તમે – મનસુખ લશ્કરી

તમે
મરચી ઉગાડો કે શેરડી
ઘર બનાવો
કતલખાનું ચણાવો
કે કબર બાંધો
તો ય

આ જમીન
કાંઈ કે’તા કાંઈ
એક અક્ષરેય બોલશે નહીં

બસ
જોયા કરે છે બધું
ચુપચાપ

હું એટલો સ્થિતપ્રજ્ઞ
હજીય બની શક્યો નથી
ને તો ય
કેટલી લીલપભરી આંખે
જોઈ રહી છે મને
અ-તૂલ મમત્વથી !

– મનસુખ લશ્કરી

કાવ્યયાત્રા – અશરફ ડબાવાલા અને મધુમતી મહેતા

ગઇકાલે – ૧૮મી જાન્યુઆરીએ મુંબઇ ભાઇદાસ હોલમાં – સર્જક દંપતી અશરફ ડબાવાલા અને મધુમતી મહેતાના ગઝલ સંગ્રહ – ‘વાણીપત’ અને ‘નામ તારું રુદ્રાક્ષ પર’ નું એકસાથે વિમોચન થયું. આપણા સર્વ તરફથી એમને હાર્દિક શુભેચ્છાઓ..!! મુંબઇ – ગુજરાતમાં એમની ‘કાવ્યયાત્રા’ વિશે વધુ માહિતી આ રહી.

Ashraf_Dabawala_MadhumatiMehta

અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા ?

અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,
તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા ?

ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,
દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા ?

મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે
અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા ?

અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,
તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?

-અશરફ ડબાવાલા

આપણ સૌ એ હરતાં ફરતાં પિંજરા….

વર્ષોથી પપ્પાની જુની કેસેટમાં સાંભળેલુ આ ગીત – જેટલુ કંઠસ્થ છે એટલું જ હ્રદયસ્થ પણ છે. પણ કવિ – સ્વરકારના નામ માટે આપ કોઇ મદદ કરશો?

Lands End, San Francisco

સ્વર – મુકેશ
સ્વરાંકન – અવિનાશ વ્યાસ
આલ્બમ – તારી યાદ સતાવે
કવિ – ?

આપણ સૌ એ હરતાં ફરતાં પિંજરા
ઉપર બનાવ્યો મોર રૂડો, ને એમાં ભર્યા નર્યા ચિંથરા

પંડના પિજરામાં પંડ પૂરાયો હંસલો કામણગારો,
કોઇનો નાખેલો ચારો એ ચરતો, છોડીને મોતીનો ચારો

છો ને બનાવ્યો મ્હેલ રૂડો, પણ ભીતરમાં તો નર્યા ____(?)
આપણ સૌ એ હરતાં ફરતાં પિંજરા

નહીં આરો કે નહીં ઓવારો એવો, સંસાર સાગર ખારો
તરીને ડૂબવું કે ડૂબીને તરવું, વારા ફરતી વારો

સાગર કેરું નામ ધર્યું પણ, નીરું જુઓ તો એના છીછરા
આપણ સૌ એ હરતાં ફરતાં પિંજરા

બિસમિલ્લાહ ! – રાજેન્દ્ર શુક્લ

ગઝલ પઠન – કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ

આવ્યો અજાયબ મોડ...        Hiking from Stinson Beach to East Peak, Mt. Tamalpais, CA
આવ્યો અજાયબ મોડ… Hiking from Stinson Beach to East Peak, Mt. Tamalpais, CA

અરે ! આવ્યો અજાયબ મોડ, બિસમિલ્લાહ !
હડી કાઢી હરખ ને દોડ, બિસમિલ્લાહ !

તરીકતનું તણખલું તોડ, બિસમિલ્લાહ !
હકીકતનું હલેસું છોડ, બિસમિલ્લાહ !

નરી આંખે હવે જોવું, નર્યું હોવું,
અરીસા આયના સબ ફોડ, બિસમિલ્લાહ !

