ટહુકો ની ચોથી વર્ષગાંઠ પર શુભેચ્છાઓ પાઠવનાર દરેક મિત્રોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર…
(ફોટોગ્રાફ્સ સૌજન્ય: વિવેક ટેલર)
**********************
ટહુકોના ઉદ્ભવ સુધી મને ગર્વ રહેતો કે મારી પાસે કદાચ સૌથી વધુ ગુજરાતી ગીતો હશે, કવિ સંમેલન અથવા મુશાયરામા કવિઓએ પોતે રજૂ કરેલ અથવા નામી-અનામી ગાયકોએ ગાયેલ, ઓડિયો કેસેટમાં સ્ટોર થયેલ…
પણ ૨૦૦૬ પછી, ટહુકોના પ્રદુર્ભય પછી, મીઠી ઇર્શ્યા આવે છે અને રોજ ટહુકા પર ગયા વગર, ગમે એટલું કામ બાકી હોય તો પણ, ચાલતું નથી..
આપ CPA છો, અને સમય કાઢી આટલું સરસ કામ કરો છો, ખરેખર અદ્ભૂત..! અહીં CA થઇને પોતાના સાહિત્ય શોખ માટે તો ઘણો સમય પાઠવીએ છીએ પણ બીજા માટે..?
ઘણી ઘણી હાર્દિક શુભેચ્છાઓ..!
કવિ મકરન્દ દવેનું ‘ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ને ગમતા નો કરીએ ગુલાલ..! ખરેખર સરસ રીતે પ્રચ્યુત છે.
દિલિપ શાહ , અમદાવાદ
*****************************
ખૂબ ખૂબ અભિનંદન. ઘણી મહેનત કરીને ઘણું સારુ કામ કરી રહ્યા છો. ખૂબ જ ગમે છે. પાછળના ગીતોની લિંક પણ સરસ મળી રહે છે. આ વાત ખૂબ ગમે છે. ઘણીવાર ઘણા વખતથી શોઘતા હોઇએ અને આમ અચાનક મળી જાય છે તો ખૂબ સારું લાગે એ. મારી પાસે કોઇ શબ્દો જ નથી આ અનુભૂતિ ને વર્ણવવા માટે..!
– પારેખ
*****************************
સ્વરકાર શ્રી અમરભાઇએ પોતાના હસ્તાક્ષરમાં મોકલેલી શુભેચ્છા…
*****************************
કવિ શ્રી ભાગ્યેશ જહાનો શુભેચ્છા સંદેશ…
પ્રિય જયશ્રી,
દરિયાપારથી યાયાવર પક્ષીની અદાથી ઉડીને આવતી તમારી ભાષાપ્રીતિ ઉડીને આંખે વળગે છે, ખૂબ ખૂબ અભિનન્દન, ટહૂકો -સ્વભાવે ક્ષણની ઘટના છે, તમે આ ક્ષણને ચાર વર્ષ લાંબી કરીને કાળઝાળ ઉનાળામાં એક વૃક્ષે કરવું જોઇએ એવું ઐતિહાસિક કામ કર્યું છે. આ સાથે એક લઘુંનિબંધ ‘પવન અને ટહૂકો’ મોકલુ છું.
પવન અને ટહૂકો: કવચ અને કુંડળ
સવારના સવા પાંચ વાગ્યા છે, સળગતા ઉનાળાની સંપૂર્ણ ગેરહાજરી છે. મોટી ગુફા જેવા આકાશ તરફ જોઇ રહ્યો છું. નાના ગોખલાઓમાં પ્રગટેલા દિવાઓ જેવા તારાઓ તેમના રુપેરી અજવાળાને લીધે તેમના પિતરાઇ સૂરજ જેટલા ઉગ્ર નથી લાગતા.અચાનક એક કોયલનો ટહૂકો સંભળાય છે, ક્ષણાર્ધમાં ટહૂકો મારો કબજો લઇ લે છે.
