આપણી પાસે જો હોતે પૂરતાં જગ, ને સમય
તો આ લજ્જા કોઈ રીતે નહોતી, પ્રિય! અપરાધ કંઈ.
ચાલવું, ને કરવો લાંબા પ્રેમનો દહાડો વ્યતિત;
શોધજે માણેક તું ગંગાકિનારા પર ખચિત,
હું કરીશ ફરિયાદ રહી હમ્બરની ભરતીની કને.
ને પ્રલયના દસ વરસ પહેલાંથી હું ચાહીશ તને;
ને તું, જો રુચે તને, તો ત્યાં સુધી કરજે મના
ધર્મપલટો સૌ યહૂદીઓનો જ્યાં લગ થાય ના.
ભાજીમૂળા જેવો મારો પ્રેમ ફૂલશે-ફાલશે
રાજ્યો કરતાં પણ વધુ, ને એકદમ ધીમે ધીમે.
સો વરસ તો લાગશે ગુણગાન જો ગાવાના હો
તારી આંખોના, ને તારી એક્ટક દૃષ્ટિના જો.
લાગશે બસ્સો વરસ અક્કેક સ્તનને ચાહવા,
ને હજારો બાકીના ભાગોની કરવા વાહવા;
એક યુગ તો કમસેકમ ખપશે જ સઘળા ભાગને,
ને પ્રદર્શિત આખરી યુગ કરશે તારા હાર્દને.
કેમકે, વહાલી, અધિકારી તું આની છે ખરી,
ને હું કોઈ કાળે પણ ના ચાહતે ઓછું જરી.
પણ હું મારી પીઠ પાછળ સાંભળું છું હર વખત,
કાળના પાંખાળા રથને આવતો નજદીક ઝટ;
ને ખૂબ જ વિસ્તીર્ણ શાશ્વતતાનાં ફેલાયેલાં રણ
પેલી બાજુ આપણી સામે છે પામ્યાં વિસ્તરણ.
તારું આ સૌંદર્ય પણ ક્યારેય ના જડવું ઘટે,
કે ન તારી કબ્રમાં મુજ ગીતના પડઘા ઊઠે;
કેમકે નહીંતર તો કીડાઓ જ ફોલી કાઢશે
ખૂબ લાંબા કાળથી સચવાયલા કૌમાર્યને,
ધૂળ ભેગું થઈ જશે તારું વિલક્ષણ માન આ
ને સમુચી વાસના મારીય ભળશે રાખમાં.
હા, કબર સુંદર અને છે ખાનગી જગ્યા ભલે,
પણ, મને લાગે છે, કોઈ લાગતું ના ત્યાં ગળે.
તો પછી ચલ, જ્યાં સુધી આ ઝાંય ભરયૌવન તણી
બેઠી છે તારી ત્વચા પર ઓસ પરભાતી બની,
ને રૂંવે-રૂંવેથી તારો રાજી આત્મા જ્યાં સુધી
પ્રગટે છે પ્રસ્વેદરૂપે તાત્ક્ષણિક અગ્નિ થઈ,
ચાલ, ત્યાં લગ આપણે ભેગાં કરી લઈએ ક્રીડા,
ને હવે, કામુક શિકારી પક્ષી પેઠે આપણા
કાળને ચીલઝડપે જઈએ ઝાપટી, એ પૂર્વે કે
એ જ ધીમા-જડબે ચાવી ક્ષીણ આપણને કરે.
ચાલ, સૌ મીઠાશ, શક્તિ આપણાં ભેગાં કરી
દ્વૈતમાંથી રચના કરીએ આપણે અદ્વૈતની.
ને ચીરી દઈએ જીવનના લોહ દ્વારોમાં થઈ
કરકરા સંઘર્ષથી સઘળી ખુશીઓ આપણી.
આમ, છોને આપણે થોભાવી ના શકીએ કદી
સૂર્યને, પણ આપણે દોડાવશું એને નકી.
