બાળપણથી આજ સુધી અગણિત વાર આ ગીત સાંભળ્યું છે – અને તો યે એના તરફનું આકર્ષણ જરા ઓછું નથી થયું..! નાના હતા ત્યારે હું અને ભાઇ – બન્નેને આ ગીત સાથે સાંભળવાની ખૂબ મઝા આવતી. લોકો આ ગીત સાંભળીને ભલે મુંબઇ ફરતા હોય, હું આ ગીત સાંભળું એટલે અતુલની સુવિધા કોલોનીના ઘરે પહોંચી જઉં..!
અને આટલા વર્ષોંમાં આમ ભલે મુંબઇની શકલ-સૂરત ઘણી બદલાઇ હોય – પણ તો યે આ ગીત તો એટલું જ લાગુ પડે છે..!! બસ પેલા બસ્સો-પાંચસો ને બદલે હવે કદાચ ‘બે-પાંચ હજાર’ લખવું પડે..! 🙂
અને આ વર્ષ તો ઉમાશંકર જોષી અને અવિનાશ વ્યાસનું જન્મશતાબ્દીવર્ષ છે..! તો આ ગીત સાથે ફરી એકવાર અવિનાશ વ્યાસને યાદ કરી લઇએ..! એમણે આપેલા ગીતો આવનારી અનેક પેઢીઓને ગુજરાતી સંગીત તરફ આકર્ષતા રહેશે.!
લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી
પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી
જેવું ના સૂકાયે મુંબઈના દરિયાનું પાણી
એવી ના સૂકાયે કોઈ દી મુંબઈની જવાની
અરે મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી
આ ચોપાટી…. દેખાણી? હા
આ તાજમહેલ હોટલ…. દેખાણી? હા હા
અને મુંબઈની શેઠાણી…દેખાણી? દેખાણી…
પાન પીળું પણ પાવડર ચોળી રાખે ઉંમર છાની
એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી
એક નંબરના ઓછા ને બે નંબરના ઝાઝાં
ખિસ્સાં ખાલી ભપકા ભારી જાણે આલમભરના રાજા
અહીં કોમ-કોમનું થાય કચુંબર જુદી જુદી વાણી
એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી
અહીં બાર ફુટની ઓરડીવાળા મોટા મોટા માળા
અહીં શેઠ કરતાં થઈ સવાયા ફરે શેઠના સાળા
આ ટોળાંમાં કંઈ સમજ પડે નહિ કોણ પુરુષ કોણ બાળા
અહીં જુવાનના વાળ ધોળા ને ઘરડાંના વાળ કાળા
સાંજ પડે સૌ ભેળપૂરીની કરતાં રોજ ઉજાણી
એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી
લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી
પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી
અહીં મહાલક્ષ્મીની રેસ….
-ભગાવ બડેમિયાં
ને મહાલક્ષ્મી છે માતા
-હે મા તારી જય હો !!!
અહીં મહાલક્ષ્મીની રેસ ને મહાલક્ષ્મી છે માતા
અહીં લાખો લોકો હારે ને લાખો લોક કમાતા
એક મિનિટમાં બસ્સો-પાંચસો થઈ જાતા ધૂળધાણી
એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી
અહીં રવિવાર છે રંગીલો એને સૌ કહેતા સન્ડે
અહીં રસ્તા વચ્ચે ચાલે એને પોલીસ મારે ડંડે
કોઈ સજ્જન છે કરમરકર ને કોઈ સજ્જન લોખંડે
નાના-મોટા સૌએ દોડે પોત પોતાને ધંધે
અહીં રહેવું હોય તો ઈકડમ-તિકડમ ભાષા લેવી જાણી
એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી
લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી
પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી
પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી
અમદાવાદથી કેતનભાઇએ ટહુકો માટે મોકલેલ આ ગીત… અને સાથે એમણે મહેનત કરી ટાઇપ કરેલ બાકીની બધી જ માહિતી… એમના જ શબ્દોમાં અહીં પ્રસ્તુત કરું છું. ખૂબ ખૂબ આભાર કેતનભાઇ….!!
**************************
ઈ.સ. ૧૯૭૧માં અવિનાશ વ્યાસનાં ગીત અને સંગીતવાળી ફિલ્મ “જેસલ-તોરલ” પ્રદર્શિત થઈ, જેમાં કલાકારો આ મુજબ હતાઃ
આ ઉપરાંત તેમાં રમેશ મહેતા અને મૂળરાજ રાજડા (રામાનંદ સાગરની “રામાયણ”માં રાજા જનકની ભૂમિકા ભજવી હતી તે) જેવા કલાકારો પણ હતા. બેશક, આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શ્રેષ્ઠતમ અને સફળતમ ફિલ્મોમાં ટોપ ૧૦માં છે. તોરલની ભૂમિકામાં અનુપમાએ તેની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, અને ત્રિવેદી બંધુઓનો અભિનય પણ ઉત્કૃષ્ટ છે.
