૂળા જેવો મારો પ્રેમ ફૂલશે-ફાલશે
રાજ્યો કરતાં પણ વધુ, ને એકદમ ધીમે ધીમે.
સો વરસ તો લાગશે ગુણગાન જો ગાવાના હો
તારી આંખોના, ને તારી એક્ટક દૃષ્ટિના જો.
લાગશે બસ્સો વરસ અક્કેક સ્તનને ચાહવા,
ને હજારો બાકીના ભાગોની કરવા વાહવા;
એક યુગ તો કમસેકમ ખપશે જ સઘળા ભાગને,
ને પ્રદર્શિત આખરી યુગ કરશે તારા હાર્દને.
કેમકે, વહાલી, અધિકારી તું આની છે ખરી,
ને હું કોઈ કાળે પણ ના ચાહતે ઓછું જરી.

પણ હું મારી પીઠ પાછળ સાંભળું છું હર વખત,
કાળના પાંખાળા રથને આવતો નજદીક ઝટ;
ને ખૂબ જ વિસ્તીર્ણ શાશ્વતતાનાં ફેલાયેલાં રણ
પેલી બાજુ આપણી સામે છે પામ્યાં વિસ્તરણ.
તારું આ સૌંદર્ય પણ ક્યારેય ના જડવું ઘટે,
કે ન તારી કબ્રમાં મુજ ગીતના પડઘા ઊઠે;
કેમકે નહીંતર તો કીડાઓ જ ફોલી કાઢશે
ખૂબ લાંબા કાળથી સચવાયલા કૌમાર્યને,
ધૂળ ભેગું થઈ જશે તારું વિલક્ષણ માન આ
ને સમુચી વાસના મારીય ભળશે રાખમાં.
હા, કબર સુંદર અને છે ખાનગી જગ્યા ભલે,
પણ, મને લાગે છે, કોઈ લાગતું ના ત્યાં ગળે.

તો પછી ચલ, જ્યાં સુધી આ ઝાંય ભરયૌવન તણી
બેઠી છે તારી ત્વચા પર ઓસ પરભાતી બની,
ને રૂંવે-રૂંવેથી તારો રાજી આત્મા જ્યાં સુધી
પ્રગટે છે પ્રસ્વેદરૂપે તાત્ક્ષણિક અગ્નિ થઈ,
ચાલ, ત્યાં લગ આપણે ભેગાં કરી લઈએ ક્રીડા,
ને હવે, કામુક શિકારી પક્ષી પેઠે આપણા
કાળને ચીલઝડપે જઈએ ઝાપટી, એ પૂર્વે કે
એ જ ધીમા-જડબે ચાવી ક્ષીણ આપણને કરે.
ચાલ, સૌ મીઠાશ, શક્તિ આપણાં ભેગાં કરી
દ્વૈતમાંથી રચના કરીએ આપણે અદ્વૈતની.
ને ચીરી દઈએ જીવનના લોહ દ્વારોમાં થઈ
કરકરા સંઘર્ષથી સઘળી ખુશીઓ આપણી.
આમ, છોને આપણે થોભાવી ના શકીએ કદી
સૂર્યને, પણ આપણે દોડાવશું એને નકી.

– એન્ડ્રુ માર્વેલ
(અનુ. વિવેક મનહર ટેલર)

સમયથી વધુ ગતિશીલ અને વધુ સાપેક્ષ સૃષ્ટિમાં બીજું કંઈ ખરું? ઘડિયાળના કાંટા ભલે અટકી જાય, સમય અટકતો નથી. એ કોઈનાય માટે નથી થોભ્યો, નથી થોભવાનો. સમયની કરવત આપણને સહુને એકધારા વેતરતી જ રહે છે. સમયની આ ચંચળતા કોઈ માટે અલગ નથી. ગુજરાતીમાં આપણે ‘કાલ કોણે દીઠી છે?’ કહીએ છીએ ને અંગ્રેજી ભાષા એ જ વાત ‘ટુમોરો નેવેર કમ્સ’ કહીને કરે છે. નર્મદ કહી ગયો:

કાલ કરીશું, આજ કરીશું, લંબાવો નહીં દહાડા
વિચાર કરતાં વિઘ્નો મોટાં વચમાં આવે આડા રે.
ડગલાં ભરવા માંડો રે હવે નવ વાર લગાડો રે

એન્ડ્રુ માર્વેલની કવિતા આ જ વાત કરે છે. એ પ્રેયસીને જીવનની ક્ષણભંગુરતા અને પારાની જેમ હાથથી સરી જતા સમયની તરલતાની વાત કરીને આજમાં જ જીવી લેવાનું અને ઘડીનોય વિલંબ કર્યા વિના સંભોગરત થઈ જવાનું આહ્વાન આપે છે.

એન્ડ્રુ માર્વેલ. જન્મ ૩૧-૦૩-૧૬૨૧ના રોજ વાઇનસ્ટેડ, ઇંગ્લેન્ડ ખાતે. પિતાનું નામ પણ એન્ડ્રુ જ હતું. તેઓ હોલી ટ્રિનિટી ચર્ચમાં પાદરી અને પ્રવચનકાર હતા. કેમ્બ્રિજથી બી.એ. કર્યું. પિતાના આકસ્મિક મૃત્યુ અને ૧૬૪૨માં ફાટી નીકળેલા ગૃહયુદ્ધના કારણે અનુસ્નાતક થવાની ઇચ્છા અધૂરી રહી. ચાર વર્ષ સુધી સતત યુરોપપ્રવાસ કર્યો જેના ફળસ્વરૂપે એમની કવિતાઓમાં ફ્રેન્ચ, ડચ, ઇટાલિયન અને સ્પેનિશ ભાષાઓ ડોકિયાં કરતી નજરે ચડે છે. પ્રવર્તમાન અંગ્રેજી પ્રથા મુજબ તેઓ પણ ખાનગી ટ્યુશન આપતા. લશ્કરી વડા ઓલિવર ક્રોમ્વેલથી પ્રભાવિત. ક્રોમ્વેલ પર કવિતાઓ પણ લખી. બે વાર સંસદસભ્ય તરીકે ચૂંટાયા અને પછી પણ સરકારી નોકરી ચાલુ રાખી. જોન મિલ્ટનના મિત્ર. રિસ્ટોરેશન દરમિયાન જેલમાં ગયેલા મિલ્ટનને છોડાવવામાં એમણે પોતાના પદ અને સત્તા વાપર્યાં હતા. સરકાર વિશેના એમના કટાક્ષકાવ્યો એવા ઉગ્ર હતાં કે નનામા છપાવવાં પડતાં. અંગત જીવન મોટાભાગે અજાણ્યું. આજીવન કુંવારા રહ્યા પણ એમની મકાનદાર મેરી પામરના દાવા મુજબ બંનેએ ૧૬૬૭માં ખાનગી લગ્ન કર્યા હતા. ૧૬-૦૮-૧૬૭૮ના રોજ ૫૭ વર્ષની નાની વયે તાવ પછી અણધાર્યું નિધન. મૃત્યુનું કારણ પણ અજાણ્યું. કહેવાય છે કે જેઝ્યુઇટ સંપ્રદાયીઓએ ઝેર આપીને એમની હત્યા કરી હતી. મૃત્યુપર્યંત તેઓ ઉગ્ર પણ વફાદાર દેશભક્ત તરીકે જાણીતા થયા. મોટાભાગની કવિતાઓ એમના નિધનના ત્રણ વર્ષ બાદ પ્રગટ થઈ.

સત્તરમી સદીના સૌથી નોંધપાત્ર કવિઓમાંના એક. જોન ડનની જેમ એ પણ આધિભૌતિક (મેટાફિઝિકલ) કવિ હતા. સાથોસાથ એમની રચનાઓ એમને ‘કેવેલિઅર’ કવિઓના વર્ગમાં પણ મૂકે છે. કેવેલિઅર કવિઓ પારંપરિક કવિતાઓની જેમ ધર્મ, કળા, ફિલસૂફીની વાતો કરવાના બદલે જીવનના આનંદ પર વધુ ભાર મૂકે છે. મેટાફિઝિકલ પોએટ્રીની ચતુરાઈ અને સંકુલતાની સાથોસાથ કેવેલિઅર કવિતાનું લાવણ્ય પણ ઉજાગર કરતી એન્ડ્રુની કવિતાઓ આ બે પરંપરાની વચ્ચેના સેતુ સમી છે. એમના ગીતોમાં લાગણીની અદભુત તીવ્રતા અને અલૌકિક સૌંદર્ય નજરે ચડે છે. પાછળથી એમના પદ્ય અને ગદ્ય બંને ધર્મ વિવાદ અને કડવા આકરા કટાક્ષપ્રચુર બન્યા એ જોતાં એમ લાગે જાણે રંગીન નાજુક પતંગિયું ઉત્ક્રાંતિમાં ઊલટા પગલે ચાલીને ઈયળ બની ગયું. ઇલિયટે એમના વિશે જે નિબંધ લખ્યો એ પછી સમયથી ડાબા હાથે ક્યાંક મૂકાઈ ગયેલ આ કવિ પુનઃ લોકનજરે ચડ્યા. એ પછીથી એમની પ્રસિદ્ધ્રિ આજદિન સુધી સતત વધતી રહી છે. વિશાળ કાર્યક્ષેત્ર અને ગર્ભિત સંદિગ્ધતાના કારણે માર્વેલની લોકપ્રિયતા સતત નવી ઊંચાઈઓ આંબી રહી છે.

