આ પહેલા ઊર્મિના જન્મદિવસે રજૂ કરેલી ગઝલ तेरे जाने के बाद – ની જોડીદાર એવી આ ગઝલ तेरे आने के बाद – અને આજનો દિવસ પણ ખાસ છે – આજે વ્હાલી ઊર્મિની વેબસાઇટ – ઊર્મિસાગર.કોમ નો પાંચમો જન્મદિવસ..!
વ્હાલા ઊર્મિબેન… Happy Birthday to UrmiSaagar.com
(સ્વપ્ન ટોળે વળે… 11 મે 2008)
*
ટહુકો થૈ ગ્યા
હરેક શ્વાસ, तेरे
आने के बाद !
*
આખું નભ પગ તળે तेरे आने के बाद,
ને બધું ઝળહળે तेरे आने के बाद.
સાવ ઉજ્જડ હતું એ બધું મઘમઘે,
પાનખર પણ ફળે तेरे आने के बाद.
કાળી ભમ્મર હતી રાત એ ઝગમગે,
સ્વપ્ન ટોળે વળે तेरे आने के बाद.
આંખમાં ઊમટે સાત રંગો સતત
અશ્રુઓ ઝળહળે तेरे आने के बाद.
શબ્દ કે અર્થ કૈં પૂરતું ના પડે,
કાવ્યમાં શું ઢળે, तेरे आने के बाद ?!
તું અહીં, તું તહીં, તું તહીં, તું અહીં,
ક્યાંય ‘હું’ ના મળે तेरे आने के बाद.
ઉર મહીં ‘ઊર્મિ’ તું, મારો પર્યાય તું,
તું બધે ખળભળે तेरे आने के बाद.
– ઊર્મિ (૭ મે ૨૦૦૯)
છંદવિધાન: ગાલગા ગાલગા ગાલગા ગાલગા





