Category Archives: અનિલ જોશી

પુરુષોત્તમ પર્વ ૨ :કન્યા વિદાય (સમી સાંજનો ઢોલ ઢબૂકતો) – અનિલ જોશી

અનિલ જોશીનું આ અમર ‘કન્યા વિદાય’ કાવ્ય. ગીતના શબ્દે-શબ્દે તો વ્હાલ અને કન્યા-વિદાયનું દર્દ નીતરે જ છે, અને પછી એ શબ્દોને પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વરાંકન અને સ્વર મળે ત્યારે? દીકરીને પરણાવી હોય કે પરણાવવાની હોય એવા દરેક પિતાને દીકરીઓ… , અને એવી દરેક દીકરીઓને પિતાને જઇ વળગી જવાની ઇચ્છા થઇ આવે…

(Picture : GangesIndia.com)

* * * * * * *

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

પાદર બેસી ફફડી ઊઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત

સમી સાંજનો ઢોલ ઢબૂકતો….

પૈંડું સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો….

જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે

સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

-અનિલ જોશી

પહેલા વરસાદનો છાંટો – અનિલ જોષી

આ ગીત આમ તો વર્ષાગીત કરતા વધુ પ્રેમગીત છે.. ગીતની નાયિકાને માણસને બદલે મીઠાની ગાંગડી થવું છે, કે જેથી પિયુજીના પ્રેમના છાંટે એ ઓગળી જાય..

(હું પાટો બંધાવા હાલી રે…. Photo: DollsofIndia.com)

* * * * * * *

સ્વર : હેમા દેસાઇ
સંગીત : ઉદય મઝુમદાર

.

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….
વેંત વેંત લોહી કાંઈ ઊંચું થીયું ને
જીવને ચઢી ગઈ ખાલી રે…

સાસ ને સસુરજી અબઘડી આવશે
કાશીની પૂરી કરી જાત
રોજીંદા ઘરકામે ખલેલ પહોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યાં કાતરા રે….

પિયુજી છપરાને બદલે જો આભ હોત
બંધાતી હોત હું યે વાદળી રે…
માણસ કરતાં જો હોત મીઠાંની ગાંગડી
છાંટો વાગ્યો ને જાત ઓગળી રે…

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….

ને મોરલો અધૂરો રહ્યો.. – અનિલ જોશી

થોડા દિવસ પહેલા અનિલ જોશીનું સાંજ હીંચકા ખાય સાંભળ્યું હતું, એમનું જ બીજું એક ગીત… અનિલ જોશીના શબ્દો સાથે મારો સૌથી પહેલો નાતો જોડાયો હતો – ‘મારી કોઇ ડાળખીમાં પાંદડા નથી‘ ગીતથી.. અને હજુ આજે પણ એ ગીત જેટલીવાર સાંભળું એટલીવાર કવિને સલામ કરવાનું મન થાય છે…

સ્વર : વિભા દેસાઇ
સંગીત : રાસબિહારી દેસાઇ

.

હું તો અંધારે મોર બેઠી ભરવા, ને મોરલો અધૂરો રહ્યો;
નથી સોયમાંથી નીકળતો દોરો, ને મોરલો અધૂરો રહ્યો.

પડી દોરમાં થોકબંધ ગાંઠયું, ને મોરલો અધૂરો રહ્યો;
હું ગૂંચભર્યા દોરાનો ઢગલો, ને મોરલો અધૂરો રહ્યો.

બહાર ચોમાસું સાંકળ ખખડાવે, ને મોરલો અધૂરો રહ્યો;
કીયા દોરાથી ગ્હેંક મારે ભરવી, ને અધૂરો રહ્યો.

સાંજ હીંચકા ખાય .. – અનિલ જોશી

પ્રજ્ઞાઆંટીએ નીચે comment માં લખ્યું છે કે ટહુકાએ સાંભળવાની ટેવ પાડી છે – એટલે વાંચતા જરા અડવું અડવું લાગે છે.. તો લો, આજે આ ગીત સાંભળતા સાંભળતા વાંચવાની ફરી એકવાર મઝા….!! અનિલ જોશીનું આ ગામડાની સાંજની યાદ કરાવતું સરસ મઝાનું ગીત…

અને ગીતના પેલા ‘ગામડું Special’ શબ્દો જેવા કે – પાદર, કમોદ, ખડ, પછેડી, ખેતર, કેડી.. – એમાંથી તો જાણે ગામડાની માટીમાં પડેલા પહેલા વરસાદ જેવી સુગંધ આવે છે..!!

સ્વર : કિન્નરી વૃંદ
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
indian_village_pi84_l.jpg

.

ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય
ને ઊડતી ધૂળનું થાય વાદળું એવું તો ઘનઘોર કે જાણે ધણની ગાયું –
કણકણ થઇને ગોરજમાં વિખરાય.

સાવ અચાનક કાબર-ટોળું ડાળ ઉપરથી ઊડ્યું ને ત્યાં એક પાંદડું તૂટ્યું
વડલાનાં લીલાં પાન વચાળે લાલચટક આકાશ થઇને લાલ પાંદડું ફૂટ્યું
ધૂળની ડમરી ચડતાં એમાં ચક્કર ચક્કર ફરતાં મારા શૈશવના કણ –
પાદરમાં ઘૂમરાય.
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય.

