(ફૂલપાંદડી જેવી કોમળ….. Golden Gate Park – May 28, 2012)
ફૂલપાંદડી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં!
અધીર થઈને કશુંક કહેવા
ઊડવા માટે આતુર એવા
પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જ્યાં ફરકે…
ત્યાં તો જો –
આ વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો
તરંગની લયલીલાનો કલશોર મદીલો ધબકે…
વક્ષ ઉપરથી
સરી પડેલા છેડાને તું સરખો કરતાં
ઢળી પાંપણે ઊંચે જોતી
ત્યારે તારી માછલીઓની
મસ્તી શી બેફામ…
લાવ, નદીના તટ પર ઠામેઠામ લખી લઉં
તવ મેંદીરંગ્યા હાથ,
લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં!
આજે ૨૯ ડિસેમ્બર.. ગુજરાતી વેબ-જગતમાં સ્વરચિત કાવ્યો-ગઝલોનો સૌપ્રથમ, અન સૌનો માનીતો બ્લોગ – ‘શબ્દો છે શ્વાસ મારા‘ નો ત્રીજો જન્મદિવસ.. ત્રણ વર્ષમાં ૨૦૦થી વધુ ગીત-ગઝલોની સાથે સાથે ઘણું બધું આપ્યું છે વિવેકભાઇએ, અને ખરેખર તો આ હજુ એક શરૂઆત જ કહી શકાય. તો આજે આ ગઝલ-પ્રેમી કવિનું એક મસ્તીભર્યું ગીત એમના જ અવાજમાં સાંભળીને આપણા તરફથી એમને શુભેચ્છાઓ આપીએ. (અને સાથે આ ફોટો પણ એમના તરફથી જ – એમની Prior Permission વગર.. 🙂 )
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
ઝંઝાના સૂસવાટા પાંખમાં ભરીને ઊડું આખ્ખું ગગન મારી ઇચ્છા
વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં ખરતા પરભાતિયાનાં પીંછાં
ઉરમાં તે માય નહીં ઉડતો ઉમંગ મને આવીને કોઇ ગયું સાંભળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઇ એવું તો મન ભરી ગાતો
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
કાંઇ એવું તો મન ભરી ગાતો.
જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર, ક્યાંય કાગડો થઇ ન જાય રાતો!
આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઇ ઊડી જાય વાંસળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
પોતે કોઈને ભુલી ન શકવાની બિમારી તો મોટે ભાગે બધા જ પ્રેમીઓમાં હોય છે… પરંતુ ગીત સ્વયં જેમને શોધતું આવે છે એવા આપણા વિનોદભાઈ તો અહીં સાવ જુદી જ વાત લાવે છે. “મને ભૂલી તો જો…!” કહેવામાં ઝળકતો અખૂટ વિશ્વાસ અને ચમકતી (અને પાછી બ્હાવરી) ખુમારી તો એક પ્રેમીજન જ સમજી શકે…!! સાવ સરળ લાગતું વિનોદભાઈનું આ ગીત સીધું ને સોંસરવું છેએએએક અંદર લગી ને અંતર લગી ઉતરી જાય છે…!
– ઊર્મિ
કાવ્ય પઠન – કવિ શ્રી વિનોદ જોશી
મને ભૂલી તો જો…!
તેં જ મને તારામાં પૂર્યો, એ વાતને કબૂલી તો જો !
લોક બધાં જોતાં કે પાંદડું હલે છે, તને એકને જ દેખાતો વાયરો,
આંખોમાં તું ય હજી આંજે અણસાર, જેમ મારામાં હું ય ભરું ડાયરો ;
પોપચાંનું અંધારું ઓઢીને, પોયણાંમાં ખૂલી તો જો !
છેટે રહેવાથી નહીં ટાળી શકાય મારી પડખેનો આવરો ને જાવરો,
થોડી તું ઘેલી કહેવાય અને થોડેરો હું ય ભલે કહેવાતો બ્હાવરો;
હોઠના હિસાબ હશે હૈયામાં, કો’ક દિ’ વસૂલી તો જો !
કેટલાક તડકા કેટલા આકરા હોય છે
[ઘઉંની ગૂણ ઉપાડતા મજૂરનું અછાંદસ]
કાવ્ય પઠન : સૌમ્ય જોશી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
કેટલાક તડકા કેટલા આકરા હોય છે
ગયાના ગયા ઉનાળે તૂટી ગયા એનાં છેલ્લાં ચપ્પલ.
હવે,
કચ્ચીને દાઝ કાઢતી કપચી પર,
છેલ્લા સેઠે પાણી ના પાયેલું ગળું લઈને,
મેલા હાથની કાળી રેખાઓવાળી મુઠ્ઠીમાં સાચવેલા એડરેશના જોરે,
ચસ્માવાળા કૉલેઝિયને બતાયેલા રસ્તે,
એ પહોંચે છે બંગલે.
ને હરામખોર સૂરજ ને એના ખુલ્લા માથા વચ્ચે બે મિનિટ માટે આવે છે ઘઉંની ગૂણ,
કેટલાક છાંયડા કેટલા ભારે હોય છે.
નીચે ધવલભાઇએ વાત કરી એમ – નયનભાઈને સાંભળવા એક લ્હાવો છે.. અને આજે એ જ લ્હાવો તમારા સુધી લઇ આવી છું..! સાંભળીએ આ એમની સીમાચિહ્નરૂપ ગઝલ – એમના પોતાના જ અવાજમાં..!
ગઝલ પઠન : નયન દેસાઈ
અને હા, યાદગાર ગઝલો શ્રેણીમાં વિવેકે આ ગઝલનો ખૂબ જ મઝાનો આસ્વાદ કરાવ્યો છે..! એ વાંચવાનું ચૂકી નથી ગયા ને? અને આશિતભાઇએ આ ગઝલનું એવું addictive સ્વરાંકન કર્યું છે કે સાંભળ્યા જ કરીએ… સાંભળ્યા જ કરીએ..!
.
માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…
પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…