તમે પણ તે જ છો તેની ખબર ઊગો,
હવે તો બસ અહંગ્રહ જોડ, બિસમિલ્લાહ !

કદમ એક જ અને આવાસ કાયમનો,
કરી સૌ શૂન્ય શૂન્યે ખોડ, બિસમિલ્લાહ !

– રાજેન્દ્ર શુક્લ

પૂજારી પાછો જા – કૃષ્ણલાલ શ્રીધરાણી

ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય
ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય
ન નૈવેદ્ય તારું આ, પૂજારી પાછો જા

મંદિરના આ ભવ્ય મહાલયો, બંધન થાય મને
ઓ રે,પૂજારી તોડ દીવાલો, પાષાણ કેમ ગમે
ન પ્રેમ નું ચિન્હ આ, પૂજારી પાછો જા

એરણ સાથે અફાળે હથોડા, ઘંટ તણો ઘડનાર
દિન કે રાત ન નીંદર લેતો, નૈવેદ્ય તું ધરનાર
ખરી તો એની પૂજા, પૂજારી તું પાછો જા

દ્વાર આ સાંકડા કોણ પ્રવેશે, બહાર ખડી જનતા
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, પ્રેમ નહીં, પથરા
ઓ તું જો ને જરા, પૂજારી પાછો જા

માળી કરે ફૂલ મહેકતી વાડી, ફૂલને તું અડ કાં
ફૂલને ધરે તું, સહવા એણે, ટાઢ અને તડકા
આ તે પાપ કે પૂજા, પૂજારી પાછો જા

ઓ રે પૂજારી આ મંદિર કાજે, મજૂર વહે પથરા
લોહીનું પાણી તો થાય એનું ને નામ ખાટે નવરા
અરે તું કાં ના શરમા, પૂજારી પાછો જા

ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ધ્ય ભર્યો નખમાં
ધૂપ ધર્યો પરસેવો ઉતારી, ઘંટ બજે ઘણમાં
પૂજારી સાચો આ, પૂજારી પાછો જા

– કૃષ્ણલાલ શ્રીધરાણી

કોની વાટ ? – પ્રહલાદ પારેખ

સ્વર – કર્મવીર મહેતા
સ્વરાંકન – ?

થાવાનું છે તારે, નાના મટીને વિરાટ.
થાવાનું છે તારે, નાના મટીને વિરાટ.

કોની જુવે છે તું વાટ, અભાગી !
કોની જુવે છે તું વાટ ?
કોણ રે આવી ,નાવ લાવે તુજ,
નાંગરશે ઉર ઘાટ ?
-અભાગી ૦

ઉઠ ,ઉભો થા, ઝાલી લે લાકડી,
લૈ લે તારી કંધે તું. ગાંસડી;

આવવાનુ નથી કોઇ તેથી ના રે’વુ રોઇઃ.
જાવાનું તારે , થાવાનું છે તારે,
નાના મટીને વિરાટ.
– અભાગી ૦

આફત આવશે આભથી ઉતરી,
લેશે ધરા નિજ દુખમા જોતરી,
તોય છે તારે માથે,થઇ એક જવું સૌ સાથે;
લેખ લખ્યા છે એ,માનવી. તારે
એક જ, ભવ્ય, લલાટ.
– અભાગી ૦