જો કે ટહૂકાને કાંઠે બેઠેલું પક્ષી અચાનક જ મને પે’લા ઉપનિષદીય ચિત્રમાં જોતરે છે, પક્ષી વૃક્ષ પરથી જાણે મુંડક ઉપનિષદના સાક્ષીપણાના સત્યવચનો ઉચ્ચારી રહ્યું છે.ડાળ અને ટહૂકાની દિશા શોધવા જેટલું ભાન હજી પ્રગટ્યું નથી, ટહૂકાના સ્પર્શનું ગીત જાગી ઉઠ્યું છે. ગઇકાલની અસહ્ય ગરમીના આંકડા લઇને વર્તમાનપત્રો હજી નથી આવ્યા. એક પક્ષી ફળ ખાય અને બીજું સાક્ષી બને એ ઘટનાને હજી એકાદ ક્ષણની વાર છે. ટહુકા અને મારા વચ્ચે દ્વૈત રચાય એ પહેલાની આ ક્ષણ છે, અહીં તો નરસિંહ કરતાલ નહીં પણ કર્ણદ્વાર પકડીને બેઠા છે, ‘જાગીને જોઉ તો જગત દીસે નહીં ‘ જેવી કવિક્ષણ અને ટહૂકાનું મિલન છે.
દુર સ્ટ્રીટલાઇટ નીચે છોડનો થાકેલો પડછાયો અજવાળાની રાહ જોઇ રહ્યો છે. અંધારાની ડગેલી શ્રધ્ધાની ધ્રુજતી આંગળીઓ વચ્ચેથી અજવાળું પ્રવેશ કરશે તેવું જણાઇ આવે છે. ઘરમાં પડેલી કેરીઓમાં સુતેલું એક આંબાવાડિયું જાગી ઉઠે છે. કોયલના ટહૂકાને લીધે ઘરનો એ ખૂણો જરા બોલકો બની ઉઠે છે.આંબાવાડિયા વિનાના ટહૂકાની ચારે બાજું સુવાસ છે, મન બાળપણ અને આંબાવાડિયું ખોલીને બેઠું છે. કાચી કેરીની નાની ગોટલીમાં બાળપણની વારતા સંતાડી રાખી છે. પવનની એક પછી એક આવતી લહેરો પર હાલકડોલક થયા વિના ટહૂકાની એક નાવ આવી રહી છે.એમ થાય છે કે પવનનું કવચ પહેરી લેવું છે, ટહૂકાનું કુંડળ કાનને વીંટળાઇ વળે એવું એક વમળ કર્ણવિવરને કિનારે લાંગર્યુ છે.જો કે પવન અને ટહૂકો આમ તો એક રેશમી, આછું સફેદ મલમલમાં મૂકી રાખવાનું મન થઇ આવે છે. પછી આખો દિવસ કોઇને દેખાય નહીં તેવા કવચ અને કુંડળથી રક્ષાઇ જવું છે. મન ગઇકાલથી કર્ણને ‘મદાયત્તમ તુ પૌરુષમ’ ના લહેકાથી સંભારી રહ્યું છે. મારી સાથે જ કર્ણ પણ જાગ્યો છે.
ટહૂકાની નાજુક પીંછીથી પાંદડાં ઉઘાડ પામી રહ્યા છે, દિવસનું આક્રમણ આવી રહ્યું છે તેનો અણસાર ટાંકણીના ટોચ જેવા અજવાળાના ફણગા ફૂટી રહ્યા છે. ટહૂકાના વારસદારની જેમ શરૂમાં તો રૂપેરી તડકો તેની કોમળ દોંડાદોંડથી આંગણું અજવાળી મુકશે. પછી કોપભવનથી સૂરજના સાત દૂતો અજવાળામાં અગ્નિ ઉમેરશે, ટહૂકાને બદલે હોર્ન અને વૃક્ષપત્રની જગાએ વર્તમાનપત્ર આવી જશે, કેલેંડરનું પાનું અને ‘ચા’ની ચુસકીથી દિવસના હીંચકાને એક જાણીતો ધક્કો લાગશે, વાગશે. અને જાગી ઉઠશે ભીષ્મનું બાણશૈયા પરનું પ્રભાતિયું, ટહૂકાનો ઝાંખો પડતો ચહેરો, મ્લાન બની ગયેલા તારાઓના દિવસના ડસ્ટરથી ભુંસાતા ગીતો, મારામાંના ‘હું’નો બ્રશને કારણે ઉભરી રહેલો ચમકીલો દેખાવ હવે સ્પષ્ટ થઇને ટહૂકાથી દૂર ધકેલાઇ ગયો છે.
હવે તો થાય છે આખો દિવસ આ પવનકવચ અને ટહૂકાકુંડળ સાથે કુરુક્ષેત્રમાં ફરવું છે, રૂમમાં હવાને કહ્યાગરી કરવા મથી રહેલા મશીન સાથે આ પવન-ટહૂકાનું કવચ-કુંડળ પણ પહેરી રાખવું છે.
*****************************
સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇ તરફથી મળેલ શુભાશિષ..!