આ આઠેય ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા, જેમાંનું “જેસલ કરી લે વિચાર” ઉત્તમોત્તમ છે. ગીત સતી તોરલ દ્વારા રચાયું છે. આખું ગીત ઘણું મોટું છે, પરંતુ ફિલ્મમાં આ ગીતની માત્ર ચાર કડીઓ જ લેવામા આવી છે, જે આ મુજબ છેઃ
સ્વર : ??
સ્વર : સુમન કલ્યાણપુર
Video – from the movei Jesal-Toral
જેસલ કરી લે વિચાર, માથે જમનો છે માર,
સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે રે પોકાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી….(૨)
કપરા સમયે જ માણસની સાચી ઓળખ થાય છે. ઘણના ઘા પડે ત્યારે કાચા પોચાનો કચ્ચરઘાણ વળી જાય અને અસલ હીરા અખંડ રહે. એમ ખરે ટાણે – કસોટીના કાળમાં પણ જે અડગ રહે એ જ ખરો. વાણી કેવી અદભૂત છે..!! “ફૂટે ઇ તો ફટકિયા કે’વાય, ખરાની ખર્યે ખબર્યું થાય…!!!”
ફિલ્મની વાર્તા કંઇક આમ છેઃ
સાંસતિયો ભયંકર ડાકૂ છે, કે જે સતત લૂંટફાટ કરે છે, પ્રજાને રંજાડે છે, અને ભોગ-વિલાસમાં – સુરા અને સુંદરીના સંગાથમાં જીવન વ્યતિત કરે છે. નાનપણથી જ એનું સગપણ તોરલ સાથે નક્કી થયેલ છે. પુખ્ત થતાં તોરલને સસરે વળાવવાનું ટાણું થાય છે, પણ સાંસતિયો મોટો થઈને અવળે માર્ગે ચડ્યો હોવાથી તોરલના માતા-પિતા તેને સાસરે વળાવવા રાજી નથી. તોરલ જીદ કરીને સાસરે જાય છે. તોરલનાં સંપર્કમાં આવતા જ સાંસતિયો સાચું જ્ઞાન પામે છે, તેનું હ્રદય પરિવર્તન થાય છે. તેને સુરાને બદલે ભક્તિના જામની લત લાગે છે. સાંસતિયાજી અને તોરલ ભક્તિની ધૂણી ધખાવે છે, પ્રભુ-ભજનમાં દિવસો વિતાવે છે.
આ બાજુ, જેસલ જાડેજા ખૂંખાર ડાકૂ છે, કચ્છના રાજવી સામે બહારવટે ચડ્યો છે. લગ્નને માંડવે જતી જાનથી માંડીને યાત્રાએ જતા સંઘ, વનમાં વિચરતા નિર્દોષ પ્રાણીઓથી માંડીને પાદરે ચાલી જતી પાણિયારીઓ – કોઈને જેસલ છોડતો નથી. અરે, પોતાની સગ્ગી બહેન અને ભાણેજની પણ તે હત્યા કરી નાંખે છે. સમગ્ર પંથકમાં જેસલની આણ પ્રવર્તે છે. જે જેસલને ગમે એ જેસલ મેળવીને જ જંપે છે. રાજની સેના જેસલને શોધતી ફરે છે, પણા ચતુર જેસલ હાથમાં આવતો નથી.