– પ્રહલાદ પારેખ

ચીસને પણ દોસ્ત! તું ગાતો રહે – કિરીટ ગોસ્વામી

જીવ સાથે શિવ તણો નાતો રહે
પ્રેમનો વ્યવહાર ત્યાં થાતો રહે

આયખાનું વસ્ત્ર ફાટી જાય છો
એની ઉપર સંબંધની ભાતો રહે

આ હ્રદયના બાગમાં આઠે પ્રહર
લાગણીનો વાયરો વાતો રહે

આહ પણ પલટાઇ જાશે વાહમાં
ચીસને પણ દોસ્ત! તું ગાતો રહે

હું પીયાલી શબ્દની ભરતો રહું
રંગ રોજ એનો છલકાતો રહે

– કિરીટ ગોસ્વામી

એને સ્પર્શી અજવાળા કરું – અદમ ટંકારવી

તું જો આવે તો અછો વાનાં કરું
ને ગઝલથી સૌના મોં મીઠા કરું

સાત સપનાની ધરી દઉં છાબડી
બે’ક સૂકા પાંદડા લીલા કરું

જોવું, ગમવું, હસવું, મળવું, ચાહવું,
એવા ક્રિયાપદ બધા ભેગા કરું

કેટલી પ્રીતિ ને પીડા કેટલી?
એના ક્યાં લેખાં અને જોખાં કરું

શબ્દ પણ અમિલય અમીના છાંટણાં
શબ્દથી અરમાનને ભીના કરું

લે, વિરહની સાથે મૂકી દઉં મિલન
સંસ્મરણને એમ ખટમીઠાં કરું

શી ખબર ક્યારે થશે ભરભાંખડું
ચાલ, એને સ્પર્શી અજવાળા કરું

– અદમ ટંકારવી

કવિ, તારે કેટલાં હૈયાં? – હરિશ્રંદ્ર ભટ્ટ

કવિ, તારે કેટલાં હૈયાં?
કવિ, તારે કેટલાં હૈયાં?

કાલે આપ્યું પેલા પંખીના ગાનને,
આજે આપ્યું પેલા ફૂલોના રંગને,
આપ્યું ઉષાને, તેં તારાને આપ્યું,
સંધ્યાની આશા સંતોષજ રે.. કવિ..

કાલે આપ્યું એક પેલાં સ્મિતોને
આજે આપ્યું એક નીચાં નયનોને,
આશા ભર્યા પેલા હાથોને આપ્યું,
જીવનસાથી સંતોષજ રે.. કવિ..

તરણાંને આપ્યું, સાગરને આપ્યું,
ધરતીને આપ્યું, આકાશને આપ્યું,
ધૂળ જેવી તારી કાયાનું હૈયું તું
મૃત્યુને માટે યે રાખજે રે.. કવિ..

– હરિશ્રંદ્ર ભટ્ટ

આપણામાંથી કોક તો જાગે ! – વેણીભાઈ પુરોહિત

આપણામાંથી કોક તો જાગે !

કોક તો જાગે !
આપણામાંથી કોક તો જાગે
કોક તો જાગે !
કોક તો જાગે આપણામાંથી

હાય જમાને ઝેરને પીધાં વેરને પીધાં
આધીનતાનાં અંધેરને પીધાં
કૈંક કડાયાં કેરને પીધાં
આજ જમાનો અંતરાશે એક ઘૂંટડો માગે
સાચ-ખમીરનો ઘૂંટડો માગે
આપણામાંથી કોક તો જાગે !

બાપદાદાની બાંધેલ ડેલી
એક ફળીબંધ હોય હવેલી
ગામની ચંત્યા ગોંદરે મેલી
એ ય નિરાંતે લીમડા હેઠે ઢોલિયા ઢાળી
સહુ સૂતાં હોય એમ કાં લાગે ?
આપણામાંથી કોક તો જાગે !

સોડ તાણી સહુ આપણે સૂતાં
આપણે ઓશીકે આપણાં જૂતાં
ઘોર અંધારા આભથી ચૂતાં
ઘોર અંધારી રાત જેવી
ઘનઘોર તવારીખ સોરવા લાગે
આપણામાંથી કોક તો જાગે !

આમથી આવે ક્રોડ કોલાહલ
તેમથી વ્હેતાં લોહી છલોછલ
તોય ઊભાં જે માનવી મોસલ
આપરખાં, વગડાઉ ને એવાં
ધ્યાનબ્હેરાંનાં
લમણાંમાં મર લાઠિયું વાગે !
આપણામાંથી કોક તો જાગે !

કોઈ જાગે કે કોઈ ના જાગે
કોઈ શું જાગે ?
તું જ જાગ્યો તો તું જ જા આગે
આપણામાંથી તું જ જા આગે !

-વેણીભાઈ પુરોહિત