Category Archives: સંગીતકાર

માડી મ્હારી – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

Happy Mother’s Day to all the mothers….. 🙂

સ્વર સંગીત : માયા દિપક
આલ્બમ : મા-The Mother

(Mummy, Jayshree & Amit @ Las Vegas)

.

માડી મ્હારી ત્હારા વિનાની સૂની સંસાર વાડી
માળી વિનાની જેમ પડેલી એક પુરાતન ક્યારી

ઊર્મિ તણો કો છોડ ઊગે પણ જળસિંચનની ખામી
સ્નેહના ખાતર વિણ ફૂટે ક્યાં ? એકે અંકુર ડાળી

ચિર આનંદે કોઈ ખીલે ત્યાં આવે વંટોળ ભારી
કંઈ કષ્ટોનાં તાપ જ ભારી સૂકવે કાયા મ્હારી

લેખ હશે ત્યારે ત્હારી છાંયે આવીશ માડી દોડી
પંચમ સૂરે ત્યારે ગાશે મુજ મનની એકતારી

મારે માથે પંપાળજે કર, ત્હારો પાલવ ઢાળી
કોઈ જુએ ના એમ જ લેજે પ્રેમની ચુમી છાની

– રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

જયતુ જયતુ ગુજરાત – ભાગ્યેશ જહા

આજે ૫૦મો ગુજરાતદિન… ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપનાને ૫૦ વર્ષ થયા… ૨૦૧૦ની શરૂઆતથી જ આમ તો ગુજરાતમાં અને વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓમાં સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીની તૈયારીઓ થઇ ગઇ હતી, અને જે હજુએ કેટલાય દિવસો સુધી ચાલશે..!! વ્હાલા ગુજરાતને વંદનપૂર્વક સાંભળીએ મેહુલ સુરતીના સ્વરકાંનમાં પાર્થિવ ગોહિલ અને ગાર્ગી વોરાના અવાજમાં ભાગ્યેશ જહાની આ નવ્વીનક્કોર રચના – ખાસ આજના દિવસમાટેની રચના..!!

અને હા, વિશ્વગુર્જરીને ગુજરાત રાજયની સુવર્ણજયંતિ નિમિત્તે ખોબલે ખોબલે શુભેચ્છાઓ..!!

સ્વર – પાર્થિવ ગોહિલ, ગાર્ગી વોરા
સ્વર વૃંદ – નુત્તન સુરતી, અમન, રુપંગ, આશીશ શાહ, શ્રધા શાહ, જીગીશા પટેલ, ખુશબૂ રોટીવાલા, રુપલ પટેલ, ભાવીન શાસત્રી
સંગીત – મેહુલ સુરતી

.

જયતુ જયતુ જયતુ ગુજરાત જયતુ
વદતુ વદતુ વદતુ ગુજરાતી વદતુ

ઉત્તરદિશિ અમ્બાદેવ્યાઃ આશિર્વાદૈઃ અલંક્રૂતમ્
મધ્યે મહાકાલિકાસ્થાનં રક્ષાહેતું પ્રતિષ્ઠિતમ્

ક્રુષ્ણસ્ય દ્વારિકાપીઠં અશેષ વિશ્રે વિખ્યાતમ્
કલ્યાણકરત્નાકરતીરે સોમનાથઃ સંપૂજિતમ્

અવતુ અવતુ અવતુ ગુજરાત અવતુ

ગાંધીગિરા હ્રદયેધ્રૂત્વા ગુજરાતીત્વં સંભૂતમ્
સરદારસ્ય દ્ર્ઢસંકલ્પમ શ્રેત્રે શ્રેત્રે સમર્થિતમ્

પંચશક્તિ સંકલ્પિતશાસન દેશ વિદેશે પ્રશંસિતમ્
વિકાસયાત્રા ગ્રામે ગ્રામે નગરે નગરે શોભિતમ્

ભવતુ ભવતુ ભવતુ કલ્યાણં ભવતુ
જયતુ જયતુ જયતુ ગુજરાત જયતુ

– ભાગ્યેશ જહા

નમતું દીઠું નેણતરાજૂ – રાજેન્દ્ર શુક્લ

સ્વર સંગીત – અમર ભટ્ટ

https://youtu.be/2J4S_bUerLI

નમતું દીઠું નેણતરાજૂ
ઓછું અદકું કોણ કરે અબ કોણ કરે અબ થોડું ઝાઝૂં

સવા વાલનું પલ્લુ ભારી
હેત હળુવાળીથી હળવા પળમાં તો ગોવર્ધન ધારી
લોક અવાચક ધારી ધારી નિરખે ઊભૂં આજૂ બાજૂ

અક્ષય પર અક્ષય ઓવારી
આપે આપ ઊભા પરવારી કોણ રહ્યું કોના પર વારી ?
આઘું ઓરું કોણ કરે અબ સાવ અડોઅડ હું જ વિરાજૂ

– રાજેન્દ્ર શુક્લ

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં – નરસિંહ મહેતા

સ્વર – કરસન સગઠિયા
સંગીત – આશિત દેસાઇ

.