ખડના પૂળા લઇ હાથમાં પાછા વળતા લોકવાયરે ઊડતી જાય પછેડી
ઘઉંના ખેતર વચ્ચે થઇને સીમપરીની સેંથી સરખી ગામ પૂગતી કેડી
ધીમે ધીમે ખળાવાડમાં કમોદની ઊડતી ફોતરીઓ વચ્ચે થઇને
સાંજ ઓસરી જાય.
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય…

અનિલને – રમેશ પારેખ

ગુજરાતી ગઝલની અમર ત્રિપુટી – અનિલ જોશી, મનોજ ખંડેરિયા, રમેશ પારેખ.. સમકાલિન કવિઓ અને જિગરજાન મિત્રો..!! એમાંના રમેશ પારેખ એ કવિ મિત્ર અનિલ જોશી માટે લખેલી ગઝલ..

———-

મીરાં નદીની તું નહેર, અનિલ
ને રણ ફૂંકાય ઘેર ઘેર, અનિલ

ભરાતું શ્વાસના કટોરામાં
એનું એ રિક્તતાનું ઝેર, અનિલ

આંધળો હાથ મારો ક્યાં ચીંધું
તારો મેવાડ ઠેર ઠેર, અનિલ

ઝાંઝવા એમ નહીં બને ઝરણું
ગમે તે ચશ્માં તું પહેર, અનિલ

હોઠમાં કાલસર્પયોગ અને
વક્ષની વચ્ચે કાળો કેર, અનિલ

ભૂખી દીવાલો ભક્ષ્ય માગે છે
સ્વપ્નનાં મસ્તકો વધેર, અનિલ

લબાચા જેવાં આપણાં કાંડાં
ને શબ્દ નીકળ્યા ડફેર, અનિલ

પ્રેમનો એક ટાપુ છે જેની –
રાજધાનીનું તુ શહેર, અનિલ

શ્યામ, આદિલ, મનોજ, હું, ચિનુ
છીએ એક જ ગઝલના શેર અનિલ

ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા – અનિલ જોશી

હજુ બે દિવસ પહેલા જ વાત કરી, કે ગુજરાતી ગીતોમાં ‘male duets’ અને ‘female duets’ બહુ ઓછા જોવા મળે છે. આજે ફરીથી એક ‘female duet’ ગીત, અને એ પણ ગુજરાતી સંગીત જગતની બે legendary ગાયિકાઓના કંઠે..

(સૂની ડેલી…..        : Photo : Patricia Dorr Parker)

સ્વર : વિભા દેસાઇ – કૌમુદી મુંશી
સ્વરકાર : ક્ષેમુ દિવેટીઆ

.

ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા
કાયા લોટ થઇને ઊડી
માયા તોય હજી ના છૂટી
ડંખે સૂની મેડી ને સૂના જાળિયા…

સૂની ડેલીને જોઇ પૂછશો ન કોઇ
કે અવસરિયા કેમ નથી આવતા
પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને
એટલે તોરણ નથી બાંધતા…

છાપરે ચડીને મારું જીવતર બોલે
તો ઇને કાગડો જાણીને ના ઊડાડજો
કાયાની પૂણીમાંથી નીકળે જે તાર
ઇને ખાંપણ લગી રે કોઇ પૂગાડજો…

એકલી સળીને કોયલ માળો મા નીને
જીવતર જીવી ગઇ હવે થાય શું
ઇ રે માળામાં કોઇ ઈંડું ના મૂકજો
મૂકશો તો હાલરડાં ગાઇશું….

ગીત – અનિલ જોશી

misty-beach.jpg ( photo by setev )
દરિયાના ગીત નથી ગાવાં, દરિયો તો
મારા સાજનની આંખ જોયું ટીપું.

લયથી હું રેબઝેબ રેલાતી જાઉ
મારા ખૂટે દિવસ નહિ રાત,
વાસણની જેમ પડ્યાં હાથમાંથી કામ
અને વિસરાતી ચાલી આ જાત !

હું તો રણમાં જોવાતી તારી વાટ રે સજન !
તમે આવો તો કૈંક હવે દીપું.

ફળિયામાં ઝૂલે છે ખાખરાની ડાળ
અને ઓસરીમાં હોવાનો ભાર
ઘરની શોભા તો મારા સાજનનો બોલ
હું તો કેડીનો રઝળું શણગાર

સાજનનાં પગલાની ભાતને ઝીલવા
સળીઓના નીડ નહીં લીપું.

આકાશનું ગીત – અનિલ જોશી

– કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

ગોફણની છૂટતો પથ્થર થઇને કયાંક
પટકાતું ભોંય મને લાગું
ગુલમ્હોરી ડાળખીના લીલા આકારને
ઝૂકી ઝૂકીને તોય માગું

કલરવની સુંદરીને લઇને પસાર થતી જોઇ લઉં પોપટની પાલખી
– કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

વગડાનું ઘાસ નથી માંગ્યું સખી, કે નથી
માગી મેં પર્વતની ધાર
ચકલીનો નાનકો ઉતારો આપીને તમે
લઇ લ્યો ને ઊડતો વિસ્તાર !

નીકળતા વાયરે ચડતી પતંગના કાગળમાં ગીત દઉં આળખી
– કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

(આ રચના સમજવામાં મદદ કરશો? )

કવિ શ્રી અનિલ જોશી ( જન્મ : 28 જુલાઇ,1940 )ની બીજી રચનાઓ :
ગીત ( મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી )
અમે બરફના પંખી
પહેલા વરસાદનો છાંટો
કન્યા-વિદાય
દીકરી વ્હાલનો દરિયો…