– એન્ડ્રુ માર્વેલ
(અનુ. વિવેક મનહર ટેલર)
સમયથી વધુ ગતિશીલ અને વધુ સાપેક્ષ સૃષ્ટિમાં બીજું કંઈ ખરું? ઘડિયાળના કાંટા ભલે અટકી જાય, સમય અટકતો નથી. એ કોઈનાય માટે નથી થોભ્યો, નથી થોભવાનો. સમયની કરવત આપણને સહુને એકધારા વેતરતી જ રહે છે. સમયની આ ચંચળતા કોઈ માટે અલગ નથી. ગુજરાતીમાં આપણે ‘કાલ કોણે દીઠી છે?’ કહીએ છીએ ને અંગ્રેજી ભાષા એ જ વાત ‘ટુમોરો નેવેર કમ્સ’ કહીને કરે છે. નર્મદ કહી ગયો:
કાલ કરીશું, આજ કરીશું, લંબાવો નહીં દહાડા
વિચાર કરતાં વિઘ્નો મોટાં વચમાં આવે આડા રે.
ડગલાં ભરવા માંડો રે હવે નવ વાર લગાડો રે
એન્ડ્રુ માર્વેલની કવિતા આ જ વાત કરે છે. એ પ્રેયસીને જીવનની ક્ષણભંગુરતા અને પારાની જેમ હાથથી સરી જતા સમયની તરલતાની વાત કરીને આજમાં જ જીવી લેવાનું અને ઘડીનોય વિલંબ કર્યા વિના સંભોગરત થઈ જવાનું આહ્વાન આપે છે.
એન્ડ્રુ માર્વેલ. જન્મ ૩૧-૦૩-૧૬૨૧ના રોજ વાઇનસ્ટેડ, ઇંગ્લેન્ડ ખાતે. પિતાનું નામ પણ એન્ડ્રુ જ હતું. તેઓ હોલી ટ્રિનિટી ચર્ચમાં પાદરી અને પ્રવચનકાર હતા. કેમ્બ્રિજથી બી.એ. કર્યું. પિતાના આકસ્મિક મૃત્યુ અને ૧૬૪૨માં ફાટી નીકળેલા ગૃહયુદ્ધના કારણે અનુસ્નાતક થવાની ઇચ્છા અધૂરી રહી. ચાર વર્ષ સુધી સતત યુરોપપ્રવાસ કર્યો જેના ફળસ્વરૂપે એમની કવિતાઓમાં ફ્રેન્ચ, ડચ, ઇટાલિયન અને સ્પેનિશ ભાષાઓ ડોકિયાં કરતી નજરે ચડે છે. પ્રવર્તમાન અંગ્રેજી પ્રથા મુજબ તેઓ પણ ખાનગી ટ્યુશન આપતા. લશ્કરી વડા ઓલિવર ક્રોમ્વેલથી પ્રભાવિત. ક્રોમ્વેલ પર કવિતાઓ પણ લખી. બે વાર સંસદસભ્ય તરીકે ચૂંટાયા અને પછી પણ સરકારી નોકરી ચાલુ રાખી. જોન મિલ્ટનના મિત્ર. રિસ્ટોરેશન દરમિયાન જેલમાં ગયેલા મિલ્ટનને છોડાવવામાં એમણે પોતાના પદ અને સત્તા વાપર્યાં હતા. સરકાર વિશેના એમના કટાક્ષકાવ્યો એવા ઉગ્ર હતાં કે નનામા છપાવવાં પડતાં. અંગત જીવન મોટાભાગે અજાણ્યું. આજીવન કુંવારા રહ્યા પણ એમની મકાનદાર મેરી પામરના દાવા મુજબ બંનેએ ૧૬૬૭માં ખાનગી લગ્ન કર્યા હતા. ૧૬-૦૮-૧૬૭૮ના રોજ ૫૭ વર્ષની નાની વયે તાવ પછી અણધાર્યું નિધન. મૃત્યુનું કારણ પણ અજાણ્યું. કહેવાય છે કે જેઝ્યુઇટ સંપ્રદાયીઓએ ઝેર આપીને એમની હત્યા કરી હતી. મૃત્યુપર્યંત તેઓ ઉગ્ર પણ વફાદાર દેશભક્ત તરીકે જાણીતા થયા. મોટાભાગની કવિતાઓ એમના નિધનના ત્રણ વર્ષ બાદ પ્રગટ થઈ.