સ્વરૂપની દૃષ્ટિએ આ ૪૬ પંક્તિઓનું પ્રમાણમાં લાંબુ ઊર્મિગીત (Lyric) છે. ત્રણ અંતરા પાડીને કવિ પોતાની વાતને ત્રણ ભાગમાં વહેંચે છે. છંદ આયમ્બિક ટેટ્રામીટર છે, અર્થાત્ દરેક પંક્તિમાં ડ-ડમ, ડ-ડમ એમ લઘુ-ગુરુના લયમાં ચાર શબ્દાંશ (Syllables) હોય છે. એલેક્ઝાન્ડર પોપે જેમાં પ્રચંડ નામના મેળવી એ યુગ્મક (couplet) અહીં પ્રયોજાય છે, જેમાં દર બબ્બે પંક્તિ પ્રાસમાં લખાયેલી હોય છે. આપણે ત્યાં ગઝલના મત્લામાં આ પ્રકારની ગોઠવણ વધુ સહજ અને આપણે લોકો માટે વધુ પરિચિત હોવાથી ગઝલનો રમલ છંદ અને મૂળ કૃતિની જેમ જ બબ્બે પંક્તિની સ્વતંત્ર પ્રાસરચના જાળવીને કામ કરવું વધુ યોગ્ય લાગ્યું છે. કવિતાના શીર્ષક પરથી સમજી શકાય છે કે પ્રેમી અને શરમાળ પ્રિયતમા વચ્ચેની આ વાત છે. પણ શીર્ષકમાંના ‘Mistress’ શબ્દ પર જરા અટકીએ.

કવિ એની પ્રેમિકા માટે ‘Mistress’ શબ્દ પ્રયોજે છે. ચૌદમી સદીમાં આ શબ્દનો અર્થ પ્રભાવ ધરાવનાર સ્ત્રી કે શિક્ષિકા કે આયા થતો હતો. આ કવિતા લખવામાં આવી એ સમયે મિસ્ટ્રેસનો અર્થ (પુરુષના હૃદય પર આધિપત્ય ધરાવનાર) પ્રેયસીના અર્થમાં વપરાતો હતો. આજે જે અર્થ આપણને અભિપ્રેત છે એ ‘રખાત’ અર્થ તો પાછળથી આવ્યો. એ જ રીતે હાલના તબક્કે ‘Quaint’નો મતલબ જુનવાણી થાય છે. ફ્રેન્ચ Cointe અર્થાત્ જ્ઞાની પરથી ૧૨મી સદીમાં આ શબ્દ અંગ્રેજીમાં આવ્યો ત્યારે એનો અર્થ હોંશિયાર, લુચ્ચું કે ગર્વિષ્ઠ થતો હતો. કવિતા લખાઈ એ અરસામાં એનો અર્થ ‘વિલક્ષણ’ કે ‘લાવણ્યસભર’ થતો હતો. આજે એ ‘જુનવાણી’ના અર્થમાં વપરાય છે. આમ, અનુવાદ કરતી વખતે ન માત્ર શબ્દો પર, શબ્દોના ઇતિહાસ પર પણ અનુવાદકની આંખ હોવી ઘટે. જે તે શબ્દનો અર્થ જે તે સમયે આજના અર્થ કરતાં અલગ હોવાની સંભાવના ચકાસ્યા વિના કરેલો અનુવાદ કે આસ્વાદ અનર્થ સર્જી શકે છે.

પ્રિયતમા સંભોગ કરવાની મના કરી રહી છે, સંકોચ અનુભવી રહી છે, ‘આજ નહીં, કલ’ના બહાનાં આગળ ધરી રહી છે પણ નાયકની અંદર પ્રેમોર્મિઓ સંભોગસાગરમાં ઊંડી ડૂબકી મારવા તલપાપડ થઈ રહી છે. એટલે શીર્ષક ભલે ‘એની લજ્જાળુ પ્રેયસીને’ કેમ ન હોય, ગીત યેનકેન પ્રકારે પ્રેયસીને પટાવવા-મનાવવા મથી રહેલા પ્રિયતમનું છે. એ કહે છે, જો આપણી પાસે પૂરતી દુનિયા અને જરૂરી સમય હોત તો આ શરમ કોઈ ગુનો નથી. જો એમ હોત તો આપણે શાંતિથી બેસીને દિવસ વિતાવત. તું પૂર્વમાં ગંગાકિનારે માણેક વીણજે ને હું ધરતીના બીજા છેડે યુરોપના પૂર્વી કિનારે હમ્બરની ભરતીની બજુમાં ઊભો ઊભો આ ફરિયાદ કરીશ. પ્રલયના દસ વરસ પહેલાંથી હું તને પ્રેમ કરત. પૃથ્વી અને મનુષ્યજાતિની ઉત્પત્તિની વાત કરતા ખ્રિસ્તીઓના ગ્રંથ ‘જિનેસીસ’ મુજબ ભગવાને નોઆહને સૂચના આપીને મોટું જહાજ બનાવડાવ્યું, જે નોઆહ’સ અર્ક તરીકે ઓળખાયું, જેમાં નોઆહે પૃથ્વી પર અસ્તિત્ત્વ ધરાવતા તમામ જાતના સજીવ પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાવી લીધા અને આ વહાણ પ્રલયના દોઢસો દિવસ સુધી સમુદ્ર પર તરતું રહ્યું અને એમ પૃથ્વી પર જીવનનો વંશવેલો આગળ વધ્યો. હોલીવુડની ફિલ્મ ‘૨૦૧૨’ની યાદ અપાવે એવી આ વાત છે. કુરાનમાં પણ આ પ્રલયની અને જહાજ ‘સફીના નુહ’ની વાત છે. આપણે ત્યાં પણ મત્સ્યાવતારમાં રાજા સત્યવ્રત મનુ સજીવસૃષ્ટિને લઈને જહાજમાં બેસી જાય છે, જે જહાજને વાસુકી નાગ વડે બાંધીને મત્સ્યસ્વરૂપે વિષ્ણુ સુમેરુપર્વત પર સહીસલામત લઈ આવે છે. ૪૫૦૦ વર્ષ જૂના મેસોપોટેમિયાના ‘એપિક ઑફ ગિલામેશ’માં આ પ્રલયની વાર્તા સૌપ્રથમવાર જોવા મળે છે. નાયક પ્રલયના દસકા પહેલેથી નાયિકાને ચાહવા તૈયાર છે અને દુનિયાભરના યહૂદીઓ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લે ત્યાં સુધી નાયિકાની ના સાંભળવા તૈયાર છે. ખ્રિસ્તી ધર્મમાં એવી માન્યતા છે કે જગતભરના યહૂદીઓ સૃષ્ટિના અંત ટાણે આ ધર્મપરિવર્તન સ્વીકારશે. ‘The conversion of the Jews’ નામની ફિલિપ રોથે ૧૯૫૯માં લખેલી લઘુનવલ ખૂબ જાણીતી બની. જો કે આ કવિતામાં વપરાયેલ શબ્દપ્રયોગો કેટલીય નવલકથાઓ અને વાર્તાઓના મથાળાં બન્યાં છે.

‘હું સમયની પાર વિસ્તરતો રહું, તું અનાગત થઈ મને મળતી રહે’ જેવી વાત કરીને કવિ આગળ વધે છે. પોતાના નિષ્ક્રિય પ્રેમ માટે એ vegetable love શબ્દ કોઇન કરે છે. મગજને નુકશાન થવાના કારણે કોઈ સજીવ સામાન્ય શારીરિક અને માનસિક ક્રિયાઓ માટે બિલકુલ અશક્ત થઈ જાય એવી નિશ્ચેતન અવસ્થાને ‘વેજીટેબલ’ કહે છે. નાયક કહે છે કે જો પૂરતો સમય હશે તો મારો ભાજીમૂળા જેવો નિષ્ક્રિય પ્રેમ કૂર્મગતિએ મોટાં રાજ્યો કરતાં પણ વધુ વિશાળ બનશે. પ્રેયસીના સંકોચ પરની કટાક્ષગાથા આગળ લંબાવતા નાયક વળી અતિશયોક્તિ અલંકાર વાપરીને કહે છે કે તારા શરીરના અંગોપાંગની પ્રસંશા કરવા માટે વરસો, સૈકાઓ નહીં, યુગો પણ નાનાં ને ઓછાં પડશે કેમકે પ્રેયસીનું સૌંદર્ય ઓછામાં ઓછા આટલા વખાણનું અધિકારી તો છે જ ને નાયકનો પ્રેમ પણ ખચીત ઊતરતી કક્ષાનો નથી, એ આનાથી ઓછો પ્રેમ કરી શકે એમ જ નથી.

નાયિકાના ઇનકાર સાથે જાણે પોતે સહમત હોય એમ એને પૂરતી ફોસલાવી-વખાણી લીધા બાદ નાયક બીજા બંધમાં પેંતરો બદલે છે. કહે છે, પોતાની પૂંઠે એ એકધારો કાળના પાંખે ઊડીને, અર્થાત્ મારમાર ઝડપે ખૂબ નજીક આવી રહેલા રથના અવાજને સાંભળી રહ્યો છે ને પોતાની નજર સામે શાશ્વતતાના અફાટ રણને વિસ્તરેલું જોઈ રહ્યો છે. શાશ્વતી વિશાળ નિર્જીવ રણથી વિશેષ શું હોઈ શકે? એ કહે છે કે તારું આ સૌંદર્ય કે મારાં આ પ્રેમગીતો આરસપહાણની કબરની અંદર દટાઈ જવા નથી સર્જાયાં. કબરની અંદર તો જે અક્ષુણ્ણતા, જે કૌમાર્ય તું આટલા લાંબા સમયથી સાચવવાની ફિરાકમાં પડી છે એને કીડાંઓ ફોલી ખાશે. તારું આ અનોખું માન-ગર્વ અને મારી તમામ વાસનાઓ રાખમાં પરિણમશે. બંધના અંતે નાયક કટાક્ષની ધાર કાઢતાં વળી પૂછે છે, કે હા, કબર સુંદર અને એકદમ ખાનગી જગ્યા છે પણ શું કોઈ ત્યાં એકબીજાને ભેટવા માટે જાય છે ખરા? સત્તરમી સદીની અર્થચ્છાયાઓ વિશે વિચારીએ તો કૌમાર્ય, માન અને વાસનાનો અર્થ સીધો જાતીય અંગો તરફ નિર્દેશ કરે છે.

