છેલ્લા લગભગ ૪ વર્ષથી ટહુકો પર ગૂંજતો આ ટહુકો આજે ફરી એકવાર… ગીતના સ્વરકારના પોતાના સ્વર સાથે..! અને હા, આજે તો દિવસ પણ special છે..! કવિ શ્રી ભગવતીકુમાર શર્માનો આજે ૭૭મો જન્મદિવસ..! ભગવતીકાકાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે
એમનું આ ગીત ફરી માણીએ..!
સ્વર – રાસબિહારી અને વિભા દેસાઇ
સ્વરાંકન – રાસબિહારી દેસાઇ
________________
Posted on March 1, 2007
ટહુકો પર હમણા સુધી મુકાયેલા ગીતો કરતા આ ગીત થોડુ અલગ પડે એવું છે. સૌથી પહેલા તો, ગીતના શબ્દો… અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે; ખોટ પડી અડધા અક્ષરની પૂરી કરજો.. તમે!
ધવલભાઇના શબ્દોમાં કહું, તો ક્રોસવર્ડ પઝલ જેવું લાગે છે આ ગીત… અઢી અક્ષરનું ચોમાસુ ?? મોર છેડતો સાત અક્ષરની ચીજ ?? ( લયસ્તરો પર આ ગીતની સાથે comments section માં જે વાચકો વચ્ચે વાતચીત થઇ છે, એ વાંચવાનુ ગમે એવું છે… )
આશિત દેસાઇ અને હેમા દેસાઇના અવાજમાં live recording કરાયેલા આ ગીતમાં વચ્ચે વચ્ચે આશિતભાઇ જે રીતે પ્રેક્ષકો સાથે થોડી વાત કરે છે, એ સાંભળવાની પણ મજા આવશે. ફક્ત તબલા અને હારમોનિયના સંગીત સાથે રજુ થયેલું ગીત એક સાંભળો, અને તરત જ પાછુ સાંભળવાની ઇચ્છા ન થાય, તો જ નવાઇ.. !!
(લયસ્તરો પર મુકાયેલા ગીતના શબ્દોમાં થોડો ફેર છે… કદાચ ગીતનો લય જાળવવા સંગીતકારે શબ્દોમાં આટલો ફેર કર્યો હશે. )
સંગીત : રાસબિહારી દેસાઇ
સ્વર : આશિત દેસાઇ, હેમા દેસાઇ
.
અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.
ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
ચાર અક્ષરના ધોધમારમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!
ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!
અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળુ ગમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
— લયસ્તરો પ્રમાણે છેલ્લી કડી આ મુજબ છે. —
ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
– ભગવતીકુમાર શર્મા