સત્તરમી સદીના સૌથી નોંધપાત્ર કવિઓમાંના એક. જોન ડનની જેમ એ પણ આધિભૌતિક (મેટાફિઝિકલ) કવિ હતા. સાથોસાથ એમની રચનાઓ એમને ‘કેવેલિઅર’ કવિઓના વર્ગમાં પણ મૂકે છે. કેવેલિઅર કવિઓ પારંપરિક કવિતાઓની જેમ ધર્મ, કળા, ફિલસૂફીની વાતો કરવાના બદલે જીવનના આનંદ પર વધુ ભાર મૂકે છે. મેટાફિઝિકલ પોએટ્રીની ચતુરાઈ અને સંકુલતાની સાથોસાથ કેવેલિઅર કવિતાનું લાવણ્ય પણ ઉજાગર કરતી એન્ડ્રુની કવિતાઓ આ બે પરંપરાની વચ્ચેના સેતુ સમી છે. એમના ગીતોમાં લાગણીની અદભુત તીવ્રતા અને અલૌકિક સૌંદર્ય નજરે ચડે છે. પાછળથી એમના પદ્ય અને ગદ્ય બંને ધર્મ વિવાદ અને કડવા આકરા કટાક્ષપ્રચુર બન્યા એ જોતાં એમ લાગે જાણે રંગીન નાજુક પતંગિયું ઉત્ક્રાંતિમાં ઊલટા પગલે ચાલીને ઈયળ બની ગયું. ઇલિયટે એમના વિશે જે નિબંધ લખ્યો એ પછી સમયથી ડાબા હાથે ક્યાંક મૂકાઈ ગયેલ આ કવિ પુનઃ લોકનજરે ચડ્યા. એ પછીથી એમની પ્રસિદ્ધ્રિ આજદિન સુધી સતત વધતી રહી છે. વિશાળ કાર્યક્ષેત્ર અને ગર્ભિત સંદિગ્ધતાના કારણે માર્વેલની લોકપ્રિયતા સતત નવી ઊંચાઈઓ આંબી રહી છે.
સ્વરૂપની દૃષ્ટિએ આ ૪૬ પંક્તિઓનું પ્રમાણમાં લાંબુ ઊર્મિગીત (Lyric) છે. ત્રણ અંતરા પાડીને કવિ પોતાની વાતને ત્રણ ભાગમાં વહેંચે છે. છંદ આયમ્બિક ટેટ્રામીટર છે, અર્થાત્ દરેક પંક્તિમાં ડ-ડમ, ડ-ડમ એમ લઘુ-ગુરુના લયમાં ચાર શબ્દાંશ (Syllables) હોય છે. એલેક્ઝાન્ડર પોપે જેમાં પ્રચંડ નામના મેળવી એ યુગ્મક (couplet) અહીં પ્રયોજાય છે, જેમાં દર બબ્બે પંક્તિ પ્રાસમાં લખાયેલી હોય છે. આપણે ત્યાં ગઝલના મત્લામાં આ પ્રકારની ગોઠવણ વધુ સહજ અને આપણે લોકો માટે વધુ પરિચિત હોવાથી ગઝલનો રમલ છંદ અને મૂળ કૃતિની જેમ જ બબ્બે પંક્તિની સ્વતંત્ર પ્રાસરચના જાળવીને કામ કરવું વધુ યોગ્ય લાગ્યું છે. કવિતાના શીર્ષક પરથી સમજી શકાય છે કે પ્રેમી અને શરમાળ પ્રિયતમા વચ્ચેની આ વાત છે. પણ શીર્ષકમાંના ‘Mistress’ શબ્દ પર જરા અટકીએ.
કવિ એની પ્રેમિકા માટે ‘Mistress’ શબ્દ પ્રયોજે છે. ચૌદમી સદીમાં આ શબ્દનો અર્થ પ્રભાવ ધરાવનાર સ્ત્રી કે શિક્ષિકા કે આયા થતો હતો. આ કવિતા લખવામાં આવી એ સમયે મિસ્ટ્રેસનો અર્થ (પુરુષના હૃદય પર આધિપત્ય ધરાવનાર) પ્રેયસીના અર્થમાં વપરાતો હતો. આજે જે અર્થ આપણને અભિપ્રેત છે એ ‘રખાત’ અર્થ તો પાછળથી આવ્યો. એ જ રીતે હાલના તબક્કે ‘Quaint’નો મતલબ જુનવાણી થાય છે. ફ્રેન્ચ Cointe અર્થાત્ જ્ઞાની પરથી ૧૨મી સદીમાં આ શબ્દ અંગ્રેજીમાં આવ્યો ત્યારે એનો અર્થ હોંશિયાર, લુચ્ચું કે ગર્વિષ્ઠ થતો હતો. કવિતા લખાઈ એ અરસામાં એનો અર્થ ‘વિલક્ષણ’ કે ‘લાવણ્યસભર’ થતો હતો. આજે એ ‘જુનવાણી’ના અર્થમાં વપરાય છે. આમ, અનુવાદ કરતી વખતે ન માત્ર શબ્દો પર, શબ્દોના ઇતિહાસ પર પણ અનુવાદકની આંખ હોવી ઘટે. જે તે શબ્દનો અર્થ જે તે સમયે આજના અર્થ કરતાં અલગ હોવાની સંભાવના ચકાસ્યા વિના કરેલો અનુવાદ કે આસ્વાદ અનર્થ સર્જી શકે છે.