જે વાત કહેવા માટે આટલી લાંબી પૂર્વભૂમિકા નાયકે બાંધી છે એ વાત યાને કવિતાનો કેન્દ્રવર્તી વિચાર -Carpe Diem (આજને ચૂંટી લો, આજમાં જીવો)- ત્રીજા અને આખરી બંધમાં આવે છે. માર્વેલ રાજકારણી હતા. પ્રખર કટાક્ષકાર પણ હતા એટલે વક્રોક્તિ સાથેની દાવા-દલીલની આ પદ્ધતિ એમને હસ્તગત હતી. કહે છે, સવારે પુષ્પ પર પડેલ ઝાકળ જેમ થોડી વારમાં ઊડી જાય છે એમ આપણું યૌવન પણ બાષ્પીભૂત થઈ જાય એ પહેલાં અને તારા રોમ-રોમમાંથી કામાગ્નિ પ્રગટી રહ્યો છે ત્યાં સુધીમાં ચાલ, આ જુવાનીનો ભરપૂર આનંદ ઊઠાવી લઈએ. શેક્સપિઅરના ‘ટ્વેલ્ફ્થ નાઇટ’નો સંવાદ યાદ આવે: ‘જે આવનાર છે એ હજી નિશ્ચિત નથી. વિલંબમાં કોઈ પ્રાચુર્ય નથી. તો આવ અને મને ચુંબન કર, જ્યાં સુધી તું વીસની છે, યુવાની કંઈ કાયમ રહેવાની નથી.’

સમય એના ધીમા જડબાંમાં આપણને ધીરે ધીરે ચાવીને ક્ષીર્ણ કરી દે એ પહેલાં આપણે જ કામુક શિકારી પક્ષી જેમ શિકાર પર ઝપટે એમ આપણે જ સમયનો કોળિયો કરી લઈએ. જે પ્રેમને કવિ પહેલાં ભાજીમૂળા જેવો લૂલો અને ધીમો ગણાવતા હતા એ હવે ઉગ્રતાની પરાકાષ્ઠાએ પહોંચે છે. આ કોઈ Lovey-Doveyનો સુષ્ઠુ સુષ્ઠુ પ્રેમ નથી, આ પ્રેમ જંગલિયતથી ભરપૂર છે. રતિક્રીડાની પરાકાષ્ઠાએ એકમેકને જ નહીં, સમયને પણ ઝાપટી જનારો આ શિકારી પ્રેમ છે. સંબંધની મીઠાશ અને યૌવનની શક્તિ જ્યાં સુધી લુપ્ત નથી થયા ત્યાં સુધી પૂરજોશમાં સમ-ભોગમાં રત થઈ જઈએ, બેમાંથી એક બની જઈએ. જિંદગીના લોખંડી દરવાજાઓમાં થઈને કરકરા સંઘર્ષની છરી વડે આપણે આપણા આનંદને ચીરી કાઢીને પ્રાપ્ત કરી લઈએ. જિંદગીના લોહદ્વારનો ઉલ્લેખ થોડો સંદિગ્ધ છે. લાયોનેલ ટ્રિલિંગ ના મત મુજબ એન્ડ્રુને વર્જિલના ‘ઇનિયડ’માં આવતા હેડ્સ (Hades)ના શિંગડા અને હાથીદાંતના દરવાજા જેમાં થઈને અનુક્રમે સાચા અને છેતરામણા સપનાંઓ આવે છે એ અભિપ્રેત હોઈ શકે છે. જો કે આ બે દરવાજાઓની વાત પહેલવહેલી હોમરના ‘ઑડિસી’માં અને ત્યારબાદ પ્લેટોના ‘કાર્મિડિઝ-ડાયલોગ્સ’માં જોવા મળે છે. સૂર્યના રથને થોભાવવો કે અમર થવું તો આપણા માટે શક્ય નથી… સમય તો વહેતો જ રહેવાનો છે, તો શા માટે આપણે યૌવનનો એવો ઉત્સવ ન ઊજવીએ કે એ ઈર્ષ્યાનો માર્યો દોડતો થઈ જાય? એક તરફ કાળના પાંખાળા રથના અવાજથી જન્મતો ભય અને બીજી તરફ સૂર્યને દોડાવીને સમયના બાપ થઈ જવાની ખુમારીના કારણે આ કવિતા સાધારણમાંથી અદભુતની કક્ષાએ પહોંચે છે.

એની ફિંચ નામની કવયિત્રી ‘કોય મિસ્ટ્રેસ’ કવિતામાં માર્વેલને જવાબ આપતાં કહે છે કે, હું કોઈ શિકારી પક્ષી નથી. સમય આપણને વૃદ્ધ બનાવી જ દેશે અને કબર માત્ર શરીરનો શાપ નથી. ભલે તમે મારી આંખ, કપાળ અને સ્તનના વખાણ કરો છો, શા માટે આપણે કવિતા લખીને સમયને મધમીઠો ન બનાવીએ? બદલામાં સમય આપના પ્રેમને મીઠો બનાવશે અને પ્રેમ સાબિત કરવાને સમય પણ આપશે. અન્ય એક કવિ એ.ડી. હૉપ ‘હિઝ કોય મિસ્ટ્રેસ ટુ મિ. માર્વેલ’ કવિતામાં લજ્જાળુ નાયિકા એન્ડ્રુના શબ્દપ્રપંચ સામે ખુલ્લો પડકાર ફેંકે છે.

સસલો

સ્વર: મોનલ શાહ

.

સસલો જાણે કેમ સિનેમામાં ગયો
સસલા એ મારી તાન ગાયું સુંદર ગાન સારેગમ…

દિગ્દર્શક બોલ્યો વાહ વાહ
તો સસલો બોલ્યો લાવો ચા

કોણ જાને કેમ પાછો સસલો સર્કસમાં ગયો
સસલાએ કુદકો માર્યો ને સીડી માથે ચઢ્યો

જોકર એના કરે વખાણ
તો સસલો બોલ્યો લાવો પાન

સસલો થઈને ડાહ્યો નિશાળે ભણવા ગયો
સસલો આંક બોલે ને પાઠ ભણતો ડોલે.

એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર,
ગુરુ કહે શાબાશ તો સસલો કહે કરો પાસ.

વાંદરો ભાઈ વાંદરો -રૂપાંગ ખાનસાહેબ

સ્વર : રૂપાંગ ખાનસાહેબ
સંગીત : મેહુલ સુરતી

.

વાંદરો ભાઈ વાંદરો, હૂપ હૂપા હૂપ વાંદરો,
ઝાંપે બેસી મારો બેટો મારો સ્ટાઈલ ફાંફડો..

એક વાંદરો લઈને આવ્યો ફેરિયાની ટોપી
જોવા એને વાંદરાભાઈની મિટીંગ મળી મોટી

બાજુવાળા પસાકાકાની ગાડીનો અરીસો
જોઈ વાંદરો ફુકાયોને હસતો ખી.ખી.ખી…

એની લાંબી લાંબી વાંકી ચૂંકી
લાંબી લાંબી દોરડા જેવી
લાંબી લાંબી આડી અવળી
લાંબી લાંબી વ્હાલી વ્હાલી
વાંકી ચૂંકી દોરડા જેવી આડી અવળી વ્હાલી વ્હાલી
અરે શું? … પૂંછડી પૂંછડી

કાળુ એનું મોઢું ધોળા ધોળા એના વાળ
પૂંછ ઉંચી રાખી, ચાલે રાજા જેવી ચાલ
એના કાકા કાકી, એના મામા મામી, ફોઈ ફુઆ, ભાઈ બહેન
બધાને ખંજવાળ આવે, બધાને ખંજવાળ
આખો’દી ખંજવાળ આવે, આખો’દી ખંજવાળ
ફેમીલી કમાલ એનું ફેમીલી ધમાલ
કરે હૂપ, બધા હૂપ સાથે હૂપ
કરે હૂપ, હૂપ, હૂપ.

મંજુમાસી લઈને નીકળ્યા
ભાજીની એક થેલી
મોકો દેખી વાંદરાભાઈએ
તરાપ મારી વહેલી
મંજુમાસીને ગુસ્સો આવ્યો
લઈને પત્થર છુટ્ટો માર્યો
થેલી ફેકી ભાગ્યો વાંદરો, કૂદી વાડને કૂદી બાંકડો
ધમપછાડ બુમ બરાડા
છોકરા હસતાં ખી ખી ખી ખી
– રૂપાંગ ખાનસાહેબ

શકૂન કુસુમ કરો – પ્રિતમલાલ મઝુમદાર

.