એક વાર, જેસલની ઘોડી મરી જાય છે. આ સમયે કોઈ એની પાસે, કાઠી સાંસતિયાજીની ઘોડીના વખાણ કરે છે. આ ઘોડીનું નામ પણ ‘તોરલ’ છે. જેસલ ‘તોરલ’ ઘોડી હાથ કરવા છુપાઈને સાંસતિયાજીના ઘોડારમાં પ્રવેશે છે.અજાણ્યા માણસથી ઘોડી ભડકે છે અને હણહણાટી કરે છે. તરત જ જેસલ ઘોડીના ખીલા પાસે પડેલ ઘાસની ગંજી નીછે સંતાઈ જાય છે. હણહણાટી સાંભળીને સતી તોરલ ઘોડારમાં આવે છે અને ઘોડીને ખીલેથી છૂટી ગયેલી જુએ છે. આથી તોરલ લોખંડના ઓજારથી ખીલો ફરી જમીનમા ધરબી દે છે. અને આ વખતે જેસલની હાજરીથી અજાણ તોરલ ખીલો જેસલના હાથ સોંસરવો કાઢી નાંખે છે. જો કે જેસલ ઉંહકારોયે કરતો નથી. ઘરમાં ચાલતા ભજન પૂરાં થતાં પ્રસાદની વહેંચણી થાય છે. દરેકને પ્રસાદ મળી ગયા પછી પણ પ્રસાદનો એક પડિયો વધે છે, જેથી અન્ય કોઈ વ્યક્તિની હાજરીનો ખ્યાલ આવે છે. છેવટે જેસલ લોહી નીંગળતા હાથે બહાર આવે છે. સાંસતિયાજી દ્વારા કારણ પૂછાતા જેસલ “તોરલ ઘોડી” અને “તોરલ નાર” – એમ બે માંગણી કરે છે, જેને સાંસતિયાજી મંજૂર રાખે છે. તોરલ હવે જેસલ સાથે ચાલી નીકળે છે અને જેસાલનાં બહારવટિયા સાથીઓ સાથે રાજના નોકરોથી સંતાવા માટે ડુંગરાઓ અને નદીની કોતરોમાં રહેવા લાગે છે.
આ દરમિયાન, એક વખત જેસલ તેના સાથીઓ સાથે મળીને એક જાનને લૂંટે છે અને દાગીના અને અન્ય મિલકતની સાથે સાથે ૩-૪ સ્ત્રીઓ ઉઠાવીને એમની સાથે લેતા આવે છે. જેસલ અને તેના સાથીઓ આ સ્ત્રીઓના બહુ કરગરવા છતાં તેમની સાથે અભદ્ર વર્તન કરવાનું શરુ કરે છે. આ વખતે ત્યાં સાથે રહેતા સતી તોરલ આ સ્ત્રીઓને કાંમાંધ ડાકૂઓના હાથમાંથી છોડાવે છે.
બસ, આ વખતે ફિલ્મમાં તોરલ “જેસલ કરી લે વિચાર” ગીત સ્વરૂપે જેસલને શિખામણ આપે છે. ગીતનું ફિલ્માંકન બહુ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. ખાસ કરીને અનુપમાનો અભિનય દાદ માગી લે તેવો છે. એનામાં ખરેખર ‘સતી’ જેવું જ તેજ દેખાય છે. આ રહી યુ-ટ્યુબ પર મૂકેલા આ ગીતના વિડિયોની લિંકઃ
અગાઉ લખ્યું એ પ્રમાણે, ઉપરની ચાર કડીઓ જ ફિલ્મના ગીતમાં લેવાઈ છે, પણ આખું ગીત ઘણું મોટું છે. અને એ આખું વર્ઝન (એમપી૩ ફોર્મેટ) હું આ ઇ-મેઈલ સાથે અટૅચમેન્ટમાં મોકલી રહ્યો છું. પણ તેના સ્વરકાર અને સંગીતકાર વિશે મને કોઇ માહિતી નથી.
તમને કદાચ નવાઇ લાગશે કે ગીતા રોય દત્તના અવાજમાં ગવાયેલું આ અવિનાશ વ્યાસનું ખૂબ જ પ્રચલિત ગીત હમણા સુધી ટહુકો પર કેમ ન આવ્યું? Well.. મને પણ એ વાતની નવાઇ લાગી આજે કે ચાર વર્ષમાં આ ગીત કેમ ન મુક્યું? 🙂 કદાચ આ સ્પેશિયલ દિવસની રાહ જોતી હતી..!!
