Category Archives: વર્ષાગીત

વ્હાલપની વાત – ઉમાશંકર જોશી

વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
એવી  વ્હાલપની  વાત રંગભીની.

આકાશે વીજ ઘૂમે,
હૈયામાં પ્રીત ઝૂમે,
છંટાતી સ્વપ્નની બિછાત રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી  રાત  રંગભીની.

બાજે  અજસ્ત્રધાર
વીણા  સહસ્ત્રતાર
સ્મૃતિના ઝંકાર આંખે લુવે રંગભીની.
વર્ષાની   રૂમઝૂમતી  રાત  રંગભીની.

ઓ રે વિજોગ વાત!
રંગ   રોળાઈ   રાત,
નેહભીંજી  ચૂંદડી  ચૂવે  રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.

-ઉમાશંકર જોશી

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું – મુકેશ માવલણકર

૪ ઓગસ્ટ ૨૦૦૮ માં મૂકેલું વિભા દેસાઇનાં સ્વરમાં આ ખૂબ સુંદર વર્ષાગીત આજે ફરી એક વાર નવા સ્વરમાં……

varsaa.jpg

સ્વર : ઉન્નતી ઝીન્ઝુવાડીયા
સંગીત નિયોજન : નીરવ જ્વલંત

.

સ્વર : વિભા દેસાઇ
સંગીત : પરેશ ભટ્ટ

.

સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:
આલબમ:તારાં નામમાં

.

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.

સાંજ પડે ને વ્હાલમ આવી પૂછે, ‘કેમ છો રાણી’,
છે મજા એવું બોલીને છલકે આંખે પાણી,
તો આંસુના દિવાને એ પછી એણે ફૂંક મારી – ‘ફૂ’

વ્હાલમ ક્યારે દરિયો દિલનો ઢોળે,
ક્યારે વ્હાલમ મૂકી માથું સૂવે મારે ખોળે.
ને મેં કહ્યું કે રોકાઈ જા, તો એ કહે – ‘ઉંહુ

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.

– મુકેશ માવલણકર

ઝરમર વરસે સાવન – વિહાર મજમુદાર

શબ્દ અને સંગીત : વિહાર મજમુદાર
સ્વર : ગાર્ગી વોરા

.

એકલદોકલ આવન જાવન, ઝરમર વરસે સાવન
ઉપવન ન્હાતું, ઝરણું ગાતું, તોય કોરું આ મન

પાંપણ ને નેવેથી ટપકે સ્મરણો કેવાં કેવાં !
ઉજાગરા સૌ ટોળે મળીયા, વિરહ હજી શું સહેવા
મુરઝાઈ ઈચ્છાની વચ્ચે, ઝૂરતી આ ઉર માલણ……. એકલદોકલ…

ગગન ઝરૂખે ઘન ગાજે આ કાજળ શા અંધારે
મધુમાલતી મ્હેકી રહી, પણ તમે આવશો ક્યારે?
ભણકારા, ભણકારાનું બસ, આ તે કેવું ભારણ….. એકલદોકલ…..

પ્રીત્યું તો શ્રાવણની સાંજ – વજુભાઈ ટાંક

આજે કવિશ્રી વજુભાઈ ટાંકનાં જન્મદિવસે એમને ઝરમરતી શ્રાવણની મેઘાંજલિ…!

સંગીત : ક્ષેમુ દિવેટીયા
સ્વર : હંસા દવે

.

પ્રીત્યું તો શ્રાવણની સાંજ, મોરી સૈયર, પ્રીત્યું નંઈ વૈશાખી રાત.
પ્રીત્યું તો રામકલી રાગ, મોરી સૈયર, પ્રીત્યું નંઈ વે’વારી વાત.

નયણાં તો ઘૂઘવતું ગીત, મોરી સૈયર, નયણાં નંઈ મરજાદી વેણ.
નયણાં તો સાગરનો છાક, મોરી સૈયર, નયણાં નંઈ વીરડીનું વહેણ.

સમણાં તો સોનેરી આભ, મોરી સૈયર, સમણાં નંઈ રુદિયાની રાખ.
સમણાં તો જીવતરનો ફાગ, મોરી સૈયર, સમણાં નંઈ નીતરતી આંખ.

જોબન તો સુખડનાં શીત, મોરી સૈયર, જોબન નંઈ બાવળની શૂળ.
જોબન તો ડોલરની ગંધ, મોરી સૈયર, જોબન નંઈ આવળનું ફૂલ.

પરણ્યો તો પાંથીનો રંગ, મોરી સૈયર, પરણ્યો નંઈ આછકલી યાદ.
પરણ્યો તો કંકણનો સૂર, મોરી સૈયર, પરણ્યો નંઈ સોરાતો સાદ.