પ્રિયતમા સંભોગ કરવાની મના કરી રહી છે, સંકોચ અનુભવી રહી છે, ‘આજ નહીં, કલ’ના બહાનાં આગળ ધરી રહી છે પણ નાયકની અંદર પ્રેમોર્મિઓ સંભોગસાગરમાં ઊંડી ડૂબકી મારવા તલપાપડ થઈ રહી છે. એટલે શીર્ષક ભલે ‘એની લજ્જાળુ પ્રેયસીને’ કેમ ન હોય, ગીત યેનકેન પ્રકારે પ્રેયસીને પટાવવા-મનાવવા મથી રહેલા પ્રિયતમનું છે. એ કહે છે, જો આપણી પાસે પૂરતી દુનિયા અને જરૂરી સમય હોત તો આ શરમ કોઈ ગુનો નથી. જો એમ હોત તો આપણે શાંતિથી બેસીને દિવસ વિતાવત. તું પૂર્વમાં ગંગાકિનારે માણેક વીણજે ને હું ધરતીના બીજા છેડે યુરોપના પૂર્વી કિનારે હમ્બરની ભરતીની બજુમાં ઊભો ઊભો આ ફરિયાદ કરીશ. પ્રલયના દસ વરસ પહેલાંથી હું તને પ્રેમ કરત. પૃથ્વી અને મનુષ્યજાતિની ઉત્પત્તિની વાત કરતા ખ્રિસ્તીઓના ગ્રંથ ‘જિનેસીસ’ મુજબ ભગવાને નોઆહને સૂચના આપીને મોટું જહાજ બનાવડાવ્યું, જે નોઆહ’સ અર્ક તરીકે ઓળખાયું, જેમાં નોઆહે પૃથ્વી પર અસ્તિત્ત્વ ધરાવતા તમામ જાતના સજીવ પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાવી લીધા અને આ વહાણ પ્રલયના દોઢસો દિવસ સુધી સમુદ્ર પર તરતું રહ્યું અને એમ પૃથ્વી પર જીવનનો વંશવેલો આગળ વધ્યો. હોલીવુડની ફિલ્મ ‘૨૦૧૨’ની યાદ અપાવે એવી આ વાત છે. કુરાનમાં પણ આ પ્રલયની અને જહાજ ‘સફીના નુહ’ની વાત છે. આપણે ત્યાં પણ મત્સ્યાવતારમાં રાજા સત્યવ્રત મનુ સજીવસૃષ્ટિને લઈને જહાજમાં બેસી જાય છે, જે જહાજને વાસુકી નાગ વડે બાંધીને મત્સ્યસ્વરૂપે વિષ્ણુ સુમેરુપર્વત પર સહીસલામત લઈ આવે છે. ૪૫૦૦ વર્ષ જૂના મેસોપોટેમિયાના ‘એપિક ઑફ ગિલામેશ’માં આ પ્રલયની વાર્તા સૌપ્રથમવાર જોવા મળે છે. નાયક પ્રલયના દસકા પહેલેથી નાયિકાને ચાહવા તૈયાર છે અને દુનિયાભરના યહૂદીઓ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લે ત્યાં સુધી નાયિકાની ના સાંભળવા તૈયાર છે. ખ્રિસ્તી ધર્મમાં એવી માન્યતા છે કે જગતભરના યહૂદીઓ સૃષ્ટિના અંત ટાણે આ ધર્મપરિવર્તન સ્વીકારશે. ‘The conversion of the Jews’ નામની ફિલિપ રોથે ૧૯૫૯માં લખેલી લઘુનવલ ખૂબ જાણીતી બની. જો કે આ કવિતામાં વપરાયેલ શબ્દપ્રયોગો કેટલીય નવલકથાઓ અને વાર્તાઓના મથાળાં બન્યાં છે.