શકૂન કુસુમ કરો, કુસુમથી સજો તોરણો
સજો કુસુમઝુલથી વરવધૂ તણા વાહનો

કરો કુસુમગુચ્છથી અવસરે શુભ સ્વાગતમ
ચઢે ચદર મીન્નતે પીરમઝાર શરીફને

જહીં ચિર સમાધિમાં વિરમતા દૂત શાંતિના
તહીં અરપજો ભાવથી કુસુમથી શ્રદ્ધાંજલિ
– પ્રિતમલાલ મઝુમદાર

ગ્લૉબલ કવિતા: ૬૬: સમગ્ર – ફ્રાન્સિસ્કો ગૉન્ઝાલેઝ ડિ લિઓન

Hours

Evenings of beatitude,
even the book forgotten,
because the soul dissolves
lapped in quietude.

Evenings when every
sound lies sleeping.

Evenings when the least
seem anaesthetised,
all the garden flowers,
shadow more shadowy
and the old manor more deserted.

Evenings when the least
creak of furniture
were a profanation
of absurd cacophony
and impious intrusion.

Evenings when the house’s
door is fast closed
and the soul’s open.

Evenings when the quiet
vane on the steeple
turns, numbed, no more,
and, entire like perfume,
silence is inbreathed.

– Francisco González de León
Eng Translation: Samuel Beckett


સમગ્ર

સંધ્યાઓ દિવ્યાનંદની,
પુસ્તક પણ વિસ્મૃત,
કેમકે પ્રશાંતિમાં વીંટળાયેલો
આત્મા પણ ઓગળી જાય છે

સંધ્યાઓ, જ્યારે તમામ
અવાજો નિદ્રાધીન છે.

સંધ્યાઓ, જ્યારે સૂક્ષ્માતિસૂક્ષ્મ
પણ બેહોશ લાગે છે,
બાગના તમામ ફૂલો,
છાંયો વધુ છાંયેદાર ,
અને ખંડેર મકાન વધુ વેરાન.

સંધ્યાઓ, જ્યારે રાચરચીલાંનો
અત્યલ્પ કિચૂડાટ પણ
પ્રદૂષણ લાગે છે
બેતુકી કર્કશતા
અને અપવિત્ર અતિક્રમણનું.

સંધ્યાઓ, જ્યારે ઘરનો
દરવાજો ચસોચસ બંધ છે
અને આત્માનો ખુલ્લો.

સંધ્યાઓ, જ્યારે દેવળના મિનારા પરની
નીરવ પવનચક્કીની પાંખ
ફરતી નથી, નિઃસ્તબ્ધ, જરાયે,
અને, અત્તરની જેમ, સમગ્ર
ચુપકી શ્વસાય છે.

– ફ્રાન્સિસ્કો ગૉન્ઝાલેઝ ડિ લિઓન
(અંગ્રેજી અનુવાદ: સેમ્યુઅલ બ્રેકેટ)
(ગુજરાતી અનુવાદ: વિવેક મનહર ટેલર)

આત્માનો દરવાજો ઊઘાડી આપતી ભોગળ એટલે સાંજ

સમય પ્રતિપળ બદલાતા રહેતા ચહેરાઓનું બીજું નામ છે. નદીના જે પાણીમાં તમે એકવાર હાથ બોળ્યો, એમાં બીજીવાર કદી બોળી શકાય નહીં એ જ રીતે સમયની એની એ ક્ષણ બીજીવાર કદી શ્વાસમાં ભરી શકાય નહીં. દિવસ આથમે અને રાત ઊગે એ વચ્ચેના સંધિકાળ-સંધ્યા- માટે મનુષ્યમનને કાયમ અદમ્ય ખેંચાણ રહ્યું છે. સાંજના રંગો માત્ર આકાશમાં જ નથી ભરાતા, આપણી અંદર પણ ભરાતા હોય છે ને એટલે જ આથમતી સાંજના ઓળાની કાલિમા પણ આપણા લોહીમાં આત્મસાત થતી રહે છે. માર્ગારેટ એટવૂડ કહે છે, ‘…અને સાંજ એટલી સુંદર હતી, કે એણે મારા હૃદયમાં દર્દ જન્માવ્યું.’ પણ આ જ સાંજ લૌકિકમાંથી અલૌકિક તરફ જવાનો સમય પણ છે. કહે છે કે પૃથ્વી પરનો સૂર્યાસ્ત જ અગોચર સૃષ્ટિ માટેનો સૂર્યોદય છે. આ સમયે જ માનવમન મહત્તમ અને ગહનતમ શાંતિ અનુભવી શકે છે. સાંજ મનુષ્યને પ્રકૃતિ અને એ રીતે થઈને ઈશ્વરની વધુ નજીક લઈ આવે છે. સાંજનો સમય જાતની જાતરા કરવાનો અને સ્વયંથી પરિપૂર્ણ થવાનો સમય છે. ફ્રાન્સિસ્કો ગૉન્ઝાલેઝ એની ‘સમગ્ર’ કવિતામાં સાંજના આવા રંગો જ ઉજાગર કરે છે.

ફ્રાન્સિસ્કો ગૉન્ઝાલેઝ ડિ લિઓન. ૧૦-૦૯-૧૮૬રના રોજ મેક્સિકોમાં જાલિસ્કોના લાગોસ ડિ મોરેનો ખાતે જન્મ. ૧૯૪૫માં નિધન. મેક્સિકોના ઉત્તમ કવિઓમાંના એક. સાહિત્ય, સ્પેનિશ અને ફ્રેન્ચના પ્રોફેસર પણ. ગિટાર પણ વગાડતા. ફાર્માસિસ્ટ હતા. એમની ફાર્મસી સાહિત્યગોષ્ઠીઓનો અખાડો હતી. ધંધાના સમયે દુકાનના દરવાજા બંધ થઈ જતા અને કવિતાના ખુલી જતા. સરસ્વતી સાથેના લગાવના કારણે લક્ષ્મી કાયમ રિસાયેલાં રહ્યાં. આજીવન અજાતશત્રુ. સ્ત્રીઓના ખાસ મિત્ર. દેશભરમાંથી અત્તરભર્યા કાગળ આવતા. એ કહેતા કે સ્ત્રીઓ સિવાય મને કોઈ પૂરું સમજી શક્યું નથી. એમની કવિતાઓમાં શાંત વાતાવરણની ભીતરી અનુભૂતિનો મૌન પડઘો સંભળાય છે. અધ્યાત્મ અને રહસ્યાનુભૂતિ એમની કવિતામાં અવારનવાર તરંગાય છે. સહજ સરળતા, પુનરાવર્તન અને પુનરોક્તિ, સંવેદનની મૌલિકતા, લયાન્વિત ગતિ અને સમષ્ટિ તરફનો પ્રેમ એમની કવિતાઓને અલગ તારે છે.

મૂળ સ્પેનિશ કવિતાનું શીર્ષક Íntegro છે જેનો અર્થ પૂર્ણ થાય છે જ્યારે બેકેટે અંગ્રેજી અનુવાદનું શીર્ષક Hours અર્થાત્ કલાકો આપ્યું છે. કવિતાનો કેન્દ્રસ્થ વિચાર સાંજ, સંપૂર્ણ શાંતિ અને શ્વસાતી સમગ્ર ચુપકી સાથે વધુ સુસંગત હોવાથી ગુજરાતી અનુવાદનું શીર્ષક ‘સમગ્ર’ જ રાખ્યું છે. મૂળ કવિતામાં પ્રાસવ્યવસ્થા પણ છે પરંતુ છએ છ અંતરાની પંક્તિસંખ્યાની જેમ જ પ્રાસ અનિયમિત છે. કદાચ એકથી વધુ સાંજોની અહીં વાત છે અને કોઈ બે સાંજ એકસરખી હોતી નથી એટલે કવિ બધા અંતરાની પંક્તિસંખ્યા અને પ્રાસ અનિયમિત રાખીને ચાલ્યા હોય એવું પણ બને. ફ્રાન્સિસ્કો કવિતાની શરૂઆતમાં ‘બિએટિટ્યુડ’ શબ્દ વાપરે છે. ખ્રિસ્તી લોકો આ શબ્દથી વાકેફ હોવાના. ઈસુ ખ્રિસ્ત પર્વત પર જે ધર્મોપદેશ (સર્મન) આપે છે, જે દરેકની શરૂઆત ‘blessed are…’ (ધન્ય છે…)થી થાય છે એને માટે બિએટિટ્યુડ શબ્દ વપરાય છે જેનો શાબ્દિક અર્થ દિવ્યાનંદ કે પરમ સુખ થાય છે. લેટિન beatitudinem (આશીર્વાદની અવસ્થા) પરથી ૧૫મી સદીના પ્રારંભમાં ફ્રેન્ચ ભાષામાં અને એમાંથી અંગ્રેજી ભાષામાં આ શબ્દ ઊતરી આવ્યો છે. એની સાથે જ કવિ ‘ક્વાયેટ્યુડ’નો પ્રાસ મેળવે છે જે પણ લેટિન quietudoમાંથી ફ્રેન્ચ ભાષામાં થઈને અંગ્રેજીમાં ઊતરી આવ્યો છે.