– વજુભાઈ ટાંક (૧૮/૦૮/૧૯૧૫ : ૩૦/૧૨/૧૯૮૦)

શ્રાવણનાં મેળામાં – ધનજીભાઈ પટેલ

હિંદુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનું અપાર મહત્વ છે. આ વર્ષે ૧૦ ઓગસ્ટથી શ્રાવણ માસ શરૂ થયો. નીશા ઉપાધ્યાય નો મધુર કંઠ અને સોલી કપાડિયાનું સંગીત……

(શ્રાવણનાં મેળામાં……Photo : India Culture Blog)

સંગીત : સોલી કપાડિયા
સ્વર : નિશા (ઉપાધ્યાય) કપાડિયા

.

શ્રાવણનાં મેળામાં નજર્યુંનાં સરવરીયે વરસીને મન ભીનું કીધું,
એક એક ફોરામાં પ્રીતનો અમલ હતો, ચેન ખોયું ને ઘેન લીધું.

વ્હાલપ વાગે મારા હૈયામાં એવી કે હૈયામાં સોંસરી વિંધાણી,
મેડીથી ઘેર જવું લાગતુ’તુ આકરું, સૈયરથી ખોટું રિસાણી;
ડગમગતા પગલે ઘેર પહોંચી છું જેમ તેમ, એવું તે દુ:ખ એણે દીધું.

ઓરડાનું બારણું આડું કરીને જરી ઢોલીયાને કાયા તે સોંપી,
ફૂલની સુવાસ જેવા મઘમઘતા સોણલાએ લાડ કરી લાગણીને પોંખી;
મલકી કે પલકી ના પાંપણ સૈ રાતભર, રાતુ પ્રભાત ઉગ્યું સીધું.

-ધનજીભાઈ પટેલ

(આભાર – ગાગરમાં સાગર)

વીજળી છે કે કોઈના દસ્તખત ! – રવીન્દ્ર પારેખ

(photo: TrekEarth.Com)

ડૂબવાનું હોય જાણે કે જગત,
એટલો વરસાદ વરસે છે સખત.

બારણાં, બારી બધું વરસાદનું,
ને ઉપર વરસાદની એકાદ છત.

જળ ભલે આપે મને વરસાદ તું-
લે, ઉમેરી અશ્રુ આપું છું પરત.

હોય કોરું તોય હું તરબોળ છું,
યાદમાં એવું બધું તો હસ્તગત.

હું મને મળવા મથું પણ ના મળું,
એટલો વરસાદ વચ્ચે છે સતત.

ના કશેથી આવવું કે ના જવું –
ને ઉપરથી જાય ના ભીનો વખત.

શક્ય છે એ રીતથી મળવું બને,
લે; લખ્યો આજે મને એકાદ ખત.

સાવ લીલું ઘાસ ફેલાયું બધે,
દેવકાવ્યોની ખૂલી છે હસ્તપ્રત.

ભીની આંખે કેમ ઉકેલું કહે,
વીજળી છે કે કોઈના દસ્તખત !

-રવીન્દ્ર પારેખ

સાવ અચાનક મૂશળધારે… – તુષાર શુક્લ

આજે વ્હાલા કવિ શ્રી તુષાર શુક્લનો જન્મદિવસ..! એમને ખૂબ ખૂબ… અઢળક…અમિત શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ ખૂબ જ જાણીતું, અને મારું ખૂબ જ ગમતું વરસાદી ગીત..! અને હા, તુષારભાઇની કલમના ચાહકો માટે એક ખબર.. તાજેતરમાં જ એમની ૩ નવી ચોપડીઓ બહાર પડી છે. દીકરા-દીકરીના પિતા સાથેના સંવેદનશીલ સંવાદો મઢેલી આ ચોપડીઓ મારા હાથમાં ક્યારે આવે એની જ રાહ જોઇ રહી છું. 🙂

Happy Birthday Tusharbhai….  !!

સ્વર અને સંગીત : સોલી કાપડિયા

સાવ અચાનક મૂશળધારે, ધોધમાર ને નવલખ ધારે,
આ વાદળ વરસે છે કે તું ?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

ગેબને આરે આભ ઓવારે શ્યામલ શ્યામલ મેઘ ઘેરાયા,
કુંતલ કંઠે આવકારના પ્રીત-ગીત નભમાં લહેરાયા;
ઉત્કટ મિલનની પ્યાસ લઈને, આલિંગન અણમોલ દઈને
આ મનભર મેઘ મળે કે તું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

દાવા છોડી લ્હાવા લઈએ, ભીંજાઈને ભીંજાવા દઈએ,
આજ કશું ના કોઈને કહીએ, મોસમ છે તો વરસી રહીએ;
તરસતણાં ચલ ગીત ભૂલીને, વરસ હવે તું સાવ ખૂલીને,
હવે કોઈ પાગલ કહે તો શું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

-તુષાર શુક્લ

આકાશી અસવાર – બાલમુકુન્દ દવે

ઊની રે વરાળો પહોંચી આભમાં
ધરતી પાડે રે પોકાર;
દુખિયાંનો બેલી સમરથ ગાજિયો,
વા’લીડે કરિયો વિચાર :
આવે રે રાજાનો રાજા મેહુલો.