‘હું સમયની પાર વિસ્તરતો રહું, તું અનાગત થઈ મને મળતી રહે’ જેવી વાત કરીને કવિ આગળ વધે છે. પોતાના નિષ્ક્રિય પ્રેમ માટે એ vegetable love શબ્દ કોઇન કરે છે. મગજને નુકશાન થવાના કારણે કોઈ સજીવ સામાન્ય શારીરિક અને માનસિક ક્રિયાઓ માટે બિલકુલ અશક્ત થઈ જાય એવી નિશ્ચેતન અવસ્થાને ‘વેજીટેબલ’ કહે છે. નાયક કહે છે કે જો પૂરતો સમય હશે તો મારો ભાજીમૂળા જેવો નિષ્ક્રિય પ્રેમ કૂર્મગતિએ મોટાં રાજ્યો કરતાં પણ વધુ વિશાળ બનશે. પ્રેયસીના સંકોચ પરની કટાક્ષગાથા આગળ લંબાવતા નાયક વળી અતિશયોક્તિ અલંકાર વાપરીને કહે છે કે તારા શરીરના અંગોપાંગની પ્રસંશા કરવા માટે વરસો, સૈકાઓ નહીં, યુગો પણ નાનાં ને ઓછાં પડશે કેમકે પ્રેયસીનું સૌંદર્ય ઓછામાં ઓછા આટલા વખાણનું અધિકારી તો છે જ ને નાયકનો પ્રેમ પણ ખચીત ઊતરતી કક્ષાનો નથી, એ આનાથી ઓછો પ્રેમ કરી શકે એમ જ નથી.
નાયિકાના ઇનકાર સાથે જાણે પોતે સહમત હોય એમ એને પૂરતી ફોસલાવી-વખાણી લીધા બાદ નાયક બીજા બંધમાં પેંતરો બદલે છે. કહે છે, પોતાની પૂંઠે એ એકધારો કાળના પાંખે ઊડીને, અર્થાત્ મારમાર ઝડપે ખૂબ નજીક આવી રહેલા રથના અવાજને સાંભળી રહ્યો છે ને પોતાની નજર સામે શાશ્વતતાના અફાટ રણને વિસ્તરેલું જોઈ રહ્યો છે. શાશ્વતી વિશાળ નિર્જીવ રણથી વિશેષ શું હોઈ શકે? એ કહે છે કે તારું આ સૌંદર્ય કે મારાં આ પ્રેમગીતો આરસપહાણની કબરની અંદર દટાઈ જવા નથી સર્જાયાં. કબરની અંદર તો જે અક્ષુણ્ણતા, જે કૌમાર્ય તું આટલા લાંબા સમયથી સાચવવાની ફિરાકમાં પડી છે એને કીડાંઓ ફોલી ખાશે. તારું આ અનોખું માન-ગર્વ અને મારી તમામ વાસનાઓ રાખમાં પરિણમશે. બંધના અંતે નાયક કટાક્ષની ધાર કાઢતાં વળી પૂછે છે, કે હા, કબર સુંદર અને એકદમ ખાનગી જગ્યા છે પણ શું કોઈ ત્યાં એકબીજાને ભેટવા માટે જાય છે ખરા? સત્તરમી સદીની અર્થચ્છાયાઓ વિશે વિચારીએ તો કૌમાર્ય, માન અને વાસનાનો અર્થ સીધો જાતીય અંગો તરફ નિર્દેશ કરે છે.
જે વાત કહેવા માટે આટલી લાંબી પૂર્વભૂમિકા નાયકે બાંધી છે એ વાત યાને કવિતાનો કેન્દ્રવર્તી વિચાર -Carpe Diem (આજને ચૂંટી લો, આજમાં જીવો)- ત્રીજા અને આખરી બંધમાં આવે છે. માર્વેલ રાજકારણી હતા. પ્રખર કટાક્ષકાર પણ હતા એટલે વક્રોક્તિ સાથેની દાવા-દલીલની આ પદ્ધતિ એમને હસ્તગત હતી. કહે છે, સવારે પુષ્પ પર પડેલ ઝાકળ જેમ થોડી વારમાં ઊડી જાય છે એમ આપણું યૌવન પણ બાષ્પીભૂત થઈ જાય એ પહેલાં અને તારા રોમ-રોમમાંથી કામાગ્નિ પ્રગટી રહ્યો છે ત્યાં સુધીમાં ચાલ, આ જુવાનીનો ભરપૂર આનંદ ઊઠાવી લઈએ. શેક્સપિઅરના ‘ટ્વેલ્ફ્થ નાઇટ’નો સંવાદ યાદ આવે: ‘જે આવનાર છે એ હજી નિશ્ચિત નથી. વિલંબમાં કોઈ પ્રાચુર્ય નથી. તો આવ અને મને ચુંબન કર, જ્યાં સુધી તું વીસની છે, યુવાની કંઈ કાયમ રહેવાની નથી.’