કવિતાના છએ છ અંતરા ‘સંધ્યાઓ’ શબ્દથી શરૂ થાય છે. સાંજ કદાચ દિવસનો સૌથી રૂપાળો હિસ્સો છે. આમ તો સૂર્યોદય પણ સોહામણો હોય છે પણ મનુષ્યનું સૂર્યોદય સાથેનું જોડાણ કવચિત્ જ હોય છે. દુનિયાના કોઈપણ હિલ સ્ટેશન પર જાવ, સૂર્યોદય કરતાં સૂર્યાસ્ત જોવા જ લોકો ટોળેબંધ ભેગા થાય છે. દિવસભર તાપ વરસાવીને સૂરજ જ્યારે અસ્તાચળે જાય છે, પશ્ચિમનું આકાશ પીળા-કેસરી-લાલ રંગની આભાથી રળિયામણું બની જાય છે. ગમે એટલી મનમોહક કેમ ન હોય, સાંજ હંમેશા શરૂ થયાની ગણતરીની મિનિટોમાં આથમી જાય છે. સાંજ એના રંગ જેમ જેમ ઊતારતી જાય છે, અંધકારની કાલિમા પથરાતી જાય છે. સાંજ રાતનું અંધારું આંગળીએ પકડીને લાવે છે ને એટલે જ ઢળતી સાંજ આપણા મનને એક અકથ્ય ગ્લાનિથી ભરી દે છે. સાંજ ઢળે ત્યારે મન અકારણ ઉદાસ થઈ જતું આપણે અનુભવીએ છીએ. જગતભરના કવિઓએ સાંજની ઉદાસીની વાતો કરી છે. ફ્રાન્સિસ્કો પોતે એક કવિતામાં કહે છે: ‘અંધારું! એ સુંદર છે કેમકે એ ઉદાસ છે.’ તો બીજી કવિતામાં એ સાંજના ગુણ આ રીતે ગાય છે: ‘ભલે સવાર ચમકીલી છે, એનામાં પરિત્યક્ત જેલ જેવું કંઈક છે.’

અહીં કવિ સાંજને બહુવચનમાં સંબોધે છે અર્થાત્ આ વાત કોઈ એક દિવસ કે કેટલાક દિવસોની નહીં રહેતા, રોજેરોજની, હંમેશની બની રહે છે. શબ્દની પાસે કેવી કમાલ છે, નહીં!? સાંજ અને સાંજો – એકવચનનું બહુવચન કરતાંકમાં તો આખી કવિતાનો સંદર્ભ જ બદલાઈ જાય છે. આ સાંજો દિવ્યાનંદની સાંજો છે. કવિને ‘બિએટિટ્યુડ’નો બીજો અર્થ ઈસુના ગિરિપ્રવચનો પણ કદાચ અભિપ્રેત છે જ. એટલે આ સાંજો ધર્મોપદેશની, અર્થાત્ આત્મા અને પરમાત્મા વચ્ચે સાયુજ્ય સ્થાપવા માટેની મથામણની સાંજો છે ને એટલે જ એ દિવ્યાનંદની પણ છે. અંતર આનંદથી ઊભરાતું હોય ત્યારે બાહ્ય બંધનો ક્યારે છૂટી-તૂટી જાય છે એનો પણ ખ્યાલ રહેતો નથી. પુસ્તકો પણ ભૂલી જવાયાં છે કેમકે ગાઢ પ્રશાંતિમાં વીંટળાયેલો આત્મા પરમાત્મામાં ઓગળી રહ્યો છે. ઝેન પંથની વિચારધારા Void in to void અને nothingness યાદ આવે. ફ્રેડરિક નિત્શેએ કહ્યું હતું, ‘એ સાંજ જ છે જે મને આ રીતે અંદરથી સવાલ પૂછે છે.’ સાંજ બધું છોડતા જવાનો સમય છે. દિવસભર ઘર છોડીને દાણો શોધવા ગયેલાં પંખીઓ પણ સાંજે ઘરે પાછાં ફરે છે. સાંજનો સમય જાતની જાતરાનો સમય છે. સાંજ તમને કહે છે કે બહુ થયું, આખો દિવસ તમે દુનિયામાં બહુ ભટ્ક્યા, હવે સ્વયં ભણી પાછા વળો. છવ્વીસસો વર્ષ પહેલાં સેફો પણ આજ રીતે સાંજના ગુણગાન ગાઈ ગઈ: ‘એ બધી વસ્તુઓ, જે સવાર એની સોનેરી આંગળીઓથી વિખેરી નાંખે છે, એ બધી જ વસ્તુઓ, હે સાંજ! તું આખરે પાછી લઈ આવે છે.’

વર્ડ્સવર્થ શાંત અને મુક્ત સૌંદર્યાન્વિત સાંજના પવિત્ર સમયને પ્રશંસામાં શ્વાસહીન થઈ ગયેલી સાધ્વી (નન) જેટલો નીરવ ગણાવે છે. અહીં પણ શાંતિની ચરમસીમાની વાત છે. દિવસ અને રાતના આ સંધિકાળે બધા જ પ્રકારના અવાજો પણ સૂઈ ગયા છે. નાનામાં નાની વસ્તુ પણ એનેસ્થેશિયા આપીને બેહોશ કરવામાં આવી હોય એવી સમાધિઅવસ્થાની આ વાત છે. બાગના ફૂલો પણ ખુશબૂ રેલાવવું ભૂલી ગયાં હોય એમ મૂર્છિત છે. જ્યારે આપણી તમામ સંવેદનાઓ બેહોશ થઈ જાય છે ત્યારે જ ચેતના જાગે છે. ઈસુના ૨૦૦ વર્ષ પહેલાં અને ઈસુ પછીના સો વર્ષ સુધી રહસ્યવાદી સિદ્ધાંત અને સંન્યસ્ત જીવનમાં વિશ્વાસ રાખનાર યહૂદીઓના એક સંપ્રદાય એસેન (Essene) દુનિયાનો કદાચ એકમાત્ર સંપ્રદાય છે જે કહે છે, ઈશ્વર એટલે પૂર્ણતયા અંધકાર. ઓશો એસેનપંથીઓ સાથે સહમત થતા કહે છે, ‘પ્રકાશ આવે અને જાય છે, અંધારું કાયમ રહે છે. અંધારા માટે કશું ઊગતું નથી – એ છે જ.’ જો કે કુરાન, બાઇબલ, ઉપનિષદ વગેરેમાં ઈશ્વરને પ્રકાશ ગણવામાં આવ્યો છે. ઈશ્વરને આપણે પ્રકાશ સાથે અને મૃત્યુને અંધકાર સાથે સાંકળી લીધું છે કેમકે આપણે અંધકાર અને મૃત્યુ-બંનેથી ડરીએ છીએ. હકીકત એ છે કે પ્રકાશ મર્યાદિત છે, અંધારું અમર્યાદિત છે, અનંત છે. અજવાળું બધાને અલગ કરી નાંખે છે જ્યારે અંધારામાં બધા જ ભેદભાવ ઓગળી જાય છે. અંધારું એકત્વનો રંગ છે. બધા જ રંગ ભેગા થઈ જાય ત્યારે કાળો રંગ બને છે. જ્યારે બધા જ અવાજો, બધી જ ગતિવિધિ સાંજના ઓળામાં ખોવાઈ જાય અને સંપૂર્ણ નિઃસ્તબ્ધતા અને નીરવતાનું સામ્રાજ્ય જ પ્રવર્તી રહે છે ત્યારે જ મનુષ્યના આંતર્ચક્ષુ ઊઘડી શકે છે અને આપણે આપણી ભીતર જોઈ-જઈ શકીએ છીએ. સાંજ આપણને આ રીતે આપણી નજીક લાવે છે, માટે સાંજની ઉદાસી આપણને પોતીકી લાગે છે.

સમીસાંજે છાંયો વધુ ઘેરો લાગે છે અને વેરાન મકાન વધુ વેરાન લાગે છે. એક હાઇલાઇટર ફેરવીને સાંજ બધી જાતની નિષ્ક્રિયતાને વધુ સક્રિય બનાવે છે. સ્થિતિ જ ગતિ બની રહે છે. ઘરના ફર્નિચરનો જરા અમથો કિચૂડાટ પણ બેતુકી કર્કશતા અને અવાજની અપવિત્રતાના અતિક્રમણથી અક્ષુણ્ણ નીરવતાને પ્રદૂષિત કરતો લાગે છે. એક સંગીતકારે મને કહ્યું હતું કે એને ત્યાંના સાઉન્ડપ્રુફ કમરામાં મોટા ભાગના લોકો લાંબો સમય બેસી શકતાં નથી. કારણ? નીરવતા. જ્યારે માણસ બધા જ અવાજથી વેગળો પડી જાય છે ત્યારે એને એના શ્વાસનો, એના હૃદયનો અને એના વિચારનો અવાજ પણ સંભળાય છે. કેમકે આ અવાજથી માણસ કદી પરિચિત થયો જ નથી, એ છળી મરે છે. આદિલ મન્સૂરી કહે છે:

હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય.

– અહીં આપણે એકાંતના સ્થાને અંધારું અને નીરવતા –બંનેને મૂકી શકીએ. જે અવાજની ગેરહાજરીમાં પોતાની જાતને સાંભળી-સંભાળી શકે છે એ ઈશ્વરની સૌથી નજીક પહોંચી શકે છે.

ફ્રાન્સિસ્કો કહે છે, આ એવો સમય છે જ્યારે મકાનનો દરવાજો ચસોચસ ભીડાયેલો છે પણ આત્માનો ઊઘડી ગયેલો જણાય છે. દુન્યવી વ્યસ્તતાને ભોગળ ન દઈ દઈએ ત્યાં સુધી જાત સાથે ‘કનેક્ટ’ થવાતું નથી. અંધારું ન થાય ત્યાં સુધી તારા ચમકતા દેખાતા નથી. શેક્સપિઅર ‘મેક્બેથ’માં કહે છે: ‘અંધારાનાં સાધનો આપણને સત્ય કહે છે.’ અને ‘કીંગ લિઅર’માં કહે છે: ‘અંધારાનો રાજકુમાર સદગૃહસ્થ છે.’ એડિથ પિઆફ મજાની વાત કરે છે: ‘જ્યારે સાંજ આથમે છે, મારો સૂર્ય મારી સાથે બળી જાય છે. આ બિંદુએથી જ હું સાફ જોવું શરૂ કરું છું.’ દિવસના અજવાળામાં જે વસ્તુઓ આપણને પોતાની ચમકથી આંધળા બનાવી દે છે, એનું સત્ય સાંજના ઓછાયાઓના ચશ્માં પહેરીએ ત્યારે જ સાફ નજરે ચડે છે. એટલે જ કવિઓ અંધારાના ગુણગાન ગાતાં આવ્યાં છે.