સ્વર – હેમંત ચૌહાણ

.

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં
પસલી ભરીને રસ પીધો રે, હરિનો રસ પુરણ પાયો.

પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો,
બીજે પિયાલે રંગની હેલી રે,
ત્રીજો પિયાલો મારાં રોમે-રોમે વ્યોપ્યો,
ચોથે પિયાલે થઈ છું ઘેલી રે …રામ સભામાં

રસ બસ એકરૂપ રસિયા સાથે,
વાત ન સુઝે બીજી વાટે રે,
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે
તે મારા મંદિરીયામાં મ્હાલે રે … રામ સભામાં

અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં
અખંડ સૌભાગી અમને કીધાં રે,
ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી
દાસી પરમ સુખ પામી રે … રામ સભામાં

– નરસિંહ મહેતા

(આભાર – સ્વર્ગારોહણ.કોમ)

સાંવરિયો રે મારો સાંવરિયો (વ્હાલબાવરીનું ગીત) – રમેશ પારેખ

આ પહેલા બે વાર ટહુકો પર (એક વાર ફક્ત શબ્દો સાથે, અને બીજી વાર વિભા દેસાઇના સ્વર સાથે) રજૂ થયેલું આ રમેશ પારેખનું ખૂબ જ જાણીતું અને ગુજરાતીઓનું માનીતું ગીત… આજે બે નવા સ્વર સાથે ફરી એકવાર… આરતી મુન્શી અને સોનાલી વાજપાઇ..!! Well… એ તો એવું છે ને કે આજનો દિવસ જરા ખાસ છે.. એટલે ગીત પણ સ્પેશિયલ જ હોવું જોઇએ ને?

આ સ્પેશિયલ ગીત.. – મારા એકદમ સ્પેશિયલ સાંવરિયા માટે !! 🙂

સ્વર – આરતી મુન્શી
આલ્બમ – હસ્તાક્ષર (રમેશ પારેખ – શ્યામલ-સૌમિલ મુન્શી)

સ્વર – સોનાલી વાજપાઇ
આલ્બમ – તારી આંખનો અફીણી (સોલી કાપડિયા)

—————————

Posted on May 17, 2007

મોરપિચ્છ પર પહેલા ફક્ત શબ્દો સાથે રજુ થયેલું ગીત, સ્વર – સંગીત સાથે ફરી એકવાર.

—————————

Posted on Oct 26, 2006

કોઇને ‘ oh no… not again…!! ‘ એમ કહેવાનું મન થાય, એવી રીતે આજ કલ મોરપિચ્છ અને ટહુકા પર સરખા લાગતા, કે પછી એક સાંભળતા બીજું યાદ આવે એવા ગીતો મુકુ છું. આજે પણ કંઇક એવું જ… રમેશ પારેખનું આ ગીત તો ઘણાં એ સાંભળ્યું જ હશે. સોલી કાપડિયાના ‘તારી આંખનો અફીણી’ આલ્બમમાં પણ એ ખૂબ જ સુંદર રીતે સ્વર અને સંગીતબધ્ધ કરાયું છે.

‘ હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !’ અને ‘ તમે માછલી માગો ને અમે દરિયો દઇએ’ … બોલો, છે ને એક સાંભળો અને બીજું યાદ આવે એવા ગીતો ?

સ્વર : વિભા દેસાઇ

સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:ગૌરાંગ વ્યાસ
આલબમ:તારાં નામમાં

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં મીશા આચાર્યના સ્વરમાં સાંભળો.

આલ્બમ : સંગત
સ્વર : ગાર્ગી વોરા

.

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન… – સુરેશ દલાલ

આજે (April 22) આખી દુનિયાભરમાં ૪૦મો ‘ધરતી દિવસ’ – Earth Day – ઉજવાઇ રહ્યો છે.. ત્યારે આજનું આ કુદરતને અર્પણ.. જાણે હું કુદરતને કહેતી હોઉં કે – હું મારું (એટલે આમ તો સુરેશ દલાલનું 🙂 ) એક ગીત ગાઉ છું તારે માટે મારા લાખ ઉમળકે..!!!