સમય એના ધીમા જડબાંમાં આપણને ધીરે ધીરે ચાવીને ક્ષીર્ણ કરી દે એ પહેલાં આપણે જ કામુક શિકારી પક્ષી જેમ શિકાર પર ઝપટે એમ આપણે જ સમયનો કોળિયો કરી લઈએ. જે પ્રેમને કવિ પહેલાં ભાજીમૂળા જેવો લૂલો અને ધીમો ગણાવતા હતા એ હવે ઉગ્રતાની પરાકાષ્ઠાએ પહોંચે છે. આ કોઈ Lovey-Doveyનો સુષ્ઠુ સુષ્ઠુ પ્રેમ નથી, આ પ્રેમ જંગલિયતથી ભરપૂર છે. રતિક્રીડાની પરાકાષ્ઠાએ એકમેકને જ નહીં, સમયને પણ ઝાપટી જનારો આ શિકારી પ્રેમ છે. સંબંધની મીઠાશ અને યૌવનની શક્તિ જ્યાં સુધી લુપ્ત નથી થયા ત્યાં સુધી પૂરજોશમાં સમ-ભોગમાં રત થઈ જઈએ, બેમાંથી એક બની જઈએ. જિંદગીના લોખંડી દરવાજાઓમાં થઈને કરકરા સંઘર્ષની છરી વડે આપણે આપણા આનંદને ચીરી કાઢીને પ્રાપ્ત કરી લઈએ. જિંદગીના લોહદ્વારનો ઉલ્લેખ થોડો સંદિગ્ધ છે. લાયોનેલ ટ્રિલિંગ ના મત મુજબ એન્ડ્રુને વર્જિલના ‘ઇનિયડ’માં આવતા હેડ્સ (Hades)ના શિંગડા અને હાથીદાંતના દરવાજા જેમાં થઈને અનુક્રમે સાચા અને છેતરામણા સપનાંઓ આવે છે એ અભિપ્રેત હોઈ શકે છે. જો કે આ બે દરવાજાઓની વાત પહેલવહેલી હોમરના ‘ઑડિસી’માં અને ત્યારબાદ પ્લેટોના ‘કાર્મિડિઝ-ડાયલોગ્સ’માં જોવા મળે છે. સૂર્યના રથને થોભાવવો કે અમર થવું તો આપણા માટે શક્ય નથી… સમય તો વહેતો જ રહેવાનો છે, તો શા માટે આપણે યૌવનનો એવો ઉત્સવ ન ઊજવીએ કે એ ઈર્ષ્યાનો માર્યો દોડતો થઈ જાય? એક તરફ કાળના પાંખાળા રથના અવાજથી જન્મતો ભય અને બીજી તરફ સૂર્યને દોડાવીને સમયના બાપ થઈ જવાની ખુમારીના કારણે આ કવિતા સાધારણમાંથી અદભુતની કક્ષાએ પહોંચે છે.
એની ફિંચ નામની કવયિત્રી ‘કોય મિસ્ટ્રેસ’ કવિતામાં માર્વેલને જવાબ આપતાં કહે છે કે, હું કોઈ શિકારી પક્ષી નથી. સમય આપણને વૃદ્ધ બનાવી જ દેશે અને કબર માત્ર શરીરનો શાપ નથી. ભલે તમે મારી આંખ, કપાળ અને સ્તનના વખાણ કરો છો, શા માટે આપણે કવિતા લખીને સમયને મધમીઠો ન બનાવીએ? બદલામાં સમય આપના પ્રેમને મીઠો બનાવશે અને પ્રેમ સાબિત કરવાને સમય પણ આપશે. અન્ય એક કવિ એ.ડી. હૉપ ‘હિઝ કોય મિસ્ટ્રેસ ટુ મિ. માર્વેલ’ કવિતામાં લજ્જાળુ નાયિકા એન્ડ્રુના શબ્દપ્રપંચ સામે ખુલ્લો પડકાર ફેંકે છે.