તો આજે આ નણંદ તરફથી, આજ ના ખાસ દિવસે.. વ્હાલા પારુલભાભીને સપ્રેમ ભેટ..! Happy Anniversary Bhaiji-Bhabhijaan.. 🙂
સ્વર : ગીતા રોય દત્ત
સંગીત : અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ : ગુણસુંદરી (૧૯૪૮)
—
આ ‘ગુણસુંદરી’ ફિલ્મ તો મેં નથી જોઇ, પણ આ ગીત વર્ષોથી સાંભળતી આવી છું. અને વારંવાર આ પ્રશ્ન થયો છે – આ ગુજરાતી ફિલ્મમાં ‘થોડુ બંગાળી ને અંગ્રેજી બહુ ભણો’ એવું કેમ આવે છે? ‘થોડુ ગુજરાતી ને અંગ્રેજી બહુ ભણો’ એવું કેમ નથી આવતું? પણ હજુ સુધી ફિલ્મ નથી જોઇ એટલે આ વાતનો ખુલાસો હજુ નથી મળ્યો.. 🙂
ચિત્ર-વિચિત્ર સપના જોવામાં તો હું યે ઘણી ઉસ્તાદ છું. મોટેભાગે સવારે યાદ નથી રહેતું કે સપનામાં શું જોયું હતું, પણ કોઇક વાર તો યાદ રહી જાય તો એટલું તો આશ્રર્ય થાય? !!! 🙂 મને ન્યુ-જર્સીમાં નાયગ્રા દેખાય શકે, તો આ ગીતમાં જે વર્ણન છે, એવું બધું યે કોઇને સાચે દેખાયું હશે જ…
ધમ ધમક ધમ ધમ ધમ…. સાંબેલું… એ ગીત યાદ છે? નાયિકા એ ગીતમાં પણ ઘરના બધા સભ્યોને કોઇક વસ્તુ સાથે સરખાવે છે.. એની જ જેમ આ ગીતમાં પણ નાયિકા પહેલા સપનામાં શું દેખાયુ એ જણાવે છે – અને પછી ફોડ પાડે છે કે એ ખરેખર કોણ હતું. પણ બંને ગીતમાં સરખી એક વાત એ છે કે જ્યારે પિયુજીની વાત આવે, ત્યારે એ ઘરના બધ્ધા કરતા વધારે મીઠો લાગે…
(વાદળ વચ્ચે ડોલતો ડુંગર…. Grand Canyon, Aug 08)
* * * * *
સ્વર – ઉષા મંગેશકર
સંગીત – ગૌરાંગ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – સદેવંત સાવળિંગા
.
આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો
ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સપનામાં રે
ડોલતો ડુંગર ઇ તો અમારો સસરો જો
ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે
આજ રે સપનામાં મે તો ઘમ્મર વલોણું દીઠું જો
દહીં – દૂધના વાટકા રે, સાહેલી, મારા સપનામાં રે
ઘમ્મર વલોણું ઇ તો અમારો જેઠ જો
દહીં – દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે
આજ રે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો
ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સપનામાં રે
લવિંગ – લાકડી ઇ તો અમારો દેર જો
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે
આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો
સોનાની થાળી રે, સાહેલી, મારા સપનામાં રે
જટાળો જોગી ઇ તો અમારો નણદોઇ જો
સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે
આજ રે સપનામાં મે તો પારસપીપળો દીઠો જો
તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સપનામાં રે
પારસ પીપળો ઇ તો અમારો ગોર જો
તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે
આજ રે સપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો
ફૂલડિયાંની ફોરમ રે, સાહેલી, મારા સપનામાં રે
ગુલાબી ગોટો ઇ તો અમારો પરણ્યો જો
ફૂલડિયાંની ફોરમ, સાહેલી, મારી ચૂંદડીમાં રે
ગુજરાતી સંગીતપ્રેમીઓ માટે ખુશીના સમાચાર… આપણા વ્હાલા સંગીતકાર શ્રી ક્ષેમુ દિવેટીઆને એમના સંગીતક્ષેત્રના પ્રદાન માટે ‘અવિનાશ વ્યાસ’ એવોર્ડ ‘ પૂજ્ય મોરારીબાપુ’ ના હસ્તે આવતી કાલે ’17મી ફેબ્રુઆરી’ ના દિવસે અર્પણ કરવામાં આવશે.
‘કાશીનો દિકરો’ માટે ‘શ્રેષ્ઠ સંગીતકાર’નો એવોર્ડ મેળવનાર શ્રી ક્ષેમુ દિવેટીઆની ‘સંગીત સુધા’ એ ગુજરાતી સુગમ સંગીતનો અમુલ્ય હિસ્સો છે. એમણે કેટલાય નાટકો માટે પણ સંગીત આપ્યું છે.. એમના ગીતો ગુજરાતી સંગીત જગતમાં એક અનોખું સ્થાન ધરાવે છે, અને એમનું યોગદાન માટે આપણે સર્વે એમના હંમેશા ઋણી રહીશું.
એમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે આપણા બધા તરફથી શુભેચ્છાઓ સાથે આજથી એક અઠવાડિયા સુધી ઉજવીએ એમના ગીતોનો ઉત્સ્વ…
અને શરૂઆત કરીએ ‘કાશીનો દિકરો’ ફિલ્મના આ ગીતથી…
સ્વર – વિભા દેસાઇ
સંગીત – ક્ષેમુ દિવેટીયા
ગુજરાતી ફિલ્મ – કાશીનો દિકરો