Dr. M-M Yugal (Mahendra-Meera Mehta) J – A Bhakta Yugal, & the whole of Tahuko-Parivaar,
‘ Hope / Pray, you all are in The Best of Everything
We don’t know how to thank you all !
[ It’s a happy coincidence : Mehta-s are thickly acquainted with us since as early as early ’70-s and later since ’85 onwards By the way,How is Dr.Kala-family( in Europe ?) ? .]
We’re always happy about Jayshree-endeavours after she came to us here, 3-4 yrs ago, gathered our few humble albums & then again met us to attend our concert on LA ;…..
Some “doctor”swajan” from Surat,followed up with Dr.Mukul’s ghazal in our own handwriting, got the ghazal “placed” in Tahuko, (https://tahuko.com/?p=4730) as a surprise to Dr.( means “Dear” too ! ) Mukulbhai..& so on..!
ગુજરાતી ભાષાપ્રેમમાં ઓટ આવી રહી એ ત્યારે આવા સંનિષ્ઠ પ્રયત્નોને બિરદાવવા, આવકારવા અને પ્રોત્સાહવા જોઇએ, દેશ-વિદેશમાં સૌએ..!
Our sincere-most good-wishes are always with you all.
May The All – Merciful Almighty Keep You Tahuko Family Eternally Blessed.
– Harihi Ommm
LOVE APLENTY
from
– Vibha – Rasbihari Desai
*****************************
અને કવિ શ્રી કૃષ્ણ દવે એ આ ગઝલ ખાસ ટહુકો માટે મોકલી છે… એક રીતે ટહુકાને ઘણી લાગુ પડે છે… આમ ભલે ચાર વર્ષ થયા, પણ આ અમે જે કરી એ તો શરૂઆત છે.
શરૂઆત…
એ જ આવીને જીણવટથી સમજાવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે
એક આખી ગઝલ તો હવે આવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે.
બારણા, બંધ દિવાલો નડી, તે છતાં સ્હેજ અમને સુગંધી જડી,
વાત આખી હવે એ જ ફેલાવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે.
જાત ને હું કસી આમ ઉભો રહું, ઝણઝણી કાનમાં વાત ધીમે કહું,
એ સ્વયમ આવશે, સૂર રેલાવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે.
કૂંપળોના લીલાછમ ખયાલો લખી, ડાળી પર લીલીછમ ટપાલો લખી
વૃક્ષ પોતે જ ટહુકાને બોલાવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે.
હાથ પકડીને મોજા ઘૂંટાવ્યા અમે, શંખ છીપ, મોતી ભણાવ્યા અમે,
માછલી સાત દરિયા લખી લાવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે.
– કૃષ્ણ દવે
*********************
અને એક ટહુકો વ્હાલી ઊર્મિ તરફથી..!
સરનામું ટહુકાનું
સામેના
ઝાડ ઉપરની ડાળી પર
એ રોજ મીઠા ટહુકા રેલે.
મારા ઘરની બારી
રોજ એના ટહુકા ઝીલે.
ટહુકો મારી ભીતર જઈ પડઘાય
અને મનેય મજબુર કરે,
પડઘાવાને.
પછી તો
કોણા ટહુકે ને કોણ પડઘાય,
જરીયે ન કળાય !
ટહુકો પડઘો થઈને ટહુકે;
પછી પડઘો ટહુકે ને પડઘો પાડે !
હવે તો
જે ડાળ ઉપર બેઠી
એ હું કે એ ?!
પણ
એક દિવસની વાત :
ટહુકો ગાયબ !
પેલું ઝાડ ઝૂરતું કરમાય,
મારામાં !
જોઈ રહું બસ ડાળ ઉપર બેઠેલી
એને-
એના અકળ મૌનની સાથે.
પૂછું-
તારો ટહુકો ક્યાં ?
જવાબમાં યે પડઘાય,
માત્ર મૌન.
પછી
એક દિવસ તો
એય ઉડી ગઈ,
એની પાંખો ફફડાવીને,
એના બધ્ધા ટહુકા લઈને,
મારું ભીતર ખાલી કરીને.
સાવ ખાલીખમ્મ થઈ ગયેલા મારા મનને લઈને
હવે હું બેઠી, કોમ્પ્યુટર પાસે…
ખોલ્યું એનું ભીતર,
ભરવા મારું ભીતર!
અને
ખોલતાં જ, સાવ અચાનક
પરિચિત પરિચિત
ટહુકો
મારા કમ્પ્યુટરની ભીતર રહી પડઘાય,
“ટહુકો ડૉટ કૉમ” થઈ…