દેવળના મિનારા પરના પવનદિશાસૂચક યંત્રની સ્થિર પાંખ પણ સ્તબ્ધ થઈ ગઈ હોય એમ હવાના અભાવમાં બિલકુલ ફરતી નથી. અત્તરની સુગંધ ઘ્રાણેન્દ્રિયને સરાબોળ તરબતર કરી દે એવી જ રીતે સંપૂર્ણ ચુપકીદી શ્વાસમાં થઈને ઠે…ઠ ભીતર ઊતરી જાય છે… ‘અ થાઉઝન્ડ્સ ફ્લેમિંગોઝ’માં સનોબર ખાન લખે છે: ‘તારો મારા માટેનો પ્રેમ શાંત બારીમાં થઈને વહી આવતી સાંજના સમુદ્રની ખુશબૂ જેવો બની રહો, જેથી મારે ન દોડવું પડે, ન પીછો કરવો પડે… તને અનુભવવા માટે. મારે ફક્ત શ્વાસ લેવાનો જ રહેશે.’ તમારી ચારેતરફ કશું જ ગતિમાન ન હોય, કશું જ પ્રકાશિત ન હોય, કશું જ શોરબકોર મચાવતું ન હોય એવી સંપૂર્ણ શાંતિને જ્યારે આપણે શ્વસતાં આવડી જાય ત્યારે જેમ હવામાંથી પ્રાણવાયુ એમ આ ચુપકીદીમાંથી સમાધિ આપણા રક્તકણોમાં ભળે છે. પ્રકાશ, અવાજ અને હોવાપણાની સદંતર ગેરહાજરીમાં જ ઈશ્વરની હાજરી છે. સાંજ, શાંતિ અને સમાધિનું આ ચિત્ર જીવનની સમગ્રતાનું સંપૂર્ણ ચિત્ર છે એટલે જ કવિએ કવિતાને ‘સમગ્ર’ શીર્ષક આપ્યું છે.

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો – મકરંદ દવે

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ

.

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો,
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી ઉઠે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે,
નીલવર્ણા, ડોલતાં, હસતાં, કૂણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો,
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.

સ્વપ્નથી ભરપુર આ
મારા મિનારાઓ પરે
જ્યારે પ્રહારો વજ્રના આવી પડે,
નોબતો સંહારની આવી ગડે,
ને ધૂળભેગા કાટમાળો પીંખતી,
ઉપહાસની ડમરી કદી ઉંચી ચડે,
ત્યારે અરે!
પ્રેમે, પ્રફુલ્લિત કો સ્વરે,
આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

એક દિ’ જેને, પ્રભુ!
અંકે પ્રથમ અણબોધ ખોલી લોચનો
પામી ગયો જ્યાં હૂંફ હું પહેલી ક્ષણે
ને પ્રેમનાં ધાવણ મહીં
પોષાઈ જીવ્યો છું અહીં
હેતાળ એ ભૂમિ તણે
હૈયે જીવનમાં શીખવજો સર્વસ્વ મારું સીંચતાં
ને કોઈ વેળા આખરે આ લોચનોને મીંચતા
એના પ્રકાશિત પ્રાણનું
એના હુલાસિત ગાનનું
એના હુલાસિત દાનનું ગાણું મુખે મારે હજો!

આવતાં જેવું હતું
જાતાંય એવું રાખજો,
ઉત્સવ તણું ટાણું સુખે ત્યારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

– મકરંદ દવે

કેવી મજા – સુરેશ દલાલ

.

મોટેથી લડવાની, મોટેથી રડવાની,
લડીને રડવાની, રડીને લડવાની,
કેવી મજા ભાઈ કેવી મજા.

ચડીને પડવાની કેવી મજા
પડીને ચડવાની કેવી મજા
વાદળ પકડવાની, ચાંદો જકડવાની
અક્કડ અકડવાની, કેવી મજા

જીદ્દીને તોફાની થઈને ઝઘડવાની કેવી મજા
ઝઘડીને કિટ્ટાની, કિટ્ટાને બુચ્ચાની કેવી મજા.

જબરાને પોચાની, ડાહ્યાને લુચ્ચાની
બાળક થવાની કેવી મજા
-સુરેશ દલાલ

ગ્લૉબલ કવિતા : ૬૫: કેટકેટલીવાર – મેરી હૉવે

How Many Times

No matter how many times I try I can’t stop my father
from walking into my sister’s room

and I can’t see any better, leaning from here to look
in his eyes. It’s dark in the hall

and everyone’s sleeping. This is the past
where everything is perfect already and nothing changes,

where the water glass falls to the bathroom floor
and bounces once before breaking.

Nothing. Not the small sound my sister makes, turning
over, not the thump of the dog’s tail

when he opens one eye to see him stumbling back to bed
still drunk, a little bewildered.

This is exactly as I knew it would be.
And if I whisper her name, hissing a warning,

I’ve been doing that for years now, and still the dog
startles and growls until he sees

it’s our father, and still the door opens, and she
makes that small oh turning over.

—Marie Howe

કેટકેટલીવાર

ખબર નથી કેટકેટલીવાર હું કોશિશ કરું છું તોય હું કેમે કરીને મારા પિતાને
અટકાવી શકતી નથી મારી બહેનના રૂમમાં જતા

અને હું કંઈ ખાસ જોઈ શકતી નથી, અહીંથી વાંકી વળીને એમની આંખોમાં
જોવા માટે. હૉલમાં અંધારું છે

અને બધા ઊંઘી રહ્યા છે. આ ભૂતકાળ છે
જ્યાં બધું ક્યારનું પરિપૂર્ણ જ છે અને કશું જ બદલાતું નથી

જ્યાં પાણીનો ગ્લાસ બાથરૂમની ભોંય પર પડે છે
અને એકવાર ઊછળે છે ફૂટતા પહેલાં.

કંઈ જ નહીં. મારી બહેન કાઢે છે એ નાનો અવાજ પણ નહીં, પાસું
બદલતા, કૂતરાની પૂંછડીનો અવાજ પણ નહીં

જ્યારે એ એક આંખ ઊઘાડી જુએ છે એને ફરી ઠોકર ખાતા
વધુ પીવા માટે, થોડા ગભરાયેલા.

આ બરાબર એમ જ છે જેમ હું જાણતી હતી કે થશે.
અને હું જો તેણીનું નામ ફુસફુસાવું છું, ચેતવણી ફુત્કારતા,

હું એ વરસોથી કરી રહી છું, અને હજીય કૂતરો
ચોંકી જાય છે અને ઘુરકે છે જ્યાં સુધી એ જોતો નથી

કે એ અમારા પિતા છે,અને હજીય દરવાજો ખુલે છે, અને તેણી
કરે છે એ નાનો ઊંહકારો પાસું બદલતાં.

– મેરી હૉવે
(અનુ. વિવેક મનહર ટેલર)

વાડ ઊઠીને ચીભડાં ગળે ત્યારે…

સંબંધને શરીર ગણીએ તો વિશ્વાસ એનો આત્મા છે અને આત્મા વિનાનું શરીર શરીર નથી, લાશ છે. જાતથીય વધુ ભરોસો રાખીને તમે જેને તમારું સર્વસ્વ સોંપો છો એ જ તમને લૂંટી લે તો? રક્ષક જ ભક્ષક બને તો ક્યાં જઈ રડવું? વાડ ખુદ ઊઠીને ચીભડાં ગળે તો કોને કહેવા જવું? માળી ફૂલ પર નજર બગડે તો બાગનું ભવિષ્ય શું? –આ બધા પ્રશ્નો અનાદિકાળથી પૂછાતા આવ્યા છે ને અનંતકાળ સુધી અનુત્તરિત જ રહેવાના છે. પ્રસ્તુત કવિતામાં મેરી હૉ જો કે રક્ષક ભક્ષક બને એ વરવી વાસ્તવિક્તાથી એક કદમ વધુ આગળ જાય છે, બળાત્કારી બાપ અને લાચાર દીકરી વચ્ચેના અનૌરસ સંબંધની વાત કરે છે અને આપણને રીતસરના હચમચાવી નાંખે છે.

મેરી હૉવે. ૧૯૫૦ની સાલમાં ન્યૂયૉર્ક ખાતે જન્મ અને હાલ પણ ત્યાં જ વસે છે. નવ સંતાનોમાં સૌથી મોટાં. અખબારપત્રીથી કારકિર્દી શરૂ કરી અને યુનિવર્સિટીમાં પ્રાધ્યાપિકા બન્યાં. હાલ એ એકેડમી ઑફ અમેરિકન પોએટ્સના ચાન્સેલર છે. ૨૦૧૨થી ૨૦૧૪ દરમિયાન એ ન્યૂયૉર્ક શહેરના રાજકવિ હતાં. મેરીની કવિતાઓ સમસ્યાના અંધારા મૂળ સુધી લઈ જતી કવિતાઓ છે. એની રચનાઓ સ્ત્રીસહજ સંવેદનોથી સમૃદ્ધ છે પણ આ સ્ત્રી પ્રવર્તમાન સમયની સમસ્યાઓથી પીડાતી અને અવાજ ઊંચો કરતી નજરે ચડે છે. બ્રેન્ડા શૉનેસી કહે છે, ‘હૉવેની કવિતા આધિભૌતિકને ભૌતિક અને ભૌતિકને આધિભૌતિક બનાવે છે.’