આવે રે દેકારા દેતો દખ્ખણે,
વરતે જયજયકાર;
છડી રે પોકારે વનના મોરલા,
ખમ્મા ! આવો અનરાધાર:
આવે રે રાજાનો રાજા મેહુલો.

છૂંટાં રે ઊડે રાજાનાં ઓડિયાં,
ઝૂલે વીજની તલવાર;
અંકાશી ધોડાના વાગે ડાબલા,
સાયબો થિયો છે અસવાર :
આવે રે રાજાનો રાજા મેહુલો.

નીચે રે મહેરામણ ઘેરા ગાજતા,
ઊંચે હણેણે તોખાર;
એકના પડછંદા દૂજે જાગતા,
ધરતી-આભ એકાકાર :
આવે રે રાજાનો રાજા મેહુલો.

– બાલમુકુન્દ દવે

ઝીલો – ધ્રુવ ભટ્ટ

આજે માણીએ કવિ ધ્રુવ ભટ્ટની આ વરસાદી ગઝલ..!!

આ ઝરમર ઝરમર ઝરી રહ્યાં તે જળને ઝીલો
આ ધરતીથી આકાશ બની સાંકળને ઝીલો.

આ એક જ ટીપું આખે આખાં સરવર દેશે
ધરો હથેળી અચરજના અવસરને ઝીલો

આ કણ કણ લીલી લીલા છે નાચી ચોગરદમ
જીવતર જેણે પ્રગટાવ્યાં તે બળને ઝીલો

આ નથી ફક્ત આકાશી ઘટના ઝીલી શકો તો
ઘટ-ઘટ ઊમટી ઘેરાયાં વાદળને ઝીલો

આ ઉમ્મર પદવી નામ ઘૂંટ્યા તે ભૂંસી દઈને
અંદર અનરાધાર વસ્યા બાળકને ઝીલો

આ મહેર કરી છે મહારાજે મોટું મન રાખી
ખોલી દો ઘૂંઘટપટ વરસ્યા વરને ઝીલો

–  ધ્રુવ ભટ્ટ

આવ રે વરસાદ… – સંજય વિ. શાહ

આજે આપણા લાડીલા ગાયક/સ્વરકાર પાર્થિવ ગોહિલનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમના કંઠે આ મજાનું વરસાદી ગીત.….Happy Birthday Parthiv!!

તમને થશે કે ફાગણમાં વરસાદનું ગીત? પણ એ તો એવું છે ને – અમારા Bay Area માં આ તો વરસાદની મોસમ છે.. !! દેશનો ફાગણ દિલને રંગે, તો અહીંનો વરસાદ પણ મન ને ભીંજવવાનું બાકી રાખે?!

કવિ: સંજય વિ. શાહ
ગાયક: પાર્થિવ ગોહિલ
સંગીતકાર : ઈકબાલ દરબાર

.

આવ રે વરસાદ હવે તો આવ રે વરસાદ
આકાશે ઓઢી લીધાં છે ઢગલો વાદળ આજ
વીજળીએ સંભળાવી દીધાં કેટકેટલાં સાજ
આવ રે વરસાદ હવે તો…

વાત રૂપાળી વાટ અજાણી વળી અનોખું ગામ
એક છોકરી અલ્લડ અણઘડ જાદુ એનું કામ
અમથું અમથું જોઈને દીધો જનમ જનમનો સાદ
આવ રે વરસાદ હવે તો…

મારી આંખને તારી વાતની મીઠી નજરું લાગી
રોમરોમથી ધસમસતી જો રૂપની નદીઓ ભાગી
દિલના દરિયે પણ જાગ્યો છે પ્રેમનો કેવો નાદ
આવ રે વરસાદ હવે તો…

ડગલું ડગ ચૂક્યું છે આજે મતવાલું મન થાતું
હું જાતો કે મારી પાછળ છાનું કંઈ રહી જાતું
પૂછી પૂછી થાક્યો છું બસ, ચૂપ થા અંતરનાદ
આવ રે વરસાદ હવે તો…

તારી પાયલ, તારી વાણી મારામાં મોહરાય
હસતી હસતી, રમતી રમતી કેવી કહેતી જાય
કહેતી કહેતી, આંખે ભરતી તારી ઝરમર યાદ
આવ રે વરસાદ હવે તો…

– સંજય વિ. શાહ ‘શર્મિલ’