સ્વર : વૃંદગાન
સંગીત : પરેશ ભટ્ટ
આલ્બમ : હસ્તાક્ષર – સુરેશ દલાલ

Celebrating the 40th Anniversary of Earth Day on 22nd April, 2010

.

વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન…
મારી ધરતી કેવી મલકે… મારી ધરતી કેવી મલકે…
વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન.

આખા તે આકાશ વિષે આ સ્વરનાં સોનલ સાવ સુકોમળ સ્પંદન,
મારો સાગર કેવો છલકે… મારો સાગર કેવો છલકે…
વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન.

હું મારા એક અંકુરેથી વૃક્ષ થઈને વેરું લીલાં ટહુકા,
હું મારું એક જલબિંદું થઈ, સાગર થઈને તરતી રાખું નૌકા,
હું મારું એક આભ થઈને ઉજળો ઉજળો તડકો ઓઢી મ્હાલું,
હળવે હળવે ચંદ્ર-કિરણનું પીંચ્છ ફેરવું પાંપણ ઉપર સુંવાળું,

હું મારું એક ગીત ગાઉ છું તારે માટે મારા લાખ ઉમળકે,
મારી ધરતી કેવી મલકે… મારો સાગર કેવો છલકે…
વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન.

તારો મધમીઠો મહિમા – તુષાર શુક્લ

આજે સ્વરકાર અને ગાયક – માયા દિપકના જન્મદિવસે આ ગીત… ખાસ એમના દિકરા કુંજનની ફરમાઇશ પર 🙂

Happy Birthday માયાબેન..!! જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!

સ્વર સંગીત : માયા દિપક
આલ્બમ : મા-The Mother

.

તારો મધમીઠો મહિમા તને કેમ વિસારું મા?

પા પા પગલી તેં શીખવાડી આંગળીએ વળગાડી
આગળ પાછળ હરતા ફરતા વ્હાલથી રહે જમાડી
મા, તું કદીય થાકતી ના

ભૂલ કરીને તારે ખોળે માથું મૂકી રડાતું
તારી આંખનું મૂંગૂં આંસુ કહેવાનું કહી જાતું
કોઈને કેમ સમજાવું આ?

દૂર હોય કે હોય પાસમાં હોય દેશ પરદેશ
અમૃત ઝરતી આંખ્ડી તારી આવતી યાદ હંમેશ
ઠોકર ખાઉં તો કહે: ‘ખમ્મા!’

આંગળી તોડી ઊડતાં શીખવ્યું આભ પડે ત્યાં નાનું
‘આવજે’ કહેવા અટક્યો ત્યારનું મુખ સંભારું માનું
મુખથી કદી કહે ના: જા

રાત પડે તું નભતારક થઈ મુજને રહેતી જોઈ
આંખનું આંસુ પવન પાલવે મા, તું લેતી લ્હોઈ
તારા હાતને જાણું મા કહી દઉં: આ તો મારી મા
હાથ ફરી માથે ફેરવવા મા, તું આવી જા

– તુષાર શુક્લ

આવો રે ઓ ચિત્તડું ચોરી જાનારા….

૧૯૭૬ માં ગુજરાતી ફિલ્મ “ખેમરો લોડણ” નું આ કર્ણપ્રિય..ગીત… સ્વ.મુકેશજી ના કંઠે ગવાએલું છેલ્લું ગુજરાતી ફિલ્મી ગીત છે. સાથે એજ ગીત ઉષા મંગેશકર અને કમલેશ અવસ્થીના સ્વર માં.

સ્વર : મુકેશ, ઉષા મંગેશકર
સંગીતકાર : ગૌરાંગ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – ખેમરો લોડણ (૧૯૭૬)

.

સ્વર : ઉષા મંગેશકર, કમલેશ અવસ્થી

.

આવો રે….આવો રે….
ઓ ચિત્તડું ચોરી જાનારા,
મને મોતનાં વાગે ભણકારા….
આવો રે….આવો રે….

મને યાદ છે વચનો સૌ તારાં,
ઓ દિલડું લૂંટી લેનારા….
આવો રે….આવો રે….

એક રાત તણી મુલાકાત મહીં,
શા કીધાં હતાં તમે વાયદા….
એક ઝુરવું ને મરવું બીજું,
છે પ્રિતડી કેરાં કાયદા….
ભવ ભવ હું ને તું બળનારા….
આવો રે….આવો રે….

સારસ પંખીની જોડી કદી,
જગમાં ના રે જુદી પડે….
જુદી પડે તો માથું પટકી,
બીજું ત્યાં તરફડી મરે….
હવે ઘડીયું ગણે નૈનો મારાં….
આવો રે….આવો રે….