કવિતાનું શીર્ષક ‘કેટકેટલીવાર’ આપણે જે વાંચવા જઈ રહ્યાં છીએ એ ઘટનાના અસંખ્ય પુનરાવર્તનની નગ્ન વાસ્તવિક્તા સાથે આપણો સાક્ષાત્કાર કરાવે છે. જિંદગીનો છંદ જ તહસનહસ થઈ ગયો છે એટલે કવયિત્રી પોતાને અભિવ્યક્ત કરવા માટે અછાંદસ કાવ્યપ્રકાર પસંદ કરે છે. નાની-મોટી બબ્બે પંક્તિઓનું જૂથ બે વ્યક્તિ વચ્ચે બની રહેલી ઘટના કે પછી નાના-મોટા હોવાના કારણે બરાબર બંધ ન થઈ શકનારા દરવાજાઓ ઈંગિત કરે છે. કવિતા આત્મકથનાત્મકરીતિથી લખાયેલી હોવાથી આપણે સહેજે એમ કલ્પી લઈએ છીએ કે કવિતાનો સંભાષક કવયિત્રી ખુદ અથવા એક સ્ત્રી છે. અંગ્રેજી ભાષામાં ‘I’ (હું) પરથી બોલનારની જાતિ નક્કી થઈ શકતી નથી એટલે સંભાષક પુરુષ હોવાની શક્યતા પણ નકારી ન શકાય. બીજું, કવિતામાં એક બહેન ઉપર કરવામાં આવેલા અત્યાચારની વાત છે એટલે એવો પણ વિચાર આવે કે સંભાષક પણ સ્ત્રી જ હોય તો એ શા માટે વરસોથી ચાલી આવતા આ અત્યાચારનો ભોગ બનવામાંથી બચી ગઈ છે? એક વાત એવી સમજી શકાય છે કે બે બહેનો (સંભાષક જો બહેન હોય તો) વચ્ચે ઉંમરનો તફાવત બહુ વધારે હોવો જોઈએ અને ઘણા વરસો પછી પણ આજે સંભાષકની ઉંમર એટલી વધુ નથી કે એ એજ અત્યાચારનો ભોગ બને જેનો ભોગ મોટી બહેન બની રહી છે અથવા અત્યાચારીને એનામાં રસ જ નથી.

વાત incest ની છે. ઇન્સેસ્ટ (incest) અર્થાત્ ગૌત્રગમન એટલે કુટુંબના નજીકના સગાઓ વચ્ચે થતો વ્યભિચાર. લેટિન શબ્દ incestus પરથી આ શબ્દ ઊતરી આવ્યો છે, જેનો અર્થ એ જમાનામાં ‘ચારિત્ર્યહીન’ જેવો વ્યાપક હતો, આજની જેમ માત્ર ગૌત્રગમન પૂરતો સીમિત નહોતો. Incestus શબ્દ cestonના વિરોધી શબ્દ પરથી ઊતરી આવ્યો છે જેનો અર્થ વિનસનો કમરબંધ થાય છે જે મર્ત્યલોકોને લગ્નમાં બાંધી રાખે છે. વ્યભિચાર એટલે કે આ કમરબંધ ખોલી નાંખવો. બાપ-દીકરી-, મા-દીકરો, ભાઈ-બહેન કે નજીકના સગાંઓ શારીરિક સંભોગની ક્રિયામાં જોડાય એ ઘટનાને મોટાભાગના સમાજમાં શરૂથી હીણપતભર્યું ગણવામાં આવ્યું છે. કેટલાક સમાજમાં નજીકના સગાંઓમાં લગ્ન પણ માન્ય ગણાય છે પણ મા-બાપના પોતાનાં જ સંતાનો સાથેના અનૌરસ સંબંધને તો કોઈ જ બહાલી આપતું નથી. ઝેનોફોનના ‘મેમરાબિલિયા’માં સોક્રેટિસ હિપિયાસને કહે છે કે ઈશ્વરના આ વણલખ્યા નિયમમાંથી જેઓ ચ્યુત થાય છે, તેઓ ખરાબ સંતતિ સ્વરૂપે સજા પામે છે. પ્લેટો પણ ‘લૉઝ’માં એક એથેન્સવાસી દલીલ કરે છે કે વણલખ્યો કાનૂન અને લોકમતની તાકાત મા-બાપને સંતતિ સાથે સૂતાં અટકાવે છે. પણ ગ્રીસમાં અલગ-અલગ માથી જન્મેલા એક જ બાપના સંતાનો કે કાકા-ભત્રીજીઓ વચ્ચે લગ્ન શક્ય હતા. પ્રાચીન ઇજિપ્તમાં પણ રાજવંશને જીવતો રાખવા માટે પરિવારમાં જ શારીરિક સંબંધો બાંધવામાં છોછ નહોતો. લગભગ અઢી હજાર વર્ષ પહેલાં સોફોક્લિસ એની નાટકત્રયીમાં ઇડિપસ અને એની માતા વચ્ચે અજાણતાં બંધાતા શારીરિક સંબંધ અને એમાંથી જન્મતી કરુણાંતિકા વર્ણવે છે. મા અને દીકરા વચ્ચેના આકર્ષણને મનોવૈજ્ઞાનિકો ‘ઇડિપસ કોમ્પ્લેક્સ’ તરીકે ઓળખે છે. એનાથી વિપરીત ‘ઇલેક્ટ્રા કોમ્પલેક્સ’ છે જેમાં છોકરી બાપનો પ્રેમ પામવા માટે માની સાથે હરીફાઈ કરે છે. દીકરાનું માની સાથેનું અને દીકરીનું બાપની સાથેનું ખેંચાણ જાણીતું જ છે પણ જ્યારે ઉપરછલ્લું છાનું ખેંચાણ યેનકેન પ્રકારે શરીરસંબંધ સુધી ઊંડુ ઊતરે છે ત્યારે પરિવારમાં ભૂકંપ થાય છે.

લગભગ અઢી હજાર વર્ષ પહેલાં ‘રિપબ્લિક’માં સૉક્રેટિસ કહે છે, ‘સ્વપ્નમાં મનુષ્યની પાશવી વૃત્તિઓ મુક્ત થાય છે; આ પાશવી પાસું ખ્યાલોમાં મા સાથે કે અન્ય કોઈપણ સાથે સૂવાની કોશિશથી મુક્ત નથી.’ તો સાડી છસો વર્ષ પહેલાં ‘કેન્ટરબરી ટેલ્સ’માં ચૌસર કહે છે, ‘આ એવું ઘૃણાપાત્ર પાપ છે જેના વિશે ભાગ્યે જ બોલાવું કે લખાવું જોઈએ. આ પાપ કરનારા કૂતરા સમાન છે, જેઓ ભાઈભાંડુ તરફ ધ્યાન આપતા નથી.’

સગો બાપ ઊઠીને સગી દીકરી પર નજર બગાડે છે અને ઘરના બધા સભ્યો ઊંઘી ગયાં હોય એ વખતે
દારૂના નશામાં દીકરીના રૂમમાં જઈને એના પર બળાત્કાર કરે છે. એક યા બીજા કારણોસર દીકરી મોં ખોલી શકી નથી એટલે જમ ઘર ભાળી ગયો અને એકવારનો બળાત્કાર રોજની ઘટના અને વરસોવરસની ઘટના બની ગઈ. પોતાના વીર્યમાંથી જેનો પિંડ રચાયો છે એના જ ગર્ભાશયમાં પોતાનું વીર્ય ખાલી કરતા બાપની બર્બરતા કોઈરીતે માફ કરી શકાય એમ નથી પણ આ ઘરેલુ હિંસા છે, યુગયુગોથી ચાલતી આવી છે. દારૂડિયા કામી બાપ માટે દીકરી દીકરી છે જ નહીં, એક વાસણ બનીને રહી જાય છે, જેમાં રોજ રાત્રે એ પોતાની ગંદકી ખાલવી શકે છે.