કુમ કુમ શું આભ ખુલ્યું લાગે – વિહાર મજમુદાર

શબ્દ અને સંગીત : વિહાર મજમુદાર
સ્વર : ઉમંગી શાહ, નિનાદ મહેતા અને સ્વર-નાદ વૃંદ

.

કુમ કુમ શું આભ ખુલ્યું લાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
દિવ્ય તાલ સુર મધુર રાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
મીઠી આ નિંદરમાં, ખિલ્યા ફૂલ શમણાંનાં,
મ્હેક એની પથરાઈ શ્વાસ માં…

માડી ની ઠમકંતી કુમકુમ શી પગલીઓ, જોઇ મેં શમણે ઉજાસ માં
હું તો સુતી ને ધબકારા જાગે…. કે માડી અંબા ઉતરતી લાગે
ભીનું ચંદન, ભીની શ્રધ્ધાની લાગણી નાં
દિવડા પ્રગટાવવાની વારતા…

ત્રિભુવનની પટરાણી અંબા જગદંબાની, આરતી નાં ઘંટારવ ગાજતાં,
સખી હૈયે અનંત નાદ જાગે, કે માડી અંબા ઉતરતી લાગે
કુમ કુમ શું આભ ખુલ્યું લાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
દિવ્ય તાલ સુર મધુર રાગે, કે માડી અંબા ઉતરતી લાગે..

– વિહાર મજમુદાર

યમુનાષ્ટક – વલ્લભાચાર્ય

આજે વલ્લભાચાર્ય જયંતિ નિમિત્તે સાંભળીએ એમના દ્રારા રચિત યમુનાષ્ટક… લતા મંગેશકર અને માયાદિપકના સ્વરમાં રાગ કલ્યાણમાં… અને સાથે ભૈરવી રાગમાં માયાબેનના સ્વરમાં… (શબ્દો માટે આભાર – Wikisource.org)

સ્વર – લતા મંગેશકર
રાગ – કલ્યાણ
આલ્બમ – ??

.

– – – – – – – – – – – – – – – – – – – – – –

નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા
મુરારિ પદ પંકજ સ્ફ઼્ઉરદમન્દ રેણુત્કટામ |
તટસ્થ નવ કાનન પ્રકટમોદ પુષ્પામ્બુના
સુરાસુરસુપૂજિત સ્મરપિતુઃ શ્રિયં બિભ્રતીમ ||૧||

કલિન્દ ગિરિ મસ્તકે પતદમન્દપૂરોજ્જ્વલા
વિલાસગમનોલ્લસત્પ્રકટગણ્ડ્શૈલોન્ન્તા |
સઘોષગતિ દન્તુરા સમધિરૂઢદોલોત્તમા
મુકુન્દરતિવર્દ્ધિની જયતિ પદ્મબન્ધોઃ સુતા ||૨||

ભુવં ભુવનપાવનીમધિગતામનેકસ્વનૈઃ
પ્રિયાભિરિવ સેવિતાં શુકમયૂરહંસાદિભિઃ |
તરંગભુજકંકણ પ્રકટમુક્તિકાવાકુકા-
નિતન્બતટસુન્દરીં નમત કૃષ્ણ્તુર્યપ્રિયામ ||૩||

અનન્તગુણ ભૂષિતે શિવવિરંચિદેવસ્તુતે
ઘનાઘનનિભે સદા ધ્રુવપરાશરાભીષ્ટદે |
વિશુદ્ધ મથુરાતટે સકલગોપગોપીવૃતે
કૃપાજલધિસંશ્રિતે મમ મનઃ સુખં ભાવય ||૪||

યયા ચરણપદ્મજા મુરરિપોઃ પ્રિયં ભાવુકા
સમાગમનતો ભવત્સકલસિદ્ધિદા સેવતામ |
તયા સહ્શતામિયાત્કમલજા સપત્નીવય-
હરિપ્રિયકલિન્દયા મનસિ મે સદા સ્થીયતામ ||૫||

નમોસ્તુ યમુને સદા તવ ચરિત્ર મત્યદ્ભુતં
ન જાતુ યમયાતના ભવતિ તે પયઃ પાનતઃ |
યમોપિ ભગિનીસુતાન કથમુહન્તિ દુષ્ટાનપિ
પ્રિયો ભવતિ સેવનાત્તવ હરેર્યથા ગોપિકાઃ ||૬||

મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમેતાવતા
ન દુર્લભતમારતિર્મુરરિપૌ મુકુન્દપ્રિયે |
અતોસ્તુ તવ લાલના સુરધુની પરં સુંગમા-
ત્તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિસ્થિતૈઃ ||૭||

સ્તુતિ તવ કરોતિ કઃ કમલજાસપત્નિ પ્રિયે
હરેર્યદનુસેવયા ભવતિ સૌખ્યમામોક્ષતઃ |
ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ-
સ્મરશ્રમજલાણુભિઃ સકલ ગાત્રજૈઃ સંગમઃ ||૮||

તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા
સમસ્તદુરિતક્ષયો ભવતિ વૈ મુકુન્દે રતિઃ |
તયા સકલસિદ્ધયો મુરરિપુશ્ચ સન્તુષ્યતિ
સ્વભાવવિજયો ભવેત વદતિ વલ્લભઃ શ્રી હરેઃ ||૯||

|| ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતં યમુનાષ્ટકં સમ્પૂર્ણમ ||
– – – – – – – – – – – – – – – – – – – – – –

(શ્રીવલ્લભઅનુગ્રહ.કોમ પરથી યમુનાષ્ટકનો ગુજરાતી ભાવાનુવાદ)

(હરી ગીત છંદ)

શ્રી કૃષ્ણના ચરણાવીંદની રજ થકી શોભી રહ્યા
સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને
સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી ઉઠ્યું
ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું
પૂજે સુરા સુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૧)

મા ! સુર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યાં
ત્યાં કલિન્દના શિખ ઉપર શોભા અતિ સુંદર દીસે
એ વેગમાં પત્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યા
ને આપ પણ ઉલ્લાસ પૂર્વક ઉછળતાં શોભી રહ્યા
હરી હેતના ઝુલા ઉપર જાણે બીરાજ્યા આપ હે
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૨)

શુક મોર સારસ હંસ યાદિ પક્ષીથી સેવાયેલાં
ગોપીજનોને સેવ્ય ભુવન સ્વજન પાવન રાખતાં
તરંગ રૂપશ્રી હસ્તમાં રેતી રૂપી મોતી તણાં
કંકણ સરસ શોભી રહ્યાં શ્રી કૃષ્ણને બહુ પ્રિય થયાં
નિતમ્બ રૂપ શ્રી તટતણું અદભૂત દર્શન થાય જો.
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૩)

અનન્ત ગુણથી શોભતાં સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે
ઘન શ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું
વિશુદ્ધ મથુરા આપના સાન્નિધ્યમાં શોભી રહ્યું
સહુ ગોપ ગોપી વૃન્દને ઇચ્છીત ફળ આપી રહ્યું
મમ કોડ સૌ પુરા કરો જ્યમ ધ્રુવ પરાસરના કર્યા
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૪)

શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાન્હવી ઉત્પન્ન થયાં
સત્સંગ પામ્યાં આપનોને સિદ્ધિ દાયક થઇ ગયા.
એવું મહાત્મય છે આપનું સરખામણી કોઇ શું કરે
સમ કક્ષમાં આવી શકે સાગર સુતા એકજ ખરે.
એવાં પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો
વંદન કરૂં યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો (૫)

અદભૂત ચરિત્ર છે આપનું વંદન કરૂં હું પ્રેમથી
યમ યાતના આવે નહિ; મા ! આપના પય પાનથી
કદી દુષ્ટ હોઇએ તોય પણ સંતાન અમે સૌ આપના
સ્પર્શે ન અમને કોઇ ભય છાયા સદા છે આપની
ગોપીજનો પ્રભુ પ્રિય બન્યાં એવી કૃપા બસ રાખજો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૬)

શ્રી કૃષ્ણને પ્રિય આપ છો મમ દેહ સુંદર રાખજો
ભગવદ્ લીલામાં થાય પ્રિતી સ્નેહ એવો આપજો
જ્યમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યાં
મમ, દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવાં રાખજો
વિરહાર્તિમાં હે માત ! મારા હૃદયમાં બીરાજજો,
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૭)

હું આપની સ્તુતિ શું કરૂં માહાત્મય અપરંપાર છે
શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે.
જલના અણુની સેવા થકી અદભુત જલ ક્રિડાતણાં
એ સ્નેહનું સુખ દિવ્ય છે મન મારૂં એમાં સ્થાપજો,
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. (૮)

કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો
નિશ્ચય પ્રભુને પ્રિય થશેને નાશ થાશે પાપનો
સિદ્ધિ સકલ મલશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતી
આનંદ સાગર ઉમટશેને સ્વભાવ પણ જાશે જીતી
જગદીશને વ્હાલા શ્રી વલ્લભી નામ સદૈવ ઉચ્ચારજો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૯)