નાયિકા ખબર નથી કે કંઈ કેટકેટલીવાર કોશિશ કરી રહી છે પોતાના પિતાને પોતાની મોટી બહેનના ઓરડામાં જતા અટકાવવા માટે પણ એ આજ સુધી કદી સફળ થઈ નથી. એ છુપાઈને આખી ઘટના જોતી આવી છે. જ્યાં છે ત્યાંથી વાંકી વળીને એ પોતાના પિતાની આંખોમાં જોવા ઇચ્છે છે પણ કશું જોઈ શકતી નથી. કેમકે રાત ઢળી ચૂકી છે, બધા સૂઈ ગયા છે અને હૉલમાં માત્ર અંધારું છે. નાયિકા વર્તમાનને ભૂત સાથે સાંકળે છે. કહે છે, ભૂતકાળના ગર્ભમાં બધું જ પરફેક્ટ છે અને કશું જ બદલાતું નથી. પાણીનો ગ્લાસ બાથરૂમમાં પડે છે અને તૂટતાં પહેલાં એકવાર ઊછળે છે. બરાબર એ જ રીતે, જે રીતે બહેન તૂટતાં પહેલાં ઊછળી હશે? તૂટતા પહેલાં એકવાર ઊછળતો ગ્લાસ કદાચ એ વાતનું પણ પ્રતીક છે કે એકવાર દીકરી બાપને ઓરડામાં આવતા રોકે છે પણ બાપ ફરીથી ઢીંચીને આવે છે અને દીકરીનું શિયળ ભાંગે છે. હવે કશું જ બચ્યું નથી. કંઈ જ નહીં. બાપના શરીર અને અત્યાચાર-બંનેની નીચે કચડાયેલી-દબાયેલી બહેનના મોંમાંથી ખૂબ નાનો અવાજ પણ પાસું બદલતી વખતે માંડ નીકળી શકે છે. કૂતરો પણ પોતાની પૂંછડી જમીન સાથે ઠોકીને અવાજ કરતો નથી જ્યારે એ એક આંખ ઊઘાડીને દારૂડિયા ઘરમાલિકને ઠોકર ખાતો જુએ છે. મૂંગુ પ્રાણી પણ સહમી ગયું છે. એ એકસાથે બે આંખ પણ ઊઘાડી શકતો નથી. નાની બહેન જેમ વાંકી વળીને અંધારામાં ડોકિયાં કરવાથી વધુ કંઈ કરી શકતી નથી એજ રીતે કૂતરો પણ ચુપ રહેતાં શીખી ગયો છે. નાયિકા જાણે છે કે આખો ઘટનાક્રમ પોતે જે રીતે જાણે છે અને વિચારે છે એ જ રીતે ઘટી રહ્યો છે. એ બહેનને ચેતવણી આપવા માંગે છે પણ એના હોઠોમાંથી બહેનનું નામ અને ચેતવણીનો ફુત્કાર એક ફુસફુસાહટ બનીને જ રહી જાય છે, જે વરસોથી બીજું કોઈ સાંભળી શક્યું નથી, એની બહેન સુદ્ધાં નહીં. કૂતરો રોજ ચોંકે છે અને ઘુરકેય છે પણ પછી માલિકને જોઈને શાંત થઈ જાય છે. આ જુલમ હજી પૂરો થયો નથી. હજી પણ રોજ દરવાજો ખુલે છે, બાપ દીકરીના ઓરડામાં ઘુસે છે, દીકરી પાસું બદલતાં ઊંહકારો કરે છે જે રાતના અંધારામાં ઓગળી જાય છે…. નાયિકા બહેનને મદદ ન કરી શકવાના જે અપરાધભાવથી પીડાય છે એ એની ફુસફુસાહટથી ઉપર ન વધી શકતી ચેતવણીથી ઈંગિત થાય છે.

કવયિત્રી આપણી શ્રાવણેન્દ્રિયને હાથમાં ઝાલીને પોતાનો હેતુ સિદ્ધ કરે છે. દૃશ્ય ક્યાંય છે તો નહીં બરાબર છે. પિતાનું દીકરીના રૂમમાં જવું, ખંડમાં અંધારું હોવું કે કૂતરાનું એક આંખ ખોલી જોવું- આથી વિશેષ કવયિત્રી આપણને બતાવતા નથી. જે બને છે એ અંધારામાં દરવાજાની પાછળ બને છે જેને નાયિકા અને એ રૂએ આપણે જોઈ શકતા નથી. કવિતાનો ખરો નાયક અવાજ છે. અવાજના રસ્તે ચાલીને કવિતા આપણા અંતરમાં પ્રવેશે છે. અવાજ પણ સાવ નહીંવત્ છે. બાથરૂમમાં ગ્લાસના ફૂટવાનો અવાજ, દીકરીનો અવાજ, કૂતરાની પૂંછડીના અવાજની ગેરહાજરી, નાયિકાની ફુસફુસનો અવાજ- બધું જ દબાયેલું છે પણ આ અવાજ જેટલો નીચો છે, કવિતામાંથી ઊઠતો આર્તસ્વર એટલો જ તીવ્ર અને ઊંચો છે. ડાયન ચેમ્બર્લિન કહે છે, ‘ઇન્સેસ્ટ એક મૂંગો રોગચાળો છે. દર ત્રણમાંથી એક સ્ત્રી અને દર પાંચમાંથી એક પુરુષ આનો ભોગ બને છે, જેમાંથી ચર્ચ પણ બાકાત નથી.’ આપણે પણ જાણીએ જ છીએ કે સમાજમાં આવા નરાધમો આપણી અડખેપડખે ક્યાંક અસ્તિત્વ ધરાવે જ છે. આંકડા તો જેટલી ઘટનાઓ છાપાંના પાને ચડે છે એ જ બોલશે પણ મોટાભાગનાઓના અસ્તિત્વથી આપણે અપરિચિત જ રહીએ છીએ. સાચા આંકડા તો અનેકગણા મોટા જ હોવાના કેમકે કૌટુંબિક બળાત્કાર એટલો બધો અંગત વ્યભિચાર છે કે મોટાભાગના લોકો પોતાની જાંઘ ઊઘાડી કરી શકતા નથી. છાપાંના સમાચાર તરીકે નહીં પણ પણ એક કવિતાના સ્વરૂપે આ ઘટના જ્યારે આપણી સામે આવી ઊભે છે ત્યારે આપણે આનખશિખ સળગી ઊઠીએ છીએ. પણ કંઈ કરી શકતાં નથી. કવયિત્રી પણ સમસ્યા આપણી સામે મૂકે છે, કોઈ ઉકેલ નથી મૂકતાં. જો કે કવિતાનું કામ ઉકેલ આપવાનું હોય પણ નહીં. કવિતાનું કામ ભાવકનો સમસ્યા સાથે સાક્ષાત્કાર કરાવવાનું. ભાવકની સંવેદના જાગે અને ભાવક પછી શું કરે એ કવિતાએ જોવાનું છે જ નહીં…

વિશ્વાસ કોઈપણ સંબંધનું ચાલકબળ છે અને કુટુંબનો તો એ પ્રાણ છે. જે મા-બાપે જન્મ આપ્યો અને ઊછેર્યા એ મા-બાપ પર કયા સંતાન અવિશ્વાસ કરશે? મા-બાપ અને સંતાન વચ્ચેનો ભરોસો એ સૃષ્ટિનો સૌથી મજબૂત તાંતણો છે એટલે જ આજના લેખક ઇ. સ્યુ બ્લુમ કહે છે: ‘ઇન્સેસ્ટ જબરદસ્તીથી વસૂલાયેલો બળાત્કાર છે. બાળકનું બાળપણ જ એને કાબૂમાં રાખવા માટેનું હથિયાર બની રહે છે.’ પ્રેમને તો સરહદ છે પણ વાસના દરેક અંતિમોથી ફરી શરૂ થાય છે. વાઘ લોહી ચાખી જવા જેવી કે જમ ઘર ભાળી જવા જેવી આ વાત છે. શોષિત વ્યક્તિ જે ઘડીએ હોઠ ખોલીને ફરિયાદ કરી શકતી નથી એ ઘડીએ જ એના શોષણની વણથંભી અંતહીન હારમાળા પ્રારંભાય છે. એલન જાન્કોવ્સ્કીની કટાક્ષપ્રચુર કવિતા ‘ઇન્સેસ્ટ ઇઝ બેસ્ટ’માં બાપ દીકરીને કહે છે કે ઇન્સેસ્ટ એ સારો રસ્તો છે, આ એવી રમત છે જે આખો પરિવાર રમી શકે છે. અંતે એલિઝા ટોરિસની કવિતા ‘Daddy’s bed girl’ જોઈએ, જેના શીર્ષકમાં વપરાયેલ bed શબ્દ ‘પથારી’ અને ‘ગંદી’ –બંને અર્થચ્છાયા ધરાવે છે:

‘તું કેટલી ડાહી દીકરી છે!”
ખાટી વ્હિસ્કીવાળો શ્વાસ મારા ગાલ સાથે અથડાય છે.
“તને આ જોઈએ છે ને?”
હું માથું ધુણાવું છું, શ્વાસ લેવા, બૂમ પાડવા મથતી ના! મને નથી જોઈતું!
“હા, તને જોઈએ છે, મારી ડાહી દીકરી”
ના, મને નથી જોઈતું!
“તું મારી ડાહી દીકરી બનશે ને?”
હું વચન આપું છું કે હું તમારી ડાહી દીકરી બની રહીશ, વચન આપું છું, બસ, ફરી આ નહીં કરતા.
“તું મારી ડાહી દીકરી છે.”
પપ્પા, પ્લીઝ નહીં.

છૂક છૂક ગાડી -રૂપાંગ ખાનસાહેબ

સ્વર: રૂપાંગ ખાનસાહેબ
સંગીત: મેહુલ સુરતી

.

છૂક છૂક છૂક છૂક
છૂક છૂક કરતી
ઉપડી જુઓ ગાડી
ગાર્ડ બતાવે લીલી ઝંડી
એન્જીને ચીસ પાડી …

આડા ઉભા વાંકા ચૂકા સાથે દોડે પાટા
ગામ ઠામ ને શહર નગરને જોડે છે આ પાટા

ઝાકળ ધુમ્મસ વાદળ વર્ષા વૃક્ષ પવનને મેઘધનુષ
પર્વત જંગલ ઝરણા નદીઓ સાથે મળીને ગાતાં

છૂક છૂક ગાડી આગળ જાતી સ્ટેશન ઊંધા જાતા

ડબ્બાની આગળ છે ડબ્બો
ડબ્બાની પાછળ છે ડબ્બો
હાલમ ડોલમ થાય છે ડબ્બો
ડોલમ હાલમ થાય છે ડબ્બો

ટીકીટ બતાવો ટીકીટ બતાવો કહેતો ફરતો
ટી ટી પહેરી કાળો ઝબ્ભો

ધરમ કરમનો ભેદ ભૂલીને હિંદુ મુસ્લિમ
શીખ ઈશાઈ સૌને લઈને ચાલી

ગાર્ડ બતાવે લીલી ઝંડી એન્જીને ચીસ પાડી..
છૂક છૂક….
-રૂપાંગ ખાનસાહેબ